કથાલોક/કાળુભારને કાંઠેથી સાંતલ્લીને તીરે

From Ekatra Wiki
Revision as of 03:45, 19 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



કાળુભારને કાંઠેથી સાંતલ્લીને તીરે

ગ્રામજીવનની અને પ્રાદેશિક કથાઓ હવે ઢાંચાઢાળ થતી જાય છે. એની બધી જ શક્યતાઓ ખરચાઈ ચૂકી છે એવી છાપ હવે વ્યાપક બની રહી છે ત્યારે આ પ્રકારની નવી પ્રગટ થતી રચનાઓને વધારે કુતૂહલથી ને વધારે ઝીણવટથી તપાસવાનું મન થાય. હવે ધીમે ધીમે નવોદિત મટીને પ્રખ્યાત થઈ રહેલા નવીન વાર્તાકાર મનસુખલાલ મોહનલાલ ઝવેરીની તાજી નવલકથા ‘સુવર્ણમેખ’ ગ્રામીણ કથાઓની બધી જ સબળતાઓ અને નિર્બળતાઓનું પ્રતિનિધિત્વ સાચવતી રચના છે. આ કથામાં લેખક ભૂદાન, વિનોબા, ચંબલના ડાકુઓની આછી ઝલક પશ્ચાદ્ભૂમાં લાવ્યા છે. પણ વાર્તા તો મુખ્યત્વે સાંતલ્લી નદીને કાંઠે વસેલા હામાપર ગામની જ છે. હામાપરનો કાનજી પત્નીના અવસાન પછી જીવી જોડે ઘરઘે છે. આગલી પત્નીનો પુત્ર મનોજ ધીમે ધીમે આ કથાનું નાયકપદ મેળવી લે છે. કાનજી ગાંડો થઈ જાય છે. જીવી બદદાનતથી પોતાને પિયર ચાલી નાસી જાય છે. મનોજને ‘ભૂદાન’માં પાંચ વીઘાં જમીન મળે છે. વૃદ્ધ દાદીમાને પાળતો, એ ભણીગણીને લોકસેવા કરવાનાં સપનાં સેવતો હોય છે. એવામાં ગામના શેઠની પુત્રી ફૂલકુંવર મનોજ ઉપર ઓળઘોળ કરી જાય છે. પણ ફૂલનું વાગ્દાન તો બગસરાવાળા પ્રૌઢ લોક–સેવક બાલચંદ શેઠ જોડે થયું હોય છે. આમ, એક પ્રૌઢ અને તરુણ એવા બે સેવકો વચ્ચે એક તરુણી મૂકીને લેખકે જરા તોફાની પ્રેમત્રિકોણ ઊભો કર્યો છે. બાલચંદ આખા જિલ્લાનો સેવક હોવા ઉપરાંત સોનાનો દાણચોર પણ છે. આ સોનાની પાટો જોડે ફૂલકુંવરને પણ લગ્ન પૂર્વે ફરવાને બહાને દિલ્હી લઈ જવાની પેરવી કરે છે, જે છેલ્લી ઘડીએ પડી ભાંગે છે. મનોજથી સગર્ભા બનેલી ફૂલ આખરે મનોજને જ પરણવા પાછી આવે છે. ગાંડો કાનજી આ સુખદ અકસ્માત વડે સાજો થઈ જાય છે. વિનોબા ભાવે કથાના આરંભમાં તેમજ અંતમાં ‘એન્ટ્રી’ કરે છે, અને છેલ્લે એમના જ આગ્રહથી લોક–સેવક બાલચંદે સઘળું ચોરટું સોનું લોકહિતાર્થે વાપરી નાખવું પડે છે અને કથામાં ખાધું – પીધું – રાજ – કર્યું જેવો સુખદ અંત આવે છે. મનસુખલાલકૃત ‘કાળુભારને કાંઠે’નાં વાચકો ‘સુવર્ણમેખ’ને એ કથા જોડે સરખાવવા પ્રેરાશે. આ નવીન રચનામાં પણ લેખકની કથનકલાની હથોટી તો એવી જ પાકટ વરતાય છે, પણ કથાસૂત્રનું પોત અહીં પાંખું જણાય છે. બહુ મોટા કથાપટને બહુ નાના ફલકમાં સમાવવાનું લેખકને