ધ્વનિ/આપણ ખેતરિયે મંગલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧. આપણ ખેતરિયે મંગલ

આપણ ખેતરિયે મંગલઃ
ટહુકે મોરા, બાદલ વરસે ઝરમર ઝરમર જલ.
આપણ ખેતરિયે મંગલ.

ધરતીની ધૂળ ઝરતી આજે
મનહર મીઠી ગંધ,
નીલ દાભના અંકુરે શો
હલમલ રે આનંદ!
થલે થલે વહેતાં ઝરણાંનો નાદ રમે કલકલ.

‘હું લાવી એરામણ:’
‘લાવ્યો હું ધોરી ને હલ:’
ભેળી તે મહેનતનાં આપણ
ભેળાં જમશું ફલ.

ધરા-આભને આધારે જે
રંગછટા અંકાઈ
એવાં રે જીવતર હૈયાંને
ઉમંગ રે'શું ગાઈ,
દિનભરનાં ભીંજ્યાં પોઢણિયે ઓઢીશું કંવલ.
આપણ ખેતરિયે મંગલ.
૨૫-૭-૪૯