ધ્વનિ/વિખૂટા પડતાં

Revision as of 02:02, 5 May 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિખૂટા પડતાં

અસ્તને ક્ષિતિજે પાન્થ! મૃગશીર્ષ રહ્યું સરી.
રાત સારી ગઈ,
જોને
વાત - મદાંકિની કેરા સૂરને કલ-મંજુલ
માણતાં આપણી નેણે
પોપચું યે ઢળ્યું નહિ,
–માર્ગ ખેદે લહ્યો નહિ.
વાત ના સાન્ત કિંતુ આ રાત્રિની તો ફરે ધરી.

બીજના ઇન્દુને કોદિ શુક્ર આવી મળે જ્યમ,
આપણું મળવું તેવું,
અલ્પ
તો યે ઉરોમેળે બની રે'તું ચિરંતન.
અજાણી આ ધરિત્રી ને ઓસરી આ સરાઈની
મૌન વિશ્રંભથી એ યે
પુરાણું દૂરનું જાણે આપણું ઘર ના ક્યમ!
સંચેલું જિંદગીનું તે સર્વે બે યે દીધું ધરી:
આપલેમાં,–
ઉડાવામાં
તારું તે તારું ને મારું, મારું તે મારું ને તવ
બન્યું,
રે દૃષ્ટિની રિદ્ધિ બન્નેની કૈંક તો વધી.
દીધાની લઘુતા જાણું,
પામ્યાની શું કહું?.... જરી
મારા તો લોહને જાણે મળ્યો કો સ્પર્શનો મણિ.
અસ્તને ક્ષિતિજે પાન્થ! મૃગશીર્ષ ગયું સરી:
કકડે રણઝણાવી રે
શાન્ત આ અંધકારની
વીણાની મૂક તંત્રીને-
વૈતાલિકે દિશા ભરી.
આપણો પંથ ના એક,
મળ્યાં, હાવાં મળીશું કે જાણતા ના....
ચલો બન્ધુ!
રાહ છે દૂરનો, વાટે
હજી લેવું નિસર્ગેથી ભાતું ભર્ગ વરેણ્યનું :
કાળ ના થોભશે જરી :
યોગ-વિચ્છેદની ઘડી?
નહિ. આજે મને તેં તો
સૃષ્ટિના રંગમેળામાં મેલ્યો રે મ્હાલતો કરી.
૪-૮-૪૩