પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદાત્તતાના મૂલસ્રોત :

૧. વિચાર

જેના વડે વાગભિવ્યક્તિમાં ઉદાત્તતા આવે છે તેવાં પાંચ તત્ત્વો લૉંજાઇનસ ગણાવે છે તેમાં સૌથી અગ્રિમ અને મહત્ત્વને સ્થાને એ વિચાર (થૉટ)ને મૂકે છે. વિચાર એટલે વિચારદ્રવ્ય નહીં, પણ વિચારશક્તિ – મહાન સંકલ્પનાઓ ઘડવાની શક્તિ (પાવર ઑવ્‌ ફૉર્મિંગ ગ્રેટ કન્સેપ્સશન્ઝ), આજે જેને આપણે કલ્પનાશક્તિ કહીએ છીએ તે. વિચારશક્તિની ઉત્કૃષ્ટતા-નિકૃષ્ટતાના દાખલા તરીકે લૉંજાઇનસ એજૅક્સના મૌનના તથા ‘નાસિકામાંથી ગળતાં પાણી’ જેવાં ચિત્રણોને ગણાવે છે તેમાંથી આ સ્પષ્ટ થઈ આવે છે. લૉંજાઇનસની દૃષ્ટિએ હોમરના ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ એ ઊતરતી રચના છે એનું એક કારણ વસ્તુકલ્પનની દરિદ્રતા છે. કલ્પન –પ્રત્યક્ષતાની ચર્ચા લૉંજાઇનસે ‘વિચાર’ના પેટામાં જ કરી છે એ પણ બતાવે છે કે લૉંજાઇનસના ‘વિચાર’ શબ્દને આપણે સંકુચિત અર્થમાં લેવાનો નથી, એમાં ઘણું સમાય છે. આનંદશંકર ધ્રુવ કવિતાને આત્માની કલા ગણાવતી વખતે આત્માના બુદ્ધિ-અંશને શુષ્ક ને કેવલ બુદ્ધિ રૂપે નહીં પણ અલૌકિક બુદ્ધિ ને કલ્પનાશક્તિ રૂપે ઘટાવે છે તેના જેવું આ છે. ઉદાત્તતા માટે લૉંજાઇનસ મહાન, ઉચ્ચ, ગૌરવભર્યા વિચારોની અપેક્ષા રાખે છે અને કહે છે કે તુચ્છ, હલકા, પરોપજીવી વિચારો ધરાવતા માણસો કશું પ્રશસ્ય કે અમરત્વને લાયક સર્જી શકતા નથી. ઉદાત્ત અભિવ્યક્તિ તો ગહનગંભીર વિચારો ધરાવનાર પ્રગલ્ભ આત્માની જ એક સહજ પરિણતિ છે. એ ખ્યાલમાં રાખવા જેવું છે કે મહાન-ઉચ્ચ તથા હલકા-તુચ્છ વિચારો વચ્ચેનો લૉંજાઇનસનો ભેદ પ્લેટોના જેવો નૈતિક કે જીવનલક્ષી સંદર્ભ ધરાવતો હોવાનું લેખી શકાય તેમ નથી. આ ભેદ બહુધા પ્રભાવકતાની કે સૌંદર્યશાસ્ત્ર – રસશાસ્ત્રની દૃષ્ટિએ કરવામાં આવ્યો છે એવું એમણે ચર્ચેલાં દૃષ્ટાંતો જોતાં પ્રતીત થાય છે. લૉંજાઇનસ, અલબત્ત, દેવોને માનવોની જેમ લડતા-ઝઘડતા, વેર લેતા, ઘા પામતા અને આંસુ સારતા વર્ણવવામાં આવે તેને નિંદાત્મક ને અનુચિત માને છે. પણ આમ માનવાનું કારણ એ છે કે આવાં વર્ણનોમાં દેવોનું દેવત્વ રહેતું નથી. દેવોને એમના સાચા, શુદ્ધ, અવિકૃત અને ગૌરવભર્યા સ્વરૂપે રજૂ કરવામાં આવે એ જ પ્રશસ્ય. આમાં લૉંજાઇનસ એટલી છૂટ મૂકે છે કે દેવોને