ધ્વનિ/એ ય સ-રસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


એ ય સ-રસ

‘હવે તો કૈં બોલો!
અબોલા કૈં ખોલો!
નજરથ કી યે સાવ અળગાં
બનીને રે'શો કયાં લગી? સ્વજન જાણે નહિ સગાં!
અભિભવ અમારો, તવ યશ;
તમારી માનીતી હક પર ઢળ્યો જીત કળશ.

હજીય નયનોમાં દ્યુતિ નથી!
શ્રવણમહિ જાણે શ્રુતિ નથી!
તમે શું ના જાણો, વસતિહીન કોઈ સદૃનની
દશા શી થાતી?–રે' જ્યહિં તિમિર ભીનાં સ્થિર બની.
નિશિચર તણે હાથ ધરશો
અરે આ લાવણ્યે લસતું તન?-ખંડેર કરશો?

તમારે રે'વું છે અચલ નિજ ગર્વે?-મર રહો.
હવે તો છે તેના શપથ, ઉરથી જે અધિક હો.’
કહેતાં, પ્રેમીએ દૃઢ શી લીધ આલિંગનમહીં!
ત્યહીં ઢીલાં ગાત્રે વિફલ છૂટવાને મથી રહી
વદતી સહસા એ 'બસ, બસ!'
પછી હોઠે મૂંગા, ઉર ભળી રહ્યાં એ ય સ-રસ.
૧૯-૩-૪૮