મર્મર/અજંતા
Jump to navigation
Jump to search
અજંતા
અહો ખડકના કઠોર સ્તરને ખણી ખોતરી
કશી જીવનની લીલા પ્રકટ ચિત્રશિલ્પે કરી!
અહીં યુગલ કૅફમાં મધુર મદ્ય ને પ્રીતના;
તહીંથી હમણાં જ જાગી ઊઠશે સૂરો ગીતના!
મૃદંગ પર થાપી આ શું પડી! પેલી નૃત્યાંગના
તણા ચપલ પાયના રણકી ઊઠશે ઘૂઘરા!
મુલાયમ તમિસ્રશ્યામ ઘન કેશ નારીતણા,
થતું : અડી લઉં જરા! ભૂલી સ્વભાવ પાષાણના!
અને કુહરગર્ભમાં નીરખું ધ્યાનમુદ્રાસ્થિત
તથાગત પ્રશાન્ત, સ્વસ્થ નયનાબ્જનિમીલિત;
કરાંગુલિ થકી અપાર કરુણા દ્રવે (ફિલ્સૂફી
અહીં જીવનની કલામહીંય કેવી કૉળી ઊઠી!)
વિશાળ સુરસાળ આ જીવનપદ્મકેન્દ્રે લહું
વિરાજિત સમૂર્ધ્વ સત્ય બસ એક નિર્વાણનું.