અનુબોધ/‘ઊગતા સૂર્યની વિદાય’ અને ‘લોહછાયા’

From Ekatra Wiki
Revision as of 03:04, 17 April 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઊગતા સૂર્યની વિદાય

‘ઊગતા સૂર્યની વિદાય’માં પશ્ચિમના વિપુલ સાહિત્ય રાશિમાંથી બે વિલક્ષણ એવી લઘુ નવલકથાઓ સંગ્રહવામાં આવી છે. એમાંની પહેલી કથા લોહછાયા’લૉરેન્સ વાન દર પોસ્ટની A Bar of Shadow નામની કૃતિનો ડૉ. રસિક પંડ્યાએ કરેલો અનુવાદ છે. બીજી કથા‘ઊગતા સૂર્યની વિદાય’જે શીર્ષક પરથી આ સંગ્રહને નામ મળ્યું છે તે રશિયન લેખક લિયોનિદ આન્દ્રેયેવની The Seven That Were Hanged નો શ્રી કૃષ્ણવદન જેટલીએ કરેલો અનુવાદ છે. બે સંવેદનશીલ સર્જકોની આ વિશિષ્ટ કલાકૃતિઓ છે. ફાંસીના માંચડાની આસપાસ રચાયેલી જણાતી કથાઓ, હકીકતમાં તો, મોત સન્મુખ ઊભેલાં માનવીઓની જીવનલીલા જ નિરૂપે છે.

લોહછાયા

- આ કથાનું વસ્તુ બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓને સ્પર્શે છે. યુદ્ધ દરમ્યાન જાપાનના ટાપુઓ પણ સળગી ઊઠ્યા હતા, પરંતુ આ કથાના લેખકને તો એ ભૌતિક સંગ્રામની અલ્પ પશ્ચાદ્‌ભુ ૫૨ માનવહૈયાની – ‘ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર’ સમાં માનવહૈયાની – કથા કહેવી છે. યુદ્ધ દરમ્યાન બ્રિટિશ અફ્સર લૉરેન્સ અને તેના સાથીઓ જાપાની સાર્જન્ટ હારાના અમાનુષી અત્યાચારોના ભોગ થઈ પડેલા, પરંતુ હારાથી એ દાનવલીલાને સહિષ્ણુતા કેળવી ઉદાર દૃષ્ટિથી સમજવાનો યત્ન કરતાં લૉરેન્સ એની પ્રજાના અંતરાત્માને ઓળખતો થયો હતો, પરંતુ યુદ્ધને અંતે હારાને ફાંસી મળી ત્યારે પણ તે અંતરના કશાક સમાધાનથી અપૂર્વ પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યો, જ્યારે લૉરેન્સ ભારે વિષાદનો ભોગ થઈ પડ્યો! આમ આ કથા દ્વારા લેખક માનવજીવનમાં જ ગૂઢ રીતે નિહિત વિષમતાનું નિરૂપણ કરે છે. લૉરેન્સનો વિષાદ હારા જોડેના સંબંધમાંથી જન્મ્યો હતો. તેના સમગ્ર જીવન ૫૨ ઘેરા રંગો પાડતો હારા કોઈક અજબનો આદમી હતો! બાહ્ય દેખાવમાં અત્યંત ઠીંગણો અને બેડોળતાની મૂર્તિ સમો આ આદમી કોઈ વ્યક્તિ નહોતો. સદીઓજૂના જાપાનના સંસ્કારોની જીવતીજાગતી પ્રતિમા હતો! પૌરાણિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને તે સત્ય માનતો અને મનાવતો. તેના આચારવિચારો કોઈ આદિમ અંધ આવેગથી પ્રેરાયેલા હતા. ચન્દ્રદર્શનથી ઉન્માદી બની તે ભારે ત્રાસ ગુજારતો પણ અન્ધારી રાત્રિમાં તે સાવ‘નિર્દોષ’ સમો બની જતો. હારા, તેના અણુએ અણુમાં જાપાની હતો. પણ તેનામાં એક અસામાન્યતા રહેલી હતી. – તે પોતાની અંદરના કશાકને સચ્ચાઈથી વળગી