મનુષ્ય તરીકે આલેખવાનું એક રૂપક તરીકે થયું હોય તો એમાં બાધ નથી. આ રીતે, લૉંજાઇનસમાં દેવોના જુદી રીતના આલેખન માટે અવકાશ રહે છે તેમ છતાં દેવત્વને એ મનુષ્યચિત્તમાં રોપાયેલા એક પૂર્વસંસ્કાર, રોપાયેલી એક કલ્પના તરીકે જુએ છે ને એનો આદર કરવા માગે છે એમ કહેવાય. આટલે અંશે ‘વિચાર’ને કાવ્ય બહારના વિશ્વ સાથે સંબંધ છે એમ કહી શકાય, પણ એમાં નૈતિક કે જીવનલક્ષી કોઈ અભિગ્રહ ખસૂસ રહેલો નથી. વિચારશક્તિને લૉંજાઇનસ, ભાવાવેગની જેમ, નૈસર્ગિક રીતે મળેલી વસ્તુ ગણે છે, કેળવણી વડે મેળવવાની વસ્તુ નહીં. તોપણ, એ એવું સૂચવે જ છે કે ચિત્તને ઉચ્ચ વિચારો માટે કેળવવું જોઈએ અને એને ઉચ્ચ વિચારોથી ભરી દેવું જોઈએ. આનો અર્થ એ થયો કે વિચારશક્તિ નૈસર્ગિક હોય છે પણ એને સતેજ, ઉચ્ચ, પ્રશસ્ય બનાવવા માટે પ્રયત્નની – અભ્યાસની જરૂર રહે છે. નૈસર્ગિકતા અને સભાન કલાસાધનાની સમતુલા લૉંજાઇનસમાં સતત કેવી સધાયા કરે છે એનું આ પણ એક લાક્ષણિક ઉદાહરણ છે.

૨. ભાવાવેગ

ભાવાવેગ (પૅશન/ઇમોશન) એટલે ચિત્ત ગતિશીલ થવું, ક્ષુભિત થવું તે. ઉત્કટ અને સહજપ્રેરિત ભાવાવેગ એ ઉદાત્તતાસાધક એક બીજું મહત્ત્વનું તત્ત્વ છે. લૉંજાઇનસ કહે છે કે સાચા અને યથાસ્થાને યોજાયેલા, અને પ્રબલતાથી ઊછળી આવીને વક્તાના શબ્દોને જાણે કે ઉન્મત્તતાથી અને અલૌકિકતાથી ભરી દેતા ભાવાવેગ સમો ઉદાત્ત સૂર બીજો એકેય નથી. ભાવાવેગ વિચારનું પણ આવશ્યક સહકારી તત્ત્વ છે. ગરિમાયુક્ત વિચારો ઘણી વાર ભાવાવેગયુક્ત વાણીમાં વ્યક્ત થાય છે અને એનાથી અભિવ્યક્તિની ઉદાત્તતા નિશ્ચિતપણે સિદ્ધ થાય છે. અલંકાર વગેરેની સાર્થકતા પણ લૉંજાઇનસ વારંવાર ભાવાવેગને અનુલક્ષીને કરે છે એ પરથી સમજાય છે કે ભાવાવેગ એમને મન કાવ્યત્વની કેવી મોટી કસોટી છે. મોટી વાત તો એ છે કે લૉંજાઇનસને પ્લેટોની જેમ ભાવાવેગનો કોઈ ભય કે સંકોચ નથી, કે નથી એમને ભાવાવેગના વિરેચન કે રૂપાન્તર(કેથાર્સિસ)નો કોઈ સિદ્ધાંત આગળ કરવાની જરૂર પડતી. ભાવાવેગ ભાવાવેગ તરીકે જ એમને ઇષ્ટ છે. સાચા અને પ્રામાણિક ભાવાવેગ વિનાની કવિતા લૉંજાઇનસની દૃષ્ટિએ નિઃસાર બની જાય છે. એમણે ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’ની તુલના કરી છે તે આ સંદર્ભમાં જોવા જેવી છે. લૉંજાઇનસ ‘ઇલિઅડ’ કરતાં ‘ઑડિસી’ને ઊતરતી રચના