સોનાનાં વૃક્ષો/ડાળી નહીં, મારો જીવ કપાય છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧. ડાળી નહીં મારો જીવ કપાય છે
Sonanam Vruksho - Image 31.jpg

ભાદરવો પારિજાતનાં ફૂલોની છાબડી લઈને મારાં ઘરનગરના દ્વારે આવી ઊભો છે. વ્રતવતી કન્યાની આંખો જેવું સવારનું અજવાળું મારી ચારેબાજુ ઝલમલ ઝલમલ થયાં કરે છે. વરસાદે વિદાય લીધી નથી, પણ વરસવાનો ઉમળકો ખોઈ બેઠેલાં સુસ્ત વાદળો દેખાય છે. સાંજને છાંટી જતાં શ્રાવણનાં ઝરમરિયાં હજી અંગાંગે તાજાં છે. મેઘનો જાદુ વૃક્ષોમાં અકબંધ છે, પણ વિરહિણીઓને ચોંકાવતી – ચમકાવતી પેલી ગાજવીજ માટે તો આપણે ઝૂરવાનું જ રહ્યું. તરસાવીને તૃપ્ત કરવાનો ઉપચાર ઓણસાલ મેઘે આદર્યો નહીં... ડાંગર ક્યારીઓ તરસી છે; મકાઈડોડાના દૂધિયા દાણાને હજી ધરતીનાં અમી જોઈએ છે; ચાસે ચાસે પ્યાસ કાન માંડીને બેઠી છે. બપોરી વેળાએ નજીક ને નજીક આવતી ‘ઓતરાચિતરા’ના તાપની એંધાણીઓ પરખાય છે. વાડવેલા પર મહોરેલી ડોડીવેલનાં ફૂલો ખાતી ખેડુકન્યાના કંઠમાં ગીત છે – ‘ભાદરવો તો ભરપૂરીને ગાજિયો હો રાજ વ્હેલા આવજો હો રાજ…’ એના ખોબામાં હજી પારિજાતની ગંધ પહોંચી નથી. મોગરા થોડા ફોરા પડ્યા છે. આજકાલ તો વગડાઉ ફૂલોનું સામ્રાજ્ય છે. આંખો મીચું છું ને દેખાય છે મારા ગામ પાસેની લીલછાઈ ગયેલી ટેકરીઓ. ખેતરસીમે દોરી જતાં નેળિયાંની ઊંચી વાડો પર વાદળી ફૂલો લચી આવ્યાં હશે. પુખ્ત બોકન્દુ ખેતરમાંથી નીંદાઈ ગયું હશે પણ મોટાભાઈએ આંબળિયા ખેતરમાં કોઠમડીના વેલા સાચવી લીધા હશે. એ રંગે લીલાંછમ ને સ્વાદે તૂરાંમીઠાં કોઠમડાંની સૂકવણી કરેલી કાચલી ખાવા આજેય જીવ લલચાય છે. મોવડિયા ખેતરમાં ડાંગરાં થતાં. મેળાની ઋતુ પણ આ જ. મેળે જતાં વળતાં આ ડાંગરાં – કોઠમડાં ખાવાની મજા પડતી. ભાદરવામાં ઝાલાબાવજીનો મોટો મેળો ભરાતો. હવે તો પ્રજા સુધરી ગઈ છે! મેળો એટલે જાણે પછાત વર્ણોનો ઉત્સવ. પહેલાં એવું નહોતું. પચરંગી પ્રજાની સંસ્કૃતિમાં મેળાનું મહાત્મ્ય આજેય ઘટવું તો ના જોઈએ. પણ શહેરીકરણે માણસને ‘સહજ’ મટાડી દઈને સુગાળવો બનાવી દીધો છે. થોડાક ગ્રામીણ થયા વિના વર્ષાનો વૈભવ પામી શકાતો નથી. મેળો આપણને તળમાં પાછા, આપણા મૂળમાં લઈ જાય છે. માત્ર વૃત્તિઓ જ નહીં આપણી અનેક પ્રવૃત્તિઓનો ત્યાં પાકો પરિચય થાય છે. મારા આ નગરને પચાસમું વર્ષ બેઠું છે. વૃક્ષાચ્છાદિત આ નગર કાલે વનપ્રવેશ કરશે. આજે એનો ભર્યોભાદર્યો ચહેરો જોઈને રાજી થવાય છે તો એમાં વસતાં માનવોની કેટલીક સંકુચિત–સ્વાર્થી નીતિરીતિઓ જાણીને મન ખાટું થઈ જાય છે. વિકસવા ને પ્રસરવા પચાસ વર્ષ ઓછાં ન કહેવાય. આ વિદ્યાના નગરે સંસ્થાઓ અને સુવિધાઓની દૃષ્ટિએ તો ઘણો વિકાસ સાધ્યો છે. પણ ગ્રામ વિદ્યાપીઠ તરીકેનું એનું મૂળભૂત વિભાવન સાકાર થયું નથી. સત્તા સ્થાને આવેલો કોઈ એક ખોટો માણસ બીજા અનેકમાં ‘ખોટાઈ’નું પ્રત્યારોપણ કરે છે અને પછી તો એ વિષચક્ર ચાલ્યા કરે છે. અહીં ગુણવત્તા, કાર્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિયમિતતા ને મનની નરવાઈ આજે તો સાવ લઘુમતીમાં આવી ગયાં છે. એના બચવાની આશા ઓછી છે. સારી સારી સંસ્થાઓ પાસે ભવ્ય ભૂતકાળ સિવાય વર્તમાન સુવિધાઓ વચાળે પણ ગૌરવ લેવા જેવું કશું બચ્યું નથી. વર્ગોમાં બહુધા તો ‘સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ–’ વાળો ન્યાય છે. પાણી પોતાની સપાટી શોધી લે છે એ ન્યાયે બધું ઢળતા ઢાળની ગતિએ ધસી રહ્યું છે... ‘પડે છે ત્યારે સઘળું પડે છે–’ ધૂમકેતુ આજેય સાચા છે! ત્યારે વૃક્ષો સિવાય આ નગરમાં વિશ્વાસ મુકાય એવો મારે કોઈ મિત્ર નથી. ‘વૃક્ષો મારાં ભેરુ!’ વિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ – ‘ભાઈકાકા’ની વૃક્ષપ્રીતિ મારું સાંપ્રતશરણું છે. દરેક ઋતુમાં પુષ્પો નજરે પડે એવી આયોજનાથી એમણે અહીં વૃક્ષો વાવેલાં. એ શિરીષ, ગરમાળા – ગુલમોર, સોનમોર, કૅસિયા, ચંપા–નાગચંપા, રાયણ, મહુડા, આંબા, લીમડા, જાંબુડા રસ્તે રસ્તે છાંયડો લઈને ઊભા છે. કેટલાંક અનામી વૃક્ષોને હું તાકી રહું છું. એમની આંખમાં અપરિચય નથી એથી શાતા વળે છે. ૧૯૪૭માં આપણી ભાષાના ઉત્તમ ગદ્યકાર અને નિબંધસર્જક સુરેશ જોષી આ કૅમ્પસ પર અધ્યાપક તરીકે આવ્યા હતા. ત્રણચાર વર્ષનો એમનો એ વસવાટ! એમના જેવા પ્રકૃતિનો ખોળો ઝંખનાર વન્યજીવને તો આ ગામ ત્યારે વહાલું વહાલું લાગ્યું હશે... પણ એમને ‘દવલા’ ગણનારા બહુ જલદી આવી ગયેલા. સુરેશ જોષી વડોદરે જઈ વસ્યા! એ દિવસોમાં હજી તો મારો જન્મ થયેલો. આજે મને થાય છે કે સુરેશ જોષી જો વિદ્યાનગર ખાતે જ હોત તો?! – કદાચ આ નગરનો સાંસ્કૃતિક ઇતિહાસ જુદો હોત. ગુજરાતના સાહિત્ય અને શિક્ષણના નકશામાં વલ્લભવિદ્યાનગરનું ટપકું આટલું નાનું તો ના જ હોત! લગભગ પચાસ વર્ષો પછી આ નગરમાં વૃક્ષપ્રીતિ સાથે મારો પ્રવેશ થયો. વ્યવસાયે ને સંવેદને હું સુરેશ જોષીનો વારસ છું – આ નગરની પ્રાકૃતિક પરિસ્થિતિ મારા પક્ષપાતનો વિષય છે. આ પરિસરમાં કોઈક વૃક્ષની ડાળી કપાય તો મારો જીવ કપાય છે. સુરેશ જોષીએ જે નાગચંપાનું શૈશવ જોયું હશે એની પ્રૌઢપાકટ વયને