નારીસંપદાઃ નાટક/આજન્મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. આજન્મા

પારુલ કંદર્પ દેસાઈ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> પહેલું દૃશ્ય

(સવારના નવ વાગ્યાનો સમય. સામાન્ય વેપારી કુટુંબનું ઘર. ડ્રોઈંગરૂમમાં લાકડાનો કબાટ, ટિપોય પર ટી.વી., ટેબલ પર ફોન, ડાયરી ને છૂટા કાગળો આડાઅવળા પડ્યા છે. એક બાજુ સોફાસેટ, બીજી બાજુ નાનકડી પાટ. રીટા ઘરમાં ઝાપટઝૂપટ કરતી હોય છે. ત્રણ વર્ષની બેબીનાં ત્રણ-ચાર ફ્રોક, વીખરાયેલાં પડ્યાં છે તેને સંકેલી કબાટમાં મૂકવા જાય છે. નીપા સોફા પર બેઠી બેઠી છાપું વાંચતી હોય છે. )
નીપા
 : 
(મોટેથી) ભારતે નાગપુરમાં વેસ્ટઈન્ડિઝ સામે જીતેલી મેચ ફિક્સ થયાની શંકા.
રીટા
 : 
શું ફિક્સ થયું? કોનું ફિક્સ થયું? કોની સાથે ફિક્સ થયું?
નીપા
 : 
શું ભાભી તમેય તે. હું મેચની વાત કરું છું. ક્રિકેટમેચની.
રીટા
 : 
એ ક્રિકેટ -બ્રિકેટમાં આપણને ખબર ન પડે. કંઈક સારા સમાચાર હોય તો વાંચો ને?
નીપા
 : 
(છાપું ઊથલાવતાં) સારા સમાચાર... (અક્ષરો છૂટી પાડી બોલતા છાપું ઊથલાવે છે.) હં, આ રહ્યા તમારા પ્રિય હીરો વિશે. આખરે અભિષેકે ઐશ્વર્યાને સગાઈની વીંટી પહેરાવી.
રીટા
 : 
(ખુશ થઈને) ભગવાન એમને સુખી રાખે. તે હેં નીપાબહેન, એ વાત સાચી કે ઐશ્વર્યાને મંગળ નડે છે એટલે એ પહેલાં પીપળા સાથે પરણશે અને પછી અભિષેક સાથે !
નીપા
 : 
એવું તે હોતું હશે? આ છાપાંવાળા આવું છાપી છાપીને લોકોની અંધશ્રદ્ધા વધારે છે.
રીટા
 : 
ના હોં નીપાબહેન, સાવ એવું નથી. મારા ગામમાં તો એક છોકરીનાં કુંભ સાથે લગ્ન કર્યાં હતાં.
નીપા
 : 
ભાભી, એવી બધી અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓએ જ આપણા દેશનો દાટ વાળ્યો છે. આ જુઓ. શું લખ્યું છે? છોકરાઓ માબાપને ઘરડાઘરમાં મૂકી આવ્યા, જ્યારે એની દીકરી એને પોતાને ઘેર લઈ ગઈ.
રીટા
 : 
એમ? છોકરીનાં સાસરિયાંએ એને કશું ના કહ્યું?
નીપા
 : 
શું કામ કહે? કેમ, છોકરીને પોતાનાં માબાપને સાચવવાનો, એમની સંભાળ લેવાનો અધિકાર નથી? ભાભી, આજે તો સ્ત્રી ધારે તે કરી શકે. જુઓ, આમાં વાંચો. પરદેશ રહેતો દીકરો સમયસર ન આવી શક્યો તો દીકરીએ પિતાને અગ્નિદાહ દીધો.
રીટા
 : 
હાય, હાય, એમાં તો પાપ લાગે. દીકરીથી તે સ્મશાને જવાતું હશે?

