બાળ કાવ્ય સંપદા/ઝાડની ડાળીએ ઝૂલ્યાં
Jump to navigation
Jump to search
ઝાડની ડાળીએ ઝૂલ્યાં
લેખક : રેખા ભટ્ટ
(1960)
અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં,
કે ઝાડ જરી લીલું થયું,
અમે તાળી લઈ-દઈ ખીલ્યાં
કે પંખીનું ટોળું થયું...
અમે થોડું ચડ્યાં ને ઊતર્યાં,
કે ઝરણું દડતું થયું.
અમે નીર નદીનાં ઉછાળ્યાં
કે પાણીને હસવું ચડ્યું.
અમે કિલકારી કરી કરી કૂદ્યાં
કે આભને ઝૂકવું પડ્યું,
અમે મૂકીને મનડું નાચ્યાં
કે વાદળું વરસી પડ્યું...
અમે મીઠાં મધુર ગીત ગાયાં,
કે ચંદાને ઊગવું પડ્યું,
અમે એવાં મસ્તીમાં ઝૂમ્યાં,
કે આભલું ઝળહળ્યું.