નારીસંપદાઃ નાટક/સન્માનના સાટાપાટા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬. સન્માનનાં સાટાપાટા

અર્ચિતા દીપક પંડયા

(‘સર્જનાત્મક લેખન સ્પર્ધા માટે એકાંકી)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પાત્રો : કુલ ૯


સ્ત્રી પાત્રો
માધવી
રાણીઓ
ગરુડ

ગરુડપત્ની


પુરુષ પાત્રો
ગાલવ
વિશ્વામિત્ર
ધર્મ (વસિષ્ઠ)
યયાતિ
રાજાઓ

નાટક : માધવીને શું ગમશે?
(વૃદ્ધ માધવી વનમાં પાન, મૂળ, ફૂલ વગેરે ભેગું કરી રહી છે.)
ગરુડપત્ની  :  માધવી, રસોઈ બનાવી લાવી છું, હવે તો જમી લો. ઘણા દિવસ થયા તમે રાંધેલું અનાજ જમ્યા નથી! અશક્તિ આવી જશે. આજે પણ હું તમારા માટે ભાવતાં ભોજન બનાવીને લાવી છું.
માધવી  :  આભાર સખી, ગરુડનો અને તમારો મારા પર ખૂબ સ્નેહ છે પણ તમે કોઈ તકલીફ ન લેશો. મને મુક્ત હરિણીની જેમ જીવવા દો. હવે મને શું ચિંતા? મારે ક્યાં કોઈ વિનિમય સાચવવાનો છે?
ગરુડપત્ની  :  તમારું સ્વાસ્થ્ય તો સાચવવાનું ને માધવી?
માધવી  :  કોનું સ્વાસ્થ્ય? આ માધવીનું? એના જન્મદાતા કે પોતાના લોકોએ પણ જેની દરકાર નથી કરી. એનું? માધવીએ જે જે આપ્યું બધાંને, એને જ સૌએ વહાલું કર્યું છે, કોઈએ માધવીને વહાલી કરી નથી.
ગરુડપત્ની  :  હું પણ સ્ત્રી છું, તમારી વાત સમજી શકું છું. ખરું કહું તો મને તમારા પર ગર્વ છે ! તમે તો ખૂબ પુણ્યનું કામ કર્યું છે.
માધવી  :  (ખડખડાટ હસી પડે છે) ગર્વ? પુણ્ય? તમારી વ્યાખ્યા સમજાતી નથી. આ દુનિયામાં રોજ ગાય દહોવાય છે, પણ એ વસૂકી જાય પછી એની સામે કોઈ જોતું નથી. બધાં એને નહિ, એના દૂધને લીધે ચાહે છે. સમાજના આ ધારા પર મને નફરત થઈ ગઈ છે. હવે એટલે જ મારે મારી જાત સાથે અને મારી રીતે જીવવું છે. હું કુદરતનું વહાલું બાળક છું, કુદરતે મને સુંદરતાની ખૂબ સમૃદ્ધિ આપી છે, તો કુદરત જ મારી સંભાળ કરશે. બસ, મારો નિર્ણય છે કે મારે કુદરતનો ભાગ બનીને જીવવું છે. આ માનવના સમાજથી દૂર રહેવું છે.
(આંખમાંથી આંસુ સરે છે તે લૂછે છે.)
ગરુડપત્ની  :  વાંધો નહીં, આંસુ સારી લેશો એટલે હળવાં થઈ જશો. એકલા રહેવું હશે તો પણ, તમારું ધ્યાન તો તમારે રાખવું જ પડશે, માધવી!
માધવી  :  મારું એટલે કોનું ધ્યાન રાખું? આ શરીરનું?
ગરુડપત્ની  :  હાસ્તો, એ શરીર જે અક્ષતયૌવન હતું.
માધવી  :  પણ એને લીધે જ ચાર ચાર સંતાનને જન્મ આપીને ત્યાગી દેવાં પડ્યાં. મને માતા, પત્ની કે પુત્રી તરીકેનું સ્થાન ભોગવવા ન મળ્યું. પછી આ જીવન શું કામનું? જે પુરુષ માટે મેં બધું ત્યાગી દીધું, એણે મને સમજવાનો પ્રયત્ન પણ નથી કર્યો. માત્ર ભૂખ... એણે તો માત્ર સંતાનની લાલસા અને એક યુવાન શરીરની ઝંખના માત્ર કરી.
ગરુડપત્ની  :  દુઃખી ન થશો... (માથે હાથ ફેરવે છે.)
માધવી  :  સ્ત્રી જન્મદાતા છે, એક શક્તિ છે, પણ એના પ્રેમને લાચારી બનાવી દેવાય છે. સ્ત્રી તો પોતાની જાત કરતાં પણ વધારે પોતાનાં લોકોનું ભલું ઇચ્છે છે. સ્ત્રી જ પુરુષને જન્મ આપે છે ને? એ જ બાળક, જ્યારે પુરુષ બને ત્યારે? એના માટે શું મહત્ત્વનું બની જાય છે? પ્રતિષ્ઠા, પૈસો, સત્તા. અને એ પુરુષ? એના સ્વાર્થ માટે સ્ત્રીના સન્માનનો ભોગ લઈ લેતા પણ અચકાતો નથી.
ગરુડપત્ની  :  સદીઓથી ચાલતા સંસારના ધારાને કોઈ બદલી નથી શક્યું. તમારો આ અવસાદ તમને જ ખાઈ જશે માધવી!
માધવી  :  મારા આ અવસાદનાં બીજ તો ક્યારનાં રોપાઈ ગયાં હતાં. દુઃખ જ નસીબમાં હોય તો કોઈ વાર કંઈ સારું કરવા માટે કરાયેલું કર્મ પણ પીડા આપવામાં પાછું નથી પડતું.

(માધવી જતી રહે છે. ગરુડ આવે છે. ગરુડપત્નીની આંખમાં આંસુ જોઈને)

ગરુડ  :  શું થયું? તમારો ચહેરો કેમ ઊતરી ગયો છે?
ગરુડપત્ની  :  માધવી સંસાર છોડીને અહીં રહે છે, અને આટલાં દુઃખી છે એ મારાથી જોવાતું નથી.
ગરુડ  :  હા, બહુ સારા દિલનાં છે. ખરેખર તો એમને મેળવનારનું જીવન ધન્ય થઈ જાય. પહેલાં એ કેટલાં સુંદર લાગતાં હતાં! સાક્ષાત્ લક્ષ્મીજી જ જોઈ લો! અક્ષતયૌવનાનાં બધાં લક્ષણો એમના શરીરમાં દેખાતાં. લાલ પરવાળા જેવા હોઠ, લાલ કાન, ચમકતાં નખ, લાલ ટેરવાં, પાતળી કમ્મર.. એટલે જ રાજાઓએ પણ પહેલી નજરમાં જ એમને સ્વીકારી લીધાં અને એમના પતિ ગાલવ માટે વિનિમય રૂપે ધનભંડાર ખોલી નાખ્યા હતા.
ગરુડપત્ની  :  વિનિમય? પણ તો પછી એવું શું થયું કે માધવીએ એમનું અક્ષતયૌવનનું વરદાન ફોક કર્યું અને સંસાર છોડ્યો?
ગરુડ  :  આ પ્રસંગનાં બીજ ઘણાં ઊંડાં છે. તમારે જાણવું છે? મારી સાથે આવો તમને બતાવું.
(બાજુ પર જાય બંને જણાં. વિશ્વામિત્ર તપ કરી રહ્યા છે એ બતાવીને)
આ છે ઋષિ વિશ્વામિત્ર, ગાધિરાજાની પુત્રી સત્યવતી તથા રૂચિકમુનિના પુત્ર, અડધું ક્ષત્રિયનું લોહી અને અડધું બ્રાહ્મણનું. ક્ષત્રિયપણું વધારે હોવાથી એ બ્રહ્મર્ષિ નહીં બની શકે એવું લોકો ધારતા હતા.
ગરુડપત્ની  :  આમના મોં ઉપર તો ગજબ તેજ છે! એમણે આકરું તપ કર્યું હશે નહીં? પણ શું તપ કરીને પણ એ બ્રહ્મર્ષિ બની શક્યા ખરા?
ગરુડ  :  હા. ક્ષત્રિયની જીદ ખરીને? બ્રહ્મર્ષિ બનીને રહ્યા. આ સંસારમાં પદ છે. તો એને પામવાની હુંસાતુંસી પણ છે. દરેકને સર્વોચ્ચ થવું છે. એમાં વિઘ્નો આવે છે, પણ જે અડગ થઈ પ્રયત્ન કર્યા કરે છે એ પદ પામે જ છે. જો કહું, વર્ષો પહેલાંની વાત....
(આશ્રમમાં ઋષિ વિશ્વામિત્ર દેખાય છે. જે ઊભા થઈને ફળ તોડીને મૂકે છે. નેપથ્યમાંથી એક વ્યક્તિ - ધર્મનો પ્રવેશ થાય છે.)
ધર્મ  :  હું ધર્મ છું. ક્ષત્રિય વિશ્વામિત્રની કસોટી કરવા આવ્યો છું. કહેવાય છે કે ક્ષાત્રલોહી જલ્દી ગરમ થઈ જાય. જોઈએ, બ્રાહ્મણત્વ આ ઋષિમાં પ્રવેશ્યું છે કે નહીં? વિશ્વામિત્રને તો આ ઋષિઓના સર્વોચ્ચ પદને પામવું છે. બ્રહ્મર્ષિનું બિરુદ મેળવવું છે. પણ, ખરી પરીક્ષા ત્યારે થશે જ્યારે હું વસિષ્ઠનું રૂપ લઈને જઈશ.
(વેશબદલા માટે, એક શાલ ઓઢી લે. વિશ્વામિત્ર તપ માટે આસન પાથરે, સફાઈ કરે. ધર્મ વસિષ્ઠના વેશે આશ્રમમાં પ્રવેશ કરે છે, વ્યગ્ર હોવાનો દેખાવ કરે છે)
ધર્મ  :  રાજર્ષિ વિશ્વામિત્ર ! આપના આશ્રમમાં આ વૃક્ષની નીચે એક બેઠક બનાવી દો. યાત્રી આવે તો આરામ તો કરી શકે?
વિશ્વામિત્ર  :  અરે આવો પધારો બ્રહ્મર્ષિ! આપના આગમનથી આ આંગણું પવિત્ર થયું. પ્રવાસનો થાક આપના ચહેરા પર દેખાય છે. આવો, આરામ કરો. (પાણી આપે)
ધર્મ  :  હું ક્ષુધાથી તડપું છું. મને જમવાનું પૂછો. મને સખત ભૂખ લાગી છે.
વિશ્વામિત્ર  :  અરે! માફ કરો. હું અબઘડી ઉત્તમ જાતના ચોખા રાંધીને આવું છું.
(અંદર જાય છે. એ દરમિયાન ધર્મ:વસિષ્ઠ ફળ ખાઈ લે છે જે વિશ્વામિત્રએ મૂકેલાં)
વિશ્વામિત્ર  :  (માથે હાંડી મૂકીને આવતાં) અરે, બ્રહ્મર્ષિ આ ભાત આરોગો. સુગંધીદાર ચોખાથી તમારી ક્ષુધા અને તમારું મન પણ તૃપ્ત થશે..
ધર્મ  :  હવે તો મારી ક્ષુધા શમી ગઈ છે. અત્યારે નહીં. પણ તમે મહેનત કરી છે તો એ જમવા હું ફરી આવું છું. જ્યારે આવીશ ત્યારે આ જ ભાત જમીશ.
વિશ્વામિત્ર  :  બ્રહ્મર્ષિ, અત્યારે જ.. આવો ને. સરસ છે. ગરમ છે !
ધર્મ  :  ગરમ હં.. સરસ તો લાગે છે. હું ગરમ જ જમીશ પણ જ્યાં સુધી હું આવું નહીં. ત્યાં સુધી તમારે તમારા તપોબળથી આ ચોખા ગરમ રાખવાના છે. આ હાંડલી તમારા માથા પર આમ ને આમ રાખજો, ભાત એવાને એવા તાજા અને ગરમ રાખવાની જવાબદારી તમારી! તમારે પણ આ જ રીતે હાલ્યા ચાલ્યા વગર સ્થિર ઊભા રહેવાનું છે. હું આવીશ, જરૂર પાછો આવીશ.
વિશ્વામિત્ર  :  ઋષિ ઋષિ ! આપ... થોભી જાવ...
(ધર્મ સાંભળ્યા વગર જતા રહે છે)
વિશ્વામિત્ર  :  મારા તપના બળથી આ ચોખાને હું ગરમ તો રાખીશ. પણ ક્યારે આવશો એ તો કહો!
(જવાબ ન મળતાં થોડા નિરાશ થાય છે.)
વિશ્વામિત્ર  :  આમ ને આમ ઊભો રહીશ તો મારી સાધના? મારા આશ્રમનું શું? અરે, મારી રોજિંદી ક્રિયાનું શું?
(પાછળ એક અંતેવાસી સફાઈ કરતા ડોકું કાઢીને જુએ છે.)
વિશ્વામિત્ર  :  કોણ? કોણ છે ત્યાં?
ગાલવ  :  હું આપના આશ્રમનો અંતેવાસી ગાલવ. પ્રણામ ગુરુદેવ ! આપની સેવામાં ઉપસ્થિત છું. ફરમાવો.
વિશ્વામિત્ર  :  એક થોડું પાણી પીવડાવજે ભાઈ!
(ગાલવ પીવડાવે છે.)
ગાલવ  :  આપે આ થોડા કલાકોનું તપ આદર્યું લાગે છે. આપની સેવામાં હું અહીં જ રોકાઈ જાવ છું.

વિશ્વામિત્ર

 :  ના ના, ગાલવ. તારા ઘરના લોકો પરેશાન થશે. રાતે ઘરે પહોંચી જજે. બ્રહ્મર્ષિને મુસાફરીમાં વાર લાગી ગઈ હશે. આજુબાજુ જંગલ છે. એટલે સવારે જ નીકળશે. આજે નહીં તો કાલે આવી જશે. તું જા.
ગાલવ  :  આપની વાત સો ટકા સાચી પણ આ પરિસ્થિતિમાં તમને મૂકીને નીકળવું મને ઠીક નથી લાગતું. હું અહીં જ રોકાઈશ. આપની સેવા કરીશ.
(વર્ષોનાં વર્ષો સુધી આમ જ ગાલવ તથા ઋષિ જીવે છે. ગાલવ ઋષિનું જમાડવાથી માંડીને બધું જ ધ્યાન રાખતો. જે માત્ર માઈમથી બતાવી શકાય.)
ગાલવ  :  આપને કોઈ અન્ય જરૂરિયાત? વર્ષો થઈ ગયાં. આપ આમ ને આમ છો. ધન્ય ગુરુદેવ. આપની નિષ્ઠા ! થોડો વખત હાંડલી હું માથા પર રાખું? આપણે બે જ છીએ અત્યારે! કોણ જોવાનું?
વિશ્વામિત્ર  :  ગાલવ, તું તુચ્છ જ રહ્યો. મહેમાનગતિમાં ઊણપ આવે તો લાંછન લાગે. આ મારી નિયતિ અને મારું કર્મ છે. તપ કર્યા કરવું એ તો મારા જીવનનો ધ્યેય છે. આ ચોખાને તપોબળથી તાજા ને તાજા અને ગરમ રાખવા એ કંઈ તારું કામ છે?
ગાલવ  :  માફ કરજો ગુરુદેવ. હું તમારા ચરણોમાં જ ઠીક છું.
(ગાલવની મદદથી વિશ્વામિત્ર વર્ષો લગી ઊભા રહ્યા. એ ક્રિયાઓ બતાવી શકાય. પુરાણ તો સો વર્ષ કહે છે. અંતે સો વર્ષ પછી ધર્મ ફરીથી વસિષ્ઠનું રૂપ લઈને સાવ્યા. વસિષ્ઠ રૂપી ધર્મ દૂરથી પધારી રહ્યા છે. ગાલવ જુએ છે અને એ ઘેલો થઈ દોડે છે.)
ગાલવ  :  ગુરુજી ગુરુજી... પસિષ્ઠ વધાર્યા.. સમે તાંભળો છો... આ બંધનમાંથી છમે તૂટા...
વિશ્વામિત્ર  :  મૂરખ ગાલવ? શું બકે છે?
ગાલવ  :  ગાફી મુરુજી, પુનિજી મધારે છે. હધારે છે પમણાં..
વિશ્વામિત્ર  :  એટલે? કઈ ભાષા છે? સરખું બોલ ! ગાંડો થઈ ગયો છે?
ગાલવ  :  (શ્વાસ ખાતાં, માથે ટપલી મારતાં) હા, હું ગાંડો થઈ ગયો છું. મારા આનંદનો કોઈ પાર નથી.. બ્રહ્મર્ષિ પધારી રહ્યા છે. પણ આ જોઈ જોઉં ચોખા ગરમ છે કે નહીં? સો સો વર્ષે બ્રહ્મર્ષિ ફરી પધાર્યા...
વિશ્વામિત્ર  :  ખબરદાર, એ મારા અતિથિનું જમણ છે. અને તું વળી નાનું મગતરું, મારા તપને પડકારે છે? મેં અમથું આમ સો વર્ષ તપ કર્યું હશે? તું બચી ગયો, મારા તપને લીધે મને ક્રોધ ન આવ્યો નહીં તો ચોખા તો શું તું પણ સળગી જાત !
ગાલવ  :  (ચરણોમાં પડતા) ક્ષમા ક્ષમા ગુરુદેવ.
(મુનિ વસિષ્ઠ પધારે છે. વિશ્વામિત્રને છોડીને ગયા હતા એ જ સ્થિતિમાં ઊભા છે એ જુએ છે.)
વસિષ્ઠ  :  ધન્ય છો બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ! તમારા હાથે જ મને ભાત પીરસો.
વિશ્વામિત્ર  :  આભાર બ્રહ્મર્ષિ મને આજે ઋષિઓનું સર્વોચ્ચ પદ મળી ગયું. એમ સમજું કે ?
વસિષ્ઠ  :  હા અભિનંદન હો બ્રહ્મર્ષિ ખરેખર તો હું બ્રહ્મર્ષિ નથી. ધર્મ છું. વેશપલટો કરીને આવેલો. મારી કસોટીમાં તમે પાર ઊતર્યા છો. આજથી આપ રાજર્ષિ નહી પણ બ્રહ્મર્ષિ કહેવાશો.
વિશ્વામિત્ર  :  ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય.
(નમસ્કાર કરે છે. ધર્મ વિદાય થાય છે.)
ગાલવ  :  બ્રહ્મર્ષિ વિશ્વામિત્રનો જય હો! મારા ગુરુદેવનો જય હો!
વિશ્વામિત્ર  :  ગાલવ. હું તારા પર ખુશ છું. તારી સેવાને લીધે જ મને આ સર્વોચ્ચ પદ પ્રાપ્ત થયું. એની ખુશીમાં હું તને મહર્ષિ બનાવવાનું વચન આપું છું.
ગાલવ  :  આભાર ગુરુદેવ વંદન. એ માટે મારે કેટલો વખત શિક્ષણ લેવું પડશે?