 : 
(રમીલાબહેન પ્રવેશે છે)
રમીલાબહેન
 : 
સવાર સવારમાં આ શું વાતોના તડાકા ચાલે છે? રીટા, સેવાપૂજાની મારી દીવી મળતી નથી. પેલી કાળકાએ તો કયાંય નથી મૂકી દીધી ને. કાલ એનાથી રમતી હતી. આ છોકરીથી તો તોબા... તું જો ને, મારે પૂજાનું મોડું થાય છે.
નીપા
 : 
(અકળાઈને) મમ્મી, તું પિન્કીને આમ કાળકા શું કામ કહે છે? આવી મઝાની છોકરી, તારા દીકરાની દીકરી તને વહાલી નથી લાગતી? (રમીલાબહેન કશું બોલવા જાય ત્યાં દિલીપ બૂમો પાડતો પ્રવેશે છે. ટેબલ પાસે જતાં)
દિલીપ
 : 
રીટા, એ રીટા, મારી ઘડિયાળ ક્યાં મૂકી છે? અને મારી પેન? પેલી બારક્સના હાથમાં તો નથી આવી ગઈ ને? તને કેટલી વાર કહ્યું છે કે મારી વસ્તુઓ એને અડવા દે મા!
નીપા
 : 
અરે પણ, મોટાભાઈ, એને એવી શી ખબર પડે?
દિલીપ
 : 
(એને અવગણી, રીટા સામું જોતાં) મારે મોડું થાય છે, તને ખબર તો છે કે એનપીડબલ્યુમાં પાર્ટનરશિપ કર્યા પછી કામ કેટલું વધી ગયું છે? દોડાદોડીનો પાર નથી ને એમાં તું ને તારી આ છોકરી... (રીટા -ઘડિયાળ અને પેન આપે છે તે લઈ ઝડપથી પગલાં ભરતો જાય છે.)
રમીલાબહેન
 : 
(ઓવારણાં લેતાં હોય તેમ) સો વરસનો થજે દીકરા ને સંભાળીને જજે !
નીપા
 : 
મોટાભાઈની પ્રગતિથી તું કેટલી બધી ખુશ છે નહીં મમ્મી !
રમીલાબહેન
 : 
તે કેમ, તું નથી? હજુ પાંચ વરસેય થયાં નથી ને એણે ઓલ્યું શું? મને તો નામેય યાદ નથી રહેતું એવી.
રીટા
 : 
એનપીડબલ્યુ.
રમીલાબહેન
 : 
હા એ જ. એમાં ભાગીદારી કરી. આ કંઈ નાની વાત છે? એની પાછળ કરેલી મહેનત લેખે લાગી.
નીપા
 : 
તે હેં બા, તેં મને આર્કિટેક્ટનું ભણવા જવા દીધી હોત તો? મારી પાછળ કરેલી મહેનત પણ લેખે ન લાગત?
રમીલાબહેન
 : 
ફરી પાછી તારી એની એ જ રામાયણ ! (વહાલથી સમજાવતાં) જો નીપુ, દીકરીની જાતને વળી, એવું બધું ભણીને શું કરવાનું? આપણે તો બે ટંક રસોઈ ને છોકરાં મોટાં કરીએ એટલે બસ, મારા ભાય !
નીપા
 : 
કેમ, આ સુનીતા વિલિયમ્સ છોકરી હોવા છતાં અવકાશયાત્રી બની ને?
રમીલાબહેન
 : 
જો બેટા, આપણે રહ્યાં સાવ સાધારણ માણસો. આપણને એવું બધું ન પોસાય. મારે તો મારી દીકરીને એના સાસરામાં રાજ કરતી જોવી છે. લે મારી દીવી લાવ. (રીટા દીવી શોધીને આપે છે તે લઈ જતાં જતાં) આ તારી જોડેની જીભાજોડીમાં મારે પૂજાનું મોડું થઈ ગયું.
નીપા
 : 
અહીં જાણે ભાભીને રાજ કરવા દેતા હોય !
રીટા
 : 
એમ શું બોલો છો નીપાબહેન! મમ્મી તો તમારું ભલું જ ઇચ્છે ને?
નીપા
 : 
મમ્મીએ મારું ભલું તાક્યું છે એમ? ભાભી, તમને ખબર છે, મેં કેવાં કેવાં સપનાં સેવ્યાં હતાં ? મારું સપનું...