લેખે છે એનું એક કારણ એ છે કે ‘ઑડિસી’માં ભાવાવેગની અલ્પતા, દુર્બળતા છે; ‘ઇલિઅડ’માં મોજાંની જેમ એક ઉપર એક ઊછળી આવતા ભાવાવેગ છે તેવું ‘ઑડિસી’માં નથી. ‘ઑડિસી’ કેટલેક અંશે માનવચરિત્રને, એના વ્યવહારવર્તનને વર્ણવતી કૉમેડી (કૉમેડી ઑવ્‌ મૅનર્સ) બની જાય છે. અને લોંજાઇનસનો અભિપ્રાય છે કે “જ્યારે ભાવાવેગ હ્રાસ પામે છે ત્યારે મહાન કવિઓની પ્રતિભા ચરિત્રાલેખનની અભિવ્યક્તિમાં સરી પડે છે.” એમને મતે “ચરિત્રચિત્રણને મનોરંજકતા સાથે સંબંધ છે. જ્યારે ભાવાવેગને છેવટે ઉદાત્તતા સાથે જ સંબંધ છે.”[1] અહીં એ ખ્યાલમાં રાખવું જોઈએ કે ચરિત્રચિત્રણ (કૅરેક્ટર) એટલે માણસના વ્યવહારવર્તનનું આલેખન એમ સમજવાનું છે. વ્યવહારવર્તનની ને તેથી ચરિત્રની બહિરંગતા છે. ભાવાવેગની અંતરંગતા. આમ છતાં, કૅસિલિઅસે ભાવાવેગ અને ઉદાત્તતાને એકરૂપ ને અવિભાજ્ય ગણવા જેવું કરેલું તેની સાથે લૉંજાઇનસ સંમત નથી. ભાવાવેગ, ભલે ઘણો મહત્ત્વનો પણ ઉદાત્તતાનો એક સ્રોત છે. હા, એક સ્રોત. ભાવાવેગ વિના ઉદાત્ત અભિવ્યક્તિ સંભવી ન શકે એવું નથી. લૉંજાઇનસ હોમરમાંથી આના દાખલા આપે છે તે ઉપરાંત વક્તૃત્વ અને કવિતા વચ્ચે પણ આ દૃષ્ટિએ ભેદ કરે છે. એ કહે છે કે વક્તાઓનાં પ્રશસ્તિ-વચનો અને પ્રસંગોચિત ઉદ્‌બોધનોમાં આપણને ઉદાત્તતાનાં દૃષ્ટાંતો અવશ્ય જડે છે, પણ મોટે ભાગે એ ભાવાવેગરહિત હોય છે; એટલું જ નહીં. એવું જોવા મળે છે કે ભાવાવેગભર્યા વક્તાઓ નિકૃષ્ટ પ્રશસ્તિકારો હોય છે ને પ્રશસ્તિકુશલ વક્તાઓ ભાવાવેગ વિનાના. લૉંજાઇનસ બીજી એક દૃષ્ટિએ પણ ભાવાવેગ તથા ઉદાત્તતાને એકરૂપ માનવા તૈયાર નથી. એમને મતે બધા ભાવો એક કક્ષાના નથી, કેટલાક ઉમદા કે ઉચ્ચ ભાવો છે, કેટલાક નિમ્ન. ઉચ્ચ ભાવો જ ઉદાત્તતાસાધક છે. લૉંજાઇનસ કરુણા (પિટી), શોક (ગ્રીફ) અને ભય(ફિઅર)ને નિમ્ન – ઊતરતી કક્ષાના ભાવો માને છે, જે આપણને જરા મૂંઝવે એવી વાત બને છે. ટ્રૅજેડીમાં તો કરુણા અને ભયના ભાવોના આલેખન દ્વારા જ ટ્રૅજિક અસર સિદ્ધ થાય છે અને લૉંજાઇનસ ઉદાત્તતાને સંબંધે ઘણી ટ્રૅજેડીઓમાંથી દાખલા આપે છે તેમાં કરુણા અને ભયની લાગણીઓ બાકાત થતી નથી. આ દાખલાઓને લક્ષમાં લઈને જ નિર્મલા જૈન એવું પ્રતિપાદન ભારપૂર્વક કરે છે કે ટ્રૅજેડીના કરુણા અને ભયના ભાવોને લૉંજાઇનસ ઉદાત્ત અભિવ્યક્તિની