અનુબોધ/‘લીલુડી ધરતી’ અને ‘મૈલા આંચલ’ : તુલનાત્મક અધ્યયન

‘લીલુડી ધરતી અને મૈલા આંચલ’ : એલ તુલનાત્મક અધ્યયન[1]

કૃતિઓના તુલનાત્મક અધ્યયન અર્થે આંચલિક નવલકથાના પ્રકારમાં આવતી બે ભિન્ન સાહિત્યપરંપરાની કથાઓ મેં પસંદ કરી છે. એ પૈકીની એક છે ગુજરાતીના જાણીતા નવલકથાકાર ચુનીલાલ મડિયાની કથા‘લીલુડી ધરતી’ (ભા. ૧-૨), અને બીજી છે હિંદીના સુપ્રસિદ્ધ કથાસર્જક ફણીશ્વરનાથ રેણુ’ની ખ્યાતનામ કથા મૈલા આંચલ.’બંને નવલકથાઓ, ભારતને સ્વાતંત્ર્ય મળ્યું એ પછીનાં થોડાંક જ વર્ષોમાં, મૈલા આંચલ’ ૧૯૫૪ માં, અને‘લીલુડી ધરતી’ (૧-૨), ૧૯૫૭ માં પ્રગટ થયેલી છે. બંને કથાઓ તેમના લેખકોના અનુભવમાં આવેલા અલગ- અલગ અંચલના લોકજીવનને ૨જૂ કરવા તાકે છે. બંનેમાં ભારતનું સદીઓ જૂનું ગામડું આગવા આગવા પરિવેશમાં પ્રત્યક્ષ થાય છે. બંને કથાનાં આંચલિક જીવનમાં ખરેખર કેટલુંક મૂળભૂત સામ્ય છે; તો બંનેના જનજીવનમાં ૨જૂ થતા પ્રવાહો અને પ્રશ્નોમાં મોટો ફેર પણ રહ્યો છે. અને, વધુ વિગતે તપાસ કરતાં આપણે આગળ ઉપર જોઈશું કે, વર્ણ્યવસ્તુના સ્વીકાર અને ગ્રહણમાં, તેમ તેની કળાત્મક પ્રસ્તુતિમાં, પાયાનો ફેર છે.‘મૈલા આંચલ’, હકીકતમાં હિંદી નવલકથાની પરંપરામાં એક મહાન સીમાચિહ્ન બની રહી છે. ‘રેણુ’એ સ્વકીય પ્રતિભાથી આંચલિક નવલકથાનું અનોખું સ્વરૂપ એમાં નિપજાવી કાઢ્યું છે. પૂરી કળાત્મક સભાનતાથી તેમણે એની રૂપરચનાની માવજત કરી છે. પરિણામે, આ બે આંચલિક કથાઓ અંચલના લોકજીવનનો સ્વીકાર કરતી છતાં, બંને જુદી જ ભૂમિકા પર ગતિ કરે છે. આ બે કથાઓના તુલનાત્મક અધ્યયન અર્થે મેં જે frame of reference સ્વીકાર્યો છે, તેમાં નીચેના મુદ્દાઓ માર્ગદર્શક રહ્યા છે  : (ક) બંને કથાસર્જકોએ રજૂ કરવા ધારેલા અંચવિશેષોનાં સમાનતત્ત્વો ક્યાં છે? એના મૂળ સ્રોતો મળે છે ખરા? (ખ) નવલકથાના સ્વરૂપને તેઓ કઈ રીતે સ્વીકારે અને પ્રયોજે છે? કથાવૃત્તાંતનાં સ્થાન અને ક્ષમતા તેઓ કેવી રીતે સ્વીકારે છે? નવલકથાની રૂપરચના કેવી રીતે સિદ્ધ કરે છે? (ગ) ગુજરાતી અને હિંદી સાહિત્યમાં આંચલિક નવલકથાની પરંપરા કેવી છે?

બંનેમાં આંચલિક નવલકથાની વિભાવના શી છે? બંને લેખક પોતે જે પરંપરા વચ્ચે લખે છે, તેને તેઓ આગળ લઈ જાય છે, તેનું નવસંસ્કરણ કરે છે કે તેનું કળાત્મક ક્ષમતાની દૃષ્ટિએ નવસર્જન કરે છે? (ઘ) અંચલના જીવનપ્રવાહોને તેઓ કઈ રીતે આકલિત કરે છે અને પ્રસ્તુત કરે છે? લોકજીવનની યથાર્થતા તેમાં કઈ રીતે અને કેટલે અંશે ઝીલાઈ શકી છે? માનવીય સમસ્યા અને સંયોગોનું સ્વરૂપ કઈ રીતે જુદું પડે છે. (ચ) લોકજીવનની સમસ્યાઓની ઓળખમાં તેમ તેના નિરાકરણમાં કોઈ વિચારધારા (Ideology) નો પ્રભાવ છે? ઐતિહાસિક વિકાસ, પ્રગતિ, કે લોકજીવનની નિયતિ પરત્વે એમાં લેખકોનું વલણ કેવું છે? (છ) વસ્તુસામગ્રીના પ્રસ્તુતિકરણમાં, પ્રસંગોના સંયોજનમાં અને ભાષાશૈલીના વિનિયોગમાં, બંને સર્જકોનો અભિગમ શો છે? વગેરે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

‘લીલુડી ધરતી’ (૧-૨) ની કથામાં ઊપસતું અંચલ પશ્ચિમ ભારતનું છેઃ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસેના ગિરનાર પર્વતની ગોદમાં વસેલું ગુંદાસર ગામ એમાં કેન્દ્રસ્થાને છે. સૌરાષ્ટ્રના ચોક્કસ ભૂમિખંડના પ્રાકૃતિક પરિવેશમાં એ પૂરેપૂરું ઓતપ્રોત છે. રેતીપથ્થરોના ખુલ્લા પટવાળી ઓઝત નદી, ઊંચીનીચી સપાટીઓવાળાં સીમખેતરો, શેઢાના થોર અને બીજી કાંટાળી ઝાડી, સીમશેઢેનાં દેવસ્થાનો અને આખાય જનપદ પર ઝળૂબી રહેલો આદ્યવિભૂતિશો ગિરનાર, આ વિસ્તારનું ભાતીગળ ઝાંયવાળું લોકજીવન આ પ્રાકૃતિક પરિવેશમાં જીવંત ધબકાર સાથે એકાકાર છે. ગામનું, બલ્કે કસબાનું, જનજીવન પણ સોરઠી લોકસંસ્કૃતિની રેખાઓ સારી રીતે ઉપસાવે છે. એની નાનકડી બજાર, એનાં પથ્થરમઢ્યાં મકાનો, અને ડેલીઓ, એના પથરાળા માર્ગો આગવા કઠોર રંગો ધારણ કરે છે. જૂની સામંતશાહી વ્યવસ્થાના જીર્ણ અવશેષો અહીં હજી ટકી રહ્યા છે. ગામનું સદીઓ- જૂનું સામાજિક- આર્થિક માળખું એ સામંતશાહી વ્યવસ્થાનો અવશેષ છે. જૂનાં રજવાડાંના એક અવશેષ સમું ઠાકોર- કુટુંબ પોતાની રાજકીય સત્તા ખોઈઅબેઠું છે; અને આર્થિક રીતે સાવ ઘસાઈ ગયું છે. છતાં જૂના જમાનાની ખટપટો, કાવાદાવાઓ અને દુરાચારોથી હજીય એટલું જ ખદબદે છે. આ કસ્બામાં સોરઠના પ્રજાજીવનમાં મળતી નાનીમોટી અસંખ્ય જ્રાાતિઓ વસે છે; એમાંય વસવાયાંઓ અને‘કાંટ્યાં વરણ’ લેખાતી કોમો અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. કથાનાં મુખ્ય- ગૌણ વૃત્તાંતોમાં કણબી ખેડૂત હાદા ઠુમરના કુટુંબની કથા કંઈક કેન્દ્રમાં છે. પણ મડિયા એ નિમેત્તે અતીત બાવો ઈશ્વરગિરિ, બ્રાહ્મણ, હેલિયો, મૂળગર બાવો, ઓઘડ ભુવો, રામગર પગી, ભાડો વાદી, જુસ્બો ઘાંંચી, વેજલ રબારી, પરભો ગોર, અને એ કોટિનાં લોકજીવનનાં એકએકથી વિલક્ષણ, ભાતીગળ, પાત્રો અહીં સમાવી લે છે. ઓઝતના કાંઠા ૫૨ની વાડીમાં ઈશ્વરગિરિની મઢી એ દૂર- દૂરથી આવતાજતા સાધુસંતોનું વિરામસ્થાન છે. ગ્રામજનો આ મઢીમાં ભજનકીર્તન અને કથાઆખ્યાનોમાં સતત જોડાય છે. હાદા ઠુમરના ખેતરનું સતીમાનું થાનક અહીંના અનેક આસ્થાળુ લોકાનું બાધાઆખડીનું ધામ બન્યું છે. ગિરનાર પરનાં અંબિકામા અહીંના વિશાળ જનસમુદાયના હૃદય પર શાસન કરે છે. મડિયાએ આખી કથામાં અહીંના લોકમાનસને પ્રેરતા તહેવારો, ઉત્સવો, કર્મકાંડો અને તેની પાછળની માન્યતાઓ ગૂંથી લઈને જીવનના ગૂઢ પ્રવાહોને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો છે. આપણે આગળ જોઈશું કે, હાદા ઠુમરની પુત્રવધૂ સંતુના જીવનની કરુણ કમનસીબ કથા અહીં કેન્દ્રીય સંયોજક તંતુ રહ્યો છે. પણ મડિયાએ એ નિમિત્તે અને તેની સાથે જોડીને, સોરઠી લોકજીવનનાં અપારવિધ વિલક્ષણ ચરિત્રો રજૂ કર્યાં છે. તેમની એક નજર કથાના મુખ્ય વસ્તુતંત્ર (plot) પર, તો બીજી નજર તેની સાથે ગૂંથવા ધારેલાં એકએકથી નિરાળાં માનવીઓ ૫૨ રહી છે. ‘મૈલા આંચલ’નો અંચલ ઈશાની ભારતનો, એથી ઘણો જુદો ભૂમિખંડ છે. બિહારના પૂર્ણિયા જિલ્લાના છેક અંતરિયાળમાં, હિમાલયની તળેટીની નજીકમાં, વસેલું મેરીગંજ ગામ છે, એનો કેન્દ્રસ્થ વિસ્તાર. આ કથા વાંચતાં સહજ જ એવી પ્રબળ પ્રતીતિ જન્મે છે કે,‘રેણુ’એ સમગ્ર અંચલ પોતાના શ્વાસમાં ઝીલ્યું છે. ગામ પાસેની કમલા નદી, તેની પાસેનું તાડવન, પરિસરની ભરચક વનસ્પતિ, નીલસાહેબની કોઠીનાં