રામચન્દ્ર પટેલની કવિતા/તો જાણું
તો જાણું
વાદળ પર ઈશ્વર નામ લખ તો જાણું,
તડકા વડે રંગી લે નખ તો જાણું.
ચોફેર પથરાઈ પડી છે લીલોતરી
નીરખી લે માંડીને ચખ તો જાણું.
ગંદકી અને ધુમાડો બેઉં સહોદર
જરા અળગાં રાખી પરખ તો જાણું.
આપું તાનપૂરો ને દઉં ચિત્તોડગઢ
મીરાંની જેમ પી લે વખ તો જાણું.
ધૂળ, ધરો ફૂલ પશુપંખી ને પ્હાણો
બાંધે જો જીવ સાથ ઓળખ તો જાણું.
ધરા પર કેટલું બધું વરસે છે ચોમાસુ
અંકૂર ફૂટે એટલું ફૂટે દખ તો જાણું.