પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો


પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો

આરંભમાં પ્લેટોનું કવિતા પ્રત્યેનું વલણ થોડું સંદિગ્ધ દેખાય છે. ‘આયોન’ અને ‘ફીડ્રસ’માં કવિતાની પ્રેરણા દૈવી છે એ પ્રચલિત માન્યતાનો એ સ્વીકાર કરે છે અને પ્રેરિત કવિની સ્થિતિને ગાંડપણનો એક પ્રકાર ગણાવી છટાદાર ભાષામાં એનું વર્ણન કરે છે. ‘આયોન’માં એ કહે છે : “બધા જ સારા કવિઓ – પછી એ ઊર્મિકાવ્ય લખનાર હોય કે મહાકાવ્ય લખનાર હોય – સુંદર કાવ્યો રચી શકે છે તે એટલા માટે નહીં કે તેમનામાં કૌશલ્ય (આર્ટ) હોય છે. પણ એટલા માટે કે તેમનાં ચિત્ત દેવ-વશ (પઝેઝ્‌ડ) થયેલાં હોય છે, અને તેમને એની પ્રેરણા મળેલી હોય છે... કવિ નાજુક, પંખાળું, પવિત્ર પક્ષી છે, પણ જ્યાં સુધી એને પ્રેરણા મળતી નથી અને એ ભાન ભૂલતો નથી, ત્યાં સુધી એ કશુંયે નવસર્જન કરી શકતો નથી, આ સ્થિતિએ ન પહોંચે ત્યાં સુધી એ પોતાની દૈવી વાણી ઉચ્ચારી શકતો નથી... કવિઓ એમનાં ચિત્તને વશ કરનાર જુદાજુદા દેવોના સંદેશવાહકો માત્ર છે.” ‘ફીડ્રસ’માં એ કહે છે : “કોઈ માણસ, જેના આત્માને સરસ્વતીના પ્રસાદરૂપ આ ગાંડપણે સ્પર્શ કર્યો નથી, એ સરસ્વતીમંદિરના દ્વારે આવે અને વિચારે કે કૌશલ્યની મદદથી મને એ મંદિરમાં પ્રવેશ મળી શકશે, તો મારે એ કહેવું જોઈએ કે, એ અને એની કવિતાને પ્રવેશ મળશે નહીં; આ બાબતમાં ડાહ્યો માણસ ગાંડા માણસની સાથે હરીફાઈમાં ઊતરશે તો એનો ક્યાંય પત્તો નહીં ખાય.” અહીં કોઈને સવાલ થાય કે કવિની પ્રેરણા દૈવી હોય છે એમ માની લેવાનું કારણ શું? તો એનો જવાબ પણ પ્લેટો પાસે છે. એ કહે છે કે જો કવિ પ્રેરણાથી કાવ્ય લખતો ન હોત તો એક માણસ અમુક છંદમાં કવિતા લખે છે અને બીજો બીજા છંદમાં; એક એક વિષય પર લખે છે, બીજો બીજા વિષય પર – એમ કેમ બને? વળી એકને ફાવે છે તે બીજાને ફાવતું નથી. જો કૌશલ્યથી – કલાના નિયમો જાણીને લખી શકાતું હોત તો માણસ પોતાને ગમતા કોઈ પણ વિષય પર ન લખત? કેટલાક નિકૃષ્ટ કોટિના માણસોના મુખમાંથી ઉત્તમ ગીતો નીકળતાં હોય છે તે પણ જો કવિના ગાન પાછળ ઈશ્વરી પ્રેરણા ન હોત તો કેમ બનત? કવિની પ્રેરિત સ્થિતિનું માત્ર વર્ણન નહીં, એનું સમર્થન પણ કરનાર આ માણસ આ બધું ગંભીર ભાવે નહીં કહેતો હોય એમ તો કેમ માની શકાય? છતાં પ્લેટોના આ લખાણમાં તીરછી નજરનો, વંકાતા હોઠનો, દબાતા ઉપહાસનો અણસારો પારખવો મુશ્કેલ નથી. પ્લેટો કવિઓની અને કવિઓ વિશેની આ માન્યતાની મજાક તો નથી ઉડાવી રહ્યાને – એવી આશંકા પણ થાય છે. પણ ઓછામાં ઓછું, કવિતા અસત્યમય છે કે અહિતકર છે, માટે ત્યાજ્ય છે એવું સ્પષ્ટ રીતે એ અહીં કહેતા નથી.