ખંડિયેર અને એની આસપાસનું આદિમ આબોહવામાં શ્વસતું અરણ્ય – આ આખાય પ્રાકૃતિક પરિવેશમાં કશુંક ગહન રહસ્યમય, કશુંક અતિપ્રાકૃત, અને કશુંક પૌરાણિક તત્ત્વ પ્રત્યક્ષ થાય છે. જોકે, લોકજીવનના માળખા પર નજર કરતાં તરત સ્પષ્ટ થશે કે, અહીં પણ હિંદના સૈકાઓ જૂના ગામડાંનું એ જ પરિચિત સામાજિક આર્થિક માળખું જીર્ણ દશામાં ટકી રહ્યું છે. સૈકાઓ જૂની સામંતશાહી વ્યવસ્થા, અલબત્ત, અહીં જુદી રીતે ટકી રહી છે. તહેસીલદાર વિશ્વનાથ પ્રસાદ જૂના જમીનદાર વર્ગનો જ એક પ્રતિનિધિ છે; જ્યારે હરગૌરી નવા યુગનાં પરિબળો અને ઊથલપાથલો વચ્ચે ઊભો થયેલો નવો જમીનદાર છે. એની સામે ગ્રામવાસીઓ અને સંથાલોનો વિશાળ મજૂર- વર્ગ છે. હિંદની જ્ઞાતિવ્યવસ્થા અને તેમાંનો ઉચ્ચાવચક્રમ અહીંય જળવાયો છે. માલિકટોળી, રજપૂતટોળી, યાદવટોળી, કાયસ્થટોળી, તતમાટોળી અને ગુઅરટોળી વગેરે જૂથો, દેખીતી રીતે જ ચોક્કસ જ્ઞાતિ કે કોમ પર નિર્ભર છે. ગામમાં મહંતસાહેબનો મઠ, તેના સાધુસંતો, લક્ષ્મી કોઠારિણી અને મઠની અઢળક સંપત્તિ એ સર્વ આ દેશની ધાર્મિક વ્યવસ્થાનું જ વરવું ચિત્ર રજૂ કરે છે. પણ આપણે આગળ જોઈશું કે, આ આંચલિક કથાના જીવનપ્રવાહમાં ડૉ. પ્રશાંત, બાલદેવ, મંગલા, મમતા અને બીજાં એવાં પાત્રો વળાંક આણે છે. અને એ રીતે એક જુદી જ ધરાતલ પ૨ એની માંડણી થાય છે. મૂળ વાત તો એ છે કે, આ બે આંચલિક કથાઓમાં ભૌગોલિક અને પ્રાકૃતિક પરિવેશની જે પ્રભાવક ભિન્નતા છે, તેને બાજુએ રાખીને વિચારીએ તો, બંને કથાના લોકજીવનમાં હિંદનાં જૂનાં ગામડાંના અવશેષો છે, બંનેના સામાજિક- સાંસ્કૃતિક માળખામાં કેટલુંક પાયાનું સામ્ય છે, સામંતશાહી વ્યવસ્થાના અવશેષરૂપ અમુક પૂંજીવાદી વર્ગ કે શોષક વર્ગ બંનેમાં છે, મજૂરો અને ભૂમિહીનો બંનેમાં છે, જ્ઞાતિઓના વાડા અને ઉચ્ચાવચ ક્રમ બંનેમાં છે, પર્વો, ઉત્સવો અને કર્મકાંડોય બંનેમાં છે, સાધુસંતોના મઠોય છે અને પરલોકની ઝંખના રજૂ કરતા માનવજીવોય છે. પણ બંને કથાવિશ્વમાં લોકજીવનની ગતિવિધિઓ જુદી રીતે રજૂ થયાં છે; બલકે, જુદા જ ઉદ્દેશ અને અર્થ તેની પાછળ કામ કરે છે. પ્રશ્ન બંને લેખકોના સ્વરૂપને કેવી રીતે જુએ અને સ્વીકારે છે તેનો છે; અંચલના જનજીવનને તેઓ કઈ રીતે યોજવા ધારે છે તેને લગતો છે. ‘લીલુડી ધરતી’ (૧-૨) મડિયાની પરંપરાગત રીતિની નવલકથા છે. હાદા પટેલના કુટુંબમાં આવતી આપત્તિઓ અને કસોટીઓની, ખાસ તો તેમના સૌથી નાના પુત્ર ગોબર અન પુત્રવધૂ સંતુના દાંપત્યના દુઃખદ અંતની કથા, એમાં મુખ્ય વૃત્તાંત તરીકે ઊપસે છે. ગોબરની એ પ્રતાપી અને કોડીલી નવવધૂ તેમના દૂરના કુટુંબી માંડણની દુરાચારી વૃત્તિ અને તેના દુષ્ટ પ્રપંચને કારણે વિધવા બની. જોકે ગામનો શાર્દૂલ અને બીજાં દુષ્ટ તત્ત્વો એક યા બીજી રીતે એ પ્રપંચમાં જોડાયાં હતાં. સંતુ વિધવા બની ત્યારે ઉદરમાં તેના પતિનું સંતાન ઉછરી રહ્યું હતું; છતાં, એ સૌ દુષ્ટજનોએ એ સંતુના અવૈધ સંબંધ હોવાનું જાહેર કરી, તેને કલંકની ઠેરવી અને ઉકળતા તેલના કઢામાં હાથ ઝબોળી પોતાનું શુદ્ધ શીલ પુરવાર કરવાને પડકાર ફેંક્યો. સંતુએ એ અગ્નિકસોટી સ્વીકારી, પણ ઉકળતા તેલમાં તેના બંને હાથ બળી ગયા! એ પછી સંતુએ મૃતશિશુને જન્મ આપ્યો, સંતાનવિરહમાં તે પાગલ થઈ ગઈ અને કેટલાક વ્યવહારકુશળ લોકોએ, એક પારકી પુત્રી સોંપી તે તેની જ છે એવી રજૂઆત કરી, તેને ફરીથી માનસિક સ્વાસ્થ્ય આપ્યું. આમ, આ કથા હાદા ઠુમરના કુટુંબની આપત્તિઓ વચ્ચે વિધવા સંતુની કહાણીને ધીમેધીમે કેન્દ્રમાં આણે છે. અને ગામનાં અન્ય પાત્રોની આસપાસ વિસ્તરતાં ગૌણ વૃત્તાંતો – ૨ઘા ગોર, અમથી સુથા૨ણ, અને તેમના પુત્ર ગિરજાપ્રસાદનો વૃત્તાંત, ઠાકોર કુટુંબમાં તખુભા, સમજુબા અને ચોરીછૂપીથી મેળવેલા પુત્ર શાર્દૂલનો વૃત્તાંત, ગિરધર લુહાણાનો અને નથુ સોનીનો વૃત્તાંત, તેમજ હાદા ઠુમરનો જ્યેષ્ઠ પુત્ર, જે બાવાઓની જમાતમાં ચાલ્યો ગયો છે, તેનો વૃત્તાંત – એમાં યુક્તિપૂર્વક જોડી લેવામાં આવ્યો છે. હાદા ઠુમરના કુટુંબની કથા- નિમિત્તે અસંખ્ય ગ્રામવાસીઓનાં રોજરોજનાં સુખદુઃખો, વેરઝેર, ખટપટો, સંઘર્ષો આશાનિરાશા એમાં ગૂંથાતાં રહ્યાં છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, મડિયાને અંચલના તળપદ જીવન જીવનારાં માનવીઓની, શક્ય તે રીતે કૌતુકપ્રદ અને રોમાંચક કથા વિસ્તા૨વામાં વિશેષ રસ રહ્યો છે. એટલે, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, તેમની એક નજર હાદા પટેલના કુટુંબવૃત્તાંતને અત્યંત ચુસ્ત, એકાગ્રલક્ષી, વસ્તુતંત્ર (plot) માં ઢાળવાની પ્રવૃત્તિ પર, તો બીજી નજર આ કસ્બાના પરિવેશમાં ઉપસ્થિત હોઈ શકે તેવાં એક એકથી નિરાળાં અને એક એકથી વિલક્ષણ પાત્રો પર ઠરી છે. ગુંદાસર જેવી નાનકડી દુનિયામાં સનસનાટી જન્માવે, કૌતુક પોષે અને કથા૨સને પોષે – એવા બનાવો સાથે તેમણે વધુ તો કામ પડ્યું છે. કથાને આગળ લઈ જવાની યુક્તિઓ દેખાઈ આવે તેવો પ્રપંચ અને મુખ્ય- ગૌણ વૃત્તાંતોને જોડવામાં યોજાતી મૃતક યોજના, આ નવલકથામાં તરત જ પ્રત્યક્ષ થાય છે.- ‘લીલુડી ધરતી’ (૧-૨) નું લેખન કંઈક વિશિષ્ટ પરિસ્થિતિમાં થયું છે. ૧૯૫૬-૫૭નાં વર્ષોમાં એ કૃતિ મૂળ તો મુંબઈના‘જન્મભૂમિ’ પત્રમાં ધારાવાહિક કથા રૂપે હપ્તે- હપ્તે લખાયેલી અને પ્રગટ થતી રહેતી. એની પ્રસ્તાવનામાં, મડિયાએ એના લેખન- પ્રકાશન અંગે જે કેફિયત આપી છે તે લક્ષમાં લેતાં, એક વાત તરત સ્પષ્ટ થાય છે કે, આ કથાના લેખનના આરંભમાં સમગ્ર કથાવસ્તુનું પૂરેપુરું દર્શન કે વસ્તુવિકાસની સ્પષ્ટ દિશાદૃષ્ટિ તેમની પાસે નહોતાં. અને મડિયાએ પોતે જે વાત નોંધી છે તેને ગંભીરતાથી લઈએ તો, દર અઠવાડિયે પ્રગટ થતાં પ્રકરણ વાંચીને અનેક વાચકોએ તેમને તેમના રસનાં પાત્રોની નિયતિ વિશે, તેમ તેમના જીવનમાં બનતા અમુક પ્રસંગોની સંભવિતતા વિશે, અભિપ્રાયરૂપે, ટીકાટિપ્પણીરૂપે, કે માત્ર પોતાના ગમા-અણગમા વિશે, જે કંઈ લખ્યું તે મડિયાનાં પાછળના પ્રકરણો પર સીધો કે પરોક્ષ પ્રભાવ મૂકી ગયું હોય, એમ દેખાય છે. હકીકત કંઈક એવી બની છે કે, કથાનાં અમુક પ્રક૨ણો પ્રગટ થયાં પછી જ કદાચ તેમના કથાવસ્તુમાં ‘પ્રજાતંતુ’નો – એટલે કે સંતાન- પ્રાપ્તિનો પ્રશ્ન એક મુખ્ય સંચાલક બળ હોવાની ચોક્કસ સભાનતા તેમનામાં પ્રબળપણે સક્રિય બની દેખાય છે. પરિણામે, કથાના ઉત્તર-ભાગમાં, વધુ તો સંતતિના પ્રશ્નોની આસપાસ, વૃત્તાંતો આકાર લે