ધ્વનિ/અશ્રુ હે!


અશ્રુ હે!

અશ્રુ હે!
કોઈ સુકોમલ પદ્મદલ પર જલતુષાર સમું ઠર્યું.
મારી પ્રિયાની પાંપણે સૌન્દર્ય તું નીતર્યું નર્યું.

તવ દર્શને સંમુગ્ધ છું!
ક્ષણ પૂર્વ જે હું લુબ્ધ
તે કંઈ ખિન્ન ને વળિ ક્ષુબ્ધ છું!

જે રાગથી રંગીન મારાં લોચને માની કળી જાસુંદની,
રે એ જ લહું શી શરદ ધવલા કૌમુદી
મધુ મહક ઝરતી કુંદની!

નહિ ભ્રાન્તિ,
અવ: ઊંડાણમાંહિ છવાય શાન્તિ,
ગગનમાં મારા લહું કો ઉદિત મંગલ દિવ્ય કાન્તિ!

મેં ચહ્યો'તો રંગ,
હાવાં હું ચહું છું સંગ.
નહિ એ રાગ કેરી આંગ,
કેવલ ચાહું એક ચિરાગ.

રે હે અશ્રુ!
ક્ષણને આંગણે આવી
અભાગીનું કશું રળિયામણું આંકી દીધું ભાવિ!
-તને ઝીલું' કયા લયમાંહિ?
તારો રમ્ય કેવલ એક તું હિ પ્રાસ. . . .
તું છો પ્રેમનો નિશ્વાસ.....

તારે સ્પર્શ મારું હૃદય ભીનું મંદ કૈં શ્વસતું હતું,
રે તે સમે
તું અંતરે ધારી મને કેવું મૂંગું હસતું હતું!
૧૭-૨-૫૦