મારું સપનું તમને કહું તો આજે મને તમે ભલે ગાંડી ગણો પણ બારમા ધોરણમાં ૯૨ ટકાએ પાસ થઈ ત્યારે મારે આર્કિટેક્ટ ડિઝાઈનનું ભણવું હતું. તમે તો સાક્ષી છો ભાભી, મમ્મીએ એમાં એડમિશન ન લેવા દીધું ને મેં મન મારીને સાયન્સમાં એડમિશન લીધું. આજેય મારા મનમાં મારે બાંધવાં છે એવાં અવનવાં સ્થાપત્યના નકશા દોરાય છે ને ભૂંસાય છે. સાવ જુદી જ રીતે ડિઝાઈન કરેલા આલાગ્રાંડ નગરના પ્રવેશદ્વારે સ્થપતિ તરીકે મારું નામ હોય ભાભી, બણગાં નથી ફૂંકતી હોં, મારા સાહેબ કહેતા હતા, નીપામાં એ શક્તિ છે, પણ મારું એ સ્વપ્ન જન્મતાંની સાથે જ મરી ગયું.

રીટા
 : 
નીપાબહેન...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> બીજું દૃશ્ય



(દિલીપ અને રીટા ચાલતાં ચાલતાં વાતો કરે છે.)
દિલીપ
 : 
અરે, આજે તો પુનમ લાગે છે, જો, આકાશમાં ચંદ્ર મોટી ચાંદીની થાળી જેવો લાગે છે.
રીટા
 : 
તમને તો બધામાં સોના-ચાંદી જ દેખાવાનાં, મને તો આવી ચાંદની રાતે તમારી સાથે ચાલવાનું બહું ગમે. પણ તમને હવે મારી સાથે વાત કરવાની ય નવરાશ ક્યાં મળે છે.
દિલીપ
 : 
ના, ના, એવું નથી પણ આ દિવસો જ કમાઈ લેવાના છે. મારું સપનું છે, આપણો એક મોટો બંગલો હોય, એમાં બહાર હીંચકા પર બેઠાં બેઠાં આપણે ઝૂલતાં હોઈએ ને આપણાં બે બાળકો....
રીટા
 : 
(ધીમેથી) એમ ? તો તમારું એ સપનું હવે પૂરું થશે.
દિલીપ
 : 
(એની જ ધૂનમાં) ના, ના, એના માટે તો હજી ઘણી મહેનત કરવી પડશે.
રીટા
 : 
પણ હું શું કહું છું તે સાંભળો તો ખરા ! મને મને.. હું...
દિલીપ
 : 
(રીટાનો મલકાતો-શરમાતો ચહેરો જોઈને) અરે વાહ! તને ક્યારે ખબર પડી?
રીટા
 : 
આજે સવારે કચરો વાળતી હતી ને એકદમ ઉબકો આવ્યો તે દોડીને વૉશબેસીન.. મમ્મી તો મને જોઈ જ રહ્યાં’તાં.....એમની આંખોમાં જે ખુશી...
દિલીપ
 : 
ખુશ થાય જને ! એ તો રાહ જ જોતાં હતાં. જો રીટા, આપણે એનું નામ દર્શન રાખીશું. હું એને એવો ટ્રેઈન્ડ કરીશ કે મારા બિઝનેસને મોટો થઈને એ જ સંભાળી લેશે.
રીટા
 : 
પાછી બિઝનેસની જ વાત. તમને એ સિવાય બીજું કંઈ સૂઝતું નથી? અને એ દીકરો જ હશે એવું કોણે કહ્યું?
દિલીપ
 : 
જો જે, તું છોકરીના વિચારો નહીં કર્યા કરતી. ગોર મહારાજે કીધું એટલે તો આટલો ખર્ચો કરીનેય પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો છે. આ એનું જ ફળ છે. તું જોજે ને, હવે તો દીકરો જ. (પ્રેમથી એની સામે જોઈ રહે છે.)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ત્રીજું દૃશ્ય



(નીપા ખુરશી પર બેઠાં બેઠાં વાંચતી હોય છે. રીટા કામ કરતી હોય છે. ત્યાં રમીલાબહેન બહારથી અંદર પ્રવેશે છે)
રમીલાબહેન
 : 
આ મંદિરેય કેટલી બધી ભીડ! મહાપૂજાય શાંતિથી કરવા ન દીધી. મહારાજે ય ઉતાવળથી મંત્ર બોલી દીધા.

