પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/પ્લેટોના માનસનું દ્વન્દ્વ

From Ekatra Wiki
Revision as of 12:51, 22 April 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


પ્લેટોના માનસનું દ્વન્દ્વ

બુદ્ધિ અને લાગણીનો સંઘર્ષ એ કદાચ માનવજાત પરનો વિધિનો સનાતન શાપ છે, જમાનેજમાને, એક યા બીજે રૂપે, આ દ્વન્દ્વની ભીંસ અનુભવનાર વિભૂતિઓ જગતને મળ્યા કરી છે. ગ્રીક વિચારક પ્લેટોનાં સાહિત્યવિષયક મંતવ્યોમાં પણ આ દ્વન્દ્વનો પ્રભાવ વરતાય છે. પ્લેટોના ગદ્યમાં કવિતાનો પ્રાણ ધબકે છે. એમની સંવાદછટા (એમણે પોતાની વિચારણા બે વ્યક્તિઓના રાંવાદ રૂપે જ રજૂ કરી છે), એમનો વાક્‌પ્રવાહ, એમનો આવેશ, એમની દલીલોની અટપટી જાળ, એમની દૃટાંતકલા – સર્વ કંઈ અનોખાં છે અને એમનાં મંતવ્યોનો પરોક્ષ રીતે પરિહાર કરનાર ઍરિસ્ટૉટલ પણ એમના ગ્રંથ ‘રિપબ્લિક’ને સર્જનાત્મક કલાનો નમૂનો ગણી એને ગદ્ય અને કવિતાની વચ્ચે સ્થાન આપે છે. છતાં, નવાઈની વાત તો એ છે કે, આ જ માણસ કવિતા-કલા પર ભારે તહોમતનામું મૂકે છે અને એને એક અનિષ્ટ સાબિત કરવા પોતાની સર્વ તર્કશક્તિ કામે લગાડે છે. આ વિરોધને ખુલાસો શો કરવો? એ જ કે ‘હૃદયની આજ્ઞા એક ને ચરણનાં ચાલવાં બીજાં’, પ્લેટોના હૃદયના તારને કવિતા ઝણઝણાવે છે, પણ એક તત્ત્વચિંતક તરીકે અને વ્યવહારુ નીતિવાદી તરીકે એ બુદ્ધિથી વિચારે છે ત્યારે એમને લાગે છે કે પ્રચલિત કવિતા એના સ્વરૂપથી જ અસત્યમય છે, નિરુપયોગી છે, આત્માના હીન અંશોને ઉત્તેજનારી છે અને તેથી ત્યાજ્ય છે. આમ તો, કહેવાય છે કે પ્લેટોએ પણ એક વખતે કાવ્યો અને નાટકો લખેલાં (ન લખ્યાં હોય તો જ નવાઈ!) પણ સૉક્રેટીસના પ્રભાવ નીચે આવતાં એમણે એનો નાશ કર્યો અને પોતાનું ચિત્ત તત્ત્વજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તરફ વાળ્યું, પ્લેટો આટલેથી જ ન અટક્યા; જ્યારે આદર્શ રાજ્ય, આદર્શ માનવસમાજની કલ્પના ઘડવા બેઠા ત્યારે એમાંથી કવિતાને દેશવટો આપ્યે જ એ જંપ્યા. છતાં છેક સુધી કવિતાની મોહિનીમાંથી પ્લેટો મુક્ત થયા હોય એવું લાગતું નથી. કવિતા પર તહોમતનામું ઘડવા બેસતી વખતે પણ એમના હૃદયની સ્થિતિ કેવી છે? જે આદર અને પ્રેમ “સમસ્ત મોહક ટ્રૅજિક-કવિમંડલના આગેવાન અને આચાર્ય” હોમર પ્રત્યે એમનું હૃદય બાળપણથી જ અનુભવતું આવ્યું છે એનો એ સ્વીકાર કરે છે અને કહે છે કે એ આદર અને પ્રેમ આજેયે મારી વાણીને સ્ખલિત કરે છે. પણ વ્યક્તિ કરતાં સત્ય વધારે આદરણીય છે, અને એ સત્યને ખાતર જ, પ્લેટો કવિતા સામે બોલવા તૈયાર થાય છે, સમગ્ર ચર્ચાને અંતે, કવિતાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો ફરમાવતી વેળા પણ એને “આપણી મીઠી દોસ્ત” (અવર સ્વીટ ફ્રેન્ડ) કહીને સંબોધે છે અને કહે છે કે અમે કવિતાની મોહિનીથી અજાણ નથી, હોમરમાં એ દેખાય છે ત્યારે તો એનાથી મુગ્ધ થયા વિના રહેવાતું નથી, પણ બાળકની જેમ એના પ્રેમમાં અમે સપડાઈ જઈશું નહીં. હા, જો એ એની ઉપયોગિતા સાબિત કરે – એનો બચાવ અમે સદ્‌ભાવપૂર્વક સાંભળીશું – તો અમારે માટે એ લાભમાં લેખું છે અને અમે એને સત્કારવાને માટે તૈયાર રહીશું, પણ ત્યાં સુધી તો... નમસ્કાર – નવ ગજના. પ્લેટોની આ વાણી સાંભળી લૉર્ડ લિન્ડસેના શબ્દો સાચા નથી લાગતા કે ‘રિપબ્લિક’નું દશમું પ્રકરણ આરંભાય છે કવિતા પરના આક્રમણથી, એનો અંત આવે છે કાવ્યમાં![1] પણ કવિતાના આકર્ષણની અને એમાંયે પોતે અનુભવેલા આકર્ષણની વાત આમ વળીવળીને કરવાની પ્લેટોને શી જરૂર હતી? એમના જેવા વસ્તુલક્ષી વિચારક આમ આત્મકથનોક્તિમાં કેમ સરી પડે છે? આપણને એ આકર્ષણથી ચેતવવા માત્ર કે પછી સાથેસાથે એમના હૃદયની કોઈ ઊંડી વાત પણ એ રીતે પ્રગટ થઈ રહી છે? કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.[2] કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.[3]