ક્ષમતાવાળા માનતા ન હતા એ ખ્યાલ ખોટો છે. પણ લૉંજાઇનસે ભાવાવેગો વચ્ચે ભેદ કર્યો છે અને કરુણા, શોક અને ભયના ભાવોને નિમ્ન કક્ષાના ગણ્યા છે તેનું શું એનો કોઈ ખુલાસો નિર્મલા જૈન પાસે નથી. આ સંદર્ભમાં એક મુદ્દો વિચારણીય છે. ‘પિટી’ ‘ગ્રીફ’ ‘ફિઅર’ એ શબ્દો લૉંજાઇનસના મૂળ ગ્રીક શબ્દોના અનુવાદરૂપ છે. સામાન્ય રીતે આ શબ્દોથી જ અનુવાદ કરવામાં આવ્યો છે, પરંતુ કોઈએ ‘પિટી’ને સ્થાને ‘અનોયન્સ’ (ચીડ) કે ‘જેલસી’ (ઈર્ષ્યા) અને ‘ફિઅર’ને સ્થાને ‘ટિમિડિટી’ (બીકણપણું) એવો અનુવાદ કર્યો છે. આવા અનુવાદને અવકાશ હોય તો કદાચ લૉંજાઇનસમાં દેખાતો આંતરવિરોધ ટાળી શકાય. ભારતીય કાવ્યશાસ્ત્ર ભાવોની વચ્ચે સ્થાયી અને સંચારી એવો ભેદ કરે છે અને સ્થાયી ભાવો જ રસત્વને પામે છે, સંચારી ભાવો તો સ્થાયી ભાવને પરિપુષ્ટ કરવા જ આવે છે એમ કહે છે. એટલે કે સ્થાયી ભાવો વિશેષ ક્ષમતાવાળા ભાવો છે, સંચારી ભાવોની ક્ષમતા ઓછી છે, ઊતરતી છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં શોક એ સ્થાવી ભાવ છે, પણ નિર્વેદ, ગ્લાનિ, વિષાદ એ સંચારી ભાવો છે. ભય એ સ્થાયી ભાવ છે, પણ ત્રાસ, દૈન્ય એ સંચારી ભાવો છે. શંકા, અસૂયા, ચિંતા વગેરે પણ સંચારી ભાવો છે. લૉંજાઇનસને ‘પિટી’ ‘ગ્રીફ’ ‘ફિઅર’ દ્વારા આવા કોઈ ગૌણ ભાવો અભિપ્રેત હશે? એમ હોય તોપણ એ ખરેખર કયા ભાવો છે અને ટ્રૅજેડીના મુખ્ય ભાવોથી એમની શી ભિન્નતા છે એવો પ્રશ્ન રહે જ છે. અથવા તો ટ્રૅજેડીમાં ભય અને કરુણાના ભાવો નહીં પણ એનાથી ઉપર ઊઠતા માનવની ધીરતા-વીરતા જેવા ભાવો જ એમને ઉદાત્તતાસાધક લાગ્યા હશે? આ વિશે કશું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. પણ લૉંજાઇનસ ઉદાત્તતાની ક્ષમતાવાળા અને એવી ક્ષમતા વગરના ભાવોનો ભેદ કરે છે એ નક્કી છે અને એ અગત્યની વાત છે. ખરેખર તો લૉંજાઇનસે ભાવાવેગ વિશે એક સ્વતંત્ર ગ્રંથ લખવા ધારેલો અને એમનો આ ઉદાત્તતા વિશેનો પ્રબંધ પણ ભાવાવેગ વિશે વીગતે વાત કરવાના પ્રસ્તાવ આગળ અટકી અધૂરો પ્રાપ્ત થયેલો છે. સંભવ છે કે ભાવાવેગ વિશેનું લૉંજાઇનસનું સંપૂર્ણ નિરૂપણ આપણને મળ્યું હોત તો એમનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ થયું હોત અને આપણને દેખાતો આંતરવિરોધ નિરવકાશ થયો હોત. પણ આયે એક તર્ક, એક અનુમાન ગણાય.