નીપા

 : 
(રમૂજથી) અરેરે મમ્મી, આવું ન ચાલે. હવે તો તારે ફરીથી મહાપૂજા કરવા જવું પડશે. રમીલાબહેનઃ બેસ, બેસ, ચિબાવલી (કબાટ પરથી રીટાને સૂટકેસ ઉતારવાનો પ્રયત્ન કરતી જોઈને) અરે બેટા, હવે તારે આમ, આવી રીતે નહીં કરવાનું ને નીપા, તને આટલીય ખબર નથી પડતી! આખો દિવસ ચોપડીમાં મોં ઘાલીને શું વાંચ્યા કરે છે. તારી ભાભી આમ ઊંચી થઈને આ સૂટકેસ ઉતારે છે તે.....
નીપા
 : 
ઓ.કે. મમ્મી, ચોપડી બંધ ભાભી, તમે આ સોફા પર બેસો. અત્યારે તો તમારાં માનપાન છે. લાવો, બેગ હું ઉતારી દઉં.
રીટા
 : 
તમ તમારે વાંચો, નીપાબહેન, બેગમાં વજન નથી.
નીપા
 : 
હવે વાંચવાનું કેવું? હું કામિનીને ત્યાંથી નોટ્સ લઈ આવું.
રમીલાબહેન
 : 
જલદી પાછી આવજે. રીટાથી હવે વઘારની વાસ સહન નથી થતી. રસોઈ તારે કરવાની છે.
નીપા
 : 
આમ ગઈ ને આમ આવી. (જાય છે. દિલીપ ઉતાવળથી ઘરમાં પ્રવેશે છે.)
દિલીપ
 : 
રીટા, ક્યાં ગઈ? ચાલ, આપણે ડોક્ટર પાસે જઈ આવીએ..
રીટા
 : 
કેમ ?
દિલીપ
 : 
તારી તબિયત બતાવી જોઈએ.
રીટા
 : 
મને તો સારું છે. હમણાં કંઈ બતાવવાની જરૂર નથી.
રમીલાબહેન
 : 
દિલીપ કહે છે તો જઈ આવો. અત્યારથી બતાવતાં રહેવું સારું.
દિલીપ
 : 
મેં મિસિસ ગણાત્રા પાસે એપોઈમેન્ટ પણ લઈ લીધી છે.
રીટા
 : 
(ચોંકીને) મિસિસ ગણાત્રા? એ કોણ? ગયે વખતે તો મેં મિસ મહેતાને બતાવ્યું છે.
દિલીપ
 : 
ગયે વખતે બતાવ્યું તે જ ડોક્ટરને આ વખતે બતાવવું જોઈએ એવું થોડું છે?
રીટા
 : 
પણ...
દિલીપ
 : 
(અકળાઈને) પણ શું? આ ડોક્ટર ઘણાં સારાં છે. તું જોજે ને?
રમીલાબહેન
 : 
વર સામે આટલી જીભાજોડી શું કરવાની? એ કહે છે તો જઈ આવને.
રીટા
 : 
સારું. તૈયાર થઈને આવું છું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ચોથું દૃશ્ય



(દિલીપ ટેબલ પર બેસીને કંઈક લખતો હોય છે. હાથમાં કેલ્કયુલેટર પર ગણતરી કરતો હોય છે. ત્યાં રીટા આવે છે. એના સ્વરમાં લાચારી અને અકળામણ છે.)
રીટા
 : 
(અકળાયેલા સ્વરે) દિલીપ, દિલીપ, મમ્મી આ શું કહે છે?
દિલીપ
 : 
(માથું ઊંચું કર્યા વિના) શું કહે છે?
રીટા
 : 
એમ નહીં, આમ મારી સામે જુઓ દિલીપ, મારી વાત સાંભળો.
દિલીપ
 : 
તે બોલ ને, મારા કાન તો ખુલ્લા જ છે.
રીટા
 : 
એમ નહીં, આમ જુઓ.
દિલીપ
 : 
શું છે જોતી નથી, હું કામ કરું છું તે?
રીટા
 : 
મમ્મી કહે છે કે એબોર્શન કરાવી નાખવાનું!
દિલીપ
 : 
તે એમાં ખોટું શું છે ?
રીટા
 : 
પણ શેને માટે? મારી તબિયત તો સારી છે. અંદરેય બધું ય બરાબર છે પછી એબોર્શન શું કામ?
દિલીપ
 : 
મમ્મીએ તને સમજાવ્યું નથી? જો રીટા, મમ્મીને હવે વંશ વારસ જોઈએ છે અને એક દીકરી તો છે આપણે. પછી બીજી દીકરી...
રીટા
 : 
(આઘાતથી) તો તમે મને એટલા માટે મિસ મહેતા પાસે નહીં ને મિસિસ ગણાત્રા પાસે લઈ ગયા હતા એમ ને? તમે તો મને આવું કશું કહ્યું નહોતું.
દિલીપ
 : 
જો, રીટા....
રીટા
 : 
(અધવચ્ચેથી) મને ખબર છે દિલીપ કે સોનોગ્રાફી તો જ કરાવાય જો બાળકમાં કશી ખોડ-ખાંપણનો અંદેશો હોય. તમે.. તમે મને છેતરી, દિલીપ !
દિલીપ
 : 
(સમજાવતાં) જો રીટા, તને ખબર છે મારા સ્વપ્નની, દીકરીઓ તો પરણીને સાસરે જતી રહેવાની, મારો આ બિઝનેસ સાચવવા-સંભાળવા કોઈક તો જોઈશે ને?


