મર્મર/ગ્રીષ્મ
Jump to navigation
Jump to search
ગ્રીષ્મ
સૌમ્ય બે શિવનાં નેત્રો સમાં પ્રાતર્ અને નિશા,
મધ્યે મધ્યાહ્નની ત્રીજા હરનેત્રની ઉગ્રતા.
ઘટામાં વૃક્ષની ઘેરી ક્લાન્ત આતપથી ઢળ્યો
માતરિશ્વા રહ્યો હાંફી ઉષ્ણ શ્વાસે દઝાડતો.
આકાશી આમ્રના વૃક્ષે, પાતળાં જલદાન્વિત,
શોભે મધ્યાહ્નનો સૂર્ય, પાકેલી શાખ શો પીત.
ઉઘાડે અંગ જાણે કો જોગી ફાળ ભરી જતો,
છુટ્ટી ઝાળજટા એની તામ્રવર્ણી ઉડાડતો.
ઢળતી સાંજ ને ઓછી થતી સૂર્યની ઉગ્રતા,
વળતી સૃષ્ટિની મૂર્છા; રૂંધાયા શ્વાસ છૂટતા.
ઢળેલો દ્રુમછાયામાં ધીમેથી વાયુ જાગતો,
લહેરોમાં શીળી ધીમી ગતિનું ગાન ગુંજતો.
આકરા તાપને અંતે રાત્રિ શી સૌમ્ય ને શીત!
આકરા તપને અંતે જાણે પાર્વતીનું સ્મિત!