બાળ કાવ્ય સંપદા/કેવાં કિલ્લોલે
લેખક : ઝવેરચંદ મેઘાણી
(1894-1947)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
વનમાં કાળી કોયલ કિલ્લોલે,
ઘરમાં કલ્લોલે બહેન બાળી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
કાલા કિલ્લોલ બોલ બોલે,
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
ડુંગરે મોરલાને ઢેલડ બોલાવે,
વીરને બોલાવે બહેન વાલી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
વાદળે મેહુલાને વીજળી વળૂંભે,
વીરને ઝળૂંબે બેની ગોરી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
આભમાં ચાંદલાને વાદળી લપેટે,
વીરને ભેટે છે બહેન કાળી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
રાજમાં ભૂપતિને ચારણ ભલકારે,
વીરને લલકારે બહેન ઘેલી
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
સ્રોવરે નીર નાનું પોયણ ઝુલાવે,
વીરને ઝુલાવે બહેન નાની,
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
રણમાં રાજવીર બરછી હિલોળે,
વીરને હીંચોળે બહેન બંકી,
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
ઝાડવે ઝાડવે પંખીડાં વિરાજે,
ખોળે ગાજે છે ભાઈ – બેની
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !
કાલા કિલ્લોલે બોલ બોલે
બાળુડાં મારાં કેવાં કિલ્લોલે !