(લાડથી) ક્યારેય એવું બન્યું છે કે મેં તારી વાત ન માની હોય? તેં માગ્યું એથી ય વધારે નથી લાવી આપ્યું મેં તને? અને એક છોકરી તો છે આપણે.
રીટા
 : 
પણ દિલીપ, આ પાપ છે. મારે આવું નથી કરવું.
દિલીપ
 : 
(ગુસ્સે થઈને) પાપ-પુણ્યની તને બહુ ખબર પડે પાછી. આટલા પ્રેમથી સમજાવું છું તો ય સમજતી નથી. જો રીટા, મારે બેથી વધારે બાળકો નથી જોઈતાં અને બીજો તો છોકરો જ. (જતાં જતાં પાછા વળીને) જો સાંભળી લે, રીટા, આ વાતમાં મીનમેખ નહીં થાય. હવે નક્કી તારે કરવાનું છે, દીકરાની મા થવું છે કે પછી... (જાય)
રીટા
 : 
એટલે તમે મને ધમકી આપો છો? (આંખમાં આંસુ સાથે ડૂસકું)


(રીટા ઉદાસ ચહેરે બેઠી હોય છે ત્યાં રમીલાબહેન રીટાનાં મમ્મી સાથે પ્રવેશે છે.)
રમીલાબહેન
 : 
લો, આ રહી તમારી દીકરી. તમે જ સમજાવો હવે એને. (જાય છે.)
મા
 : 
જો, બેટા, તારાં સાસુ સાચું જ કહે છે.
રીટા
 : 
શું સાચું કહે છે?
મા
 : 
એમ કે દીકરો હોય તો...
રીટા
 : 
એટલે તું ય મા? તેં તો અમને ક્યારેય એવું લાગવા દીધું નથી કે અમારે ભાઈ નથી. અને અમે છોકરીઓ છીએ એનો અફસોસ તો તેં ક્યારેય કર્યો નથી.
મા
 : 
સાવ એવું નથી. બેટા, મને ય થતું તો હતું જ કે મારે દીકરો કેમ નહીં, પણ તારા પપ્પા તો દેવપુરુષ હતા. તારા પછી યામિનીનો જન્મ થયો એટલે એમણે કહી દીધું કે મારે તો બે બસ છે. ભલે દીકરી રહી. દીકરી મારી કાળજાનો કટકો.


(બંને ફ્રિજ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.)


દીકરી મારી કાળજાનો કટકો
રીટા
 : 
તો ય તું મને આજે....
મા
 : 
મારું ય હૈયું વલોવાઈ જાય છે તને આવું કહેતા. પણ બેટા, વિચાર કર, તારે હવે અહીંયા જ જિંદગી કાઢવાની છે, અને સાચું કહું આ લોકો કહે એમ જ જીવવાનું છે. આપણો સ્ત્રીનો અવતાર તો મીઠાના ગાંગડા જેવો, જીવનભર ઓગળતા રહેવાનું. એક દીકરી તો છે તારે, દીકરાની આશાએ કેટલા જીવને.. દીકરીઓને જન્મ આપીશ તું અને તારી એક દીકરીની આવી દશા છે તો બીજી તો એમને કેમ કરીને પોસાવાની ?
રીટા
 : 
પણ મમ્મી, આની પછી ય પાછી છોકરી જ હશે તો. દીકરાની આશાએ ક્યાં સુધી હું મારી અંદર પાંગરી રહેલા જીવને મારે હાથે જ મારી નાખીશ?
મા
 : 
જો બેટા, મને તો સધિયારો હતો તારા પપ્પાનો એટલે મક્કમ રહી શકી. મારાં સાસુ ને નણંદ મને હંમેશાં મહેણાં-ટોણાં મારતાં, અભાગણી, અપશુકનિયાળ અને કેવી કેવી ગાળો બોલતાં—આજે ય મને યાદ આવે છે ને ધ્રૂજી જવાય છે. (માથે હાથ મૂકતાં) જો બેટા, બધું ય ઉપરવાળા પર છોડી દે. શી ખબર એ જ આ જીવને જન્મ આપવા નહીં માંગતો હોય! (માનું ડૂસકું.)