હું એના થડને ઊભો ઊભો પ્રમાણું છું. આ નાગચંપા કાંઈ છોડ નથી, એ તો શીમળા – મહુડાની જેમ ઊંચેરા તોતિંગ છે. એમની ડાળે ફૂલો નથી આવતાં, એમના થડે અને થડશી જાડી શાખાઓમાં સોટીઓ પ્રગટે છે અને કળીઓ બેસે છે. નાગની ફેણ, આસપાસ પાંદડીવાળાં આ નાગચંપાનાં ફૂલો દૂર દૂર લગી સુગંધ ફેલાવે છે. ભાદરવામાં એનાં થડે કળીઓ પ્રગટી આવી છે. આ કૅમ્પસનાં કૉલેજિયનોને ચંપાના ફૂલોની ગંધ પરખાતી નથી! બી.જે.વી.એમ.ના કૅમ્પસમાં ઊભેલો વિશાળ નાગચંપો મહેકે છે ત્યારે પડખેનો અધ્યાપક ખંડ એની નોંધ લેતો હશે કે કેમ? કોમર્સવાળાને નાક નથી હોતું શું?! જે–તે વિષયનું નિષ્ણાતીકરણ થઈ જવાથી શિક્ષણ વધારે મર્યાદિત અને એકાંગી બની ગયું છે. કૅસિયાનાં પિંક, રાતાં, જાંબલી ને કેસરી ફૂલો આજે ભાદરવાના વર્ષાવિહીન દિવસોને સહ્ય બનાવી રહ્યાં છે. એની નીચે ઊભાં રહેલાં પ્રેમમાં ગળાડૂબ પ્રિયજનોને આ કૅસિયાની કશી ઓળખ નથી... ક્યાં છે શિક્ષણ? પ્રાકૃતિક શિક્ષણ? સર્વાંગી શિક્ષણ! પારિજાતનાં ખરેલાં ફૂલોની જાજમ પર બેસીને આર્દ્ર અવાજે સંવેદનોની આપલે કરતાં કે ચક્ષુભાવને ચક્ષુથી ઝીલતાં પ્રેમીઓને પણ પારિજાતનો પરિચય ના હોય તો એ પ્રેમને માત્ર વયસહજ વિજાતીય આકર્ષણ સિવાય શું કહી શકાય?! સતભામાના રૂસણામાં જે રાગાવેગભરી સંસ્કારિતા હતી એ આપણી પેઢીઓ વીસરી ચૂકી છે. સક્કરખોર, નાચણ, દરજીડા અને દૈયડને રોજેરોજ જોવા છતાં નહીં ઓળખતી આ નવી યુવા પેઢીની ઇન્દ્રિય બધિરતાને માટે ક્યા શબ્દો પ્રયોજવાના? આ નગરમાં અશોકવૃક્ષ કે કદમ્બવૃક્ષ છે એ સમાચાર ગણાવા ઘટે! કાંચનારને ઓળખીને એની પાસે ઊભા રહેનારા મારા જેવા એકલદોકલ જનને લોકો ગાંડો ગણતા હશે. કાલિદાસે જે અશોકને લાડ લડાવેલાં ને સીતાજીને લંકામાં રાવણે જે વૃક્ષોની વીથિકામાં ઉતારેલાં તે અશોકવૃક્ષને માર્ચ–એપ્રિલમાં ફૂલો બેસે છે ને મારું મન રઘવાયું થઈ જાય છે. આ ગામમાં થોડા રસિક જીવોને ખબર છે કે અશોકવૃક્ષ ક્યાં છે. પાટલ પુષ્પો ક્યાં હશે? તમાલ અહીં હશે કે કેમ? ભાઈકાકા વિના હું કોને પૂછું? બોટનીના અધ્યાપકોએ આ નગરનાં વૃક્ષોનો સર્વે કરી આપવો જોઈએ – આ સુવર્ણજયંતીના વર્ષમાં એય કામ ગણાશે! વૃક્ષો ઉપર તડકો ઊતરી આવે છે ને આ નગર હસી ઊઠે છે. તરુવરો એમની નીજી ચેતનામાં અંતરલીન છે. પારિજાત મારું દોસ્ત છે. હવે બેત્રણ માસ સુધી એ મારી સાંજ–રાત–સવારને સુગંધિત કરી દેશે. આજે પારિજાતનાં પ્રથમ પુષ્પોથી ભરેલી તાસક મારા ઘરમાં ફરી વળી છે. ભાદરવો ઘણો વહેલો આવી ગયો છે.

માઉન્ટ આબુ, તા. ૨૩–૮–૯૫