૩. અલંકારો

જે કલાપ્રયુક્તિઓ વિચાર અને ભાવાવેગનાં નૈસર્ગિક તત્ત્વોને ઉપકારક બની ઉદાત્તતાના સ્રોત તરીકે કામ કરે છે એમાં એક અલંકારો(ફિગર્સ)ની રચના છે. અલંકારો વિશેનું લૉંજાઇનસનું નિરૂપણ લાંબામાં લાંબું છે અને એથી એ કાવ્યના બાહ્ય અંગમાં સવિશેષ રસ લઈ રહ્યા છે એવી ફરિયાદને અવકાશ મળ્યો છે. ભારતીય કાવ્યશાસ્ત્રના જાણકારને આમાં ખાસ અજુગતું ન લાગે; કેમ કે એમાં અલંકારનો વિષય ઘણી વાર અત્યંત વિસ્તારથી નિરૂપાયો છે – મમ્મટના ‘કાવ્યપ્રકાશ’નું અલંકારવિષયક પ્રકરણ જ મોટામાં મોટું છે, પરંતુ લૉંજાઇનસે જે અલંકારો વર્ણવ્યા છે એ જોતાં સૌ કોઈને મૂંઝવણ થાય એવું છે. અલંકારપ્રકરણમાં એમણે સંયોજકનો લોપ, વ્યુત્ક્રમ, વચનાદિકનો વિપર્યય, પર્યાયોક્તિ, પ્રશ્નોક્તિ વગેરેનો વિચાર કર્યો છે અને રૂપક, ઉપમા વગેરે વધારે જાણીતા અને મહત્ત્વપૂર્ણ અલંકારોને પદાવલી(ડિક્શન)ના પેટામાં નાખી દીધા છે. આમાં મૂલ્યદૃષ્ટિની ઊલટપાલટ જ લાગે. ભારતીય કાવ્યશાસ્ત્ર સાદૃશ્યમૂલક અલંકારો ઉપરાંત અનેકાનેક અલંકારો વર્ણવે છે – એટલાબધા કે કાવ્યની એકેએક ઉક્તિમાં આપણે અલંકાર જોઈ શકીએ – એટલે લૉંજાઇનસના વ્યુત્ક્રમ, પર્યાયોક્તિ વગેરે અલંકારોથી એટલી નવાઈ ન લાગે, પરંતુ ભારતીય કાવ્યશાસ્ત્ર પણ સાદૃશ્યમૂલક અલંકારોને અગ્રસ્થાને મૂકે છે અને એનું વીગતે વર્ણન કરે છે. લૉંજાઇનસનું આ જાતનું અલંકારનિરૂપણ એવો ભાસ કરાવે છે કે એ જાણે વક્તૃત્વશાસ્ત્રનો છેડો પકડીને ચાલ્યા છે. અલંકારોના વિસ્તૃત નિરૂપણને અંતે લૉંજાઇનસ એમ કહે છે કે આ તો નમૂના રૂપે કેટલુંક દર્શાવ્યું છે. બાકી અલંકારો તો અનંત હોઈ શકે છે. ભારતીય કાવ્યશાસ્ત્ર પણ આમ જ કહે છે. અલંકાર, અંતે તો, એક પ્રકારનું ઉક્તિવૈશિષ્ટ્ય છે અને કાવ્યમાં જોવા મળતાં ઉક્તિવૈશિષ્ટ્યોનો કંઈ પાર નથી – દરેક કાવ્ય કંઈક નવું ઉક્તિવૈશિષ્ટ્ય લઈને આવે – તેથી અલંકારોનો પણ કોઈ છેડો નથી. લૉંજાઇનસે ભલે અલંકારોને વધારે જગ્યા આપી અને અમુક પ્રકારના અલંકારની વાત કરી, પણ એમની ચર્ચા જોયા પછી એમનું લક્ષ કાવ્યના બાહ્ય અંગ તરફ હોય એવું જણાતું નથી. લૉંજાઇનસે માત્ર અલંકારોનું સ્વરૂપવર્ણન કર્યું નથી, એની કાવ્યોપકારકતા ચર્ચી છે, અને એ જ વધારે ચર્ચી છે. એમણે