(નીપા ઉત્સાહથી ઊભરાતી એક હાથમાં સૂટકેસ અને બીજા હાથમાં મોટી ફ્રેમ લઈ પ્રવેશે છે.)
નીપા
 : 
ભાભી, આ જુઓ તો ખરાં હું શું લાવી છું તમારા માટે?


(રીટાનો ચહેરો ઉદાસ છે. રમીલાબહેન માળા ફેરવતાં બેઠાં છે. રીટા તેલનો ભારે ડબ્બો ઊંચકીને અંદર લઈ જવા જાય છે.)


અરે ભાભી, આ શું કરો છો? આવી હાલતમાં તમારાથી વજન ન ઊંચકાય, હાથમાંથી તેલનો ડબ્બો લઈને નીચે મૂકી દે છે. મમ્મી, તું પણ કશું કહેતી નથી, (રીટાનો હાથ પકડીને સોફા પર બેસાડે) જુઓ, હું તમારા માટે શું લાવી છું?


(ફ્રેમ સીધી કરે છે. એક નવજાત બેબીનું ખિલખિલાટ હસતું ચિત્ર છે.)
રમીલાબહેન
 : 
અરે વાહ ! ફોટામાં છોકરો કેવો સરસ લાગે છે?
નીપા
 : 
છોકરો નથી, છોકરી છે. (ભીત પર લગાડતાં) ભાભી રોજ આને જોશે ને તો મન આનંદમાં રહેશે.