રહ્યો હતો – બીજાઓની ‘ખોટી વિચા૨સ૨ણી’ બદલ તેને શિક્ષા ફરમાવતો અને તેથી જ જ્યારે તેને ફાંસીની શિક્ષા થઈ ત્યારે પોતાના ‘ખોટા વિચારો’થી મરવાનું દુષ્કર થઈ પડે તે માટે તેણે પોતાનાં બધાં જ દુષ્કૃત્યો અને ગુનાઓનો ખુલ્લા દિલે એકરાર કર્યો હતો. અને તે પાર્થિવ બંધનોને ઓળંગી શક્યો હતો. - હારાની તુલનામાં, લૉરેન્સની ચેતના અતિ જાગૃત અને સંવેદનશીલ છે. હારાને અને તેની પ્રજાને ક્ષમાભાવે અવલોકવાની સહિષ્ણુતા અને ઉ દારતા તે કેળવી શક્યો છે. હારાના ભયંકર ત્રાસો છતાં તેનાં દુષ્કૃત્યોને સમજવાની તેની તત્પરતા આશ્ચર્ય ઉપજાવે તેવી છે! છતાંય, એની ચેતના ૫૨ કોઈ નિશ્ચેષ્ટ તત્ત્વ સવાર થઈ જતાં તે ભારે વિષાદમાં ડૂબી જાય છે. ફાંસીખોલીમાં હારાએ મુલાકાત માટે બોલાવ્યો ત્યારે હારાના એક પ્રશ્નથી લૉરેન્સ ઊંડા વિચારવમળમાં ઘેરાયો. તેના ચિત્રમાં વિચારપરંપરા ચાલીઃ ‘હારાને ફાંસી આપીને પણ કયું શ્રેય સિદ્ધ થવાનું છે?’ વળી, કેવળ વેપ્રેરિત દંડ જેવી વાંઝણી કોઈ સજા નથી અને આ સંકુચિત અને આછકલી વેરવૃત્તિથી તો વર્તમાનને આંગણે કલંકિત અતીતને જીવાદોરી આપવાનું જ થાય છે!’ તેને કોઈ સમાધાનકારક ઉત્તર જડ્યો નહીં – ત્યાં અચાનક અંતરના ઊંડાણમાંથી શુભ વિચાર પ્રગટ્યો. ‘આ વિશાળ વિશ્વનાં અનિષ્ટોને ભલે દૂર ન કરી શકીએ, પણ અમારા બે જણ વચ્ચેનાં અનિષ્ટોને જેર કરી, બે જણને અંતરાય પાડતી દીવાલ જો તોડી શકું તો?’ અને હારાને પ્રેમપૂર્વક આશ્લેષીને પોતાના મનની આ વાત કહેવાની ઇચ્છા થઈ પણ તેના પગ જ થંભી ગયા. તેના જ ચિત્તમાંનું અનુદાર તત્ત્વ તેને જકડી રહ્યું. જેલને દરવાજે વિચારને અવગણીને તે હારાને ફરી મળવાનું ટાળીને ચાલ્યો ગયો, પણ તેના અંતરમાંથી ઊગી નીકળેલા સત્યને તે દબાવી શક્યો નહીં. મોડોમોડો તે પાછો ફર્યો ત્યારે તો હારાને ફાંસી અપાઈ ચૂકી હતી! તે સાચે જ મોડો પડ્યો હતો? લૉરેન્સને નવું જ સત્ય સમજાયું – પોતાના જ ચિત્તમાં – ઘર કરી બેઠેલી આ કોઈ ક જડ નિશ્ચેષ્ટતા જ વિસ્તરીને આખા વિશ્વમાં ‘લોહછાયા ૨ચી કારાગાર રચે છે, આ માનવજગતને કોઈક ‘દિવ્ય જગત’થી વેગળું રાખે છે. આમ આ વાર્તામાં માનવજગતને વ્યાપી વળેલી શાશ્વત કરુણતાનું દર્શન થાય છે. ‘લોહછાયા’ના સર્જકે કુશળતાથી એક અખંડ અને સુશ્લિષ્ટ કલાકૃતિનું સર્જન કર્યું છે. લૉરેન્સ અને હારાના જુદાજુદા કાળના સંબંધોની કથા લેખકને રજૂ કરવી છે, પરંતુ એ અનેક ઘટનાઓને સાચી રીતે મૂલવવાનું કાર્ય તો લૉરેન્સ દ્વારા જ યથાર્થ રીતે બની શકે, એટલું જ નહિ, એ ઘટનાઓને સમયનું અંતર પાડીને જોવાથી જ તેનું સાચું રહસ્ય પામી શકાય, એમ હતું. એટલે લેખકે લૉરેન્સની સ્મૃતિકથા રૂપે જ આખી વસ્તુ રજૂ કરી છે. અલબત્ત, ભાવકને આવશ્યક પૂર્વભૂમિકારૂપ કેટલીક સામગ્રી તો લૉરેન્સના મિત્રની સ્મૃતિઓ રૂપે જ રજૂ કરવાનું લેખક ભૂલ્યા નથી. વર્ષો પછી લૉરેન્સ તેના કારાવાસ- જીવનના નિકટના સાથી સમક્ષ પોતાના હૈયા ૫૨ ઓથાર બનતી ઘટનાને વાચા આપે, એ સ્વાભાવિક પણ છે, તેમ કલાકૃતિના નિર્માણમાં ઉપકારક પણ છે. હકીકતમાં, સ્થળકાળની અલ્પ ભૂમિકા પર આ બૃહદ્‌ ભાવસૃષ્ટિનું નિર્માણ લૉરેન્સના ભાવોચ્છ્‌વાસ જેટલું સાહિજક અને સહેતુક થયું છે. આ કથાસૃષ્ટિના નિર્માતાઓ (અલબત્ત, ગુજરાતીમાંના આ અનુવાદની મર્યાદા સ્વીકારવી જ પડશે.) ભાષાની ગુંજાશનો તાગ મેળવવા યત્ન કર્યો છે. લૉરેન્સના ચિત્તનાં ગહન સંવેદનો અને સંઘર્ષોને સબળતાથી નિરૂપવાને પ્રતીકલક્ષી વાણી યોજીને લેખકે કાવ્યસહજ સુકુમાર અને મતૃણ પોત સર્જ્યું છે. વળી હારા અને તેના પ્રજાના આત્માને વ્યક્ત કરતા પૌરાણિક સૃષ્ટિનાં સૂચક ભાવપ્રતીકો કે Myths નો સરસ રીતે વિનિયોગ પણ સાધ્યો છે. લૉરેન્સના ચિત્રની તીવ્ર સંવેદનાઓને આંતરબાહ્ય પ્રકૃતિના પરિવેશમાં મૂર્ત કરી છે. હકીકતમાં, ‘લોહછાયા’ના સર્જકે આપણને નવા જ ભાવજગતમાં પ્રવેશ કરાવ્યો છે.

ઊગતા સૂર્યની વિદાય

આ કથા પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેની રચના છે. ‘લોહછાયા’ કરતાં તેની વસ્તુસામગ્રી સાવ નિરાળી છે. કહેવાય છે કે, રશિયામાં સ્ટૉલોપિનનો શાસનકાળ ખૂબ જ ખરાબ હતો. તે વેળા ક્રાંતિકારીઓને ફાંસીએ ચઢાવવાનો બનાવ અતિ સામાન્ય થઈ પડ્યો હતો. આવી ઘેર અરાજકતા અને અમાનુષી અત્યાચારથી વિંધાયેલા આન્દ્રેયેવના સંવેદનશીલ હૈયામાં વાલ્મીકિનો આર્તનાદ જાગ્યો હશે અને તેમની સર્જક પ્રતિભામાંથી ‘ઊગતા સૂર્યની વિદાય’ જેવી કૃતિનું સર્જન થયું હશે. આ કથા ફાંસીને માંચડે ચઢાવાતા સાત માનવીઓની આસપાસ રચાયેલી છે. પણ એના લેખકને એ સાત જણની લાંબી જીવનકથા નહિ, ફાંસીખોલીમાંની તેમની મોત પૂર્વેની જિંદગીનું જ નિરૂપણ કરવું છે. આ સાત જણામાં પાંચ યુવાન-યુવતિઓ તો ક્રાંતિકારીઓ છે અને રાજના પ્રધાનનું ખૂન કરવાનું ષડ્ડયંત્ર રચવા બદલ તેમને ફાંસીની શિક્ષા ફટકારાઈ છે. જ્યારે બીજા બે ગુનેગારોમાં એક યાનસન નામનો હાળી અને બીજો ઝિગાને નામનો ધાડપાડુ છે. આ સાતેસાત જણાં મોતની સંમુખ મુકાતાં કેવા ભિન્નભિન્ન પ્રત્યાઘાતો પાડે છે તેનું નિરૂપણ આ કથાની વસ્તુસામગ્રી છે; બીજી રીતે આ વાર્તા, પાત્રોના આંતરજીવનની જ કથા છે. ક્રાંતિકારી યુવાનો સર્જી ગોલોવિન અને વાસિલી કાશિરીન મોતની વાસ્તવિકતાની પ્રતીતિ થતાં સાવ ભાંગી પડે છે, પરંતુ ક્રાંતિકારીઓનો નેતા વરનર તો ફાંસીખોલીમાં નવો જ અનુભવ પ્રાપ્ત કરે છે! બહાર ના જગતમાં શૂન્યતાથી ઘેરાયેલો વરનર જેલની કોટડીમાં જ ‘મુક્તિ’નો અનુભવ કરે છે અને કોઈ ધન્યતમ ક્ષણે તેના અંતઃસ્તલમાંથી તેના બાહ્ય વ્યક્તિત્વનાં કઠોર અને જડ પડોને ભેદીને પ્રેમ અને કરુણાનો પ્રવાહ ફૂટી નીકળે છે! ક્રાંતિકારી મહિલા મુસ્યાના આજ સુધી તરછોડેલા પ્રેમને તે અપૂર્વ ઉદારતાથી આવકારે છે, તેની સહાનુકંપા આખા માનવજગતને ભીંજવી રહેતી વ્યાપક બને છે. આમ મૃત્યુંજય બનતા ઉદાત્ત પ્રણયની દીપ્તિમંત રેખાઓ વરનર અને મુસ્યાના વદન પર ચમકી. ઊઠે છે. વળી, ક્રાંતિકારીઓમાં કુમારિકા તાન્યાનું વ્યક્તિત્વ જુઓ તો કેવું અનોખું! તે ખરે જ કોઈ જુદી જ માટીની ઘડાયેલી હતી. તેના અંતરમાંથી પ્રગટતી માતૃવાત્સલ્યની ઉષ્મા સૌને સંજીવનીરૂપ હતી. તેનામાં કોઈક અપૂર્વ આત્મબળને લીધે તે અંત સુધી સ્વસ્થતા કેળવી સૌને આશ્વાસન આપી રહી હતી. બાકીના છ જણાઓને માંચડે ચઢાવવાનું સ્વીકારી તેણે સ્વેચ્છાએ એકાકી માંચડે ચડવાનું સ્વીકારી તો લીધું પણ તેનું માનવહૈયું કેવું આક્રંદ કરતું નંદવાઈ ગયું હતું! આ તરુણ ક્રાંતિકારીઓના પડછે ઝિગાને અને યાનસન જેવા અપરાધીઓના વૃત્તાંત સપ્રયોજન છે. પ્રલયકારી શક્તિનો મૂર્તિમંત આદમી ઝિગાને શરૂશરૂમાં મોતને અવગણી શક્યો પણ મોતની નક્કર વાસ્તવિકતાનો સામનો કરતાં તે તૂટી પડ્યો હતો! એને ફાંસી દેવાતાં પહેલાં વહેલી સવારે તે કંઈક સ્વસ્થતા પ્રાપ્ત કરી શક્યો પરંતુ માંચડાને પ્રત્યક્ષ જોતાંવેંત તો તે સાવ ઢગલો જ થઈ પડ્યો હતો. વળી, યાનસન જેવા વિકૃત અને અપરાધી માનસવાળા ગુનેગારોનો વૃત્તાંત પણ એટલો જ નિરાળો છે. મોતનાં પગલાં સાંભળીને અંધારી કોટડીઓમાં ખૂણે સંતાવાનો અને ઘોડાગાડીના સળિયાને વળગવાનો તેનો પ્રયત્ન કેવો પામર અને બેહૂદો હતો! આમ, આ કથાના લેખકને તો, મોતની સંમુખ મૂકાયેલાં પણ મોતની વંચના કરીને છાયાવત્‌ બનતી જિંદગીને વળગવાનો યત્ન કરતાં માનવીઓની કથા કહેવી છે. પણ ના – એટલું જ નહિ, મોતની થોડીક ક્ષણો પૂર્વે પણ આ દેહધારીઓમાં અત્યાર સુધી ગૂઢ પ્રચ્છન્ન રહેલી અપાર્થિવ દ્યુતિ કેવી વિલસી ઊઠે છે તે બધી વાતનું – સમગ્ર અને સંકુલ જિંદગીનું-નિરૂપણ કરવું છે. પરંતુ મોતની વિષાદભરી કથામાં પણ – બુઝાતી સંધ્યા નવાંનવાં રંગીન દૃશ્યો રચે તેમ – માનવીજીવનનાં નવાંનવાં સ્ફુરણો રંગીન લીલા રચે છે. જ્યારે ‘કાળની ખંજરી ’ રણકી ઊઠે ત્યારે પણ માનવહૈયાની સુકુમાર અને અભિજાત લાગણીઓ કેવી કરુણમંગળ કથા રચે છે! સર્જીનાં માતાપિતાએ પુત્રપ્રેમથી