છે. વિધવા સંતુની સંતાનવિરહની કરુણ કથા સાથે અજવાળી અવૈધ સંબંધથી જન્મેલી બાળકીની કથા, ઠકરાણાં સમજુબાની સંતાન માટેની ઝંખના, અમથી સુથારણના સંતાનની કથા, જુસ્બા ઘાંચીનો વૃત્તાંત જોડાયેલાં છે. મડિયાએ પોતાની કથાને આપેલું શીર્ષક ‘લીલુડી ધરતી’ પણ સૂચક છે. કથાના આરંભે પ્રથમ વર્ષાનો ઉલ્લેખ છે; પછી દુકાળનું વર્ષ વીતે છે; અંતમાં ફરી વર્ષાનું આગમન થાય છે. મડિયાએ નિવેદનમાં એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે, ધરતી પોતાનું આંતરસત્ત્વ કદી ખોતી નથી, નવી વર્ષા સાથે ધરતીનો ગર્ભ ફરી સળવળે છે. બીજ ધારણ કરે છે અને વનસ્પતિ નવું ચૈતન્ય ધરીને ફરી પાંગરે છે. વિશ્વનું ઘટનાચક્ર એના નિજી ક્રમમાં ચાલતું રહે છે. ધરતી અને સ્ત્રીનું સત્ત્વ સ્વયં ગૂઢ રહસ્યમય શક્તિરૂપ છે. પણ, મડિયાએ સ્વયં નિવેદન રૂપે રજૂ કરેલું આ રહસ્ય તેમના કથાવિશ્વમાં સહજ વ્યંજિત થતું હોય એમ પ્રતીત થતું નથી. કૃતિના વર્ણવૃત્તાંતોનો વિસ્તાર, સમગ્ર કથાત્મક માળખું અને તેની સંવિધાનીતિમાં મડિયાને અભિમત એ રહસ્ય પ્રગટ થતું રહી ગયું છે. ધરતી અને નારીસત્ત્વને ગહન સ્તરે જોડી આપવામાં કોઈ પૌરાણિક fertility rites, કે એવી રહસ્યમય પ્રાણશક્તિના આદિમ આવિર્ભાવનો ખાસ ઉલ્લેખ એમાં નથી. હાદા ઠુમ૨નો બાર વર્ષ પહેલાં ખોવાયેલો પુત્ર દેવશી બાવાઓની જમાતમાં ભળ્યો હોવા છતાં પરિસ્થિતિને ઓળખી કુટુંબમાં પાછો ફરે છે, ત્યારે એ કુટુંબનું અટકી પડેલું જીવનચક્ર ફરીથી ચાલતું થાય છે ખરું. કથાના અંતભાગમાં મડિયા, એ રીતે કરુણમંગલ સ્વર જગાડવા મથ્યા છેઃ વિશ્વજીવનમાં જાણે કોઈ આંતરિક લયની હિમાયત કરવા સક્રિય બન્યા છે. પણ કૃતિની સમગ્ર રચનાપ્રક્રિયામાં એવો કોઈ સ્વર કે લય પ્રભાવક રૂપમાં વરતાતાં નથી. નોંધવા જેવી બાબત તો એ છે કે મડિયાએ પોતાની આ કથાને ક્રોનિકલ’ સંજ્ઞાથી ઓળખાવવા ચાહી છે. પણ એ સંદર્ભે એટલું જ નોંધીશું કે, લોકજીવનનાં સુખદુઃખો, વેરઝેર, આશાનિરાશા એ સર્વ વ્યાપકપણે ૨જૂ થયાં છે. પણ,‘ક્રોનિકલ’માં અનિવાર્ય એવો ચોક્કસ ઐતિહાસિક સમયનો તિથિવા૨ સાચવતો ક્રમ, અને તેની સાથે ગાઢ રીતે જોડાયેલી નક્કર દસ્તાવેજી વિગતો, અહીં ખાસ સ્થાન પામ્યાં નથી. ગુંદાસરના લોકજીવનમાં નવો સંચાર જગાડે, આંદોલન જગાડે, એવું આધુનિક માનસ ધરાવતું પાત્ર અહીં નથી, કે બહારનાં પિરબળોનો એવો કોઈ પ્રભાવ નથી. રઘા ગોરની હોટેલમાં ગ્રામોફોન પર જૂનાં નાટકોના ગીતની રેકર્ડ ગુંજે છે, જીવા ખવાસની હોટેલમાં વર્તમાનપત્ર અને રેડિયો દાખલ થયાં છે; પણ એ માધ્યમો માત્ર મનોરંજન પૂરું પાડે છે, કોઈ વિચારધારાનો પ્રસાર એ દ્વારા થયો નથી. આધુનિક સમયના પ્રવાહોથી – સંચલનાઓ આંદોલનો અને કાર્યક્રમોથી એ ગામ દૂર રહી ગયું છે. અસ્ત થતા સમયનું એ એક અન્‌-ઐતિહાસિક દૃશ્યપટ રહી જાય છે! અંતે, મડિયાની કથાવસ્તુની પસંદગીનો આ એક નિર્ણાયક મુદ્દો બને છેઃ જે રીતના અંચલની તેમણે પસંદગી કરી તેમાં જાણ્યે- અજાણ્યેય તેમની સર્જકવૃત્તિ અને દૃષ્ટિ ભાગ ભજવી ગયાં છે...! – ‘મૈલા આંચલ’નું લોકજીવન ઘણી ભિન્ન દૃષ્ટિએ અને ભિન્ન ભૂમિકાએથી આલેખાયું છે. નવલકથામાં કથાસામગ્રી તરીકે તેઓ પણ અંચવિશેષના લોકજીવનને જ સ્વીકારે છે; પણ નવલકથાના નિર્માણમાં પ્રેરક હેતુ અને તેને રૂપ આપનારી કલાદૃષ્ટિ મડિયાની કથા સામે એકદમ જુદાં પડી આવે છે. એક કળાસર્જક તરીકે ‘રેણુ’ નવલકથાના સ્વરૂપને પોતાની આંતરિક જરૂરિયાતને અનુરૂપ નવો જ ઘાટ આપવા પ્રેરાયા છે. બલકે, કથાવસ્તુ પરત્વે તેમનો અભિગમ મૂળભૂત રીતે જુદો રહ્યો છે. કૃતિની ટૂંકી પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છેઃ ‘यह है मैला आंचल. एक आंचलिक उपन्यास कथाम्नक है पूर्णिया ... मैने इसके एक हिस्से के एक ही गांवको, पिछडे गांवोका प्रतीक मानकर इस उपन्यासकथा का क्षेत्र बनाया है इसमें फूल भी है, शूल भी, धूल भी है, गुलाल भी, कीचड भी है, चन्दन भी, सुंदरता भी है, दूरुपता भी. मैं किसीसे दामन बचाकर निकल नहीं पाया —’ આ નિવેદનમાં ‘કથાનક’ પૂર્ણિયા છે – એ શબ્દો ધ્યાનાર્હ છે. કોઈ નયાક-નાયિકાની અલગ વ્યક્તિકથા નહિ, વિશાળ અંચલની જીવનવહેણોની કથા તેમને અભિપ્રેત છે, એમ એમાં સૂચવાયું છે. જોકે અંચલના પ્રવાહો વચ્ચે કેટલાંક‘ચરિત્રો’ વધુ મહત્ત્વનું સ્થાન લે છે; પણ, અંતે તો એવી વ્યક્તિકથાઓ લોકજીવનની સપાટી પર વિશેષ ઉઠાવ લેતાં મોજાઓ જેવી છે. વાસ્તવમાં અહીં કોઈ એક કથાવસ્તુ પર નિર્ભર માનવકાર્યનો અને વસ્તુતંત્રનો વિસ્તાર નથીઃ ઓછાવત્તા મહત્ત્વના પ્રસંગો પરિસ્થિતિઓ અને પાત્રોની પ્રવૃત્તિઓનું સમાંતર કથનવર્ણન છે. સમાંતર વહેતા જનજીવનના પ્રવાહો લગભગ સતતપણે પરસ્પરમાં ભળતા દેખાય છે. ‘રેણુ’એ મેરીગંજ પછાત ગામડાંનું પ્રતીક છે એમ જે નિર્દેશ કર્યો તેમાં તેમની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક નિસ્બતનો અણસાર મળી જાય છે. વળી અહીં એમ પણ નિવેદિત કરવામાં આવ્યું છે કે અંચલનાં સુંદર- અસુંદર, શુભ- અશુભ, સદ્‌-અસદ્‌ સર્વ વિરોધી તત્ત્વોનો તેઓ યુગપદ્‌ અને સર્વગ્રાહી રૂપમાં સ્વીકાર કરવા ચાહે છે. તેઓ તેમની રાજકીય અને સામાજિક ચેતના પ્રબળ રૂપમાં છતી કરે છે; છતાં કોઈ એક ચુસ્ત વિચારસરણીમાં ઢાળીને લોકજીવનનું ગ્રહણ કરતાં નથી. માનવીના ગહન કૂટ ‘માનવ્ય’નો તેઓ જાણે તાગ લેવા ઝંખે છે! ‘મૈલા આંચલ’માં રજૂ થતા જનજીવનને, લીલુડી ધરતી’(૧-૨) સાથે સરખાવતાં, તેમાં પ્રવેશેલાં અને સક્રિય બનેલાં ઐતિહાસિક બળોએ જે રીતે પ્રભાવિત કર્યું, તે ઘટના અસાધારણ મહત્ત્વની જણાશે. ‘મૈલા આંચલ’માં પ્રત્યક્ષપણે પ્રસ્તુત થયેલી સમયધરી, ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ ના સમયગાળાનો ગાઢ ઐતિહાસિક સંદર્ભ ધરાવે છે. પહેલા પ્રકરણના વૃત્તાંતમાં એમ સૂચવાઈ ગયું છે કે, ૧૯૪૨ ના વર્ષ સુધી અંતરિયાળનું આ જનપદ દેશમાં બનતી વિરાટ ઘટનાઓથી લગભગ અલિપ્ત હતું!’ ‘૪૨ ની હિંદ છોડો’ની રાષ્ટ્રીય ચળવળ અહીંના લોકો માટે માત્ર દંતકથાઓ જ રહી હતી. પણ, આ કથાની ઘટનાઓ જ્યા૨થી આરંભાય છે તે, ‘૪૬ ના વર્ષમાં, એટલે કે સ્વાતંત્ર્ય મળ્યું તે પૂર્વેના વર્ષમાં, દેશના ભિન્નભિન્ન રાજકીય પક્ષોની વિચારધારાઓ અને કાર્યક્રમો આ અંચલને છેક ગહરાઈએ સંક્ષુબ્ધ કરી મૂકે છે. હકીકતમાં, મેરીગંજનું જનજીવન આધુનિક યુગનાં અનેક નવાં વિચારવલણોથી ઘેરાઈ ચૂક્યું છે. સદીઓ જૂની માનસિકતાવાળાં લોકો આ નવાં ઐતિહાસિક બળોના અણધાર્યા આામણથી પછડાટ અનુભવે છે. આ કથામાં ડૉ. પ્રશાન્તનું જીવનકાર્ય એક ઘણું ગંભીર રહસ્યસભર પ્રકરણ બને છે. આ વિસ્તારમાં ‘કાલાઆજા૨’ની બિમારી વ્યાપકપણે ફેલાતી રહી હોવાથી એ રોગના સંશોધન અર્થે અને લોકોની બીજી બધી બિમારીઓના ઇલાજ અર્થે, એક કૉર્ટેજ ઇસ્પિતાલ ચલાવવા ડૉ. પ્રશાન્ત બીજા વિસ્તારમાંથી અહીં આવ્યો છે. સદીઓ સુધી અજ્ઞાન વહેમ અને જડતામાં ડૂબેલા લોકો વચ્ચે વૈજ્ઞાનિક વિચાર- પદ્ધતિ અને સંશોધન- પ્રવૃત્તિનો આરંભ થાય છે. રાષ્ટ્રીય કૉંગ્રેસનો એક ગ્રામકાર્યકર બાલદેવ પણ અન્ય વિસ્તારમાંથી આવી વસ્યો છે. મહાત્મા ગાંધીજીના અહિંસા-પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને અનશન-વ્રતના થોડાક છીછરા ખ્યાલો કેળવીને તે અહીં કૉંગ્રેસી પ્રવૃત્તિઓ આરંભે છે. ગ્રામવાસીઓને તે જયહિંદ’નો નારો સંભળાવે છે. અહીંનો એક ગ્રામીણ યુવક કાલિચરણ જિલ્લાનાં મથકોમાં ચાલતી સમાજવાદી પ્રવૃત્તિનો સંદેશો લાવ્યો છે. ગામના ચર્ખાસેન્ટરનાં સંચાલક- મહિલા મંગળાદેવી પણ બહારથી આવ્યાં છે. મેરીગંજના અંચલમાં, આમ નવાં રાજકીય- સામાજિક આંદોલનોના પ્રસાર અને પ્રભાવની કથા તો છે જ; પણ રેણુએ અહીંની લોકચેતનાનો તંતુ વિશાળ રાષ્ટ્રીય ઘટનાઓ અને દેશનેતાઓની પ્રવૃત્તિઓ સાથે જોડી લેવાનો ઉપક્રમ રાખ્યો છે. એ રીતે જમીનદારી પ્રથાનો અંત આણતો નવો કાયદો, ભૂમિહીન મજૂરો અને સંથાલ- લોકોનો વિદ્રોહ, હિંદના ભાગલા, સ્વરાજ્યપ્રાપ્તિ, અને કોમી હુલ્લડો, ગાંધીજીની હત્યા, અને દેશની અંદર ફાલેલાં અછત, કાળાબજાર અને દાણચોરી જેવાં અનિષ્ટો – એવી ઘટનાઓ આ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે પડઘાતી રહે છે. રેણુને, ખરેખર તો, આ પ્રકારનાં ઐતિહાસિક બળોના પ્રવેશ સાથે આંચલિક જીવનમાં જે રીતે ક્રિયાપ્રતિક્રિયાઓ જન્મી, વ્યક્તિ-સ્તરે તેમ વ્યાપક લોકજીવનના સ્તરે, જે સંક્ષોભો અને સંઘર્ષો ઊભા થયા; અને ખાસ તો, આ લોકસૃષ્ટિની ભાગ્યરેખા જે અકળ-અદૃષ્ટ-રિબળોથી ઘેરાતી રહી, તેના મર્મગ્રાહી નિરૂપણમાં વિશેષ રસ રહ્યો છે. કહો કે, ‘જનગણમન’ના ‘અધિનાયક’ની નવી રીતે ઝાંખી કરવામાં તેઓ પ્રવૃત્ત રહ્યા છે. ‘મૈલા આંચલ’ના જનજીવનને રેણુએ ચોક્કસ સમયની સંધિક્ષણ પર મૂકીને અવલોક્યું છે. એમાં છેક ગઈકાલ સુધી માત્ર અર્ધપૌરાણિક વિશ્વમાં ગતિ કરતા અને અતિપ્રાકૃત સત્ત્વો અને શક્તિઓમાં આસ્થા મૂકીને ચાલતા લોકમાનસને કદાચ, પહેલીવાર ઐતિહાસિક સમયમાં દાખલ થઈ નવી જ વાસ્તવિકતાઓ સામે આતું રેણુએ આલેખ્યું છે. આમ જુઓ તો મેરીગંજ નામની સાથે જ તાજેત૨ના ઇતિહાસના બનાવો જોડાયેલા છે. અંગ્રેજ શાસકો દ્વારા આ દેશના થયેલા આર્થિક શોષણની કઠોર હકીકતો એની સાથે સંકળાયેલી છે. એ વર્ગમાંના જ એક નીલસાહેબ – માર્ટિનની વ્હાલસોઈ પત્ની મેરીનું સ્મરણ એમાં સચવાયું છે. પણ અહીંના લોકો માટે માર્ટિન અને મેરી હવે જાણે દૂર અતીતની દંતકથા સમાં પાત્રો બની ગયાં છે! કોઠીની આસપાસના અરણ્યમાં ક્યારેક કોઈને મેરીનું સફેદ પ્રેત નજરે ચઢે છે! અહીંના લોકમાનસની અજ્ઞાત ઝંખનાઓ, ભીતિઓ અને તેમની માન્યતાઓ, આવી અતિપ્રાકૃતિક ઘટનાઓમાં સાકાર થાય છે. કમલા નદીની આસપાસ ગૂંથાયેલી આસ્થા પણ એટલી જ ધ્યાનાર્હ છે. છેક ગઈ પેઢી સુધી કમલાએ ગામલોકોને પૂજાપાઠ ભોજન આદિ કર્મકાંડોના પ્રસંગે ચાંદીના થાળ-પ્યાલા જેવાં વાસણો આપ્યાં હતાં; પણ કોઈ એક વ્યક્તિએ કમલામૈયાને એનાં કિંમતી વાસણો પરત ન આપ્યાં, તેથી કમલામૈયા કોપ્યાં અને એ સહાય હવે મળતી નથી, એમ એ લોકો માને છે! ગામના મઠાધિપતિ મહંતસાહેબે એક મધરાતે પોતામાં અપૂર્વ ‘દિવ્યજ્યોત’ પ્રગટી હોવાનું મઠના નિવાસીઓને કહ્યું; અને કોઠારિણી લક્ષ્મીએ એ વાત ગામલોકોને કહી, ત્યારે તેમણે સૌએ આશ્ચર્ય સાથે મહંતસાહેબના સાક્ષાત્કારની વાત જાણી ધન્યતા અનુભવી. ક્લીમુદ્દીપુરમાં નાગર નદીને કાંઠે એક ઝાડની ડાળ પર લટકી રહેલી બાવનદાસની ઝોળી સ્વયં કોઈ એક દુઃખી સ્રી માટે ‘ચીંથરિયો પીર’ બની જાય એ ઘટનાય ઓછી સૂચક નથી! બાવનદાસ જેવી એક સમકાલીન વ્યક્તિ, ચોક્કસ ઐતિહાસિક સંજોગો વચ્ચે, શહીદી વ્હોરી લે; અને આ અંચલની એક અબુધ નારી એ ઝોળીમાં અતિપ્રાકૃત સત્તા નિહાળે, એ ઘટનામાં અહીંના લોકમાનસની બલકે આખાય દેશના ગ્રામીણ માનસની – વિલક્ષણ વૃત્તિ છતી થાય છે. ગામમાં કૉટેજ-ઇસ્પિતાલની સ્થાપના સામે બ્રાહ્મણવર્ગ વિરોધ નોંધાવે છે. તેમનું અતિ રૂઢિચુસ્ત માનસ, નવી સા૨વા૨ પદ્ધતિ અને ઇસ્પિતાલનો, કશાય બૌદ્ધિક આધાર વિના, કેવળ અજ્ઞાતવૃત્તથી જ, વિરોધ કરે છે. ગામનો બુઢ્‌ઢો અંધ જ્યોતિષી તો ઇસ્પિતાલ આવવાથી ગામ ૫૨ કોપ ઊતરશે, ગામ આખું ઉજ્જડ બનશે, સૌનો વિનાશ થશે, વેરાન બનેલા ગામમાં ગીધડાં ઊડશે, એવી અમંગળ ભવિષ્યવાણી ઉચ્ચારતો રહે છે. પણ, નવાં મુક્ત થયેલાં ઐતિહાસિક પરિબળો અને નવી આકાર લેતી જનજીવનની પરિસ્થિતિઓ વચ્ચે તેના શબ્દો અર્થહીન પ્રલાપશા નીવડે છે! વિરાટ ઐતિહાસિક બળોના સંઘર્ષમાં તેનો અવાજ માત્ર શૂન્યવત્‌ પડઘાતો રહે છે! એક જૂનવાણી માનસ, નવાં ઐતિહાસિક બળોને અને તેથી સર્જાતી નવી ઐતિહાસિક પરિસ્થિતિઓને ઓળખવામાં સર્વથા અસમર્થ રહે છે! ઇતિહાસનાં સત્તાશીલ બળોનો એમાં ઘેરો ઉપહાસ છે. રેડ્યુએ નિર્માણ કરેલા આ ચરિત્રના પ્રથમ પરિચયે જ, અણજાણપણે જ, જાણીતી ગ્રીક ટ્રેજેડી ધ ઇડિપસ કિંગ’ની પાત્રસૃષ્ટિમાંના અંધ ટાઇરેસિયસનું સ્મરણ ભાવકના ચિત્તમાં જન્મી પડે તો આશ્ચર્ય નહિ, પણ ગ્રીક ટ્રેજેડીનું વિશ્વ માનવલોકથી ઊંચે વસતા દેવતાઓના શાસનમાં છે. માનવ- વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાશક્તિનું ત્યાં પ્રવર્તન નથી. રાજા ઇડિપસનું ભાગ્ય, એ રીતે અતિમાનુષી સત્તાઓના હાથમાં છે. અંધ ટાઇરેસિયસ એ રાજાના જીવનની કરુણતાનું રહસ્ય જાણે છે. મૈલા આંચલ’નો અંધ જ્યોતિષી એવી કોઈ વિશ્વવ્યવસ્થાનો દૃષ્ટા નથી! ‘મૈલા આંચલ’માં ૨જૂ થતા પ્રસંગો- પરિસ્થિતિઓ અને ચરિત્રોમાં, આમ, ચોક્કસ ઐતિહાસિક સમયે વિરોધી બળોના સંઘર્ષની નાનીમોટી ક્ષણો મળી આવશે. રૂઢિપરાયણ માનસ નવી પરિસ્થિતિમાં જે રીતે ક્રિયાપ્રતિક્રિયા દર્શાવે છે, તેમાં લોકજીવનના ગહન પ્રવાહોની ઝાંખી થાય છે. ‘રેણુ’ને થોડાંક મહત્ત્વનાં પાત્રોમાં નહિ, અંચલનાં નાનાંમોટાં અસંખ્ય ચરિત્રોના પરસ્પરને ભેદતા આંતરપ્રવાહોમાં મુખ્ય રસ છે. ‘લીલુડી ધરતી’ (૧-૨) અને‘મૈલા આંચલ’નાં લોકજીવનનાં દર્શન અને આલેખનમાં જે મૂળગત ફેર દેખાય છે. તે દેખીતી રીતે જ, તેની સર્જકપ્રતિભાની ભિન્નતામાંથી જન્મ્યો છે, પણ તુલનાત્મક અધ્યયન અર્થે આ સર્જકોની જીવનદૃષ્ટિ, મનોઘટના કે સંવેદનશીલતાને સંસ્કારનાર અને ઘાટ આપનાર બાહ્ય પરિબળોનોય વિચાર કરી લેવાનું મને આવશ્યક લાગે છે. લેખકની પ્રતિભા જે કંઈ છે તે સર્વથા સ્વયંભૂ અને સર્વથા અંગત ઘટના નથી. તેના સાહિત્યની દૃઢ પરંપરાઓ, સૌંદર્યમૂલક દૃષ્ટિઓ અને વધુ તો તેના યુગની વિચારધારાઓએ, જાણ્યેઅજાણ્યે, તેના સર્જક માનસ ૫૨ સંસ્કારો મૂક્યા જ હોય છે. ચોક્કસ પરંપરાઓ અને વિચારધારાઓ વચ્ચે કામ કરતો લેખક, પોતાની આંતરિક સૂઝ અને જરૂરિયાતને અનુરૂપ, એ પરંપરાઓ અને વિચારધારાઓ અમુક વળાંકો લાવે, કે તેમાં કશુંક મૂળગત પરિવર્તન કરે ત્યારેય જૂનો સંદર્ભ સર્વથા લુપ્ત થઈ જતો નથી. એટલે, કૃતિ / કર્તાની તુલનામાં એવી પરંપરાઓનેય લક્ષમાં લેવાની રહે. ‘લીલુડી ધરતી’ (૧–૨) ના લેખક ચુનીલાલ મડિયાની લેખનપ્રવૃત્તિ ૪૦ ની આસપાસમાં શરૂ થયેલી. તેમની લેખનપ્રવૃત્તિના આરંભમાં, સોરઠી લોકજીવનના રંગદર્શી પરિવેશવાળાં પાત્રો અને પ્રસંગો લઈ ને તેમણે ટૂંકીવાર્તાઓ રચેલી. એમની પહેલાં ધૂમકેતુ અને મેઘાણીએ પણ સોરઠના લોકજીવનની સામગ્રી લઈ ને વાર્તાઓ રચી હતી. પણ મડિયાની વાર્તાઓ એ બે લેખકોના કરતાં જરા જુદો ઝોક લઈ ને આવી હતી. એમાં તળ ધરતીનાં માનવીઓના આદિમ આવેગો અને પ્રાકૃત દુર્ઘર્ષ વાસનાઓની ભીંસનું આલેખન કંઈક વિશેષ ધ્યાન ખેંચતું હતું. વાર્તામાં કેટલુંક કામ કર્યા પછી મડિયા સોરઠી લોકજીવનની એવી જ કથાવસ્તુઓ લઈ નવલકથાઓ લખવા પ્રેરાયા. ‘૫૭ માં પ્રગટ થયેલી‘લીલુડી ધરતી’ (૧–૨) તેમની પાંચમી નવલકથા છે.’૫૦ ની આસપાસમાં ગુજરાતીમાં આધુનિકતાવાદી આંદોલન જોમવંતું બનીને ફેલાઈ રહ્યું હતું તેવા વાતાવરણ વચ્ચે, આ કથા લખાયેલી છે, પણ કળાના નવા વાદો વિચારોથી તે સાવ અલિપ્ત રહી છે. અગાઉ નોંધ્યું છે તેમ મડિયાનું જનપદ નવાં ઐતિહાસિક- સામાજિક આંદોલનોથી અસ્પષ્ટ છે. અલબત્ત, એમાં જે રીતે બનાવો બનતા કલ્પાયા છે અને જે રીતે મુખ્ય પાત્રો વર્તે છે તેમાં જૂની સમાજવ્યવસ્થાનો અને જૂના લોકમાનસનો જાણ્યેઅજાણ્યે સ્વીકાર છે. પણ આધુનિક પરિબળોના સંઘર્ષ વચ્ચે જન્મતી સામાજિક પ્રક્રિયા, રાજકીય સંઘર્ષ કે સાંસ્કૃતિક મુકાબલાના ખાસ પ્રસંગો અહીં નથી. એક રીતે મેઘાણીની વાર્તાઓ અને નવલકથાઓમાં સામાજિક ક્રાંંતિ અને પરિવર્તનના જે ખ્યાલો રજૂ થયા હતા અને ચોથા દાયકામાં મુંબઈ અને ગુજરાતમાં પ્રગતિશીલ લેખકોએ સામાજિક ક્રાંતિનો સંદેશ ઝીલતું જે સાહિત્ય નિર્માણ કર્યું હતું તે પાંચમા દાયકાના અંત સુધીમાં પ્રભાવ ગુમાવી દે છે. એટલે સ્વાતંત્ર્યોત્તર ગાળાના કથાસાહિત્યમાં, નવાં રાજકીય-સામાજિક આંદોલનોને ઝીલવા ચાહતા થોડાક અલગ એકાકી લેખકો જ મળે છે. એની કોઈ પ્રાણવાન પરંપરા રચાવા પામી નથી. હકીકતમાં આધુનિકતાવાદી આંદોલનના જોમવંતા પ્રસારની સાથે સામાજિક નવલકથાઓની ભારે અવગણના થવા પામી. શુદ્ધ કલાવાદી કે રૂપવાદી વિચારધારાના આંદોલને, નવલકથાને વિશુદ્ધ રસકીય સ્વરૂપ’ લેખે પ્રતિષ્ઠિત કરી તેમાંથી સામાજિક સામગ્રીનો શક્ય તેટલો લોપ કરવાને હિમાયત કરી. પણ, મૂળ મુદ્દો એ છે કે હિંદી, બંગાળી, મરાઠી અને કન્નડ જેવા સાહિત્યમાં સામાજિક- રાજકીય સમસ્યાઓ અને પ્રક્રિયાઓનું આલેખન કરતી કથાઓની જે સમૃદ્ધ અને દીર્ઘ પરંપરા ઊભી થઈ છે, તેવી ગુજરાતીમાં નથી. આ ચર્ચા કરતી વેળા ગુજરાતીના કેટલાક અગ્રણી કથાલેખકોએ સમાજજીવનની અનેક સમસ્યાઓ પોતાની વાર્તાઓ અને નવલકથાઓમાં ૨જૂ ક૨વા ધારી છે તેનું મને સ્મરણ છે. એમાં સુખદ અપવાદરૂપ કેટલીક કથાઓમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાની પ્રશસ્ય પકડ પણ છે. પન્નાલાલની ‘મળેલા જીવ’ અને ખાસ તો માનવીની ભવાઈ’ એ રીતની ઊંચી સિદ્ધિ દર્શાવે છે, પણ એકંદરે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ચોક્કસ ભૂમિભાગમાં અને ચોક્કસ સમયખંડમાં જિવાતા લોકજીવનને તેની રાજકીય, સામાજિક અને આર્થિક પ્રક્રિયાઓમાં, પૂરી સંકુલતા અને આંતરવિરોધો સમેત ૨જૂ ક૨વાનું એમાં જવલ્લે જ બન્યું છે. ગુજરાતી નવકથાકાર પોતાના વર્ણ-વિષયને, જાણ્યે-અજાણ્યેય આદર્શવાદ, સુધારાવાદ, કે માંગલ્યવાદની પ્રેરણાથી ઓછેવત્તે અંશે સરલીકૃત કરી દેતો દેખાય છે. મુખ્ય પ્રશ્ન અંતે સામાજિક વાસ્તવની કૂટ સત્તાના સ્વીકારનો છે, સામાજિક સંઘર્ષોની ઓળખનો છે અને અહીં કથાલેખન અને યુગની વિચારધારાઓ વચ્ચેના આંતરસંબંધનો પ્રશ્ન પણ જોડાય છે. મારું અવલોકન એ રહ્યું છે કે ગુજરાતીની સામાજિક નવલકથાઓને નક્કર સામાજિક દર્શનનો ઝાઝો આધાર મળ્યો નથી; માર્ક્સની સમામીમાંસા અહીના કથાસાહિત્યને ભાગ્યે જ પ્રભાવિત કરી શકી છે. આથી ભિન્ન, હિંદી કથાસાહિત્યમાં મુનશી પ્રેમચંદજીના કથાસાહિત્યની સાથે, વ્યાપકપણે અને સભાનપણે, રાજકીય અને સામાજિક ચેતના સક્રિય બની દેખાય છે. સામાજિક- આર્થિક વિષમતા અને તેમાંથી જન્મતા સંઘર્ષોનું તેમણે તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં સંગીન નિરૂપણ કર્યું છે. અને એ પ્રકારની ગ્રામજીવનની સમસ્યાઓ રજૂ કરતી નવલકથાઓ અને વાર્તાઓની ત્યાં એક સમૃદ્ધ પરંપરા ઊભી થઈ દેખાય છે. પણ એય નોંધવું જોઈએ કે, સ્વાતંત્ર્યોત્તર સમયમાં ફણીશ્વરનાથ ‘રેણુ’, નાગાર્જુન, રાંગેય રાઘવ આદિ લેખકોએ આંચલિક ઉપન્યાસની જે નવી ધારા રચી, તેના ઉદ્દેશ આશય અને તેની સંરચનામાં વળી ક્યાંક મૂળગત ફે૨ છે. એમાં વર્ણવિષય તરીકે વ્યાપક રૂપના ગ્રામીણ જીવનના પ્રશ્નો કરતાં વધુ તો ચોક્કસ અને વિશિષ્ટ અંચલના લોકજીવનના સમગ્રતામાં પ્રસ્તુતીક૨ણ માટેનો ઝોક દેખાય છે. ‘રેણુ’ના‘મૈલા આંચલ’થી આરંભાતી આંચલિક કથાઓની ધારા વિશે હિંદીના જાણીતા અભ્યાસી શિવપ્રસાદ સિંહની તપાસ ધ્યાનાર્હ છે. તેઓ તેના પ્રેરકબળની ચર્ચા કરતાં એમ કહે છે કે, હિંદીની આંચલિકતાના આંદોલન પાછળ કયો ઉદ્દેશ હતો તે નક્કી કરવાનું મુશ્કેલ છે. તેમના મતે હિંદીમાં ઉદ્‌ભવેલી ‘આંચલિકતા’ માત્ર એક જ સ્થિતિ બની રહી છે. અમેરિકામાં અને યુરોપમાં, શહેરી સંસ્કૃતિ અને ઉદ્યોગીકરણના વિરાટ પ્રસા૨ સાથે જન્મેલી યાંત્રિક એકવિધતા અને સ્થગિતતા સામેની તીવ્ર પ્રતિક્રિયા રૂપે, આંચલિકતાનો જન્મ થયો હતો, પણ હિંદીની પરિસ્થિતિ જુદી છે. તેમના અભિપ્રાય પ્રમાણે - ‘यह निःसंदेह एक सांस्कृतिक पुनसत्यानकी प्रवृत्ति ही कहा जाएगा । ... आंचलिकताकी प्रवृत्ति स्वातंत्र्योत्तर हिन्दुस्तानकी एक सांस्कृतिक प्रवृत्ति थी, जिसके भीतर भरतीयोंको अन्वेषित करनेकी सूक्ष्म अन्त धारणा कार्य कर रही थी ।’ (आधुनिक परिवेश और नवलेखन, પૃ.૧૧૮). ‘રેણુ’ની કથા‘મૈલા આંચલ’ના ઉદ્‌ભવ અને આવિર્ભાવ પાછળ ચોક્કસ એવી સાંસ્કૃતિક ખોજવૃત્તિ રહી છે. બલકે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક – એમ ત્રણેય પરિમાણમાં એ વિસ્તરી છે. ‘લીલુડી ધરતી’ (૧–૨) ના રચનાવિધાન અને ચિરત્રનિર્માણમાં બે વિરોધી સર્જકવૃત્તિઓ કામ કરી રહી દેખાય છે. અગાઉ નિર્દેશ કર્યો જ છે તેમ એમાં મડિયાનો એક મુખ્ય આશય તે મુખ્ય ગૌણ પાત્રોની આસપાસ ઊભા થતા સર્વ વૃત્તાંતોને ચુસ્ત વસ્તુતંત્ર (plot) માં ગૂંથી લેવાનો છે. બીજી બાજુ, અંચલના પરિવેશમાં ઊછરતા એકેએક વિલક્ષણ પાત્રને ખરુંખોટું નિમિત્ત ઊભું કરીને, કથાસૃષ્ટિમાં તેઓ સમાવવા ચાહે છે, પણ એ રીતે કથાવિકાસના અનેક અંકોડાઓ શિથિલ રહી ગયા છે. કથામાં કેટલાંય સ્થાને અણધારી આકસ્મિક ઘટનાનો કે આગંતુક પાત્રનો આધાર લઈ તેમાં કૌતુકપ્રદ વળાંકો આણ્યા છે. પરિણામે મુખ્યગૌણ પાત્રોનાં, ખાસ તો મુખ્ય પાત્રોનાં ચરિત્રને હાનિ પહોંચી છે. હાદા ઠુમર, ગોબર, સંતુ, ઉજમ, રઘા ગોર, શાદુલ જેવાં મહત્ત્વનાં લાગતાં પાત્રોય લેખકને અભિમત ઘટનાપ્રંપચનાં વધુ તો વાહક છે. એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ બંધાતું રહી ગયું છે. પોતાના જીવનસંયોગો વિશે સ્વતંત્ર રીતે વિચારવાનો કે પોતાનાં કાર્યો વિશે નૈતિક સ્વાતંત્ર્યનો ભોગવટો કરવાને, તેમને ભાગ્યે જ એવો અવકાશ આપવામાં આવ્યો હોય. હાદા ઠુમર, ગોબર અને સંતુ જેવાં પાત્રો આરંભનાં પ્રકરણોમાં સ્વતંત્ર મિજાજ દર્શાવે છે, પણ સમય જતાં તે તેમના ભાગ્યવિધાતા એવા લેખકના હાથમાં લગભગ નિષ્પ્રાણ પ્યાદાં જેવાં રહી જાય છે! અલબત્ત, વિધવા સંતુની સામે માંડણ શાર્દૂલ અને બીજાં કેટલાક દુષ્ટ તત્ત્વો કાવતરામાં જોડાય છે, પણ એમાંથી કોઈ ગહનગંભી૨ નીતિમત્તાનું નાટ્ય પણ જન્મતું નથી એ એક સેન્ટિમેન્ટલ કથાનક જ શેષ રહી જાય છે! નૈતિક અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષોની ક્ષણો પૂરી માવજત વિના છીછરી ઊર્મિલતામાં પરિણમી છે. વિધવા સંતુના કમનસીબ વૃત્તાંતમાં ઠકરાણાં સમજુબા, અમથી સુથા૨ણ, અજવાળી અને તેની પુત્રી જડાવ વગેરે વિભિન્ન સ્તરનાં નારીવૃત્તાંતો ગૂંથાયાં છે, પણ તે સર્વ વધુ તો બાહ્ય ઘટનાઓને આગળ લઈ જવાની કરામતરૂપે આવ્યાં છે. આધુનિક સમયમાં પ્રતિષ્ઠિત નારી- સ્વાતંત્ર્યની કે નારીશોષણ સામેના સંઘર્ષની રેખાઓ એમાં નથી. એ ખરું કે વિધવા સંતુના જીવનમાં જે રીતે દારુણ આપત્તિ આવે છે તેમાં રૂઢિચુસ્ત અને પછાત ગ્રામવાસીઓનું વિધવા નારી પ્રત્યેનું અમાનુષી વલણ છતું થાય છે. મડિયાએ કથાકથન અને વર્ણનમાં, તેમ સંવાદોમાં સોરઠી બોલીનો વ્યાપક અને સભાનપણે ઉપયોગ કર્યો છે. પાત્રોની વાણીમાં તળપદી સોરઠી બોલીઓના લ્હેકાઓ, કાકુઓ, વિલક્ષણ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો પ્રચુર માત્રામાં વિનિયોગ કર્યો છે. લોકમાનસનાં વૃત્તિવલણો અને પ્રદેશનો જીવંત પરિવેશ એ તળપદા પ્રયોગોમાં સબળતાથી વ્યક્ત થાય છે, જોકે તેમણે યોજેલ રૂઢિપ્રયોગો અનેક સ્થાને આગંતુક લાગે છે. મૂળ મુદ્દો એ છે કે આ રીતના કથાકથનમાં વાગ્મિતાનું તત્ત્વ જ પ્રગટપણે કે પ્રચ્છન્નપણે કામ કરતું હોય છે. પાત્રોની ચેતનામાં ગહન સૂક્ષ્મ વિચારો અને સંવેદનોની સંચલનાઓ પકડવા કરતાં, ભાવકના ચિત્ત પર અમુક ઘેરી લાગણીઓનો પ્રભાવ મૂકી જવાનું વલણ એમાં વધુ છતું થાય છે. ‘મૈલા આંચલ’માં રેણુએ નવલકથાનું પરંપરાગત માળખું ઘણે અંશે ત્યજી દીધું છે, વર્ણ્યવસ્તુની પ્રસ્તુતિકરણની રીતિ, પ્રસંગોની સંકલના, ચરિત્રનિર્માણ અને તળપદી બોલીનો વિનિયોગ – એમ હરેક સ્તરે તેમણે પરંપરાગત રચનાતત્ત્વોનું પુનઃર્વિધાન કર્યું છે. પરંપરાગત નવલકથામાં ઘણું કરીને નાયકનાયિકાની કોઈ સમસ્યાની આસપાસ કથાવસ્તુ વિસ્તરતી ને વિકસતી રહે છે. એમાં ગૌણ પાત્રોનો વૃત્તાંત ગૂંથી લેવામાં આવ્યો હોય તોપણ, તેના લેખકોનો મુખ્ય ઉપક્રમ તો નાયકનાયિકાના કાર્યતંતુને કેન્દ્રમાં રાખી તેની એક સર્વાંગસૂત્ર, એકાગ્ર અને એક હેતુલક્ષી આકૃતિ નિપજાવવાનો હોય છે. સમયની સીધી રેખા ૫૨, માનવકાર્ય અને વસ્તુતંત્રને શક્ય તેટલાં સ્વચ્છ, સુરેખ અને ગતિશીલ આકૃતિ રૂપે તે રજૂ કરવા ચાહે છે. મડિયાની લીલુડી ધરતી’ (૧-૨) એ પ્રકારના વસ્તુવિધાનનું કંઈક આત્યંતિક એવું દૃષ્ટાંત છે. રેણુએ પોતાની આંચલિક કથા માટે એવો કોઈ નાયકનાયિકાની સમસ્યા પૂરતો વૃત્તાંત સ્વીકાર્યો નથી., અંચલના લોકજીવનના સમાંતર વહેતા આંતરબાહ્ય પ્રવાહો ૫૨ તેમની દૃષ્ટિ ફરી છે. એ ખરું કે – અને એ અંગે અગાઉ નિર્દેશ પણ કર્યો છે કે – ડૉ. પ્રશાન્ત, કમલા અને મમતાના લાગણીભર્યા સંબંધોનો વૃત્તાંત, કોઠારિણી લક્ષ્મી, મહંતસાહેબ, બાલદેવ અને મઠના અન્ય સાધુઓનો વૃત્તાંત; કાલિચરણ અને મંગળાદેવીનો સંબંધ, ફૂલિયાનું કથાનક, ભાવનદાસનું કથાનક – જેવાં વૃત્તાંતો જનજીવનના પ્રવાહો વચ્ચેય અલગ આકાર લે છે, આગવું રહસ્ય ધરાવે છે. પણ, રેણુની મુખ્ય નિસ્બત તો એ ચરિત્રોની નિયતિ જેની સાથે અવિનાભાવે જોડાયેલી છે તે આંચલિક જીવનને સમગ્રતામાં જોવાની છે. આ ચરિત્રોના જીવનપ્રવાહો બૃદ લોકચેતનાનાં વિશાળ મોજાંઓ રૂપે જ આકાર લે છે એમ તેમને અભિમત જણાય છે. લોકજીવનમાં બનતા બનાવો અને તેની સાથે સંબંધિત પાત્રોના વિભાવનમાં રેણુની પ્રખર રાજકીય અને સામાજિક ચેતના ભાગ ભજવતી રહી છે. પણ રેણુ કોઈ વિચારધારાને – ideology ને – ચુસ્તપણે અનુસર્યાં નથી. પ્રસ્તાવનામાં તેમણે લોકજીવનનાં સદ્‌અસદ્‌, સુરૂપકુરૂપ, શુભઅશુભ સર્વ તત્ત્વોને સ્વીકાર્યાં હોવાનો નિર્દેશ આપ્યો જ છે. એટલે આ અંચલનાં વસનારાં અને બહારથી આવી વસેલાં, સૌ કોઈ માનવીનાં આંત૨ તત્ત્વોની ખોજ કરવાનો તેમનો પ્રયત્ન છે. જરા જુદી રીતે કહું તો, માર્ક્સવાદીઓ કે માર્કવાદની તત્ત્વદૃષ્ટિમાં સમાય અને સ્વીકારાય તેટલા સામાજિક વાસ્તવમાં તેઓ પરિબદ્ધ રહ્યા નથી. વર્ગસંઘર્ષ, શોષણ અને સામાજિક- આર્થિક વિષમતાની તીવ્ર અભિજ્ઞતા ધરાવતા છતાં, લોકજીવનનાં નૈસર્ગિક સૌંદર્યતત્ત્વો