વિશ્વામિત્ર  :  ગાલવ, આટલાં વર્ષો સેવા કરીને તેં તારી નિષ્ઠા સિદ્ધ કરીને બતાવી છે. આથી વધારે હવે તને શિક્ષણની જરૂર નથી. હું તને મહર્ષિ ઘોષિત કરું છું અને સંસારમાં જવાની, ગૃહસ્થાશ્રમ પ્રવેશની અનુમતિ આપું છું.
ગાલવ  :  ગુરુદેવ, ઉબ ખૂપકાર... ખણી ઘમ્મા.. માફ કરજો... (માથે ટપલી મારીને) ખૂબ ઉપકાર ગુરુજી, મારે આપને ગુરુ તરીકે ગુરુદક્ષિણા આપવી જોઈએ. મારી તો મતિ ચાલતી નથી.. આપ જ કહી દો.. હું શું આપું?
વિશ્વામિત્ર  :  તેં કરેલી મારી સેવાથી વધારે હું કઈ ગુરુદક્ષિણા લઈ શકું? તેં ઘણું આપ્યું છે મને. હવે તું થોડો આરામ કર.
ગાલવ  :  ગુરુજી, ગુરુદક્ષિણા વગર મારી વિદ્યા ફળશે નહીં તો?
વિશ્વામિત્ર  :  નિષ્ઠા અને લગનથી જેમ કામ કરે છે, એ કરતો રહેજે. તારી વિદ્યા જ એ છે.
(વિશ્વામિત્ર જાય છે. ગાલવ નમસ્કાર કરીને કૂદતો કૂદતો જાય છે.)
(ગાલવ ફરી રંગભૂમિ પર પ્રવેશ કરે છે.)
ગાલવ  :  અહા.... કેટલો નસીબદાર છું હું ! હવેથી લોકો મને મહર્ષિ ગાલવ કહેશે. મહર્ષિ ગાલવ ! મહર્ષિ મહર્ષિ ગાલવ ! (મોટેથી બોલે છે) મેં ક્યારેય ધાર્યું પણ નહોતું એવું માન સન્માન મળશે. લોકો ઊભા થઈ જઈને આદર કરશે. મહર્ષિ ગાલવનું સન્માન થશે. લોકો પૂછશે કે 'મહર્ષિ તમને આ સન્માન કેવી રીતે મળ્યું?' ત્યારે હું વટથી કહીશ...
'કોઈક તો ખૂબી જોઈ હશે ને મારા ગુરુદેવે! મારા ગુરુદેવ એટલે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર! એમના જ્ઞાનની અમૂલ્ય ભેટ આ ધરતીને આપવા વાળા મહાપુરુષ ! જેવા તેવા ઋષિ નહીં બ્રહ્મર્ષિ છે! પણ...’ પછી લોકો પૂછશે તો? ‘ગાલવ તેં ગુરુદક્ષિણામાં બહુ અમૂલ્ય ભેટો આપી હશે નહીં?’
તો શું કહીશ? સેવા? જમાડ્યા, નવડાવ્યા, કપડા બદલાવ્યા? અરે, તો તો મહત્ત્વ કેટલું ઘટી જશે? મારે એમને કોઈક બહુમૂલ્ય વસ્તુ આપવી જ જોઈએ! મારે ગુરુજીને મનાવવા જ પડશે. ગુરુજી નદી કિનારે જવા આ સમયે નીકળશે જ. મને રાહ જોવા દે.
(દૂરથી ગુરુજીને આવતાં જુએ છે.)
ગાલવ  :  મુરુજી, ગારી સાત વાંભળો! (માથે ટપલું મારીને) ગુરુજી મારી વાત સાંભળો. મારો દૃઢ નિર્ણય છે કે, મારે તમને ગુરુદક્ષિણા આપવી જ છે.
વિશ્વામિત્ર  :  ગાલવ, અતિઉત્સાહી ન થા. તું કોઈ રાજાનો, નગરશેઠ કે પ્રધાનમંત્રીનો છોકરો નથી. એક સાધારણ કુટુંબમાંથી આવે છે. હું તારી પાસે કેમ માંગું? તેં મારા માટે પ્રેમથી ફરજ બજાવી છે એ જ બહુ છે! અંતે તો તું આશ્રમનો એક અંતેવાસી છે.
ગાલવ  :  ગુરુદેવ, અંતેવાસી છું એટલે તમારી સેવા મારી ફરજ છે. પણ મહર્ષિ બનાવવા માટે તમને ગુરુદક્ષિણા ન આપું તો હું ક્યાંયનો નહીં રહું. મારું માન નહીં રહે. તમારે દક્ષિણા માંગવી જ પડશે.
(વિશ્વામિત્રને ક્રોધ આવે છે. ગાલવ પગે પડે છે.)
માની જાવ ગુરુજી માની જાવ. દયા કરો. નહીં તો લોકો મારા પર થૂંકશે...
(વિશ્વામિત્ર ક્રોધથી ખસી જાય છે)
ગુરુજી, માની જાવ.. નહીં તો...
નહીં તો મારા માટે આત્મવિલોપન સિવાય કોઈ ઉપાય જ નહીં રહે....
(વિશ્વામિત્ર અત્યંત ગુસ્સે થઈને)
નશ્વર જંતુ, પામર જીવ, તારે ગુરુદક્ષિણા આપવી જ છે. તો સાંભળ... (મોટેથી)
મને આઠસો દિવ્યલક્ષણી શ્યામકર્ણી શ્વેત ઘોડા લાવી આપ. ત્યારે જ ગુરુદક્ષિણા મંજૂર કરીશ!
ગાલવ  :  ઘણી કૃપા કરી ભગવન્.. ઘણો આભાર..
(વિશ્વામિત્ર ગુસ્સે અને કંટાળેલા છે. ગાલવ પગે લાગીને ઘોડાની શોધમાં જાય છે. ભૂખ્યો તરસ્યો ઘણું રખડે છે. ઘણાંને પૂછે છે પણ આવા ખાસ પ્રકારના ઘોડા ક્યાંયથી મળતા નથી.)