(કેમ ભાભી?)
રમીલાબહેન
 : 
કંઈ ફોટા નથી જોવા, કાલે કે પરમદિવસે સાફ કરાવી નાંખવાનું છે.
નીપા
 : 
(ચિંતાથી) કેમ, કેમ, ભાભી, કંઈ મુશ્કેલી છે? મમ્મી મારી આમ કેમ કહે છે?
રીટા
 : 
(એકદમ ઊભી થઈ જાય છે.) હું આવું છું હમણાં.
રમીલાબહેન
 : 
(નીપાને પાસે બોલાવતાં) જો, આ વખતે ય છોકરી છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો તો ય બીજી કાળકા જ બેઠી છે.
નીપા
 : 
મમ્મી, આ તું કયા જમાનાની વાત કરે છે ! છોકરી હોય તો શું વાંધો છે? આજે તો દીકરો કે દીકરી બધું સરખું છે.
રમીલાબહેન
 : 
નથી બધું સરખું. દીકરો હોય તો આ દિલીપની જેમ આખું ઘર સંભાળી લે ને!
નીપા
 : 
મમ્મી, એક વાત પૂછું ?
રમીલાબહેન
 : 
પૂછ ને?
નીપા
 : 
મમ્મી, તું રોજ આ કીડીયારું પૂરે છે. મંદિરે જાય છે ત્યારે પક્ષીઓને ચણ ખવડાવે છે, એ શેને માટે?
રમીલાબહેન
 : 
જો બેટા, કીડી માટે કીડીયારું પૂરવું, પક્ષીઓને ચણ નાખવું, ગાય-કૂતરાં માટે રોટલી કાઢવી એ આપણો મનુષ્ય તરીકેનો ધર્મ છે. એ બધાની અંદર જીવ છે.
નીપા
 : 
(કટાક્ષમાં) હં હં ! એમની અંદર જીવ છે. એમ ને ?
રમીલાબહેન
 : 
કેમ આમ મરડાટમાં બોલે છે?
નીપા
 : 
એ બધામાં જીવ છે મમ્મી અને આ ભાભીના ગર્ભમાં જે પાંગરી રહ્યું છે એ એમાં જીવ નથી?
રમીલાબહેન
 : 
(થોથવાતાં) હું ક્યાં એમ કહું છું? પણ વંશ તો રહેવો જોઈએ ને ! અને છોકરી તો પારકે ઘરે જતી રહેવાની.
નીપા
 : 
મમ્મી, મારા દાદાનું નામ શું?
રમીલાબહેન
 : 
વસનજી, દિલીપ રમણિકલાલ, રમણીકલાલ વસનજી,
નીપા
 : 
અને વસનજીદાદાના દાદાનું ?
રમીલાબહેન
 : 
વસનજી ગુલાબરાય, અને ગુલાબરાય.. ગુલાબ... રા...ય.....
નીપા
 : 
બસ ને મમ્મી, ગોથા ખાવા માંડીને? ચોથી પેઢી ય યાદ આવતી નથી ને? તો ક્યા વંશ ને વારસ માટે તું ભાભીને આ નહીં જન્મેલી દીકરીની હત્યા કરાવવાની ફરજ પાડે છે?
રમીલાબહેન
 : 
એય મારું માથું ખા મા, તું નાની છો. તને આમાં સમજ ન પડે. બધી વાતમાં ડબકડોળા કરવા નીકળી પડે છે.
નીપા
 : 
ઓ.કે. મને એમાં સમજ ન પડે પણ મમ્મી, હું તારી ને પપ્પાની દીકરી નથી? તમારો અંશ નથી?
રમીલાબહેન
 : 
અરે, આમ આડું આડું કેમ બોલે છે આજ તું? તું અમારી જ દીકરી છે.
નીપા
 : 
તો પછી દીકરો જ દી' વાળે, દીકરાથી જ વંશ રહે એવું કેમ મમ્મી? આ તે કેવા નિયમો છે? જેમાં જન્મદાતા સ્ત્રીને કશાયમાં ગણવામાં આવતી નથી? સ્ત્રીએ ગર્ભધારણ કરી એને પોષવાની પીડા વેઠવાની ને પોતાનાથી ઉતરડી નાંખવાનું પાપ પણ? તું ય સ્ત્રી છે મમ્મી, તને આ પીડા, આ વેદનાનો અનુભવ નથી થતો? જો મોટાભાઈને બદલે મારે મોટીબહેન હોત તો બીજી દીકરી તરીકે તેં મનેય આ દુનિયામાં ન આવવા દીધી હોત ને?
રમીલાબહેન
 : 
નીપા...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય પાંચમું

(નીપા અને રીટા બેઠાં છે.)
નીપા  :  (એકદમ ચોંકી ઊઠી હોય તેમ બોલે છે) જુઓ ભાભી, તમારા પગ નીચે કીડી ચાલી જાય છે. ચગદાઈ જશે.
રીટા  :  (એકદમ પગ ખસેડી લે છે.) કીડી? ક્યાં છે? ક્યાં છે? (આમ તેમ કીડીને શોધવા ફાંફા મારે છે.)
નીપા  :  (હસીને) ના ભાભી, કીડી કે મંકોડો- કશુંય નથી. આ તો મેં તમને અમસ્થું જ કીધું હતું. ભાભી એક કીડાની હત્યા કરતાંય તમારો જીવ કોચવાય છે. તો તમે તમારી અંદર રહેલા, જેની આંખે ય ઊઘડી નથી એવા અબોલ જીવને મારી નાખશો એ તમારો જ અંશ છે. ભાભી, દીકરો હોય કે દીકરી. તમારું જ સંતાન છે. અવતર્યા પહેલાં જ મારી નાખશો એટલે તમારો એની સાથેનો સંબંધ પૂરો થઈ જશે? સાચું કહો ગર્ભપાત પછી એ દીકરીને તમે માંસનો લોચો ગણી શકશો?
રીટા  :  ના નીપાબહેન ના, મારે એને જન્મ નથી આપવો આ દુનિયામાં. આ મારી પિન્કીને તમે નથી જોતાં? જ્યાં પળે પળે એણે તિરસ્કાર, અપમાન અને અવહેલના સહેવાં પડતાં હોય, જ્યાં એણે હંમેશાં મનને મારીને જીવવાનું હોય. જ્યાં એના પપ્પાય એના દુશ્મન હોય. જો હું તેને ઊજળું ભવિષ્ય ન આપી શકું તો હું એને જન્મ આપીને શું કરું? મારી મમ્મીએ અમે બે દીકરીઓ હોવા છતાં લાડકોડે ઉછેરી પણ આજે? એ જ મમ્મી આજે સાવ નિરુપાય બનીને મારી અજન્મા દીકરીને ગળે ટૂંપો દેવા જ સમજાવે છે ને? ના, કાલ ઊઠીને મારેય જો મારી દીકરીને આવી જ સલાહ આપવાની હોય તો મારે જન્મ નથી આપવો એને.
અવાજ  :  પણ મા મારે જન્મવું છે.
રીટા  :  (ચોંકીને) કોણ બોલ્યું? નીપાબહેન, તમે બોલ્યાં?
નીપા  :  ના ભાભી, હું તો કશું ય નથી બોલી..
અવાજ  :  હું બોલું છું મા.
રીટા  :  નીપાબહેન આ કોણ બોલે છે? તમને નથી સંભળાતું?

