પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કૅથાર્સિસ-અનુકરણ-આનંદ
કૅથાર્સિસજન્ય આનંદ અને અનુકરણજન્ય આનંદ જુદા છે તથા કૅથાર્સિસજન્ય આનંદ આકસ્મિક આનંદ છે અને અનુકરણજન્ય આનંદ શુદ્ધ સાર્વત્રિક આનંદ છે એમ આપણે કહ્યું. એ પરથી અનુકરણજન્ય આનંદ જ ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કવિતાનું ચરમ અને પરમ લક્ષ્ય છે એવો પણ આપણે નિર્ણય કર્યો. ઍરિસ્ટૉટલે પોતે આવું કશું ફોડ પાડીને કહ્યું નથી. એમનાં જુદાંજુદાં વિધાનોમાંથી આપણે આવો અર્થ તારવીએ છીએ. એમાં મોટી મુશ્કેલી એ છે કે ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીની વ્યાખ્યામાં કૅથાર્સિસની વાત કરે છે. આકસ્મિક તત્ત્વને વ્યાખ્યામાં સમાવવા જેવી મોટી ભૂલ ઍરિસ્ટૉટલ કરે ખરા? વળી, ઍરિસ્ટૉટલ વ્યાખ્યામાં અનુકરણનો પણ ઉલ્લેખ કરે છે. તો અનુકરણને કારણે કૅથાર્સિસ થાય છે અને એને પરિણામે આનંદ જન્મે છે એમ ન માની શકાય? અનુકરણ – કૅથાર્સિસ – આનંદ આ રીતે એક જ પ્રક્રિયાના જુદાજુદા ઘટકો હોય એ સંભવિત નથી? અને અનુકરણ પામેલ કરુણા અને ભયમાંથી જન્મતા આનંદની વાત ઍરિસ્ટૉટલ કરે છે ત્યાં કૅથાર્સિસના અવાંતર ક્રમને એ ગૃહીત કરીને ચાલ્યા હોય એવું પણ ન બને શું? અલબત્ત, આ કૅથાર્સિસ, પછી લાગણીઓનું સમતોલ પ્રમાણ ન હોઈ શકે. કૅથાર્સિસ એટલે રૂપસર્જનને કારણે કેળવાતો લાગણીઓ સાથેનો આપણો તટસ્થ કલ્પનાગત સંબંધ હોઈ શકે, જેને કારણે આપણે લાગણીઓના ભોગ બનવાને બદલે એનો આસ્વાદ લઈ શકીએ – સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વર્ણવાયેલી સાધારણીકરણની પ્રક્રિયાને મળતું કંઈક. વૈદકમાં કે ધાર્મિક વિધિમાં કૅથાર્સિસનો જે અર્થ થતો હતો તેનાથી આવો જુદો અર્થ આપણે અહીં કરીએ તો એથી સંકોચ પામવાની બહુ જરૂર નથી, કેમ કે ગ્રીક ભાષામાં એ શબ્દ જુદાજદા સંદર્ભમાં જુદીજુદી અર્થચ્છાયાઓ ધરાવતો હતો. ઍરિસ્ટૉટલે પોતે આ સ્થિતિનું સૂચન કર્યું છે. કૅથાર્સિસનો આવો અર્થ કરતાં અનુકરણ – કૅથાર્સિસ – આનંદને સાંકળી શકાય છે, કૅથાર્સિસ કલાના આસ્વાદમાં સર્વને સ્પર્શતી એક પ્રક્રિયા બની રહે છે અને ઍરિસ્ટૉટલની ટ્રૅજેડીની વ્યાખ્યા આકસ્મિકતાના દોષથી મુક્ત બની રહે છે એ સિવાય કૅથાર્સિસના આવા અર્થને કોઈ આધાર નથી. એ સાથેસાથે સ્વીકારવું જોઈએ. તેથી તો માત્ર સૂચન રૂપે આ વાત અહીં મૂકી