હવે આવા, એક જ કાન કાળો હોય અને ચંદ્રમા જેવા ઊજળા ઘોડા હું શોધીશ ક્યાં? મારું તો શરીર સૂકાતું જાય છે, તબિયત બગડતી જાય છે. હવે મને અશ્વો નહીં મળે, તો ફરી આપઘાત કરવાનો જ વારો આવશે.

ના, પણ આપધાત તો કાયરનું જ કામ છે; એક કામ કરવા દે, વૈકુંઠ જઈને ભગવાન વિષ્ણુના સેવક મારા મિત્ર ગરુડની જ મદદ લેવા દે...
(વૈકુંઠ જતાં જ સામે ગરુડ મળ્યા.)
ગરુડ  :  અરે કોણ? ગાલવ ઋષિ કઈ તરફ? ઓળખાવ નહીં એવા ક્ષીણ થઈ ગયા છો!
ગાલવ  :  મારે મદદની જરૂર છે.
ગરુડ  :  શું થયું? કોઈ આપત્તિ આવી છે?
ગાલવ  :  ના,ના, પ્રસંગ તો હર્ષનો છે. મારે ગુરુદક્ષિણા આપવાની છે, જે બહુ દુર્લભ છે.
ગરુડ  :  મહેનત કરીએ તો ક્યાં કશું દુર્લભ છે, મિત્ર ! ભગવાનનો સેવક અને તમારો મિત્ર હાજર છે તમને મદદ કરવા. પણ વાત કંઈક વધુ અઘરી તો લાગે છે.
ગાલવ  :  હા, આભાર મિત્ર, અઘરી તો છે, મારે શ્વેતરંગના એક શ્યામકર્ણી આઠસો ઘોડાઓ જોઈએ છે.
ગરુડ  :  તો તો મારી તીક્ષ્ણ દૃષ્ટિથી ચારેબાજુ નજર કરવી પડશે. ચાલો પહેલાં પૂર્વ તરફ...
(બંને બધી દિશામાં દોડાદોડ કરે છે. ક્યાંયથી આવા અશ્વ મળતા નથી. બંને થાકીને બેસે છે.)
ગાલવ  :  એમ આપણને અશ્વો નહીં મળે. કોઈ ધન વગર આપશે પણ નહીં. હવે શું કરીશ? હું સાધારણ ઋષિને બદલે મહર્ષિ નહીં થઈ શકું. લાંછન છે મને.. મોકો મારી સામે છે પણ... (રડે છે)
ગરુડ  :  રડો નહીં મિત્ર ! મારી પાસે ઉપાય છે! આપણે ગંગા-યમુનાના સંગમ નજીક પ્રતિષ્ઠાન નગરના નહુષપુત્ર રાજા યયાતિ પાસે જઈશું. અનેક રાજસૂય યજ્ઞો, અશ્વમેધ યજ્ઞો કરીને ચક્રવર્તી બનીને એમણે ઘણી નામના કરી છે. ઉદાર દિલના પણ છે, એ જરૂર અશ્વો આપી શકે અથવા ધનથી મદદ કરી શકશે.
(બંને જણા જાય છે. રાજાના મહેલ પાસે પહોંચી અંદર જાય છે. એટલે કે નેપથ્યમાં જાય. રંગભૂમિ પર મહેલના ઓરડાનું દૃશ્ય, રાજા અને રાણી વાત કરતા આવે છે. માધવી પણ પાછળ છે એનાથી એ લોકો અજાણ છે.)
(યયાતિનું મોં પડી ગયું છે. મૂંઝવણમાં આંટા મારે છે.)
રાણી  :  રાજાજી.. શું તકલીફ છે? કેમ ઉદાસ છો?
રાજા  :  ધર્મસંકટ આવ્યું છે. વિશ્વામિત્ર શિષ્ય શ્રી તપોનિધિ ગાલવ, તપની મૂર્તિ, આપણી પાસે મદદ માંગવા આવ્યા છે. પણ.. આપણો તો ભંડાર.. હવે ખાલી છે. મદદ ન કરું તો મારી પ્રતિષ્ઠાને તકલીફ થાય. અને હું ઇચ્છું તો પણ મદદ કરી શકું એમ નથી. હવે શું કરવું?
રાણી  :  કોઈ મિત્ર રાજાને કહીએ...
રાજા  :  એ હિતકર નથી. તો મારું રાજ નબળું પડયું છે એ સૌ જાણી જાય..
માધવી  :  મારી પાસે એક ઉપાય છે. (પિતાને ઈશારાથી નજીક બોલાવતાં)
રાજા  :  બેટા તું અહીં છે?
માધવી  :  આ બ્રાહ્મણનું બ્રહ્મતેજ અદ્વિતીય છે, એ આપણા દરવાજેથી પાછા નહીં જાય પિતાજી! એની સાથે મને મોકલી દો. હું બધી મદદ કરીશ.
રાણી  :  દીકરી રહેવા દે. તને સંસારની નીતિરીતિ શું ખબર હોય? તું ભૂલ કરી રહી છે.
માધવી  :  એક પણ શબ્દ બોલ્યાં છો તો તમને મારા સમ છે! પિતાજીની પ્રતિષ્ઠાથી વધુ મારા માટે કંઈ નથી. મને જોઈને કોઈપણ મોં માગ્યા દામ આપી દેશે. બ્રાહ્મણનું બિચારાનું કામ થઈ જશે.
(માતા પિતાએ ભારે હૈયે સંમતિ આપી)
યયાતિ  :  એક શરત છે ઋષિ ગાલવ, તમને આઠસો ઘોડા મળી જાય તો માધવી મને પરત કરવી પડશે.
(પછી વિદાય આપતાં ગરુડ, માધવી તથા ગાલવ ચાલી નીકળ્યાં.)
ગાલવ  :  તમે ઘણાં જ સુંદર છો દેવી. તમે માતા પિતાની નિશ્રા છોડી મારી સાથે આવો તો છો પણ તમે મને મદદ કઈ રીતે કરશો?

માધવી

 :  હું ચંદ્રવંશી છું. રૂપવાન છું. એક અપ્સરા અને મારા પિતાનું સંતાન છું. વરદાન હોવાના લીધે અક્ષતયૌવના છું. સંતાનના જન્મ પછી મારું યૌવન જેવું હતું એવું જ પાછું થઈ જાય છે. એટલું જ નહીં, મને વરદાન છે કે હું પુત્રોને જ જન્મ આપીશ.
ગાલવ  :  તો?
માધવી  :  હું સંપત્તિવાન નિઃસંતાન રાજાને સંતાન મેળવવામાં મદદ કરી શકીશ. એના બદલામાં રાજા પાસે આઠસો શ્યામકર્ણી ઘોડા માંગી લેજો.

(ગાલવ ખુશીથી ઝૂમી ઊઠ્યો.)

