સાત પગલાં આકાશમાં/૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૬

‘દુનિયામાં દરેક માણસને સત્તા જોઈતી હોય છે, પોતાનું નામ અને કીર્તિ અને અધિકાર જોઈતાં હોય છે, વધુ ને વધુ ધન જોઈતું હોય છે. પોતાનું આખું જીવન માણસ એ મેળવવા પાછળ ગાળતો હોય છે. એ માટે તે ભૌતિક બાબતો પાછળ દોટ મૂકે છે. સતત તાણમાં જીવે છે. આપણે બધાં જ આનાથી કંઈક જુદું શોધીએ છીએ, આપણે કંઈક ભિન્ન રીતે જીવવા માગીએ છીએ…’ ગગનેન્દ્રે કહ્યું. ‘અને પ્રેમ. આપણને સહુને જીવનમાં પ્રેમ જોઈએ છે.’ મિત્રા બોલી. ‘આપણને જીવનની સર્જનાત્મક અભિવ્યક્તિ પણ જોઈએ છે.’ વિનોદે કહ્યું. ‘આપણે બધાં સાથે મળીને એક એવું જીવન સર્જી શકીએ, જેમાં આભાસી વસ્તુઓની શોધ ન હોય.’ સ્વરૂપ તેની મૃદુ રીતે બોલ્યો અને તેણે મિત્રા સામે જોયું. ‘અને આપણે એવું વાતાવરણ નિર્માણ કરી શકીએ જ્યાં સાચો પ્રેમ હોય, હૃદયની બધી ઝંખનાઓને પૂરી કરતો, બધા ઘાવોને ભરી દેતો પ્રેમ; જે કદી શુષ્ક કે યાંત્રિક ન બને…જે હંમેશાં આપણી સાથે રહે, આપણી ભૂલો, અધૂરપો, વાંકને જે લક્ષમાં ન લે…’ તે સહેજ અટક્યો ને આગળ બોલ્યો : ‘ઘોર કાંટાળા વનમાંથી જે આપણને રેશમનું કવચ પહેરાવી બહાર લઈ જાય; જે શક્તિ આપે પણ આધારિત ન કરી મૂકે એવો…સ્થાયી છતાં સદા નાવીન્યોથી ભરપૂર રહેતો પ્રેમ…’ તે વાક્ય પૂરું કરે તે પહેલાં જ એક મોટો નિસાસો સંભળાયો. મિત્રાની આંખોમાં અસહ્ય વ્યથા ઘેરાઈ આવી હતી. ‘મનુષ્યમાં શું આવો પ્રેમ કદી સંભવી શકે? આવો પ્રેમ તો ભગવાનનો હોય…’ ‘ભગવાન જો હોય, તો આપણે બધાં એનો જ, એ દિવ્યનો જ અંશ છીએ.’ સ્વરૂપે લાગણીપૂર્વક કહ્યું, ‘હું માનું છું કે ભગવાને, કહો કે પ્રકૃતિએ આપણને પ્રેમ અને આનંદ માટે જ સર્જ્યા છે. આપણે સત્તા ને ધન ને કીર્તિ જેવી નજીવી બાબતો પાછળ જીવન ખર્ચી ન નાખીએ તો કદાચ એ પ્રેમ પામી શકીએ. પણ —’ તેણે આંખ બંધ કરીને ફરી ઉઘાડી. ‘કદાચ આવો પ્રેમ આપણે બીજામાં ખોળવાનો નથી હોતો, આપણે પોતે પ્રગટ કરવાનો હોય છે.’ ખંડમાં એક ચુપકીદી પથરાઈ ગઈ. મિત્રા ઊઠીને અંદર ચાલી ગઈ. પાછી આવી ત્યારે તેનું મોં ધોયેલું હતું, આંખો લાલ હતી. ‘આવો પ્રેમ આપણે કેવી રીતે પામી શકીએ?’ અગ્નિવેશ બોલ્યો. એનાને એ સાંભળી જરા હસવું આવી ગયું. પણ સ્વરૂપ પોતાના વિચારમાં હતો. તેની નજ૨ અમને કોઈને જોતી નહોતી. તે બોલ્યો : ‘મેં બૃહત્તર કુટુંબની વાત કરી હતી. કુટુંબ પણ એક વિકાસ પામતી વિભાવના — ઇવોલ્વિંગ કોન્સેપ્ટ છે. આપણે એક એવું કુટુંબ રચી શકીએ, જેમાં આપણા સંયુક્ત કુટુંબના અને પશ્ચિમના કુટુંબ-જીવનના જે ઉત્તમ અંશો છે તેનો સમાવેશ થયો હોય, અને જે દોષો છે તે દૂર કરાયા હોય.’ ‘એટલે?’ એનાએ પૂછ્યું. ‘એટલે કે પ્રેમનું વિશાળ વર્તુળ હોય, એક કે બેનું અવલંબન નહિ, પણ આધાર અને હૂંફની સાતત્યભરી વ્યવસ્થા હોય અને એકને પડતી ખોટનો ખાડો બીજા બધાના પ્રવાહથી તરત પુરાઈ જતો હોય… અને સાથે સહુના વ્યક્તિત્વનો સમાન આદર હોય; આપણાં મોટાં કુટુંબોમાં ઘણી વાર બને છે તેમ, કોઈ એકને માટે બીજાએ ભોગ આપવો પડતો ના હોય, કોઈનું બીજા પર આધિપત્ય ન હોય, કામની ન્યાયી વહેંચણી હોય…’ ‘મને તો કોઈ એક માણસનું બીજા ૫૨ વર્ચસ્વ હોય, કે ઘરમાં કોઈ એકનું મહત્ત્વ વધારે ને બીજાનું ઓછું હોય એ વાત જ તદ્દન બેહૂદી લાગે છે.’ એના જરા જોશપૂર્વક બોલી. ‘ઘરના એકેએક સભ્યને પોતાનો વિકાસ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.’ અલોપા પણ એવા જ જોશથી બોલી. સ્વતંત્રતા અને જવાબદારી. ટોટલ ફ્રીડમ અને ટોટલ રિસ્પૉન્સિબિલિટી — બંને સાથે જાય છે, નહિ?’ મેં કહ્યું. ‘અને ટોટલ લવ પણ.’ સ્વરૂપ બોલ્યો. ‘આપણે બધા જાગ્રત અને જવાબદાર હોઈશું. પણ ફરક એટલો કે એ જવાબદારી બહારથી લદાયેલી નહિ હોય, આપણી પોતાની સમજ અને આપણા પ્રેમમાંથી ઊગેલી હશે. બધા જ લોકો સાધારણતઃ બહારનાં અનેક દબાણો નીચે — સામાજિકતાનાં, બીજાએ ઘડેલાં ધારાધોરણોનાં, કુટુંબીજનોની માગણીઓ ને અપેક્ષાઓનાં દબાણો નીચે જીવતાં હોય છે; પણ અહીં આપણે એવાં બધાં દબાણોથી મુક્ત, આપણી આંતરિક જરૂરિયાત પ્રમાણેનું, રિવાજો વડે યાંત્રિક નહિ બનેલું જીવન જીવી શકીએ. અહીં આપણે બધાં જ સ્વતંત્ર હોઈશું. બધાંને જ એકમેકનો સાથ અને પ્રેમ હશે, સમાજથી ભિન્ન શૈલીએ જીવવા જતાં એકલાં પડી જવાનો ભય નહિ હોય. મનુષ્યસંબંધમાં જે સૌથી સુંદર તત્ત્વો છે તેને આપણે ઇચ્છીશું તો અહીં પ્રગટ કરી શકીશું.’ કુટુંબજીવનનું આ એક એટલું મનોહર ચિત્ર હતું કે અમે બધાં મુગ્ધ થઈને સાંભળી રહ્યાં. દરેકના મનમાં ઊંડાણમાં રહેલી એક છબી જાણે જાગી ને સ્પંદિત થઈ. ઘણી વાર સુધી કોઈ કાંઈ બોલ્યું નહિ. પછી એના જ બોલી : ‘પણ એવી રીતે જીવવું શક્ય છે? આ એક સપનું નથી? આર વી ધ ડ્રીમર ઑફ ડ્રીમ્સ?’ ‘એ સપનું છે, પણ એ સપનું છે. આપણે બધાં સાથે મળીને એના પર કામ કરીએ તો એને ઘાટ આપી શકીએ.’ ‘વાહ, વાહ,’ અત્યાર સુધી ચૂપ બેઠેલો વિનોદ ઠોકીને બોલ્યો. ‘સપનાને સત્ય કરવાની આ શરૂઆતના નામ પર હું કૉફી પીવાની દરખાસ્ત મૂકું છું.’ તે ઊભો થયો. ‘ચાલો, હું કૉફી બનાવી લાવું. કોઈ મદદમાં આવશે કે?’ તે રસોડા ભણી ચાલ્યો. ‘હું આવું છું.’ એના ઊભી થઈ અને વિનોદની પાછળ ગઈ. કપરકાબી એકઠાં કરતાં એનાને યાદ આવી ગયું. એક વાર અગ્નિવેશ માટે પોતે વિપુલને કૉફી બનાવવાનું કહેલું, ત્યારે તે કેટલો ચિડાયેલો! જાણે કોઈ અનુચિત કામ તેને ચીંધ્યું હોય! કામ નહિ, પણ આમ ચીંધવાપણું જ તેને ખૂંચ્યું હશે. પતિઓ તો સહેલાઈથી કહેતા હોય છે : એના, ચા બનાવ. એના, મહેમાન આવ્યા છે, કૉફી મૂકજે. પણ પત્નીઓ કોઈ દિવસ કહે ખરી કે વિપુલ, મારી બહેનપણીઓ આવી છે, ચા-નાસ્તો આપજે? ઓહ, આવો વિચાર સુધ્ધાં એ લોકોને કેટલો અજુગતો લાગે! એક કામ સ્ત્રી માટે જો સાવ સ્વાભાવિક હોય તો પુરુષ માટે તે અજુગતું સાથી બની જઈ શકે? તેણે વિનોદ ભણી જોયું. કેટલી સહજતાથી તે કામ કરતો હતો! એકલો માણસ હતો, છતાં ઘર કેટલું વ્યવસ્થિત હતું! લંડનથી અહીં આવ્યા પછી વસવાટ કરવામાં, ઘર મેળવવામાં વિનોદે જ ખૂબ સહાય કરી હતી. પરિચય કેટલો? પાંચ હજાર માઈલ પહોળા સમદ્રને ઓળંગીને બાળપણનો એક ટહુકો પાછો પડઘાયો હતો. નાનપણનાં પડોશી. ખૂબ સાથે ૨મેલાં. મોટાં થતાં બધાં મિત્રો ક્યાંના ક્યાંય વીખરાઈ ગયાં. આટલાં વર્ષે એક છોડ મહોર્યો. આભા ને ગગને લગ્નનું નક્કી કર્યું હતું લંડનમાં, પણ લગ્ન કર્યાં ભારત આવીને. એ વખતે પણ વિનોદે બધું કામ પોતાનું જ હોય એમ ઉપાડી લીધેલું. વિનોદ ખૂબ સજ્જન છે. મલ્લિકાની સાથે એણે લગ્ન કરેલાં. ન બન્યું. છૂટાં થઈ ગયાં પણ કદી મલ્લિકાની નિંદા કરી નથી; એના વિશે ઊતરતી વાત કરી નથી. એનાનું હૃદય વિનોદ પ્રત્યે કૃતજ્ઞતા અને કુમાશથી ઊભરાઈ રહ્યું. કૉફી થઈ ગઈ હતી. એનાએ કપ ગોઠવ્યા ને વિનોદે તેમાં કૉફી રેડી. ‘બરાબર છે?’ તેણે એનાની સામે જોયું. એનાને લાગ્યું કે હવામાં ક્યાંકથી જૂઈની સુગંધ આવી ગઈ છે.

*

સ્વરૂપે નોકરી છોડી તે પછી દરિયાકાંઠે અમે થોડીક જમીન લીધી હતી. ચીલાચાલુ પ્રકારથી ભિન્ન, ચોક્કસ હેતુઓવાળા અને મુક્ત જીવનની શોધ કરતા લોકોના, સાથે આવીને રહેવાના આ પ્રયોગમાં સ્વરૂપને ઘણી શક્યતાઓ દેખાઈ. અમે બધાંને આ જમીન પર વસવા આમંત્ર્યા, અને ઉત્સાહભેર એક નવી શૈલીનો પ્રયોગ અમે શરૂ કર્યો. અમે બધાં હવે પચાસના ઉંબરે પહોંચેલાં કે પહોંચવાની નજીકમાં હતાં. પણ ગમતા લોકોનો સાથ અને પોતાની કલ્પના પ્રમાણે જીવવાની તક — આ બન્નેને લઈને અમારામાં એક નવી જ શક્તિ અને ગતિનો સંચાર થયો. અમે બધાં ઉલ્લાસથી કામ કરવા લાગી ગયાં. જગ્યા પણ સુંદર હતી. પાછળ નરમ મૃદુ ટેકરીઓના ઢોળાવો, આગળ સરુનું વન અને પછી દરિયાનો નીલ વિસ્તાર. સહુથી પહેલાં અમે મકાનો બાંધ્યાં. ગગનેન્દ્રનું કહેવું હતું કે જે સમાજમાં સ્ત્રી ને પુરુષ સમાન છે અને બંને બધાં કાર્યો કરે છે ત્યાં સમાજ અને કુટુંબનાં માળખાં બદલવાની સાથે મકાનોની રચના પણ તેને અનુરૂપ કરવી જોઈએ. અમે એ અનુસાર નાનકડાં મકાનો એવી રીતે બાંધ્યાં કે દરેક ઘર