અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 11:44, 24 November 2024

૧૧. કાવ્યમાં ધ્વનિ

નગીનદાસ પારેખ


શબ્દની કલા તરીકે કાવ્ય શબ્દની બધી જ શક્યતાઓનો ને શક્તિઓનો કસ કાઢે છે. શબ્દની શક્તિ બે પ્રકારની છે : એક અવાજને, ઉચ્ચારણને લગતી ને બીજી અર્થને લગતી. અર્થ વગરનો શબ્દ હોતો નથી. અર્થની ત્રણ શક્તિઓ ગણાવવામાં આવી છે : અભિધા, લક્ષણા ને વ્યંજના. તેના ત્રણ અર્થો: અભિધાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. અભિધાથી શબ્દનો જે અર્થ થાય છે તે વાચ્યાર્થ. એ જ એનો મુખ્યાર્થ. અભિધાન એટલે કોશ. કોશમાં પહેલો અર્થ આપ્યો હોય તે વાચ્યાર્થ. તે પછી ક્રમે ક્રમે દૂર જતાં મળે તે અર્થ લાક્ષણિક શબ્દની સ્વાભાવિક, ઉચ્ચારતાં જ વ્યક્ત થતી શક્તિ તે અભિધા. તે પછી લાક્ષણિક અર્થથી વ્યક્ત થતી લક્ષણા, વ્યંગ્યાર્થથી વ્યક્ત થતી વ્યંજના. આનો અર્થ એ નથી કે શબ્દના ત્રણ ભાગ છે. એકનો એક શબ્દ કોઈ વાર માત્ર વાચક, ક્યારેક લક્ષક તો ક્યારેક વ્યંજક પણ હોય છે. જેમ કે, 'રામમાં કંઈ રામ નથી’ એવી ઉક્તિમાં પહેલી વાર આવતો 'રામ' શબ્દ અભિધાર્ય - ‘દશરથનો પુત્ર’ એવો અર્થ - ધરાવે છે પણ બીજી વાર આવતો શબ્દ લક્ષ્યાર્થ - શક્તિ, શહૂર એવો અર્થ વ્યક્ત કરે છે. 'રામાયણ'માં, શંબૂકવધ કરવા જતા રામની એક ઉક્તિ છે : 'હે મારા જમણા હાથ, તું આ શૂદ્ર મુનિને માથે ઘા કર. પોતાની કઠોરગર્ભા પત્નીનો ત્યાગ કરવામાં કુશળ એવા રામનો તું હાથ છે. તને દયા ક્યાંથી હોય?’ અહીં રામ પોતે જ ‘…રામનો તું હાથ છે’ એમ કહે છે ત્યાં 'રામ' શબ્દ વ્યંગ્ય કે ગૂઢ છે. એમાં રામનો આત્મતિરસ્કાર, પશ્ચાત્તાપ એમ ઘણું એક સાથે વ્યક્ત થાય છે. આ બધું વ્યંજનાનું કામ છે. અભિધા સાક્ષાત્ સંકેતિત અર્થનો - વ્યવહારમાં નક્કી થયેલા અર્થનો બોધ કરાવે છે. એથી વાચક નિશ્ચિતાર્થ છે, લક્ષ્યાર્થ ને વ્યંગ્યાર્થ અનિશ્ચિતાર્થ છે. લક્ષણા વૈચિત્ર્યથી થાય. મુખ્યાર્થનો બાધ થતાં તેની સાથે સંબંધ ધરાવતા બીજા અર્થનો બોધ રૂઢિ કે પ્રયોજનથી જેના વડે થાય તે લક્ષણા નામની આરોપિત ક્રિયા. આમ લક્ષણાની ત્રણ શરતો છે : મુખ્યાર્થબાધ, મુખ્યાર્થ સાથે સંબંધ – તદ્-યોગ, અને રૂઢિ અથવા પ્રયોજન. મુખ્યાર્થનો બાધ બે રીતે થાય : અન્વયબાધથી અને તાત્પર્યબાધથી. તદ્-યોગ, એટલે મુખ્યાર્થ સાથેનો સંબંધ, મુખ્યત્વે પાંચ પ્રકારે થાય છે : નિકટતા, સાદૃશ્ય, સમવાય, વૈપરિત્ય અને ક્રિયાયોગ. (વક્તાએ પ્રત્યેકને સ-ઉદાહરણ વિગતે સ્પષ્ટ કરેલાં) લક્ષણાની ત્રીજી શરત એ કે અર્થ કરવાની રૂઢિ હોવી જોઈએ અથવા કહેનારનું ખાસ કોઈ પ્રયોજન હોવું જોઈએ. જેમ કે, કમળ એટલે પંકજ, પણ વીંછીય કાદવમાં થતો હોવા છતાં એને આપણે પંક-જ કહેતા નથી, કમળ માટે જ એ શબ્દ રૂઢ સંકેત બની ગયો છે. આથી કેટલાક રૂઢિથી થતી લક્ષણાને લક્ષણા ગણતા જ નથી. પ્રયોજનવતી લક્ષણા જ કાવ્યમાં કામની ગણાય છે. ઉદા. ‘ગંગા પર ઝૂંપડું’- એ ઉક્તિમાં, ગંગાની શીતળતા ને પવિત્રતાનો પૂરો લાભ મળે છે, એમ સૂચવવાનું પ્રયોજન છે. આ પ્રયોજનવતી લક્ષણા. વ્યંજના એ માત્ર શબ્દની નહીં, અર્થની પણ શક્તિ છે. વ્યંજનાના સામાન્ય રીતે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે - અગૂઢ, ગૂઢ, અતિગૂઢ. ગૂઢ સિવાયના બે કાવ્યવિષય બની શકે નહીં, શક્તિ બતાવી શકે નહીં. વિશ્વનાથ મુજબ વ્યંજનાની વ્યાખ્યા આ મુજબ છે : અભિધા, તાત્પર્ય ને લક્ષણાવૃત્તિ પોતપોતાનું કામ પતાવીને વિરમી જાય ત્યાર પછી જેના વડે વધારાનો અર્થ સમજાય તે વ્યંજનાવૃત્તિ શબ્દની અને અર્થ વગેરેની વૃત્તિ છે. આ ઉપરાંત મમ્મટે ને નાગેશ ભટ્ટે આપેલી વ્યાખ્યાઓમાં વ્યંજનાને વક્તાના પ્રતિભાવિશેષ સાથે જોડવામાં આવી છે. વ્યંજના શબ્દમૂલ (=શબ્દી) અને અર્થાદિમૂલ (= આર્થી) એવા મુખ્ય બે પ્રકારની હોય છે. શાબ્દીના અભિધામૂલ ને લક્ષણામૂલ એવા બે તથા આર્થીના અર્થમૂલ ને પ્રકૃતિપ્રત્યયાદિમૂલ એવા બે પેટાપ્રકારો પડે છે. આમાંની અર્થમૂલ વ્યંજનાની વળી વાચ્યાર્થમૂલ, લક્ષ્યાર્થમૂલ ને વ્યંગ્યાર્થમૂલ એવા ત્રણ પેટાપ્રકાર પડે છે. (વક્તાએ પ્રત્યેકની સ-ઉદાહરણ વિગતે ચર્ચા કરી હતી.)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

('અધીત : સાત')