નીપા

 :  ના ભાભી, મને તો કશુંય નથી સંભળાતું. અહીંયા બીજું કોઈ ક્યાં છે? તમે આ બહુ વિચાર વિચાર કરો છો ને એટલે ભણકારા વાગતા હશે. કંઈ નહીં, બેસો, હું તમારા માટે ફર્સ્ટક્લાસ કોફી બનાવી લાવું. (જાય છે.)
(રીટા આમ તેમ જુએ છે.)
અવાજ  :  કેમ સાંભળતી નથી? મા, હું બોલું છું, તારી દીકરી.
રીટા  :  (સ્વગત) પિન્કી તો ઘરમાં નથી પણ આ મને મા કહીને કોણ બોલાવે છે?
અવાજ  :  પિન્કી તો તારી દીકરી છે. મા, હું તારી અજન્મા દીકરી, તારી કૂખમાંથી બોલું છું.
(રીટા આકુળવ્યાકુળ થઈને પોતાના પેટની સામું જોઈ રહે છે.)
મારે જન્મવું છે મા, આ દુનિયાને જોવી છે. મારે તારી આંગળી પકડીને ચાલવું છે. મારો શું વાંક છે મા કે તું આમ મને મારી નાંખવા તૈયાર થઈ છે. મારે ય બધાંની જેમ રમવું છે. હસવું છે, રડવું છે, મોટા થવું છે. મને ય અધિકાર છે જન્મનો. મને અજન્મા મારી નાંખવી છે તારે? મા... મારે અજન્મા નથી રહેવું. ના મારે અજન્મા નથી....
રીટા  :  (દૃઢ નિશ્ચયથી) હા, દીકરી હા, તને ય અધિકાર છે જન્મનો. હું તને જન્મ આપીશ. ભલે એ માટે મારે બધું છોડવું પડે. જે ધર્મ, જે પરંપરા, જે સમાજ એક જીવની હત્યા કરવા માટે પ્રેરે એને હું છોડીશ પણ તને નહીં. તારા પિતા ભલે તારી આંગળી ન પકડે. હું તમને બંનેને બેય આંગળી પકડીને ચલાવીશ. તમારાં બધાં જ સપનાં પૂરાં કરીશ.
(બેકગ્રાઉન્ડમાં સંભળાય) દીકરી મારી કાળજાનો કટકો

ના રોકો મને, ના રોકો
હું ભાવિ પેઢીની માતા
હું બે પરિવારની શાતા
મને જન્મતાં રોકે જન કાં?
દાદાનો ડંગોરો થઈશ
મમ્મીનો સધિયારો થઈશ
પપ્પાનો કાળજાનો કટકો
ભઈલો મારો લાડકો
મને જન્મતાં રોકે જન કાં?
મારાથી જગમાં કોમળતા
મારાથી મનની મધુરતા
મારાથી સઘળી સુંદરતા
મને જન્મતાં રોકે જન કાં?
હું શક્તિ-ભક્તિ-સમરસતા
મારાથી વત્સલતા-મમતા
મારાથી ઊછરે જીવન આ
મને જન્મતાં રોકે જન કાં?
ના રોકો મને, ના રોકો
હું ભાવિ પેઢીની માતા
હું બે પરિવારની શાતા
મને જન્મતાં રોકે જન કાં?