કથાલોક/અશબ્દ ડૂસકાંની વાચા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



અશબ્દ ડૂસકાંની વાચા

માણસ ભરપેટ મિષ્ટાન્ન આરોગે ત્યારે એને મીણો ચડે, એનું ઘેન વર્તાય. પણ ભૂખ્યે પેટે કોઈને આવો અનુભવ થાય ખરો? ભૂખમરાનો મીણો ચડ્યો ક્યાંય સાંભળ્યો છે? હા, નોર્વેજિયન લેખક નટ હૅમ્સનની નવલકથા ‘ભૂંડી ભૂખ’ના નાયકને આવો અવળો અનુભવ થાય છે. દિવસો સુધી જેના જઠરમાં અન્નનો દાણો પણ ઊતર્યો નથી, જે ક્ષુધાર્ત ખાદ્ય વસ્તુને અભાવે લાકડાંનો છોલ ચાવ્યાં કરે છે, અને પથરા ચૂસ્યાં કરે છે, એ પાછો ગર્વભર કહે છે : ‘હવે તો ભૂખનો પણ મને મેણો ચઢ્યો’તો, ભૂખનો અમલ શરૂ થયો હતો. ચકચૂર હતો હું.’ ભૂખના અમલમાં ચકચૂર રહેતો આ માણસ કોઈ પાગલ નથી, કોઈ દેવ નથી. એ તો નોર્વેના ક્રિશ્ચિયાના ગામનો એક લેખક છે; છાપામાં લેખ લખીને પેટિયું રળનારો પત્રકાર. પણ એને અન્ન અને દાંત વચ્ચે વેર થયાં અને ક્ષુધાતૃપ્તિ માટે એણે જે વ્યર્થ ફાંફાં માર્યાં એના બાહ્યાંતર અહેવાલની જ આ કથા છે. અને એમાં પણ બાહ્ય કરતાં અંતરની વાત વિશેષ છે. કથાનાયક વખાંનો માર્યો કોઈ પાસેથી ઉછીઉધાર લેવા જાય કે કામળો ને ચશ્માં સુદ્ધાં ગીરવવા જાય, કે પોતાની હૃદયરાજ્ઞી લાજલીનું મુખ–દર્શન કરવા જાય એ બાહ્ય ઘટનાઓ કરતાંય વધારે મહત્ત્વની તો એના આંતરમનની ઘટનાઓ છે. ભૂખના કેફમાં ચકચૂર થઈને એની આંતરચેતના જે રીતે વહે છે એનું બયાન હૅમ્સનની સમૃદ્ધ સર્જકતાની ગવાહી આપે છે. આજે વિશ્વસાહિત્યમાં આંતરચેતનાપ્રવાહ કોઈ નવી વસ્તુ નથી. બલકે એ તો જૂનવાણીમાં ખપવા લાગી છે. આજે સાહિત્યનું નવું વહેણ તો ઘટનાતત્ત્વના લોપને સ્થાને ભરમાર ઘટનાઓની જ પ્રતિષ્ઠા કરી રહ્યું છે. તેથી જ, એ ચેતનાપ્રવાહની આરંભિક સરવાણીઓ જ્યાંથી ફૂટેલી એ એક શકવર્તી નવલકથા આજકાલ વિસ્મૃત જેવી થઈ ગઈ છે. તેથી જ આ નોર્વેજિયન લેખકની આ યાદગાર રચનાની ભારતીય આવૃત્તિ સુલભ કરી આપનાર મુંબઈની ‘રુપા’ પ્રકાશનસંસ્થાનો તથા એનો ગુજરાતી અનુવાદ કરી આપનાર આપણા અનુવાદવીર જયન્તિ દલાલનો આભાર માનીએ. આજથી પોણોસો વર્ષ પહેલાં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે એના લેખક તાત્કાલિક સાહિત્યવિચારથી ઘણું આગળ નીકળી ગયેલા. પરિણામે આ કથાને પ્રશંસવાની કે પ્રમાણવાની હિમ્મત પણ બહુ ઓછા વિવેચકો કરી શકેલા. પણ સમસ્ત યુરોપના બુદ્ધિધનો ઉપર આ કથાનો ઘેરો પ્રભાવ પડેલો. એ યુગમાં દોસ્તોએવ્સ્કી અને હૅમ્સન યુરોપીય કલ્પકસાહિત્યના અગ્રયાયીઓ બની રહેલા. ‘હંગર’ નવલકથામાં માત્ર જઠરાગ્નિની જ નહિ, નિર્ભ્રાન્ત યુરોપની આધ્યાત્મિક ભૂખનો સંકેત પણ વંચાયેલો. કથાને નાયકપદે ભલે પાંચપાંચ શિલિંગના પુરસ્કાર માટે ફાંફાં મારતો મુફલિસ ને ભૂખ્યોડાંસ પત્રકાર હોય વાસ્તવમાં ભૂખ પોતે જ કથાના નાયકપદે બિરાજે છે. એ ભૂખ પોતે શિકારી છે, અને પેલો પત્રકાર એનો શિકાર છે. ભૂખ એનો પીછો પકડે છે. પેલો એનાથી પરેશાન થાય છે. એ પરેશાનીનો પણ એક આનંદ દેખાય છે. અંતિમ પૃથક્કરણમાં એ ભૂખ કથાનાયકની સૌન્દર્યભૂખ જ બની રહે છે. ખાણાવળથી માંડીને ખાટકીની હાટડી સુધીની નાયકની નગરચર્ચામાં કશું નવું નથી, બલકે પહેલી નજરે તો એમાં સાવ નિરસ એકવાક્યતા જ કોઈને જણાશે. પણ કથાની સરસતા અને સુંદરતા એની એ પાંખા કથાવસ્તુની માવજતમાં રહેલી છે. લેખક આખી કથાને જિવાતા જીવનના સ્તર ઉપરથી જે રીતે ઊંચેરી લઈ જાય છે, એમાં એમની સર્જકતાનો વિજય દેખાય છે. હૅમ્સન શબ્દરસ્વામી છે, વાચસ્પતિ છે. શબ્દો એમના હાથમાં સુવર્ણની કામગીરી સારતા, એમ કહેવાયું છે. ગદ્યને એમણે કુશળ ખેલાડીની અદાથી રમાડી જાણ્યું છે, અને એની કનેથી મનવાંછિત કામ લીધું છે. નાયકની ચેતનાના વિવિધ સ્તરોમાં અને એના મનોગતમાં ડોકિયું કરાવવાનું કામ આ સ્થિતિસ્થાપક ગદ્ય સિદ્ધ કરી આપે છે. હેમિંગ્વે જેને ગદ્યનું ચોથું અને પાંચમું પરિમાણ ગણતા એની સર્વપ્રથમ પ્રયોગસિદ્ધિ આજથી પોણોસો વર્ષ પહેલાં આ કથામાં જોવા મળેલી. એ ગદ્ય–ઈબારતની આછેરી ઝલક તો મૂળ નોર્વેજિયનના અંગ્રેજી ઉપરથી થયેલા ગુજરાતી ભાષાન્તરમાં પણ અછતી નથી રહેતી; ‘ભૂખની પીડા પરેશાન કરતી હોય ત્યારે વિચારો પણ કેવી કેવી જાતનાં ગતકડાં કાઢે છે! આ ગીતના ભાવ મને જાણે ઊંચો, અદ્ધર લઈ જાય છે, અને હું તરું છું, ઊંચે ડુંગરના શિખરની ઉપર નાચતો નાચતો તરું છું, ઊડું છું, પ્રકાશપુંજોને વીંધતો આગળ...