ગાલવ  :  ધન્ય છે તમને સુંદરી… આપનું આયુષ્ય બળવાન હો!
ગરુડ  :  ઈક્ષ્વાકુ વંશના રાજા હર્યાશ્વ છે, જે નિઃસંતાન છે. એમને આપણે મદદ કરી શકીએ, આપણે ત્યાં જઈએ તો?
(સંગીત સાથે માઈમ દ્વારા વાતચીત બતાવવી. માધવીને આપવા ગાલવ તૈયાર અને અશ્વો માંગે, રાજા કહે કે બસો જ ઘોડા આપી શકશે.)
ગાલવ  :  રાજાજી, તમે મને બસો ઘોડા આપો. એ શરતે કે તમને એક સંતાન પ્રાપ્ત થાય પછી માધવીને તમારે મને પાછી આપવાની રહેશે.
રાજા  :  મંજૂર છે.
(સંગીત સાથે એ બતાવી શકાય કે માધવી રાજા સાથે રહે અને બાળકને જન્મ આપે છે. માધવી બાળક લઈને આવે છે.)
રાજા  :  મારા પુત્રનું નામ વસુમાન રાખું છું.
(રાજા રાણી વગેરેનો ખુશીનો માહોલ. ગાલવ અને માધવી ત્યાંથી જતાં રહે છે. માધવી વળી વળીને પુત્રને જુએ છે. ઉદાસ છે.)
ગરુડ  :  મેં તપાસ કરી રાખી છે. મારી જાણમાં આવ્યું છે કે કાશીનગરીના રાજા દિવોદાસ પણ નિઃસંતાન છે.
ગાલવ  :  તો ચાલો. જઈએ કાશી તરફ.
(માધવી પણ બંનેની પાછળ ચાલવા લાગે છે.)
(અલગ અલગ રાજ્યની વાત વખતે અલગ અલગ રંગની લાઈટ બતાવી શકાય. સંગીત સાથે માઈમ દ્વારા વાતચીત બતાવવી. રાજા કહે કે બસો જ ઘોડા આપી શકશે.)
ગાલવ  :  રાજાજી, તમે મને બસો ઘોડા આપો એ શરતે કે તમને એક સંતાન પ્રાપ્ત થાય પછી માધવીને તમારે મને પાછી આપવાની રહેશે.
રાજા  :  મંજૂર છે.
(સંગીત સાથે એ બતાવી શકાય કે માધવી રાજા સાથે રહે અને બાળકને જન્મ આપે છે. માધવી બાળક લઈને આવે છે.)
રાજા  :  મારા પુત્રનું નામ હું પ્રતર્દન રાખું છું.
ગાલવ  :  મારા કુલ ચારસો ઘોડા હું આ રાજ્યના ઘોડારમાં બાંધવા મંજૂરી માંગું છું. હું જલ્દીથી આવીને લઈ જઈશ.
રાજા  :  (ખુશ ખુશ થતાં) મંજૂરી છે... મંજૂરી છે..
(રાજા રાણી વગેરેનો ખુશીનો માહોલ. માધવી અને ગાલવ ત્યાંથી નીકળે છે. )
ગાલવ  :  આપણે હવે ભોજનગરમાં ઉશીનરરાજા પાસે જવાનું છે.
(માધવી યંત્રવત્ ચાલ્યા કરે છે. વૃક્ષ પરથી ફળ લઈ એને ચૂમે છે. ફરતાં ફરતાં એ લોકો દરબારમાં આવે છે. સંગીત સાથે માઈમ દ્વારા વાતચીત બતાવવી. રાજા કહે કે બસો જ ઘોડા આપી શકશે.)
ગાલવ  :  રાજાજી, તમે મને બસો ઘોડા આપો એ શરતે કે તમને એક સંતાન પ્રાપ્ત થાય પછી માધવીને તમારે મને પાછી આપવાની રહેશે.
રાજા  :  મંજૂર છે.
(સંગીત સાથે એ બતાવી શકાય કે માધવી રાજા સાથે રહે અને બાળકને જન્મ આપે છે. માધવી બાળક લઈને આવે છે.)
રાજા  :  હું જાહેર કરું છું કે મારા પુત્રનું નામ હું શિબિ રાખું છું.
માધવી  :  મારો પુત્ર....
રાજા  :  નક્કી કરેલ શરત પ્રમાણે મેં બસ્સો શ્યામકર્ણી ઘોડા તૈયાર રાખ્યા છે. બાળ તમારે મને સોંપી દેવાનો છે.
માધવી  :  આ બાળનું દિવ્ય કપાળ જોઈને જ મને લાગે છે કે મારો પુત્ર લાખોમાં એક થશે. આ મારું બાળક છે. હું એને નહીં ત્યાગી શકું.
ગાલવ  :  માધવી, તમે તમારી ફરજ ભૂલો છો...
(માધવી છૂટા મોંએ રડી પડે છે.)
ગાલવ  :  આવું નાટક ન કરો માધવી. તમે પોતાનાં બબ્બે સંતાનોનું તો દાન કર્યું જ છે, એ બતાવે છે કે પ્રેમ જેવું તત્ત્વ તમારા દિલમાં છે જ નહિ!
માધવી  :  હું એક જ વાત જાણું કે એ મારું બાળક છે, એને ત્યજી દેતાં મારા દિલના ટુકડેટુકડા થઈ જાય છે. કેવા નઠોર છો તમે. પણ એક માતાના મનની વાત તમે શું જાણો? તમે ક્યાંથી સમજો મને ગાલવ?
ગાલવ  :  શું કરવું તારું અને તારા આ વેવલાવેડાનું? જોતી નથી આટલા વિનિમય અને વહેવાર ગોઠવાય છે. પછી આટલો કચવાટ શા માટે? સ્ત્રીની જાત ક્યારે સુધરશે? અત્યંત નબળા મનની સ્ત્રી છે તું!
માધવી  :  ગાલવ, તારી પાસે જે કંઈ સંપત્તિ છે. એ આ નબળા મનની સ્ત્રીને લીધે જ છે, એટલું યાદ રાખજે!
(ગાલવ માધવીને ખેંચી જાય છે. માધવી ખૂબ રડે છે. ગરુડ રસ્તામાં મળે છે.)
ગરુડ  :  શું થયું?
(માધવીને રડતી મૂકીને આગળ જતાં)
ગાલવ  :  અરે ખૂબ પરેશાન છું હું! આ માધવી... એણે હવે નાટક ચાલુ કર્યાં છે અને હજુ તો મારી પાસે છસ્સો જ ઘોડા થયા છે.
ગરુડ  :  મને હમણાં જ માહિતી મળી છે એ પ્રમાણે આવા કુલ આઠસો અશ્વો જ પૃથ્વી પર હતા. અત્યારે છસ્સો તારી પાસે છે અને બસ્સો બ્રાહ્મણોને દાનમાં અપાયેલા. એ બધાં જ બ્રાહ્મણો અને અશ્વો એક નદી પાર કરતાં પૂરમાં તણાઈ ગયા છે. પણ એક વિચાર મને આવે છે, કે તું બ્રહ્મર્ષિ વિશ્વામિત્રને જ બસ્સો ઘોડાને બદલે માધવીનું દાન કરે તો? આ અક્ષતયૌવના દેવીને જોઈ કોઈ પણ તરત જ હા પાડી દે છે! તારી દક્ષિણા થઈ જશે.. ને વિશ્વામિત્ર પણ.. રાજી થશે.
(ગાલવના મનમાં વાત ઊતરે છે. એ લોકો વિશ્વામિત્ર પાસે જાય છે.)
ગાલવ  :  ગુરુજી આપના આ છસ્સો શ્યામકર્ણ અશ્વો અને બસ્સો અશ્વોને બદલે આ અક્ષતયૌવના સુંદરીનો સ્વીકાર કરો.
વિશ્વામિત્ર  :  ગાંડા ગાલવ, આ અનુપમ સુંદરીને એક એક પુત્રને બદલે અહીં તહીં લઈ નક્કામા લઈ ગયા. આઠસો ઘોડા બદલે અહીં જ લાવ્યા હોત, તો હું જ ચાર પુત્રો પેદા કરી લેત !

(ગાલવ હરખાય છે અને માધવી નિર્લેપ છે. સંગીત અને કંપોઝિશનથી માધવીને પુત્ર થાય છે એ બતાવવું.)

વિશ્વામિત્ર  :  મારા આત્મજનું નામ, મને અષ્ટક રાખવું ગમશે.
ગાલવ  :  ગુરુદેવ, મેં રાજા યયાતિને વચન આપેલું એ પ્રમાણે માધવી એમને પરત કરવી પડશે. અમને આજ્ઞા આપો.
(વિશ્વામિત્ર હાથ ઊંચા કરીને આશીર્વાદ આપે છે. ગાલવ અને માધવી જાય છે યયાતિના રાજદરબારમાં.)
ગાલવ  :  રાજાજી, આપની પુત્રી માધવી આપને પરત કરવા આવ્યો છું.
રાજા  :  આવ દીકરી માધવી. તું ખરેખર અક્ષતયૌવના છે. સ્વાગત છે. હું આજે જ તારા માટે સ્વયંવરની ઘોષણા કરું છું.
(માધવી ના ના કરતી બેસી પડે છે. રાણીમા એનો હાથ પકડવા જાય છે પણ માધવી છોડી દે છે.)
માધવી  :  આ શું કહો છો તમે? પિતાજી તમે એ દીકરીનો સ્વયંવર કરવા ઉતાવળા થયા છો, જેને પરણવાની હોંશ જ નથી રહી? મારે કોઈ વહેવાર ખાતર કે સામાજિક રિવાજ ખાતર પરણવું જ નથી!
યયાતિ રાજા  :  તારા પિતા કે એના રાજ્ય પ્રત્યે તારી કોઈ ફરજ નથી? બીજા રાજાઓને વંશ આપવા તેં તારી કૂખ પણ આપી. હવે જ્યારે તારા પિતા ઇચ્છે છે કે કોઈ સારા રાજ્ય સાથે આપણા સંબંધ સુધરે ત્યારે તું પરણવાની ના પાડે છે?
રાણી  :  તમે માધવીને દબાણ ન કરો સ્વામી! મારી એક વાત સાંભળો....
રાજા  :  ખબરદાર, તમે એક પણ શબ્દ બોલ્યાં છો તો!
માધવી  :  મા તમે મારી ચિંતા ન કરો. હું જાણું છું મારે હવે શું કરવાનું છે.
યયાતિ  :  પિતા કે પતિની આજ્ઞા ઉથામનાર સ્ત્રીની આ સમાજમાં કોઈ કિંમત નથી. પ્રસંગની તૈયારી શરૂ કરો. મારો આદેશ છે.
માધવી  :  પિતાજી, મને પિયરનું શરણ આપો, પિતાનું છત્ર અને માની હૂંફ આપો. મારે સ્વાર્થી દુનિયામાં નથી રઝળવું. મને કોઈ પ્રેમનો પ્યાલો અને દરકારની ગોદડી (દરી) આપો. મારે શાંતિથી સૂઈ જવું છે. મારા માટે જ જીવવું છે.
(રાણીમા માધવી તરફ જવા જાય પણ એનો હાથ રાજા પકડી લે છે અને ઘોષણા કરે છે.)
રાજા  :  મારા આમંત્રણનો સ્વીકાર કરીને રાજા, મહારાજા, યક્ષ, ગાંધર્વ કેટલાય લોકો મારી અક્ષતયૌવના પુત્રીને પરણવા તૈયાર થયા છે. મને ગર્વ છે હવે અમારો સંબંધ મોટામાં મોટા રાજ્ય કે અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ જોડે જ બંધાશે. મહાન રાજ્યોના પુત્રો વસુમાન, પ્રતર્દન અને શિબિ પણ સ્વયંવરમાં હાજર રહેવાના છે!
માધવી  :  : નહીં નહીં..હે ભગવાન ! એ તો મારાં સંતાનો છે, પિતાજી, મને માફ કરજો મારે નથી પરણવું. હું સ્વયંવર રચાશે તો આત્મવિલોપન કરીશ. હું નહીં જ પરણું, ક્યારેય નહિ, હું કોઈને પરણવા તૈયાર નથી. વિચારો તો ખરા! મારા પુત્રો મારા સ્વયંવરમાં આવે છે, મારા પુત્રો. એમને તો જરા પણ ખ્યાલ નથી કે હું એમની માતા છું. આવું ધર્મસંકટ ઊભું કરો છો? કેટલા સ્વાર્થી છો તમે?
યયાતિ  :  હવે હદ થાય છે. પુત્રીની મર્યાદા લોપાઈ રહી છે. આજે, અત્યારે જે સંજોગો છે એને અનુકૂળ થવું જ પડશે. દુનિયાને વહાલા થયા પછી ઘરની વાત આવે ત્યારે પીછેહઠ કરવી યોગ્ય છે? કેટલી માનતા પછી નિત્યયૌવના પુત્રીનો જન્મ અમારે ત્યાં થયો, આ દિવસ જોવા માટે?
(રાણીમા વિલાપ કરે છે. રાજા ધ્યાન નથી દેતા.)
માધવી  :  પિતાજી, પુત્રીની મર્યાદાની વાત કરતા હો તો મેં મારું જીવન ગાલવને અર્પણ કર્યું છે, એટલે એ મારા પતિ થયા કહેવાય. ગાલવ મારો સ્વીકાર કરે તો એની જોડે રહીશ. ગાલવની તકલીફ દૂર કરવા હું ક્યાં ક્યાં ફરી? બસ્સો શ્યામકર્ણી અશ્વો માટે હું મારાં સંતાનોથી દૂર થઈ. એ કોના માટે? ગાલવ માટે જ ને? તમે મહેરબાની કરીને મારો સ્વયંવર રદ કરો. હું મારું અક્ષતયૌવનનું વરદાન પણ પરત કરું છું. મારે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવું છે. મને માફ કરો પિતાજી. ગાલવ, મારે તમારી પત્ની બનીને રહેવું છે. સીધી સાદી ગૃહિણી બનવું છે. મારો પતિ મને દિલથી પ્રેમ કરે, એમાં તરબોળ થઈને જીવન વિતાવવું છે. હું તમારી સાથે વનમાં આવવા તૈયાર છું...
(આ બોલતાં જ માધવીની ઉંમર દેખાવા લાગી.)
ગાલવ  :  આ શું દોલ્યા બેવી? (ટપલી મારીને) આ શું બોલ્યા દેવી! તમે તમે...અ.. અ.. અ.. અક્ષતયૌવના નહીં રહો?.. તમારું શરીર વૃદ્ધ થઈ જશે? પણ એ મારાથી કેમ સહન થશે? જ્યારે મારી પાસે આવવાનું ત્યારે જ ઘડપણ લઈને આવવાનું? આજ સુધી મેં તમને યુવાન જ જોયાં છે. વૃદ્ધ થશો તો હું તમને સ્વીકારી નહીં શકું. અરે, આમ પણ... તમે તો... આમ જુઓ તો મારા માટે 'મા' સમાન છો, કારણ તમને તો ગારા મુરુજીથી પુત્ર પણ થયો છે. (માથે ટપલું મારીને) અરે, મારા ગુરુજીથી પુત્ર પણ થયો છે. હું.. હું.. હું. તમારી સાથે ન રહી શકું.