અને તેના આંતરિક સંગીતાત્મક આવિર્ભાવોને મુક્તપણે તેઓ સ્વીકારતા દેખાય છે. મૂળ મુદ્દો એ છે કે ‘પ્રગતિ’ના ખ્યાલ પરત્વે તેમનો અભિગમ કોઈ ચોક્કસ પ્રતિબદ્ધતાથી રહિત છે. મેરીગંજના લોકજીવનમાં અને વ્યાપકપણે આખાય રાષ્ટ્રના જીવનમાં, આમ જુઓ તો અનેકવિધ રાજકીય અને સામાજિક આંદોલનો જોમવંતાં બનીને પ્રવર્તે છે; દેશના ભાગલા પછી સર્વત્ર અરાજકતા અને અંધકાર ફેલાય છે, મુક્ત થયેલાં ઐતિહાસિક, સામાજિક અને આર્થિક બળો જાણે કે અનિયંત્રિત બન્યાં છે. દેશમાં નિર્માણ થયેલી આ આખી પરિસ્થિતિ ભાવકોના મન પર ઘેરા વિષાદની લાગણી મૂકી જાય છે. પણ, આ કથાના નિર્વહણમાં જુદાંજુદાં પાત્રોની જીવનગતિ અને નિયતિનો વિચાર કરીએ ત્યારે એમાં શુભ- મંગળ તત્ત્વોની સુખદ આશ્વાસનદાયી ઝાંખી પણ થાય છે. ડૉ. પ્રશાન્તનું ચરિત્ર એ રીતે આ કથાનું એક મંગળ પ્રકરણ છે. પોતાનાં કુળ અને માતાપિતા વિશે તેમને કોઈ જાણકારી નથી. અને એટલે જ, તેઓ પોતાના જીવનનો અર્થ પામવા, આત્મસ્થાપના કરવા, અહીં આ અંચલમાં આવ્યા છે. મમતાનો નિર્મળ સ્નેહ અને કમલાનો ગાઢ અનુરાગ તેના વ્યક્તિત્વમાં ઊંડું પરિવર્તન આણવા સમર્થ બને છે. મૂળ તો ગ્રામવાસીઓની શારીરિક બીમારીનો ઇલાજ શોધવા તેઓ અહીં આવ્યા છે; પણ, અંતે તેઓ ધરતીનાં વસનારાંઓ વચ્ચે કામ કરતાં- કરતાં સ્વયં આત્મસાક્ષાત્કાર પામે છે : मानवताके पुजारियोंकी सम्मित वाणी गुंजती है, पवित्र वाणी ! उन्हे प्रकाश मिल गया है । तेजोमय ! क्षतविक्षत पृथ्वीके घाव पर शीतल चन्दन लेप रहा है । प्रेम और अहिंसा की साधना सफल हो चूकी है । फिर कैसा भय ! विधाताकी सृष्टि मे मानव ही सब से बढकर शक्तिशाली है । उसको पराजित करना असंभव है, प्रचण्ड शक्तिशाली बमोंसे भी नहीं...। पागलो ! आदमी है, गिनीपग नहीं ! सवारि उपर मानुस सत्य' ! (मैला आंचल. आं। १९८३, पृ २४९) ‘મૈલા આંચલ’ની વસ્તીમાં અનેક પાત્રો એક યા બીજી‘ટોળી’ના સભ્યો છેઃ એમાં ડૉ. પ્રશાન્ત એક પ્રબુદ્ધ ચેતના પ્રાપ્ત કરનાર વિશિષ્ટ વ્યક્તિરૂપે ઊપસે છે; ગંભીર અને ઉદાત્ત આશયથી તે જીવનસાધના કરે છે. આમ પણ તેની જન્મકથા સાથે મહાભારતના પ્રસિદ્ધ કર્ણની મિથ જોડાયેલી છે. રેણુએ ડૉ. પ્રશાન્તના ચરિત્રને એ રીતે ગહન પરિમાણ આપ્યું છે. જમીનદાર વિશ્વનાથપ્રસાદનું વ્યક્તિત્વ અહીં જુદા રંગમાં આલેખાયું છે. જમીનદારી- વ્યવસ્થાનો જૂનો અવશેષ હોવા છતાં સામાજિક વિકાસમાં તે સહાયક બળ બને છે. બાવનદાસની શહીદી વળી આ કથામાં અત્યંત પ્રભાવક ઘટના છે. રાષ્ટ્રને વિઘાતક એવી પ્રવૃત્તિ રોકવા એકલપંડે તે ઝઝૂમે છે. એમાં તેની રાષ્ટ્રભક્તિ અને આત્મસમર્પણ જોવા મળે છે. તેનું આત્મબલિદાન સ્વયં એક મોટું મૂલ્ય છે, અને શરીરથી વામન એવી એ વ્યક્તિને અનોખું ગૌરવ અર્પે છે. મહંતસાહેબ, તેમના મઠવાસીઓ અને કોઠારિણી લક્ષ્મીના વૃત્તાંતમાં પતન પામેલી હિંદુસંસ્થાનો પરિચય મળે છે. મહંતસાહેબની લક્ષ્મી માટેની કામુક આસક્તિ અને અન્ય સાધુઓની લક્ષ્મીનો કબજો મેળવવાની કારવાઈ– એ ઘેરો કરુણ વ્યંગભર્યો વૃત્તાંત છે. આરંભમાં સરળ, નિર્દોષ અને સેવાભાવી લાગતા કૉંગ્રેસી કાર્યકર બાલદેવની લક્ષ્મી માટેની ગાઢ આસક્તિ તેના પામર પતનમાં પરિણમે છે. કાલિચરણ અને મંગલાદેવી પણ વૈયક્તિક નિર્બળતાઓને ઓળંગી શક્યા નથી. રેણુની પાત્રસૃષ્ટિમાં મુખ્યગૌણ ચરિત્રોની જીવનગતિનો વિચાર કરતાં એમ લાગે છે કે માનવવ્યક્તિની નિયતિ માત્ર સામાજિક- આર્થિક પરિબળોથી જ નિયંત્રિત થતી નથીઃ તેની પ્રકૃતિમાં પડેલાં અસદ્‌ તત્ત્વો અને દુરિતોય તેમાં ભાગ ભજવે છે. માનવીય અસ્તિત્વમાં ફૂટસ્થ બની રહેલાં દુરિતોનો તેઓ સ્વીકાર કરીને ચાલે છે. મૈલા આંચલ’ના વર્ણવૃત્તાંતોનું સંયોજન, પાત્રનિર્માણ અને અભિવ્યક્તિની રીતિઓનું ઝીણવટભર્યું અવલોકન કરવાને અહીં અવકાશ નથી. આમ છતાં, મડિયાની‘લીલુડી ધરતી’ (૧–૨) ની સામે મૂકીને તેની તુલના કરતા હોઈએ ત્યારે એક વાત અત્યંત ભારપૂર્વક નોંધવાની રહે છે કે,‘મૈલા આંચલ’નું રચનાવિધાન ઘણી વિદગ્ધ યુક્તિપ્રયુક્તિઓનો વિનિયોગ કરતું ચાલે છે. એમાં કથાનિવેદકની ભૂમિકા (the role of narrator) અને કથનકેન્દ્રોની બહુલતા (multiple point of view) તરત ધ્યાન ખેંચે છે. અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, રેણુને નર્યા કથાકથનમાં કે કોઈ ચુસ્ત વસ્તુતંત્ર (plot) ને કંડારી લેવામાં રસ નથીઃ વિશાળ જનજીવનના સમાંતરે વહેતા પ્રવાહો અને પરિસ્થિતિઓના યુગપદ્‌ વર્ણકથન સાથે તેમની નિસ્બત રહી છે. પરંપરાગત નવલકથામાં કથાવસ્તુનું પ્રસ્તુતિકરણ તેની ભૂતકાલીનતાનો આભાસ કે અહેસાસ થયા એ રીતે થતું હોય છે. એવો સંસ્કાર તેના કશુંક ભૂતકાળમાં બની ચૂક્યું છે તેનું આ કથનવર્ણન છે કથનવર્ણનમાં વ્યાપકપણે યોજાતાં ભૂતકાલીન ક્રિયારૂપો અને વાક્યોમાંના સમયસંકેતોમાંથી જન્મતો હોય છે. રેણુ પોતાની કથાવસ્તુના પ્રસ્તુતીકરણમાં એ પ્રણાલિથી અળગા થવા મથ્યા છે. કથાનાં બનાવો- કાર્યો અને પરિસ્થિતિઓને કંઈ ભૂતકાળની ઘટના રૂપે નહિ, વર્તમાનની સાતત્યભરી પ્રક્રિયા રૂપે તેઓ પ્રત્યક્ષ કરાવવા ચાહે છે. એ માટે કથાનિવેદક દ્વારા પ્રસ્તુત થતાં પ્રસંગો કે દૃશ્યોમાં તેનું વર્ણન કરતાં અનેક સંદર્ભો તેઓ ચાલુ, વર્તમાન કે પૂર્ણ વર્તમાનનાં ક્રિયારૂપો પ્રયોજે છે. ભાવકના ચિત્તમાં આથી, પાત્રોના સ્મરણમાં સચવાયેલા દૂર કે નજીકના ભૂતકાળના બનાવો કઈક તીવ્રતાથી ઊપસી આવે છે. દરેક પ્રકરણમાં રજૂ થતાં પ્રસંગો અને પરિસ્થિતિઓમાં, આ રીતે, સમયની બદલાતી સપાટીઓનાં જુદીજુદી રીતે સંયોજન થયેલાં મળે છે. ‘મૈલા આંચલ’ના સઘટનસૂત્રોનો મુદ્દોય આ સાથે અનિવાર્યપણે જોડાયેલો છે. ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ પોતાના એક લેખમાં આ કથાનાં ભિન્નભિન્ન સ્તરોએ ઊપસતાં મર્મવ્યંગ (irony), કટાક્ષ, અને કાકુનાં તત્ત્વો સૂક્ષ્મ દૃષ્ટિએ રેખાંકિત કરી આપ્યાં છે. જોકે, રેણુ લોકજીવનમાં પ્રત્યક્ષ થતાં અજ્ઞાન, જડતા, કે વિસંગતિ- એવાં સર્વ તત્ત્વોને સૂક્ષ્મ મર્મવ્યંગમાં રજૂ કરે છે, પણ સમગ્રતયા લોકજીવનના પ્રવાહોને તેઓ કારુણ્યભરી દૃષ્ટિ અને સહાનુકંપાથી જોતા રહ્યા છે. મહંતસાહેબ, લક્ષ્મી, બાલદેવ, કાલિચ૨ણ, મંગળાદેવી, જેવાં પાત્રોની માનવીય નિર્બળતાઓ અને દોષોનો તેમણે મૃદુ – ભાવે સ્વીકાર કર્યો છે. પ્રસંગનિરૂપણ અને ચરિત્રનિર્માણમાં કથાનિવેદકની ભૂમિકા પણ ધ્યાનપાત્ર છે. તેમના પ્રસ્તુત થતા નિવેદનને એક વ્યાપક ‘ઉક્તિ’ લેખવીએ તો તેની એ ઉક્તિઓમાં ચરિત્ર વિશેનો તેમનો ક્યાંક તટસ્થ અને દૂરતા દાખવતો એહવાલ મહત્ત્વનું સ્થાન લે; પણ એની સાથોસાથ, અન્ય પાત્રોની પ્રતિક્રિયારૂપ ઉક્તિઓ કે સંવાદોય એમાં કૌશલપૂર્વક જોડાતાં હોય છે. ગામનાં ઝઘડતા જૂથો સમક્ષ બાલદેવજીએ ગાંધીજીના અહિંસામાર્ગના વાત કરી, તેના અનુસંધાનમાં, તરત જ, આ રીતનો એક ઉક્તિઅંશ આવી પડે છે : सचमुच गियानी आदमी है बालदेवजी ! अन्डोलन, अनसन, और... और क्या?....