આગળ...’ જાણે હેમિંગ્વેકૃત ‘સ્નૉઝ ઑફ કિલિમાન્જારો’ના મરણસજાઈએ સૂતેલા નાયકનો સ્વપ્નવિહાર વાંચતાં હોઈએ એવું આ ઊંચેરું ગદ્યપરિમાણ છે : ‘એકદમ જ મને લાજલી યાદ આવી. એક આખી સાંજ હું એનું નામનિશાન બધું જ ભૂલી ગયો! આનો વિચાર કરવો પણ જરા કપરો હતો અને ફરી પાછું તેજનું નાનકડું કિરણ મારા અંતરમાં પ્રકાશ રેલાવા માંડે છે. સૂર્યકિરણનો નાનકડો અંશ મારામાં ઉષ્મા પ્રગટાવે છે અને ધીરેધીરે સૂર્ય એની કળા પ્રગટ કરતો જાય છે અને કેવો અનન્ય રેશમી લાગે એવો, સ્પર્શમધુર પ્રકાશ એની શાંતિ પ્રેરતી સુંદરતાથી અંગેઅંગને જગાડતો રેલાય છે! સૂર્યનો તાપ પણ ધીરેધીરે વધે છે. મારાં લમણાં તપે છે અને કૃશ થયેલા દિમાગમાંય હવે બાળી દે એ રીતે પ્રવેશે છે. છેવટે મારી આંખ સામે ગાંડાંતૂર એવાં કિરણોની જાણે ચેહ ખડકાય છે–ભડકે બળે છે, બધું, આ પૃથ્વી અને સ્વર્ગ, આખું વિશ્વ જાણે અત્યારે બળી રહ્યું છે. માનવી અને પ્રાણી બન્ને અગનગોળા બન્યા છે. ડુંગરાય આકાશમાં ઝાળ પર ઝાળ ફેંકે છે, શેતાન પણ જાણે ભડભડ બળે છે. વન, ખાઈ, ખીણ, આંધી, તુફાન, બ્રહ્માંડ પણ જાણે બળી રહ્યું છે. આવી પહોંચ્યો છે, કયામતનો દિવસ. બળતો અને બાળતો ધુમાડે ગોટાતો દિવસ, અને મને બીજું કશું ન દેખાયું ન સંભળાયું...’ નાયક એક વાર મનશું જ અચરજ અનુભવે છે : કેવી અક્કલ વગરની છતાંય અક્કલમંદ વાત છે કે કેવળ ભૂખના દુઃખે માણસ જેવા માણસને આવી રીતે જીવતાંજીવત પણ વિકરાળ વિકૃતરૂપ થઈ જવું પડે! તો બીજી એકવાર એ આવો અનુભવ ટાંકે છે : ‘આ મારી ધમણીઓમાં વહેતું લોહી પણ પાગલ થઈ ગયું છે. અને એનાં ભાલોડાં તો આ ભેજામાં પણ જાણે ભોંકાય છે.’ આ બધું શું માત્ર ક્ષુધાપ્રેરિતજ હતું? ના. એક સ્થળે નાયક પોતે જ શંકા વ્યક્ત કરી લે છે : ‘આ સેતાન મારી પાસે શું શું નહિ કરાવે?’ રખે કોઈ માને કે ‘ભૂંડી ભૂખ’ નામ ધરાવનાર આ કથામાં ભૂખમરાનાં રોદણાં હશે. કથાનાયક વાચ્યાર્થમાં રુદન તો એક જ વાર કરે છે. એક તંત્રીમહાશય પાસેથી પૈસા ન મળતાં એને પોતાની જાત ઉપર જ નફરત છૂટે છે. ‘પશ્ચાત્તાપની ક્ષણે એ ખૂબ નબળો પડી ગયો હતો એટલે હવે એણે રોવા માંડ્યું. સાવ શાંત, નિરવ રુદન હતું, પણ નિષ્ઠાભર્યું, છેક હૈયાસોંસરવું આવતું હતું. ગળું નહિ પણ હૈયું ડૂસકાં ભરતું હતું. અને હૈયાનાં ડૂસકાંનો કોઈ અવાજ ન નીકળે.’ હૅમ્સનનો ઉદ્યમ આ હૈયાનાં અશબ્દ ડૂસકાંને શબ્દબદ્ધ કરવાનો હતો. અને એમાં એમને એવી તો અપૂર્વ સફળતા મળેલી કે સ્વિડિશ સાહિત્ય ઍકેડેમીએ નોર્વેના આ ખેડુપુત્રને નોબેલ પારિતોષિક વડે નવાજેલા. ધરતીના સંતાનનું કશાય અંતઃસંકોચ વિનાનું સઘળું જોમ હૅમ્સનના સાહિત્યમાં ઊતરી આવેલું. એમની સાહિત્યિક કીર્તિનો મધ્યાહ્ન તપ્યો, અને એ મધ્યાહ્ને જ, અકાળે અસ્ત શરૂ થઈ ગયો. લેખકે રાજકારણમાં પ્રત્યાઘાતી વલણ લીધું, એ કારણે હૅમ્સનને–કદાચ નિત્શેના પ્રભાવને કારણે–મૂળથી જ લોકશાહી અને ટોળાંશાહી પ્રત્યે નફરત હતી. એ નફરત કાળબળે નાઝીવાદના સક્રિય અંગીકારમાં પરિણમી. દુષ્ટાત્મા ગૉબેલ્સ જોડે એને દિલ્લગી જામી. હૅમ્સનની તહેનાતમાં નાઝી પ્રચારમંત્રીનું અંગત ઍરોપ્લેન મૂકવામાં આવ્યું. અભ્યાસખંડમાં એ ગૉબેલ્સની છબીને આરાધતો થઈ ગયો. ૧૯૪૨માં નાઝીદળોએ નોર્વેને પદાક્રાન્ત કર્યું ત્યારે નોર્વેના જ ધરતીપુત્રે હૅમ્સને એ સેનાઓનું સ્વાગત કર્યું. એટલું જ નહિ, ૧૯૪૩માં એ સામે ચાલીને હિટલરને મળવા પણ ગયો. આ વિપથગામી કલાકાર ઉપર કુદરત કશું વેર લે એ પહેલાં જ ૧૯૪૫માં નોર્વેની મુક્ત સરકારે એને કારાગારમાં નાખેલો. એ પછીનું શેષ જીવન તો હૅમ્સને અજ્ઞાતવાસમાં જ ગાળેલું. ૧૯૫૨માં ૯૨ વર્ષની ઉમ્મરે એમનું અવસાન થયું ત્યારે એમના વતનમાં અખબારોએ આ નોબેલવિજેતા સાહિત્યકારની અવસાનનોંધ લેવાની પણ ના ભણેલી. એક સર્જકના વેગીલા ઉદય અને એટલા જ વેગીલા અસ્તની આ કથની ઉપરથી ઇડિપસની એક ધારદાર ઉક્તિ સાંભરી આવે છે : ‘માણસ મરી પરવારે નહિ ત્યાં સુધી એને સુખી ન ગણશો.’ હૅમ્સનની સમૃદ્ધ સર્જકતા દાખવતી અન્ય કૃતિઓ ‘પાન’, ‘મિસ્ટરીઝ’, ‘રેડેકટર લિન્જ’ વગેરે પણ ગુજરાતી વાચકો સમક્ષ મૂકવા જેવી છે. અને એમનું અવતરણ પણ શ્રી. દલાલ જેવા અધિકારીને હાથે થાય એ ઇચ્છવાયોગ્ય છે.

(ભૂંડી ભૂખ, નટ હૅમ્સન, અનુ. જયન્તિ દલાલ)
ફેબ્રુઆરી, ૧૯૬૬