અભિભૂત બની જે વેદના વેંઢારી અને વાસિલીની માતા પુત્રવિયોગે પાગલ શી થઈ ગઈ – એ બંને ઘટનાઓ ઘેરી કરુણ છે છતાંય ઊંડાણમાં કશીક માનવશ્રદ્ધાનો સાદ એમાં સંભળાય છે. સાત નિરાળા વૃત્તાંતનો લઘુકૃતિમાં, સુગ્રથિત અને સૌષ્ઠવપૂર્ણ આકારમાં વિનિયોગ કરવાનું કોઈ પણ સર્જકને પડકારરૂપ બને. આન્દ્રેયેવે કુશળતાથી એ કાર્ય પાર પાડ્યું છે. ફાંસીની શિક્ષાની જાહેરાત પછીથી માંચડા સુધીની જીવનકથા નિરૂપણનો વિષય છે એટલે કાળના વેગ સાથે, જુદાંજુદાં પાત્રોનાં ચિત્રોમાં વધતા જતા ભય, આવેગ અને સંઘર્ષની તીવ્રતાની માત્રાને ક્રમે એમણે જુદાંજુદાં પાત્રોની આંતરકથા નિરૂપી છે. સૌના ચિત્ત પર રૂંધી રહેલી મોતની ભૂતાવળ આખા વાતાવરણમાં એવી ઓતપ્રોત છે કે આ કૃતિ સહજ જ ‘એકતા’ પ્રાપ્ત કરે છે. આન્દ્રેયેવે માનવકથા પશ્ચાદ્‌ભૂમિકારૂપે બાહ્ય પ્રકૃતિનું કટાક્ષયુક્ત નિરૂપણ કરેલું છે. વનમાં વસંતનું ચૈતન્ય પાંગરતું હતું, શ્વેતશુભ્ર હિમપુંજ ઓગળી ઓગળીને સંગીતનાદ રચતો હતો, વાતાવરણમાં પ્રાણ જગાડતા સ્નિગ્ધ વાયરા વાતા હતા અને ઉષાના સુવર્ણઆંગણે સૂર્યદેવ પધારતા હતા ત્યારે માનવીના જ હાથે માનવીઓનું જીવન વધેરાય એ સંદર્ભમાં જ ઘેરો કરુણ કટાક્ષ રહેલો છે. ‘ઊગતા સૂર્યની વિદાય’ પણ એનો જ પ્રતિસાદ પાડે છે ને? આ વાર્તામાં કેટલાક પ્રસંગોના વિનોદનું નિરૂપણ વાર્તાની કરુણાને વધુ હૃદયવિદારક પુરવાર કરે છે. ફાંસીનાં દોરડાં પર બરાબર સાબુ લગાડજો’– જેલના અધિકારીને આમ ભલામણ (!) કરતો ઝિગાને, મોત સન્મુખ કેવો ફસડાઈ પડે છે! ફાંસીના સ્થળે આ અપરાધીઓને લઈ જતી ટ્રેનનો હાંકનાર, જાણે કે, ટ્રેનને અકસ્માતમાંથી ઉગારી લેવાને જ વારંવા૨ વ્હીસલ વગાડતો હતો – ફાંસી નિર્માણ થયેલી છે તેવાં માનવીઓને પણ જાળવવાની, સાવધાની! એ બંને ઘટના વાર્તાને ઘેરી કટાક્ષયુક્ત કરુણતામાં ડુબાડી દે છે. આ બંને સર્જકે જે પ્રકારની કથાવસ્તુ ઉપાડી છે તે જોતાં તેમાં રહેલા વાદનો ભય હંમેશાં ઝઝૂમતો જ હોય છે! પરંતુ આ બંને એવા વાદ’થી મુક્ત બની કલાકારનો ધર્મ બજાવી શક્યા એ સુખદ ઘટના છે ભાવિની આશા પણ છે. એવા વિષયો- તેના સર્જકને પડકા૨ રૂપ હોય છે. આ કળાકારો આપણને બે વિશુદ્ધ કલાકૃતિઓ આપી શક્યા છે અને નવા ભાવજગતમાં પ્રવેશ કરાવી શક્યા છે. અનુવાદકોએ સ્વીકારેલી કૃતિઓ તેમને માટે કસોટી રૂપ હતી. તેમણે જે મર્યાદાઓ અનુભવી છે તેનો સ્વીકાર છતાંય, તેમણે જે અનુવાદો આપ્યા છે તે વધુ પ્રાસાદિક અને સ૨ળ બાનીમાં મળ્યા હોત તો વધુ સંતર્પક બનત. * ‘ગ્રંથ’મે ૧૯૬૪

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> * * *