રામચન્દ્ર પટેલની કવિતા/નિભાડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિભાડો

હતા ખાડાખૈયા બરછટ હતી ભોંય વચમાં
બનાવી શોભાવી સ્થળ, શરીરમાળો ધૂળજટાઃ
તથા કંઠે કાંટા, ધખ ધખ ધખે દાહ ગરમી
અડે : ફૂટે ધૂવાં શૂળ ઉઝરડા ચેહ વસમી -
ઢળે દા’ડો ત્યારે સૂરજ ઊતરી પશ્ચિમદિશા
નિરાંતે ઊંઘે, ત્યાં ભીતર ફરતી રાત બધિરા
રહે, પીડી : દોડે નસ નસમહીં ખાર : ઊકળે
બળે અંધાપો ને ખરખરી ચડે રાખ ડમરી.
પછી મૂકે આંખે પવન, જળ ફૂટે રગરગ,
ઊડે પંખી : ઊઠે તરુ તરુ ટહુકી રુધિરમાં -
તહીં ખોલે, ખૂલે હૃદય બધું ઇંટો ફળફૂલ
બની મ્હેકે, ગ્હેંકે વળી વરસતો મેઘ તડકો.
નિભાડો બીજાને સઘળું દઈ દે ઠામ સજવા,
થતો શંભુ, પાસે કશુંય નહિ રાખે, નહિ હવા