हिसाबात ! किसीने समझा ! गियानी बोली समझना सभीके बूतेकी बात नहीं...!’ આ ઉક્તિઅંશમાં મર્માળો વ્યંગ છતો થાય છે. બાલદેવજીના ચરિત્રમાં એક ગ્રામીણ કાર્યકરનો ઉત્સાહ અને તેની નિર્દોષ અબંધુતા સ્વયં મર્માળુ સ્મિત જગાડે છે; પણ લક્ષ્મી સાથેના આસક્તિભર્યા સંબંધના વિકાસ સાથે આ ઉક્તિ વધુ ધારદાર બને છે, વિડંબનામાં ફેરવાઈ જાય છે. મહંતસાહેબના ચારિત્ર્ય વિશે યાદવટોળીનો કિસૂન સાવ નિર્વ્યાજભાવે કઠોર ટીકા કરે છે! પણ ગામના બીજા લોકો તેમને જ્ઞાનીમહાત્મા લેખવે છે! એ મહંતસાહેબનું મઠની કોઠારિણી લક્ષ્મીના આશ્લેષમાં થતું મૃત્યુ, એક ઘેરી કરુણ વ્યંગભરી ઘટના છે. મૃત્યુ પહેલાંની ક્ષણોમાં મહંતસાહેબ લક્ષ્મીને કામુક વૃત્તિથી પાસે બોલાવે છે ત્યારે, તેમના હંમેશના અત્યાચારોથી પીડાતી રહેલી એ સ્ત્રી પરવશપણ એટલું જ બબડી પડે છે : ‘सतगुरु हो, तुम्हारी बुलावट कब होगी? बुला लो सतगुरु अपने पास दासी को...!’ અને, પછીની ક્ષણોમાં, મહંતસાહેબ એ લક્ષ્મીના આશ્લેષમાં એકાએક મૃત્યુ પામે છે, ત્યાં જ આ રીતે ઉક્તિઅંશ આવી પડે છેઃ ‘...महन्थसाहेबको सतगुरुने अपने पास बुला लिया।’ અહીં, આગળની ક્ષણની લક્ષ્મીની ઉક્તિનો જ અંશ, એક તીવ્ર વ્યંગ સાથે ફરી યોજાયો છે. રેણુના કળાવિધાનની વિશેષતા એ કે આ પ્રસંગને આગળ વિસ્તારીને આખીય પરિસ્થિતિમાંથી ઊંડો મર્મવ્યંગ પ્રગટાવે છે. બીજા દિવસની સવારે ગામલોકોને મહત્તસાહેબના અવસાનના સમાચાર મળે છે ત્યારે અબુધભાવે તેઓ એમ બોલી ઊઠે છે : ‘... महन्तसाहेब सिद्धपुरुशा थे ! इच्छा-मृत्यु हुई है ! रातको बैथकर, 'गांवके बूढेबच्चोंको खिलाकर आये और रातमें हे चोला बदल लिये । दिनिया में ऐसी मरनी सबौंको नसीब नहीं होती ! गियानी महात्मा थे ! આ ઉક્તિમાં મર્માળા વિનોદનું તત્ત્વ, કરુણ વ્યંગને વિશેષ ધા૨ અર્પે છે. -‘મૈલા આંચલ’નાં મહત્ત્વપૂર્ણ ચરિત્રોના નિર્માણમાં રેણુએ, એ ચિરત્રોના જાહેરજીવનની પ્રવૃત્તિઓ અને વિચારધારાઓની સામે તેમના અજ્ઞાત મનના અરાજક અને આદિમ અંશોને વ્યક્ત કરી અનોખી સંકુલતા આણી છે. ડૉ. પ્રશાન્ત માટે કમલાની ગૂઢ તરસ એવી એક સંકુલ અભિવ્યક્તિરૂપે છતી થઈ છે; તો બાલદેવના સ્વપ્નમાં તેમની માતા,‘અજોધી’ ભગતની પુત્રી રૂપમતી, કૉંગ્રેસના અગ્રણી નેતા રામકિસૂનબાબુની કાર્યકર પત્ની ‘માયજી’ અને લક્ષ્મી-દાસી – એમ ભિન્ન નારીપ્રતિમાઓ પરસ્પરમાં ગૂંચવાતી પ્રત્યક્ષ થઈ છે! રેણુએ, ખરેખર તો, આ પાત્રોના જાગૃત મનના વ્યાપારો વચ્ચે, અણધારી રીતે, અજ્ઞાત વૃત્તિઓનાં સંચલનોનેય ગૂંથી લીધાં છે. અનેક સંદર્ભે સ્મૃતિસંવેદનરૂપે કે સહજ સાહચર્યોરૂપે જુદાંજુદાં પાત્રોના ઉક્તિઅંશો એમાં સમાવેશ પામતા રહ્યા છે. એક રીતે, રેણુ પોતાનાં પાત્રોને અમુક જડ લક્ષણોમાં બાંધી લેવા ચાહતા નથી. બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે તેમનાં બદલાતાં વૃત્તિવલણો પર પોતાનું ધ્યાન ઠેરવતા રહ્યા છે. એક પરિસ્થિતિમાં મુકાયેલા પાત્રનાં વાણીવર્તન, આચારવિચાર કે કાર્ય વિશે જુદાંજુદાં પાત્રોના આઘાત- પ્રત્યાઘાત રૂપે ઉક્તિઓ તેઓ સહોપસ્થિતિમાં યોજે છે. દરેક ઉક્તિમાં પ્રક્ષિપ્ત થતી પ્રસ્તુત પાત્રની છબી, એક પછી એક, છાપોના સંકુલમાં પરિણમે છે. માનવચરિત્ર કોઈ સ્થિર-સ્થગિત છબીરૂપે નહિ; વાસ્તવિક અને આભાસી રેખાઓનો ગતિશીલ અને દુર્ગ્રાહ્ય એવો આકાર રચે છે. અને છતાં, એના હાર્દમાં કશીક નક્કર સ્પર્શક્ષમ સત્તા હોવાનું પણ પ્રતીત થાય છે. ‘મૈલા આંચલ’ની આંચલિકતા પ્રગટ કરવામાં ‘રેણુ’એ એ પ્રદેશની બોલીનો આગવી રીતે વિનિયોગ કર્યો છે. એ બોલીના વિલક્ષણ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતો આદિનો તેમણે અસાધારણ સામર્થ્યથી પ્રયોગ કર્યો છે; પણ સાથે એય નોંધવું જોઈએ કે, પોતાની શૈલીના પોતમાં સંવાદ સાધે એ રીતે નવા શબ્દોય તેમણે ઘડી લીધા છે. ‘લીલુડી ધરતી’માં મડિયાએ પણ સોરઠી બોલીના પ્રયોગોનો ઠીકઠીક અસરકારક ઉપયોગ કર્યો છે. પણ, ‘રેણુ’ એ પોતે યોજવા ધારેલી બોલીનું, વધુ સભાનતાપૂર્વક, કળાત્મક પોત નિપજાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પાત્રનિર્માણ અને પરિસ્થિતિના વર્ણનમાં લોકબોલીનાં નાદતત્ત્વોનાં સુભગ સંયોજનો ક૨વા તરફ તેમનું વલણ રહ્યું છે. ઉત્સવ- તહેવા૨ કે પર્વની ઉજવણી પ્રસંગે, ધાન્યની લણણીના પ્રસંગે કે લોકનૃત્યના પ્રસંગે, લોકોના હૃદયમાં આનંદ- ઉલ્લાસનો જે જુવાળ ચઢે છે તેની સાથે ગીતના સૂર ગૂંજવા લાગે છે. અને એ ચૈતન્યના ઊછાળની સાથે, કથાનિવેદકની બાનીમાંય વિશિષ્ટ ઉદ્રેક જન્મે છે. લોકબોલીનાં ભિન્નભિન્ન તત્ત્વોની માવજત કરી રેણુએ તેની આગવી ભાત અને આગવું પોત નિપજાવ્યાં છે. યથાવકાશ લોકગીતોનેય પ્રભાવક રીતે ગૂંથી લીધાં છે. ‘લીલુડી ધરતી’ (૧-૨) અને ‘મૈલા આંચલ’ એ – કથાઓ, ઉપલક નજરે, હિંદના ભૂમિખંડ પરના એંચલોને રજૂ કરે છે અને હિંદનું સદીઓ જૂનું ગ્રામજીવન બંનેમાં પ્રતિબિંબિત થયું છે. પણ, એ બંન્નેની કેટલીક સમાન ભૂમિકાએ સ્પર્શી તેની ભિન્નતાઓ અને વિશિષ્ટતાઓની તપાસમાં આપણે જ્યાં ઊંડા ઊતરીએ છીએ, ત્યાં બંને કૃતિઓના હાર્દને પ્રેરતાં, સંકોરતા અને ઘાટ આપતાં ‘બાહ્ય’ બળોનો વિચાર કરવાનો આવે છે... પણ એવાં બાહ્ય બળોની તપાસનો કદાચ અંત નથી. પણ, એથી જ તો, તુલનાત્મક અધ્યયનનું ક્ષેત્ર અનંત બને છે.... •‘ફાર્બસસભા ત્રૈમાસિક’જુલાઈ- સપ્ટેમ્બર


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> * * *

  1. (સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં હિંદી સ્નાતકોત્તર- વિભાગના આશ્રયે ભારતીય તુલનાત્મક સાહિત્ય’પરના પરિસંવાદમાં તા. ૬ એપ્રિલ, ૧૯૯૩ ના રોજ કરેલું વક્તવ્ય મઠારીને રજૂ કર્યું છે.- લે. )

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted