મર્મર/સાગર તટે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાગરતટે

હતો ઉદધિ શાંત, નીલ અવકાશ શો વિસ્તૃત,
તટે સુદૂર, વા પટે ક્ષિતિજના ય ના નાવડી
દૃગે ચઢતી; શાંત, સ્તબ્ધ નીલ ટેકરીઓ સ્થિત;
શકે ધરતી રોકીને શ્વસન કૈંક જોવા ખડી!

તહીં ક્ષિતિજઢાળથી રવિનું બિમ્બ સરકી પડ્યું,
પડ્યું ઉદધિમાં, અને પતનથી જ જાણે હલ્યું
સુનીલ જલ શાંત! જોયું પડખે; વનો તાલનાં
મૂગાં કંઈક કાલથી, પલટતાં જ વાચાલમાં.

ખૂલ્યો નભનિબદ્ધ વાયુ, રહી છાલકે વાલુકા
ભીંજાઈ તટની; અને સકલસૃષ્ટિસૌન્દર્યના
શિરે કલગી શુભ્ર શો પૂનમચંદ્ર પૂર્વે ઊગ્યો;
નિહાળી અવકાશ સ્વચ્છ, નિધિ મત્ત મોજે ચગ્યો.

પ્રસન્ન નભ ને ધરા, ઉભય મધ્ય હું સ્થિત શો!
પ્રસન્ન પરમેશના ઉભય ઓષ્ઠના સ્મિતશો!