(આ સાંભળતાં જ દુઃખી થયેલી માધવી મહેલની બહાર વન ભણી ચાલવા લાગે છે.)

માધવી  :  જેને પતિ માન્યો એ હવે ખરેખર તો મારા ઘડપણને લીધે મને સ્વીકારવા તૈયાર નથી. મારો સંસારમાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે મારું પિયર પણ વન અને સાસરું પણ વન!
રાજા  :  માધવી, તું આ યોગ્ય નથી કરી રહી.
રાણી  :  દીકરી, અમને છોડીને ન જા... માધવી.........
માધવી.....
માધવી  :  (માતા પિતાને પગે લાગીને ચાલી નીકળે છે)
રાણી  :  મેં તને જન્મ આપ્યો છે. તારી મા છું. મારો તો વિચાર કર, દીકરી!
માધવી  :  જન્મ આપીને સંતાન તરીકે આ સંસારમાં મને લાવ્યાં એ બદલ ખૂબ ખૂબ આભાર પણ હું આ સંસારમાં આવીને મારી જાતને જ ભૂલી જઉં, એ યોગ્ય છે? તમે કોઈએ વિચાર્યું કે માધવીને શું ગમશે ? ક્યારેય પૂછ્યું કે તારે હવે શું કરવું છે?
રાણી  :  બેટા, તેં બલિદાન આપ્યાં જ છે, તો એનું સારું ફળ હવે મળશે. તું રોકાઈ જા. ચાલી ન જા.
માધવી  :  તમે કેમ એવું ન શીખવાડો કે બલિદાનની પણ મર્યાદા હોય છે ! દાન પણ પાત્રતા જોઈને અપાય છે. તો જીવન આખું ગમે ત્યાં ન જ આપી દેવાય ને? એક જન્મ મળે છે, એને સાર્થક કરવાનો પ્રયત્ન એટલે જ ઈશ્વરની નજીક જવાની વાત છે. પદ, પ્રતિષ્ઠા, પૈસો અને સ્વાર્થ મનુષ્યને પવિત્રતાથી દૂર લઈ જાય છે. આ સૃષ્ટિ પર ખાલી કુદરત જ પોતાની અંદર પવિત્રતા સંકોરીને બેઠી છે. મારે પણ બસ હવે એકદમ કુદરતી અને પવિત્ર જીવન જ જીવવું છે.
રાણી  :  બેટા, અમને છોડીને ન જા. તું હવે વૃદ્ધ થવા લાગી, અને અમે તો તારાથી પણ વધારે વૃદ્ધ!
રાજા  :  તારે કુટુંબ જોઈતું હતું ને? ત્યાં વનમાં કોઈ કાળે એ મળવાનું છે?
માધવી  :  હું હરણ જોડે કૂદીશ, સસલાં જોડે રમીશ, નદી સાથે વહીશ અને પર્વતની ટોચે જઈ દુનિયા જોઈશ... હવે કુદરત જ મારું કુટુંબ. કુદરત પાસેથી શીખવાનું છે પિતાજી! કુદરત જેને જે આપી શકાતું હોય એ બસ આપે છે. એ જ એની ખૂબી છે. કંઈ આપવાના બદલામાં કશું લઈ લેતી નથી. પોતાની પાસે જે હોય એ બીજાને આપવું એ છે પ્રેમ! રહી વૃદ્ધત્વની વાત. તો મારી પ્રવૃત્તિ જ મારું યૌવન છે. એ જ મારો આનંદ છે. એ જ મારા જીવનની સાર્થકતા છે.
(રાજા રાણી રડતાં રડતાં ચાલી જાય છે.)
(ગરુડ અને ગરુડપત્ની આવીને માધવીને પ્રણામ કરે છે. માધવી રંગમંચ છોડી જાય છે. )
ગરુડપત્ની  :  તો વાત આવી છે માધવીની? માધવી એટલે એકદમ નૈસર્ગિક, ઋજુ(નાજુક) હૃદયી, એકદમ સાત્ત્વિક સ્ત્રી. સગાં માટે, ગમતી વ્યક્તિ માટે એણે જાન કુરબાન કરી. પણ એણે જ્યારે નાનું સરખું વળતર ઇચ્છ્યું તો બધાં તરફથી આરોપો મુકાયા.
(ગરુડ દૂર દૂર સુધી ડાબેથી જમણે નજર કરે છે.)
ગરુડપત્ની  :  હું તમારી સાથે વાત કરું છું અને તમે શું જોયા કરો છો?
ગરુડ  :  વીતી ગયેલી વાત હવે સ્વરૂપ બદલે છે. હવે એ જ માધવીને આ જમાનામાં બદલાતી જોઉં છું. આજની સ્ત્રી તરીકેના એના હક્ક સમજતી જોઉં છું, એ યુગ વીતી ગયો જેમાં રહેવાથી માધવીની દૃષ્ટિ ખૂલી ગઈ હતી.
ગરુડપત્ની  :  સ્ત્રી હવે બરાબર જાણે છે કે આત્મસન્માન કેમ જાળવવું. સ્ત્રીત્વ સન્માનભર્યું છે, તો એને કેમ ઉજાળવું. સ્ત્રી પોતે સ્વયંસિદ્ધા બની જ શકે છે. એ માધવીની પાછળની પેઢી બરાબર જાણે છે. ભલે, માધવીએ કોઈ સ્ત્રી-બાળકને જન્મ નહોતો આપ્યો....
ગરુડ  :  પણ એમણે વનમાં એક આશ્રમ સ્થાપ્યો. જેમાં ત્યક્તા, બેસહારા કે એકલી સ્ત્રીઓને તે આશરો આપતો. સૌ સાથે મળીને એકબીજાના દિલના દીવામાં ઊંજણ પૂરતાં. કહેવાય છે કે આજુબાજુના વિસ્તારોમાં રહેતી દરેક સ્ત્રીના મનમાં એક સધિયારો હતો. પોતાને કોઈ તકલીફ પડે, તો માધવીમા છે.
ગરુડપત્ની  :  સમયની નદી વહી ગઈ. એમાં પગ બોળનાર બધા ભીંજાયા. બધા પોતાનું જ્ઞાન પામ્યા. સ્ત્રીને પોતાનું ખરું સ્વરૂપ સમજાવનાર માધવીમાનો જય હો!
બંને સાથે  :  માધવીમાનો જય હો!

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સમાપ્ત