હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ



હવા શરીરનું ને ચાંદની લિબાસનું નામ
ન કોઈ યાદમાં સચવાયલી સુવાસનું નામ.

તને ય તારી કોઈ વાત હું કહી ન શકું
ન કોઈ સ્પર્શનું શિર્ષક ન કોઈ શ્વાસનું નામ.

ફકત ભીનાશ પ્રસરતી જતી ભીનાશ ફકત
ન કોઈ ધારની ઓળખ ન કોઈ ચાસનું નામ.

તિમિર અજાણ સ્થગિત રોમ રોમ ચુપકીદી
વરસતા વાતાવરણમાં તરલ ઉજાસનું નામ.

ક્ષિતિજ પાર કોઈ દૃશ્ય ખૂલતું કે નહીં
ઊઘડતું ખૂલતું આંખોમાં આસપાસનું નામ.

છંદવિધાન
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા