અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં રસ

૧૨. કાવ્યમાં રસ

જયંત કોઠારી

વિવિધ શાસ્ત્રોમાં - વિજ્ઞાનોમાં ‘રસ’ સંજ્ઞાના વિવિધ ઉપયોગો - અર્થો જોવા મળે છે. વૈદકશાસ્ત્રમાં રસવૈદ્ય અમુક રોગોમાં રસ આપી ઉપચાર કરે છે. પાકશાસ્ત્રમાં ખારો, ખાટો, તૂરો વગેરે રસો ગણાવાયા છે. સાહિત્યમાં પણ નવ રસનો ઉલ્લેખ છે. અહીં સાહિત્યશાસ્ત્ર - કાવ્યશાસ્ત્રમાં રસનો અર્થ છે સૌંદર્યબોધક રસાનુભૂતિ (Aesthetic Experience). સામાન્ય વ્યવહારમાં આપણે 'રસ' શબ્દ વાપરીએ છીએ. કોઈને એમ પૂછીએ કે તમને શામાં રસ પડે છે? અથવા નાટકમાં રસ પડ્યો? આ રસના અર્થો લૌકિક છે. કોઈ ભવ્ય પર્વત કે કોઈ વિશાળ સરોવરને જોઈને જે લાગણી થતી હોય છે, તે કંઈક જુદી લાગણી હોય છે. તે લૌકિક બાબત નથી. સૌંદર્યબોધની જે લાગણી હોય છે તે રસ. કોઈક પરિસ્થિતિને કારણે લાગણી થાય છે. એમાં ચિત્તનો વ્યાપાર થાય છે. આ એક અનુભૂતિ છે. અહીં 'રસ' શબ્દ શાસ્ત્રીય પરિભાષાનો છે. ભરત મુનિએ રસની વ્યાખ્યા આપી છે: ‘વિભાવાનુભાવવ્યભિચારિસંયોગાત્ રસનિષ્પતિઃ' - ભરત મુનિએ એક દાખલો આપ્યો છે. શરબત વગેરે જેમ અનેક વસ્તુ ભેગી કરીને બનાવવામાં આવે છે તેમ વિભાવ, અનુભાવ, સંચારિભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે. દ્રવ્યોને એકત્ર કરવાથી, ઔષધિઓ એકત્ર કરવાથી ષાડવાદિ રસો નિષ્પન્ન કરવામાં આવે છે. કેટલીક સામગ્રીથી રસ નિષ્પન્ન થાય છે એ જ રીતે, કાવ્યમાં પણ પાત્ર, પરિસ્થિતિ વગેરેમાંથી રસ નિષ્પન્ન થાય છે. સ્થાયીભાવ અને સંચારિભાવ એ ચિત્તવૃત્તિઓ છે. નાટકમાં જે ભાવ સ્થિર હોય તે સ્થાયીભાવ અને જે આવનજાવન કરે તે અસ્થાયી - સંચારિભાવ. સ્થાયીભાવ રાજાના સ્થાને છે, સંચારિભાવ પરિજનોના સ્થાને છે. ભરતની દૃષ્ટિએ બંને ભાવોમાં કોઈ તાત્ત્વિક ભેદ નથી. પરંતુ અભિનવગુપ્ત બંનેને અલગ ગણે છે, સ્થાયીભાવો જન્મગત - જન્મજાત હોય છે; જ્યારે સંચારિભાવો સ્થળ, પ્રસંગ, સ્થિતિભેદ થતાં વિભાવબળે જાગ્રત થાય છે, ઉદ્ભવે છે ને હેતુ નાશ પામતાં ક્ષય પામે છે. એ દૃષ્ટિએ તે નર્યા પ્રાસંગિક, અસ્થાયી છે. ઉ. ત. સાગર સ્થાયીભાવ છે અને સાગરમાંથી ઉદ્ભવતા તરંગો સંચારિભાવ છે. સંચારિભાવો પ્રાસંગિક હોય છે. તે સ્થાયીભાવને પુષ્ટ કરે છે. વિભાવ એટલે ચિત્તવૃત્તિના પ્રકટીકરણનું નિમિત્ત. વિભાવ બે પ્રકારના : (૧) આલંબન વિભાવ - ઉદ્દીપ્ત ચિત્તવૃત્તિને આલંબન પૂરું પાડે તે સ્થિતિ; (૨) ઉદ્દીપન વિભાવ - ઉદ્દીપન પૂરું પાડતી પરિસ્થિતિ. પ્રેમમાં વૃક્ષરાજિઓ ઉદ્દીપન પૂરું પાડે છે. અનુભાવ એટલે ચિત્તવૃત્તિઓનો સાક્ષાત્કાર કરાવનાર ચેષ્ટાઓ. ચિત્તવૃત્તિ પ્રકટ થાય તે કશીક ક્રિયા દ્વારા થાય. કેટલીક ક્રિયાઓ મનોભાવો સૂચવનારી હોય છે : આંખ લાલ થાય છે તેમાં ગુસ્સો પ્રકટ થાય છે. વ્યક્તિના મનોભાવોને પ્રગટ રૂપે વ્યક્ત કરતી કેટલીક ચેષ્ટાઓ, પરિવર્તનો જેવાં કે, આંખ લાલ થવી, સ્વર તીવ્ર થવો, હોઠ ફફડવા, અશ્રુપાત થવો ઇત્યાદિ જે આંગિક ક્રિયાઓ છે તે અનુભાવો છે. જેનો અભિનય કરી શકાય તે અનુભાવ. પરંતુ, જેનો અભિનય - અદ્દલ અભિનય થઈ શકે નહીં, જે સહજતયા જ અનુભવાય તે સાત્ત્વિક ભાવ. આવી આઠ વિવિધ શરીરસ્થિતિઓ કાવ્યશાસ્ત્રમાં ગણાવવામાં આવી છે : સ્તમ્ભન, રોમાંચ, સ્વેદ, સ્વરભેદ, વેપથુ, વૈવર્ણ્ય, અશ્રુ, પ્રલય (મૂર્છા). આ બધાના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. સંયોગ કેવા પ્રકારનો, સંયોગ એટલે શું વગેરે બાબતોની ચર્ચા કાવ્યશાસ્ત્રમાં ખૂબ થઈ છે. આ બધી સામગ્રી કેવી રીતે ભેગી થાય છે અને કેવી રીતે રસ નિષ્પન્ન થાય છે તેને અંગે વિવિધ મતો છે. ભરત મુનિએ રસ અંગે સાદી વાત કરી છે. એમણે કાવ્યશાસ્ત્રનો ગ્રંથ લખ્યો નથી, નાટ્યશાસ્ત્રનો ગ્રંથ લખ્યો છે. તેમાં નાટકમાં રસ અંગે વાત કરી છે. ભરતને માટે રસ એક વસ્તુ જ છે, એક પદાર્થ છે, રસ એ તો રંગભૂમિ સાથે નિસ્બત ધરાવે છે. રસ અંગે વિવિધ મતો છે : ૧. શંકુકની રસમીમાંસામાં નાટકમાં પ્રેક્ષક ઉમેરાય છે. ભટ્ટ લોલ્લટની વિચારણા માત્ર નાટક પૂરતી સીમિત ન રહેતાં કાવ્ય સુધી વિસ્તરે છે. ૨. લૌકિક લાગણી અને રસાનુભૂતિ વચ્ચે ભેદ છે. દુષ્યન્તના ભયથી ભાગી રહેલા-દોડી રહેલ હરણ ભયાનક રસ અનુભવે છે કે દુષ્યન્તનો ભય? ૩. રસના આનંદ માટે નિર્વિઘ્ના સંવિત્’ની પ્રાથમિક શરત છે. એ આનંદ નિર્વિઘ્ન આનંદ છે. એ દૃષ્ટિએ મૃગનો અનુભવ ભયનો છે, જ્યારે ભાવક સામાજિકનો અનુભવ ભયાનક રસનો છે. આ શી રીતે શક્ય બને? દુષ્યન્ત -મૃગનો અનુભવ, સાધારણીભૂત થઈ ભાવકહૃદયને સંક્રાન્ત થતાં રસાનુભૂતિ શક્ય બને છે. કૃતિની સામગ્રી અને ભાવના દેશકાળ છેદાઈ જઈ એક બની રહે છે. ૪. રસ હંમેશાં વ્યંગ્ય હોય છે, વાચ્ય રૂપે વિલસતો નથી. તે પ્રકટ થાય છે, સૂચવાય છે. ૫. રસપ્રતીતિ એ વિલક્ષણ અલૌકિક અનુભૂતિ છે. પ્રતીતિ વિવિધ ભૂમિકાએ થાય છે. તે અનુસાર તેના પ્રકાર હોય છે. રસપ્રતીતિ આ સર્વ પ્રતીતિપ્રકારોની ઉપર છે. તે ચિત્રતુરગન્યાય થકી ઉદ્ભવતી પ્રતીતિ છે. It is an art of make-believe. ૬. રસ આસ્વાદ્ય છે. ભાવકે ચર્વણા માટે તેમાં સક્રિય થવાનું છે. ૭. રસ વ્યંગ્ય હોય છે તેનું એક ઉત્તમ દૃષ્ટાંત છે રાવજી પટેલનું 'એક બપોરે' કાવ્ય. એમાં નાયકના અનુભાવોની તાજગી આસ્વાદ્ય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *

('અધીત : સાત')