રામચન્દ્ર પટેલની કવિતા/મારા સંતો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મારા સંતો

મારા સંતો બોલે ને થાય અજવાળું
એના અજવાળે અજવાળે પંખીઓ બોલે,
ડોલે દિશાઓ એમાં રમતું બ્રહ્માંડ લાગે વ્હાલું...
મારા સંતો બોલે ને થાય અજવાળું.

ઝાડ ને ઝાડ એવા ઊડતાં જાય જાણે
વ્હેતી વાદળમાં જળની છાયા;
ક્યાંકથી વાયરો રૂમઝૂમ આવે એના
હળવાશથી ખૂલે ઘરની કાયા,

એવું ઘડીક થાય કે લીલુડા વનના
સરવર કાંઠેથી આવતા હંસોના ટહુકા ઝાલું.
મારા સંતો બોલે ને થાય અજવાળું.

ઓતરાતા પડખે લહેરાતા વગડા બેઠા
દખ્ખણ પડખે દરિયા ઘનઘોર;
આભ ને ધરતી ઝળહળ મંદિર મંદિર...
ઝાલર વાગે ને જાગે ભોર,

એમાં પહાડ ડોલે, નદિયું દોડે, ઝરણ
ઝરણના નાચ હું હંમેશ ભાળું,
મારા સંતો બોલે ને થાય અજવાળું.