ફાવ્યું નથી. પાત્ર સૃષ્ટિમાં આખું હામાપર ગામ અહીં ઊભરાય છે. એમાં દુષ્ટ લાગતો છતાં ભલોભોળો દલો ગોર, કે વિનોબા ખાસ ખેપ કરીને જેનાં દર્શને આવે છે, એ ગીતા ભણ્યા વિનાની પણ ગીતા જીવી જાણનારી સમરત પટલાણી, અંધ કહળી ડોસી કે સવજી ખોજા જેવાં પાત્રોને સુરેખ આકાર સાંપડી શક્યો છે. બાકીનાં બધાં સિનેમાનાં ‘એકસ્ટ્રા’થી વિશેષ કલાસ્પર્શ પામી શક્યાં નથી. ‘કાળુભારને કાંઠે’ અને ‘સુવર્ણમેખ’ વચ્ચે એક અછડતા સામ્યનો ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે. પ્રથમ કથામાં જેમ કાળુભાર તેમ આ કથામાં સાંતલ્લી નદીનાં ચિત્રણો બહુ આસ્વાદ્ય બન્યાં છે. જોકે પ્રથમ કથામાં કાળુભાર પોતે બે પ્રેમીઓની જળસમાધિ પૂરી પાડવાની જે સક્રિય કામગીરી બજાવે છે, એવી કોઈ કામગીરી સાંતલ્લી કનેથી લેવામાં આવી નથી, છતાં ‘સુવર્ણમેખ’માં પણ કથાપ્રવાહ જોડે સાંતલ્લીનો પ્રવાહ સંકળાયેલો તો છે જ. એ નદી, સોમનાથ વાડી, ખેતરો આદિનાં વર્ણનોમાં લેખકની કલમ ખીલી ઊઠે છે. ક્યાંક ક્યાંક સામાન્યતામાં કે ટાહ્યલાંમાં પણ સરી પડતી એ લખાવટ એકંદરે વાર્તારસને પોષક નીવડે છે. ગ્રામજીવન અંગે આપણા લેખકોના પલટાઈ રહેલા દૃષ્ટિકોણને પરચો આ કથામાં પણ થાય છે. સેવાનો સુવાંગ ઇજારો લઈ બેઠેલા બાલચંદભાઈને લેખકે અત્યંત ઘેરા રંગોએ દુષ્ટાત્મા જ ચીતર્યા છે. તેથી જ, કથાને અંતે એમનો નાટકીય હૃદયપલટો તદ્દન અપ્રતીતિકર લાગે છે. ગાંધીજીને નામે ચરી ખાનારાઓ પ્રત્યે પણ લેખકે પેટભરીને પ્રકોપ ઠાલવ્યો છે. નવા લેખકોની નવી નિર્ભ્રાન્ત મનોદશાનું આ એંધાણ ગણાય? મનસુખલાલની લખાવટનું એક લોકપ્રિય લક્ષણ એની ઘરગથ્થુ લઢણોમાં રહેલું છે. ખાસ કરીને, બૈરીક બોલી પરનું અસાધારણ પ્રભુત્વ એમની એક આગવી લાક્ષણિકતા ગણી શકાય. ઓઠાં–ઉખાણાં, નર્મોકિતઓ અને વ્યંગોકિતઓ, કહેવતો ને કથાનકોનો પણ તેઓ ભરમાર ઉપયોગ કરીને લખાણને રસાળ બનાવી જાણે છે. આ લખાવટનાં કેટલાંક ભયસ્થાનોથી એમણે હવે સાવધ થઈ જવું જરૂરી છે. એમાંનુ પ્રથમ ભયસ્થાન છે, ગ્રામીણ ને તળપદી ભાષાલઢણોની અતિશયતા. ગ્રામીણ બોલી ગ્રામ્ય લાગે એટલી હદે એનો વપરાશ કથનમાં વચ્ચે વચ્ચે વિવરણ–વિવેચન રૂપે રૂપકડાં ને સૂત્રાત્મક વાક્યો વેરતા જવાની રમણલાલીય લેખન–રીતિમાંથી હજી મુક્ત થયા લાગતા નથી. ‘સુવર્ણમેખ’માં આવા વિચારખંડો કોઈકવાર કથારસને ઉપકારક બને છે ખરા પણ બહુધા તો એ કથાપ્રવાહને નિરર્થક સ્થગિત કરી નાખવાની જ કામગીરી બજાવે છે. ૧૯૬૨