કથાલોક/જાતિમિશ્રણ, જાતિસંઘર્ષ
જાતિમિશ્રણ, જાતિસંઘર્ષ
જાતિમિશ્રણો અને જાતિસંઘર્ષો એક સનાતન સાહિત્યસામગ્રી બની રહેલ છે. ભારતવર્ષમાં જ આર્યો અને અનાર્યો વચ્ચેના વિખવાદો વિષે યુગેયુગે લખાતું જ રહ્યું છે. આ આર્ય–આર્યેતર કે દ્રવિડ–બિનદ્રવિડના પ્રશ્નનું તાજેતરમાં દક્ષિણ ભારતમાં એક નવીન સંસ્કરણ થયેલું એને આપણા તરુણ વાર્તાકાર મનસુખલાલ મોહનલાલ ઝવેરીએ ‘જળ અને જ્વાળા’ નવલકથામાં વણી લીધું છે. તમિલનાડુની પશ્ચાદ્ભૂમાં રચાયેલી આ કથામાં મુખ્યત્વે દક્ષિણ ભારત અને ઉત્તર ભારતનાં લોકોના સંઘર્ષની વાત આવે છે. પણ એમાંનાં ઉત્તર ભારતવાસીઓ વાસ્તવમાં એકલાં ગુજરાતીએ જ છે. કાઠિયાવાડ–ગુજરાતમાંથી વેપાર કાજે મદ્રાસમાં જઈ વસેલા રતનલાલ શેઠ અને એમનાં કુટુંબીઓ જ આ કથામાં મોટો ભાગ રોકી રહે છે. રતનલાલની પુત્રી સુહાસિનીની પ્રેમકથા અને પરિણયકથાને નિમિત્તે જે અન્ય પાત્રો ઊપસી આવે છે એમાં સુહાસિની તો ક્યાંય પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ જાય છે અને આ વાર્તા કોઈ પાત્રો કે વ્યક્તિઓની કથા મટીને બે જાતિસમૂહોના સમ્પર્ક અને સંઘર્ષની કથા બની રહે છે. અભ્યાસકાળ દરમિયાન સુહાસિનીને વેણુગોપાલ જોડે પ્રેમ થાય છે, પણ સંજોગવશાત એણે વિજય નામના એક ગરીબડા ગુજરાતી યુવાન જોડે પરણવું પડે છે. એમના જ મકાનમાં ભાડૂત તરીકે રહેતી મલ્લિકા નામની તામિલિયન અભિનેત્રીની નજર વિજય ઉપર કરે છે, અને એ જ આ કથાની ધરી બની રહે છે. મરજાદી નજરે નિહાળનાર વાંચકને આ કૃતિ અડધોએક ડઝન જેટલા ‘આડા વહેવાર’ના અહેવાલ જેવી જણાશે. અંતિમ પ્રકરણોમાં લેખકે બે–ત્રણ યુગલોને જે રક્ષાબંધનો કરાવી દીધાં છે એ વિગતો જાણ્યા પહેલાં તો વાચકને એમ જ થાય કે રતનલાલના મૂળ શેઠ ચન્દ્રકાન્તને રતનલાલનાં પત્ની લીલાદેવી જોડે આડો વહેવાર છે. રતનલાલને તાંજાવરિયા કોમની લક્ષ્મી જોડે વહેવાર છે, સુહાસિનીને વેણુગોપાલ સાથે એવો જ સંબંધ છે, અને વેણુગોપાલ વળી અભિનેત્રી મલ્લિકા જોડે સંકળાયેલો છે. આમ, ગૂંચ ઉપર ગૂંચ ગોઠવીને લેખકે વાર્તાને રસાળ જરૂર બનાવી છે, પણ કોઈને એમાં એ કીમિયાનો અતિરેક પણ લાગે. ઉત્તર ભારતીઓને દક્ષિણમાંથી હાંકી કાઢવા માગતી હિલચાલનો નેતા વેંકટાચલમ્ પણ મલ્લિકાના મોહપાશમાં ફસાયો છે. ગુજરાતના બ્રાહ્મણ પિતાઓ અને તામિળ માતાઓના સંબંધોમાંથી હજારેક વર્ષ પહેલાં નીપજેલી તાંજાવરિયા નામની મિશ્ર કોમમાંથી આવેલી લક્ષ્મીનો અનૌરસ પુત્ર વિશ્વંભર, વેણુગોપાલ, અરે રતનલાલનો યુવાન પુત્ર પ્રિયકાંત સુદ્ધાં આ ઉત્તરવિરોધી આંદોલનમાં સંડોવાયેલ છે. અહીં તહીં આડો ફંટાતો કથાપ્રવાહ આખરે આ ઉત્તર–દક્ષિણના અંતિમ સંઘર્ષ તરફ આગળ વધે છે ત્યારે આ બધાં જ પાત્રોની અગ્નિપરીક્ષા થાય છે. અને એ સંઘર્ષનાં ઘોર પરિણામોમાંથી સહુને ઉગારી લેવાની કામગીરી બીજું કોઈ નહિ પણ મલ્લિકા જ બજાવે છે. વિજયથી મોહિત થયેલી એ અભિનેત્રી આખરે સર્વનાશ ટાળવાના શુભાશયથી પ્રેરાઈને આંદોલનના નેતા વેંકટાચલમ્ જોડે પોતાનું શીલ સાટવે છે અને એની કનેથી સંહારની ગુપ્ત યોજનાનો આખોયે નકશો પડાવી લઈને પોલીસને સોંપી દે છે ત્યારે દેશવ્યાપી દાવાનળ સળગતો અટકી જાય છે. અમુક અંશે આમ્રપાલીના આત્મવિલોપનની યાદ આપે એવા મલ્લિકાના આ કૃત્યમાં કવિતા અને કરુણતાની મિશ્ર છાંટ રહેલી છે. કથામાં લેખક સિનેમાશાઈ ઝડઝમક ટાળી શક્યા હોત તો એને વધારે પ્રશિષ્ટ પરિમાણ પ્રાપ્ત થઈ શકત. દક્ષિણ ભારતનાં સ્થળોનાં અતિપ્રસ્તાર પામતાં વર્ણનો અને એમાંની બિનજરૂરી શબ્દાળુતા પણ રસસિદ્ધિને બદલે રસક્ષતિ જ કરે છે. વાર્તામાં રસક્ષતિ સર્જનારું એવું જ બીજું વિઘ્ન છે, અહીં તહીં વેરાયેલા વિચારકણોનું. વાર્તામાં ડગલે ને પગલે ચિંતનકણિકાઓ, વિચારબિંદુઓ, અવલોકનો, નિરીક્ષણો, અભિપ્રાયો, અસંબદ્ધ પ્રલાપો આદિ વેરતાં જવાની લેખનપદ્ધતિ રમણલાલ દેસાઈ જોડે જ સમાપ્ત થયેલી. હવે આટલે વર્ષે એને પુનર્જિવિત કરવાનું કોઈ જ પ્રયોજન નહોતું. શ્રી ઝવેરી કને તો એવી રસાળ લખાવટ અને કથનશૈલી છે કે એમણે આવાં સસ્તાં અવલંબનો લેવાની જરૂર નથી. આવી અનુપકારક ચિંતનપ્રવૃત્તિમાં પડવાને બદલે લેખકે વ્યાકરણ અને જોડણી–શુદ્ધિમાં વધારે ચીવટ દાખવી હોત તો આ નવલકથાનું સાહિત્યિક મૂલ્ય વધી શક્યું હોત. સપ્ટેમ્બર ૧૧, ૧૯૬૩