અલગ હોવા છતાં બધાં વચ્ચે સરળતાથી સંપર્ક રહી શકે અને નાનાં બાળકો ઘરમાં એકલાં હોય તોપણ કશી ફિકર ન રહે. આ મકાનોમાં બહુ વસ્તુઓ કે અલંકાર નહોતાં છતાં એક આગવી સુંદરતા, હૂંફ અને શાંતિ તેમાં રહેલાં હતાં. તેની ઉપર વૃક્ષોની છાયા એવી ૨ીતે ઝૂલી રહેતી, જાણે ધરતીનો હાથ ઊંચો થઈને આશીર્વાદ આપતો હોય. સ્વરૂપના રૂમમાં પુસ્તકો દીવાલમાં એવી સરસ રીતે ગોઠવાઈ ગયાં હતાં તે જાણે એ દીવાલ એમને માટે જ બની હોય. મેં વાંસ-માટીની એક નાની કુટીર બનાવી, ગારો લીપેલી ભોંય, થોડાં ફૂલછોડ, થોડાં પુસ્તકો અને લેખન-સામગ્રી. અલોપાએ પોતાના રૂમમાં બહુ ઓછી વસ્તુઓથી સુંદર સજાવટ કરી એક નાનકડી તખતી બારણા પર લગાડી લખ્યું : ‘ઘરને સાચવવા-સમજાવવામાં ગળા લગી ડૂબી જતાં નહિ, નહિ તો તમે તમારું અસ્તિત્વ ખોઈ બેસશો.’ એ સિમોન દ બુવાનું વાક્ય હતું. એના પાસે પૂરતા પૈસા નહોતા. તેણે પોતાનાં ઘરેણાં વેચી નાખ્યાં. જયાબહેન જરા લાગણીવશ થઈ જઈને બોલ્યાં : ‘તો તું પહેરીશ શું?’ એનાને થોડાક અલંકારો પહેરવા ગમતા. હસીને તે બોલી : ‘સોનાના જ પહેરવા એવું થોડું છે? બીજી ધાતુના પહેરીશ.’ ‘ખોટાં ઘરેણાં પહેરીશ?’ એના ગંભીર થઈ ગઈ. ‘ખોટું એટલે શું? પિત્તળને સોના તરીકે કે પથ્થરને હીરા તરીકે ખપાવવા જઈએ તો ખોટું કહેવાય. પણ પથ્થરને પથ્થર તરીકે પહેરું તો તેમાં ખોટું ક્યાં આવ્યું?’ પછી હસી પડી. ‘પણ બધાંને એવું લાગતું હોય છે, નહિ? પોતે ખોટાં હોય તેની તો લોકોને ફિકર નથી હોતી, પણ ઘરેણાં ખોટાં હોય તો સંકોચથી લાજી મરે છે!’ જયાબહેનનો પોતાનો અલાયદો ખંડ હતો. કશા જ શણગાર વગરનો. સાદી ભીંતો, મોટી બારી નજીક ઝૂકી આવેલી લીમડાની ડાળી અને હવામાં કોમળ, પવિત્ર શાંત ભાવ. જોકે આમ તો અમારા આ આખાયે આનંદગ્રામમાં એક છાયાભરી પ્રશાંત હવા ફેલાઈ રહેલી હતી. અહીં પ્રકૃતિ સાથેનો એક સંવાદ હતો. જીવન અર્થપૂર્ણ અને ધબકતું હતું. રૂટિનથી આવતી નીરસતા ને યાંત્રિકતા નહોતાં. અહીં સહજપણે સહુ એકબીજાને મદદ કરતાં અને એમાં પોતે જ કંઈક પામ્યાની અનુભૂતિ કરતાં. સ્નેહનું, મધુર આત્મીયતાનું એક વહેણ કલકલ કરતું ચારે તરફ વહી રહેતું. દરિયા તરફ જતાં અમે વચમાં વર્તુળાકારે વૃક્ષો વાવેલાં, તેને હવે અમે ફૂલઘર નામ આપ્યું અને તેની નીચે ખુરસીઓ ગોઠવી બેઠક બનાવી. ઘણી વાર સાંજે કે રાતે અમે બધાં કામથી પરવારી ત્યાં બેસતાં. ક્યારેક અગ્નિવેશ ગિટાર વગાડતો કે અલોપા ગાતી. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરતાં, અથવા સ્વરૂપ વાતો કરતો કે પછી અમે મૌન બેસતાં અને દૂરનાં નક્ષત્રો નજીક આવી જતાં. ઠંડી રાતે કદીક તાપણું સળગાવતાં, ચૂપ રહેતાં, નીરખતાં, સાંભળતાં એક મુક્ત, અવિચ્છિન્ન, અખંડ જીવનનું ગાન. દરિયાનો ઘુઘવાટ છેક પગ નીચે આવી જતો અને અમે એક વિરાટ અસ્તિત્વનો અંશ બનીને, વિશ્વથી જે ૫૨ છે અને છતાં વિશ્વના કણકણમાં જે વિરાજમાન છે તેની ઝાંખી કરતાં. સ્વરૂપ અમારા સહુથી કંઈક ભિન્ન, પ્રકૃતિ સાથે વધુ એકાત્મ થયેલો અને પોતાના કેન્દ્રમાંથી બહાર નીકળી ગયેલો માણસ હતો. તે આનંદગ્રામનો પ્રાણ હતો. અને પ્રાણ જેમ દેખાતો નથી તેમ તે લગભગ અદૃશ્ય રહ્યા કરતો, પણ તેની હાજરી સહુને વધુ ચેતનમય બનાવતી. અમારી એક સરસ જગ્યા હતી અમારું રસોડું. સામૂહિક રસોડામાં બધાં વારાફરતી ૨સોઈ કરે એવી વ્યવસ્થા અમને બહુ ગમી ગઈ હતી. ચાર-પાંચ દિવસે એક વા૨ દરેકનો વારો આવતો, બાકીના દિવસ ૨સોઈ કરવાની ન હોય એ બાબત અમને એટલી સુખદ લાગતી! નહિતર તો સ્ત્રી હોય અને તે શ્રીમંત ન હોય, તો બીજું કાંઈ તે કરે — ન કરે, પણ રસોડું તો તેની સાથે અભિન્નપણે જડાયેલું જ હોય. જાણે સ્ત્રી એટલે રસોઈ — એવું સમીકરણ સદીઓથી સમાજના લોહીમાં ગૂંથાઈ ગયેલું હતું. એના ટાગોરની એક કવિતા ઘણી વાર સંભળાવતી. એક ગૃહિણીની કથા : રાન્નાર પોરે ખાબા, ખાબાર પોરે રાન્ના…રાંધીને જમવું અને જમ્યા પછી વળી પાછું રાંધવું…દિવસરાત, મહિનાઓ, વર્ષો આ જ ઘટમાળ. એમાંથી કદી રજા નહિ, કદી મુક્તિ નહિ, સિવાય કે માંદગી આવે, અથવા મૃત્યુ લઈ જાય. પહેલાં તો રસોડાની વાત આવતાં જયાબહેન બોલી ઊઠેલાં : ‘મને એકાદ જણની મદદ મળશે તો રસોડું તો હું સંભાળી લઈશ.’ એનાએ ઠપકાભરી નજરે તેમના ભણી જોયેલું. ‘જિંદગીમાં પહેલી વાર કશુંક નવું કરવાની તક મળી છે ત્યારેય તમે રસોડાને જ વળગી રહેવા માગો છો?’ પોતાની ઉપયોગિતા રખેને સાવ લુપ્ત થઈ જાય એ ભયે જ સ્ત્રીઓ છેક સુધી રસોડા સાથે જોડાઈ રહેતી હશે? જિંદગીમાં પ્રથમ વાર જયાબહેન શાંત થઈને શોધવા બેઠાં કે પોતાને ક્યારેય કશું વિશેષ કરવાની મહેચ્છા હતી? તેમને યાદ આવ્યું. દાદા વૈદ હતા. આયુર્વેદનાં કેટલાંયે પુસ્તકો ઘરમાં રાખતાં. શોખ ખાતર પોતે એ પુસ્તકો વાંચેલાં. ક્યારેક મન થતું : આવી દવાઓ જાતે બનાવી હોય તો? તે મનોમન હસ્યાં. સિત્તેર વર્ષ ક્યારનાં વટાવી દીધાં છે, પણ કઈ મેઘધારાએ શરીરમાં સ્ફૂર્તિની હરિયાળી ઉગાડી દીધી છે? તેમણે થોડીક સાદી દવાઓ બનાવવાની શરૂઆત કરી. અહીં દરેક જણ જે કામ કરે, તેને બીજાં બધાંનો સાથ-ઉત્સાહ મળી રહેતો. પહેલી વાર દંતમંજન બનાવી તેમણે અમને બધાંને આપ્યું ત્યારે તે એટલાં ખુશ હતાં! જાણે સર્જનની નવી કેડી કંડારી રહ્યાં હોય! અગ્નિવેશ ભારત આવીને ઇજનેરનું ભણતો હતો, પણ પૈસાના જોરે મેળવાતી લાયકાતો જોઈ ભણવામાંથી તેનું મન ઊઠી ગયું અને છેલ્લી પરીક્ષાના થોડા જ દિવસ બાકી હતા ત્યાં તેણે કૉલેજ છોડી દીધી. ‘મારે શીખવું હતું તે શીખી લીધું છે અને ડિગ્રી મારે જોઈતી નથી. હું મારે માર્ગે ચાલીશ, ઘેટાંના માર્ગે નહિ.’ એનાને ચિંતા થઈ. ડિગ્રી વગર અગ્નિવેશ કેવી રીતે આજીવિકા ૨ળશે? અગ્નિવેશ સામે પણ એક પડકાર હતો. અનાયાસે જ ‘આનંદગ્રામ’માં તેને પીઠિકા મળી ગઈ. અહીં દરેક વ્યક્તિએ અમને આશ્ચર્યોની ભેટ ધરી હતી, એમાં સૌથી વિશેષ ભેટ હતી અગ્નિવેશની. રસોઈ કરવાની સાધારણ તાલીમ તો તેને મળી હતી. હવાઉજાસથી પ્રફુલ્લિત લાગતા અમારા રસોડાની મોટી કાચની બારીઓ, એ બારીમાં ડોકિયાં કરે એવી રીતે વાવેલાં ફૂલછોડ, બીજાઓનો રસોઈનો વારો હોય ત્યારે અમસ્તો જ આવીને ગિટાર વગાડી શકે તે માટે એક ખૂણામાં કરેલી વ્યવસ્થા — એ સઘળું આયોજન તેનું હતું. ઘણી વાર રસોઈનો વારો ગમે તેનો હોય, પણ બધાં જ રસોડામાં આવી ભરાતાં; આજે શું જમવાનું મળશે તેની રસભરી કલ્પના કરતાં, સુગંધ પરથી ઓળખવાની રમત રમતાં. અગ્નિવેશ ગિટાર વગાડતો, વિનોદ તબલા પર થાપ દેતો અને આભા ગાતી : ‘આઈ ડૉન્ટ હૅવ ટુ ટેલ યૂ, હાઉ વેલકમ યૂ વુડ બી.’ પછી તો બધાં તાલ આપવા માંડતાં અને એ રસોઈઘર છે કે સંગીતઘર, તેની ખબર ન રહેતી. પણ અગ્નિવેશને અહીં રસોઈ કરવાની આવી ત્યારે તે ચોંકી ગયો. બાપ રે! રોટલી બનાવતાં આટલો બધો વખત લાગે? આ કેટલું લાંબું ને થકવનારું કામ છે! તેની સાથે તે દિવસે અલોપા હતી. અગ્નિવેશ નારાજ થઈને બોલ્યો : ‘તમે લોકો સવાર-બપોર-સાંજ આવા કામમાં ગૂંથાઈને જિંદગી કાઢી નાખતાં હો છો?’ ‘તમે લોકો એટલે?’ ‘એટલે કે સ્ત્રીઓ. ઓ ભગવાન, રોજેરોજ, સવાર ને સાંજ, વરસોનાં વરસો આ કામ તમે કર્યું છે ને તમે કોઈએ, આ દેશની લાખો-કરોડો સ્ત્રીઓમાંથી કોઈએ આનો વિકલ્પ શોધ્યો નથી? તમારામાં કોઈ સંશોધક બુદ્ધિ કે વૈજ્ઞાનિક દૃષ્ટિ ધરાવનાર છે જ નહિ? તમારી સહનશીલતાને પણ ધન્ય છે. સહન કરવાની શક્તિ માટે ભારતની સ્ત્રીઓને તો નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ. સમયનો આવો ભયંકર દુર્વ્યય તમને જ પોસાઈ શકે. એટલે જ આ દેશ આટલો દરિદ્ર છે! અડધા ભોજન માટે આમ પાંચ કલાક કામ કરવું! કોઈક દિવસ મઝા માટે ઠીક છે, પણ રોજ આટલો બધો વખત એની પાછળ ગાળવો એ શું બુદ્ધિવાળી બાબત છે?’ આમાંથી અગ્નિવેશને બેકરી બનાવવાનો ખ્યાલ આવ્યો. ભારતમાં મોટા ભાગે બનતી હોય છે તેવી, નિઃસત્ત્વ મેંદાની નહિ, પણ ઘઉંના થૂલાવાળા લોટની, બધાં પોષક તત્ત્વો સચવાઈ રહે તેવી, પરદેશમાં તેણે ખાધી હતી તેવી જાતજાતની બ્રેડ તેણે બનાવવા માંડી. એ પહેલાં થોડા મહિના એક બેકરીમાં જઈ તે તાલીમ લઈ આવ્યો. સ્વરૂપના ખેતરના, બીજે ક્યાંય ન મળે એવા મોટા દાણાના સરસ ઘઉં મળ્યા. તેની ‘ગાર્લિક બ્રેડ’ તો એટલી સ્વાદિષ્ટ બની કે આજુબાજુના વિસ્તારોમાં તે ખૂબ ખપવા લાગી અને આનંદગ્રામ તેની આવકથી સમૃદ્ધ થવા લાગ્યું. સ્વરૂપે રાસાયણિક ખાતર વાપર્યા વગર ફળઝાડ ઉગાડ્યાં હતાં, અને તેને માટે સચેતન એવી વનસ્પતિ-સૃષ્ટિ તરફથી મળતા સંકેત અનુસાર કામ કરતાં તેને બહુ સારાં પરિણામો મળ્યાં હતાં. તેનાં મોટાં, રસાળ, ચમકદાર ફળોમાંથી અગ્નિવેશે જાતજાતના મુરબ્બા બનાવ્યા. આનંદગ્રામમાં સંપૂર્ણ શાકાહારનો નિયમ હતો; કારણ કે દરેક મનુષ્ય પ્રત્યે આદરની સાથે દરેક પ્રાણી પ્રત્યે આદર એ અમારું પાયાનું દર્શન હતું. એના જાતજાતના સૂપ બનાવતી. તેનામાં ઓછા સમયમાં ઓછી મહેનતે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની સૂઝ હતી. સ્વરૂપને પણ પ્રયોગો કરવા ગમતા. એ જેટલી સહેલાઈથી વૈજ્ઞાનિક ચિંતન કરી શકતો, ઉપનિષદના મંત્રોનું અર્થઘટન કરી શકતો તેટલી જ સરળતાથી રસોડાનાં વાસણ સાફ કરી શકતો કે સલાડ બનાવી શકતો. અગ્નિવેશે બેકરી ઉપરાંત નાનાં સુધારેલાં ઓજારો બનાવવાની વર્કશોપ અને ઊર્જાનો જરા પણ વ્યય ન થાય તેવી રીતની યંત્રરચનાઓ ઊભી કરી. સૂર્યકૂકર અને સૂર્ય-ઊર્જાથી ચાલતા પંપ તેણે બનાવ્યા. આનંદગ્રામનો તે સૌથી તરવરિયો જુવાન હતો. અલોપાની ને તેની જોડી ખૂબ જામતી. બન્ને વચ્ચે ચર્ચા ચાલતી હોય ત્યારે એ સાંભળવાની ગમ્મત આવતી. એક વાર અગ્નિવેશ કહે : ‘માસી, મને એક વાતની સમજ નથી પડતી.’ ‘કઈ વાતની?’ ‘સ્ત્રીઓ ભોળી હોય છે કે મૂર્ખ હોય છે?’ અલોપાનાં ભવાં સંકોચાયાં. ‘કેમ રે બાબલા એવું શાથી કહે છે?’ ‘જુઓને, તમે લોકો અ-વૈજ્ઞાનિક વાતો કેટલા વિશ્વાસથી માની લો છો! તમને કોઈ કહે કે રસોઈમાં તમારા હાથની મીઠાશ ને તમારા પ્રેમનો સ્વાદ ભળેલાં છે, એટલે તમે એ માની લો ને હોંશે હોંશે રસોઈ બનાવવામાં જ ગરકાવ રહો. કોઈ દિવસ વિચાર ન કરો કે ઘરની મીઠાઈ કરતાં કંદોઈની મીઠાઈ હંમેશાં વધારે સરસ હોય છે તે શાથી? એ લોકો તો વ્યાપારી ધોરણે વસ્તુઓ બનાવે છે! આ મારી જ વસ્તુઓ જુઓને! કેટલી સારી બને છે! એનું કારણ એ છે કે એ કેમ બનાવવી, એની મને ખબર છે. એ બધો કુશળતાનો-એક્સ્પર્ટીઝનો વિષય છે. એને બનાવના૨ના હેત-પ્રેમ સાથે કંઈ લાગતું-વળગતું નથી. ખાદ્ય પદાર્થોનું મૂલ્ય સમજ્યા વિના એને પ્રેમથી રાંધતી સ્ત્રી અને સમતોલ આહાર પોષણ આપતાં તત્ત્વો વિશે પૂરેપૂરી સમજથી રાંધતી વ્યક્તિ–બેમાંથી કોની રસોઈ વધુ યોગ્ય?’ અલોપાને આમ તો દલીલો ખૂબ સૂઝતી, પણ તે દિવસે નક્કર જવાબ કોઈ જડ્યો નહિ. બેળેબેળે બોલી : ‘પણ પ્રેમથી કોઈ પીરસે તો જમવાનું મીઠું તો લાગે!’ ‘જુઓ, તમારી અ-વૈજ્ઞાનિકતાનો પુરાવો તમારી વાતમાંથી જ મળ્યો. મેં પીરસવાની વાત કરી છે જ ક્યાં? હું તો બનાવવાની વાત કરું છું. પણ આ હાથની મીઠાશવાળી વાતથી નુકસાન શું થયું છે, ખબર છે? સ્ત્રીઓ ફુલાઈને એમાં રાચવા લાગે, એટલે વ્યાવસાયિક કુશળતા તેનામાં આવે જ નહિ. વરસોનાં વરસોથી રસોઈ કરતી હોય તોય એકધારી સરસ ૨સોઈ ભાગ્યે જ થાય. એટલે તો ઘરમાં આપણે સાંભળીએ છીએ કે આજે દાળ બહુ સરસ થઈ છે; એટલે કે રોજ એવી સરસ નથી થતી. પણ કંદોઈની મીઠાઈ માટે આપણે એમ નથી કહેતાં કે ‘આજે એની બરફી સારી થઈ છે.’ એણે તો ઉત્તમતાનું એક ધોરણ હંમેશા માટે સિદ્ધ કર્યું હોય છે!’ પછી કાનમાં કહેતો હોય એમ કહે : ‘માસી, તમને ખબર છે, આવું કેમ છે? રોજેરોજ રસોઈ કરવી, રોજેરોજ થોકડોએક રોટલી બનાવવી — એ એટલું કંટાળાભરેલું કામ છે! પણ સ્ત્રીઓને આપણે આવું — હાથની મીઠાશ ને હેતનો સ્વાદ વગેરે વગેરે કહીએ એટલે પોતાનાં વખાણ સાંભળી તેઓ ખુશ થાય; એટલે પેલા કંટાળાને ગણકારે નહિ. કોઈ પણ વ્યક્તિ તે જે કામ કરતી હોય તે જ કામ ચાલુ રાખે એવું આપણે ઇચ્છતાં હોઈએ, તો એનો ઉત્તમ ઉપાય છે — એ કામનાં વખાણ કરવાં.’ ‘અગ્નિવેશ, તારું મગજ પણ તારાં મશીનોની જેમ કામ કરે છે. અમે લોકો આખી જિંદગીમાં આ વિશે જેટલો વિચાર નથી કરતાં એટલો તેં બે દિવસ ૨સોઈ કરવાનો વારો આવ્યો, એમાં કરી નાખ્યો. એક લેખ લખ આના પર.’ અગ્નિવેશ હસી પડ્યો. ‘કોણ છાપશે, માસી? આમાં તો સ્ત્રીઓનીયે વિરુદ્ધની વાત છે ને પુરુષોનીયે વિરુદ્ધની વાત છે!’ પછી ફરી હસીને કહે : ‘પણ આનંદગ્રામમાં તો આપણે એકેએક બાબત માટે વૈજ્ઞાનિક ને શુદ્ધ અભિગમ શોધવાનો છે. એટલે તમે બધાં સાંભળવા તૈયાર હો તો તમારી આગળ ભાષણ ઠોકું…’ ચર્ચાઓમાં તેમ સાહસોમાં પણ અલોપા અને અગ્નિવેશને સારું બનતું. અલોપાએ પોતાના ભૂતકાળને એક દુઃસ્વપ્ન ગણી ભૂંસી નાખ્યો હતો. તેણે લેક્ચરર તરીકે કામ ચાલ્યું રાખ્યું હતું. બાકીના વખતમાં તે અને અગ્નિવેશ આજુબાજુનાં છોકરાંઓને શારીરિક ને બૌદ્ધિક ૨મતો ૨માડતાં, તેમને ડુંગરે ચડવા ને દરિયે નાહવા, જંગલમાં પ્રાણીઓ ને પક્ષીઓ જોવા લઈ જતાં. ઘર કેમ વ્યવસ્થિત રાખવું ને કેમ રાંધવું તે શીખવતાં. રાતે તારાદર્શન કરતાં. ચંદ્રગ્રહણ કે ઉલ્કાવર્ષા વખતે તો ખાસ કાર્યક્રમ થતો. વચ્ચે વચ્ચે અલોપા હિમાલયનો બરફ ખૂંદી આવતી. તે આનંદની હરતીફરતી પ્રતિમા જેવી હતી. તેનાં ગીતોથી આનંદગ્રામની હવા સૂરીલી બની હતી. માત્ર મિત્રા…તેને ગળે હજી જાણે એક ડૂમો અટકેલો હતો. નાનપણમાં વાતે વાતે હસવાની ટેવવાળી તે હવે વાતે વાતે ઉગ્ર બની જતી. મિત્રા એટલે કોણ એ તમે જાણી જ ગયા છો ને?