અલંકારાકારને મહત્ત્વ આપ્યું નથી અને અલંકારની સાર્થકતા ઉદાત્તતા તેમજ ભાવાવેગને અભિવ્યક્ત કરવામાં જ જોઈ છે. અલંકારચાતુરીને, અલંકારોના ગમ્મતભર્યા વિનિયોગને તેઓ પસંદ કરતા નથી. અલંકારચાતુરી અવિશ્વાસ જન્માવનારી છે, એ ષડ્‌યંત્રનો, છલનાનો, ભ્રાન્તિનો સંકેત કરે છે અને શિષ્ટજનોની સભામાં એને સ્થાન નથી એમ પણ કહે છે. આનો પ્રતીકાર, અલબત્ત, ઉદાત્ત કલ્પના અને ભાવાવેગમાં છે. ઉદાત્ત કલ્પના અને ભાવાવેગ સાથે જોડાય ત્યારે અલંકાર એ ચાતુરી રહેતો નથી, એ અપરિહાર્ય અંગ બની જાય છે. અંતે લૉંજાઇનસને અલંકારની બહિરંગતા નહીં, અંતરંગતા, ઓતપ્રોતપણું જ ઇષ્ટ છે. તેઓ કહે છે કે અલંકારો ઉદાત્તતાના સહાયક છે ને સામે ઉદાત્તતામાંથી એ અદ્‌ભુત બળ મેળવે છે. અલંકાર ઉત્તમ ત્યારે જ કહેવાય કે જ્યારે એ અલંકાર છે એ હકીકત જ વીસરી જવાય;[2]અને આવું બને છે ઉદાત્તતાને કારણે જ. સૂર્યના ઝળહળતા તેજમાં બધી મંદપ્રાણ જ્યોતિઓ વિલીન થઈ જાય છે એમ વાક્‌શાસ્ત્રની સઘળી પ્રયુક્તિઓ ઉદાત્તતાની સર્વવ્યાપક શોભામાં નિમજ્જિત થઈ આપણી દૃષ્ટિથી ઓઝલ થાય છે. ચિત્રકળામાં પણ શું થાય છે? રંગો વડે આલેખાયેલાં તેજ અને છાયા એક જ સપાટી પર બાજુબાજુમાં પથરાયેલાં હોય છે; તેમ છતાં તેજ આપણી નજરે પ્રથમ ચડે છે, એ ઉપર ઊઠી આવે છે અને આપણને નિકટ ભાસે છે. એમ જ કવિતામાં ભાવાવેગ અને કલ્પનાની ઉદાત્તતા હોય છે તે આપણા ચિત્ત સાથેના એના સહજ નાતાને કારણે તેમજ એની પોતાની તેજસ્વિતાથી પણ આપણને સંનિકટ ભાસે છે, અલંકારોની પહેલાં આપણું ધ્યાન ખેંચે છે અને અલંકારો જાણે છાયામાં ધકેલાઈ જઈ ઢંકાઈ જાય છે. ઉદાત્તતાના સ્રોતો ગણાવતી વખતે લાઁજાઇનસે અલંકારના બે વર્ગો બતાવ્યા છે — વિચારમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ થૉટ) અને વાણીમૂલક અલંકારો (ફિગર્સ ઑવ્‌ એક્સ્પ્રેશન), પણ અલંકારોનો વિષય જ્યાં ચર્ચાયો છે ત્યાં અલંકારોને આવા બે વર્ગોમાં વહેંચીને વાત થઈ નથી. એટલે વિચાર અને વાણીના અલંકારો દ્વારા એમને શું અભિપ્રેત હશે એ જાણી શકાતું નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર એવો ભેદ છે તે તો અભિપ્રેત જણાતો નથી, કેમ કે કેવળ શબ્દનિષ્ઠ એવા કોઈ અલંકારનું વર્ણન લૉંજાઇનસમાં મળતું નથી. લૉંજાઇનસ ઉપમા-રૂપક-અત્યુક્તિ વગેરેને વિચારમૂલક અલંકારો અને સંયોજકનો લોપ, વ્યુત્ક્રમ, પ્રશ્ન વગેરેને વાણીમૂલક અલંકારો લેખતા હોય એવો સંભવ વિચારવાનું આપણને મન થાય, પણ રૂપક-ઉપમા-અત્યુક્તિને પદાવલીના પેટામાં મૂકવાનું શું કારણ એનો સંતોષકારક ખુલાસો થઈ શકતો નથી. લૉંજાઇનસની અલંકારચર્ચાની વિશેષતા એ છે કે એમાં દૃષ્ટાંતો ઊભરાય છે. એટલું જ નહીં, એકેએક દૃષ્ટાંતનું, એમાં અલંકારની શી કાર્યસાધકતા છે, એ ભાવ કે વિચારને કેવી રીતે પોષે છે કે પોષતો નથી એ દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અલબત્ત, વક્તૃત્વમાંથી વધારે દૃષ્ટાંતો લેવામાં આવ્યાં છે. પણ કાવ્યનાંયે દ્યોતક અલંકાર-પ્રયોગોની વાત થઈ જ છે. એટલે સમગ્ર ચર્ચાને કાવ્યના અભિવ્યક્તિકૌશલ તરીકે જોવામાં કશો બાધ આવતો નથી. બલકે, સૂક્ષ્મ ને સતેજ દૃષ્ટિથી થયેલી આ અલંકારચર્ચા સાહિત્યિક શૈલીવિજ્ઞાનની સીમાને સ્પર્શી રહે છે. અલંકારોના વિનિયોગ પરત્વે વક્તાઓ-કવિઓને અવારનવાર આપવામાં આવેલી શીખમાં વ્યક્ત થતું લૉંજાઇનસનું શાણપણ પણ આપણું ધ્યાન ખેંચે છે. હવે લૉંજાઇનસે વર્ણવેલા અલંકારો જોઈએ, જેથી એમણે અલંકારો સાથે કઈ રીતે કામ પાડ્યું છે તેની પ્રત્યક્ષ પ્રતીતિ આપણને થાય. (૧) શપથોક્તિ (ફિગર ઑવ્‌ એડ્‌જ્યુરેશન/કન્જ્યુરેશન) કે સંબોધનોક્તિ (અપૉસ્ટ્રફી) : સોગંદપૂર્વક કશુંક કહેવામાં આવે તે. આની એક અસરકારકતા હોય છે અને અભિવ્યક્તિને ઉદાત્ત બનાવવામાં એ ફાળો આપે છે. ડિમોસ્થનીઝ ગ્રીસના સ્વાતંત્ર્ય માટે લડનાર માણસોને જ્યારે એમ કહે છે કે ‘મૅરથનમાં વીરગતિને પામેલાઓના સોગંદ ખાઈને કહું છું કે તમે કશું ખોટું નથી કર્યું’ ત્યારે એમાંથી કેટલુંબધું વ્યંજિત થાય છે! શ્રોતાઓના પૂર્વજોને શપથ લેવાયોગ્ય ગણી એમનામાં જાણે દેવત્વ આરોપાય છે, શ્રોતાઓને એમના જેવા વીરત્વની પ્રેરણા અપાય છે અને એમની ફિલિપ સાથેની લડાઈને મૅરથનના વિજયો સાથે મૂકી એમનામાં ગૌરવ અને સંતોષસુખની લાગણીઓ જન્માવાય છે. પણ લૉંજાઇનસ યોગ્ય રીતે કહે છે કે શપથોક્તિ આપોઆપ કંઈ ઉદાત્તતાસાધક બની નથી જતી, એનાં સ્થાન, રીત, પ્રસંગ, હેતુ બધું જોવાનું હોય છે. અર્થહીન શપથોક્તિનું પણ લૉંજાઇનસ ઉદાહરણ આપે છે. (૨) પ્રશ્નોક્તિ (ક્વેશ્ચન્ઝ) અને પરિપૃચ્છા (ઇન્ટરોગેશન/ઇન્ક્‌વાઇરિઝ) : એટલે વાક્‌છટાગત પ્રશ્ન (રેટૉરિકલ ક્વેશ્ચન), કહેવાની વાતને વિધાનવાક્યને બદલે પ્રશ્નવાક્ય રૂપે મૂકવામાં આવે તે. ઘણી વાર પ્રશ્નમાલા રચવામાં આવે છે અને એની સાથેસાથે ઉત્તરો અપાતા જાય છે ત્યારે એક જાતની ઉત્તેજના ઊભી થાય છે અને કથયિતવ્યમાં આપણે વિશ્વાસ કરતા થઈ જઈએ છીએ. જેમ કે, ‘અથવા તમે કહો, તમે એકબીજાને’ ‘કંઈ ખબર છે’ એમ પૂછતા ફરવા માગો છો? એક મૅસિડૉનિઆવાસી ગ્રીસ પર વિજય પ્રાપ્ત કરી રહ્યો છે એનાથી વધારે ઉત્તેજનાપૂર્ણ સમાચાર કયા હોઈ શકે? ‘શું ફિલિપ મૃત્યુ પામ્યા છે?’ ‘ના, એ માંદા છે.’ આવા સવાલજવાબથી તમને શો ફરક પડે છે? એમને કંઈ થશે તો તમે તરત બીજો ફિલિપ ઊભો કરી દેવાના છો. આમાં પ્રશ્નવાક્યોને વિધાનવાક્યો રૂપે ફેરવી નાખો એટલે વાત સાવ સામાન્ય બની જશે. લૉંજાઇનસ, અલબત્ત, અહીં પણ નોંધે છે કે આ પ્રકારના પ્રશ્નોત્તર પ્રસંગોચિત અને ભાવાવેગના સહજ પરિણામરૂપ હોવા જોઈએ. (૩) સંયોજકોનો લોપ (ઓમિશન ઑવ્‌ કન્જંક્શન્ઝ / એસિન્ડિટન) : શબ્દો ને વાક્યોને જોડનારા ઘટકો છોડી દેવામાં આવે તે. સંયોજકોનો લોપ થવાથી શબ્દો ઊભરાઈને આવતા, જાણે વક્તાથીયે આગળ ધસી જતા અનુભવાય છે અને ભાવાવેગની પ્રબળ તીવ્રતા વ્યક્ત થાય છે. દોડવીરોનાં અંગોને જકડી લેવામાં આવે તો જેમ એમની ગતિ રૂંધાય છે તેમ સંયોજકોથી જકડાયેલો ભાવાવેગ મુક્તતાથી અને ત્વરિતતાથી વ્યક્ત થઈ શકતો નથી. (૪) પુનરાવૃત્તિ કે શબ્દાવૃત્તિ (અનૅફરા/પૉલિસિન્ડિટન) : સંયોજકના લોપને કારણે એક પ્રકારની શબ્દાવલી ઉપરાઉપરી આવવી તે. આ પ્રકારની અલંકારરચનાથી અભિવ્યક્તિને અનેરું સૌંદર્ય, બળ અને પ્રભાવકતા પ્રાપ્ત થાય છે. પ્રહાર ઉપર પ્રહાર એકાએક જાણે આવી પડતા હોય એવું લાગે છે, અને વ્યવસ્થામાં અવ્યવસ્થા તથા અવ્યવસ્થામાં વ્યવસ્થા જેવો અનુભવ થાય છે. જેમ કે, ‘ચેષ્ટાથી, નજરથી, અવાજથી, જ્યારે એ અપમાનિત કરે છે, જ્યારે એ શત્રુ તરીકે વર્તે છે, જ્યારે એ એને તમાચો મારે છે, જ્યારે એ એના કાન પર તમાચો મારે છે....’ (૫) વ્યુત્ક્રમ (હાઇપરબેટન/ઇન્વર્ઝન) : હકીકતોના ક્રમનો ભંગ થવો, એ આગળપાછળ ને વેરવિખેર રજૂ થવી તે. આ ભાવાવેગની નિશાની છે. ક્રોધ, ભય, ઘૃણા વગેરે લાગણીઓને વશ માણસો વિષયમાં આમતેમ ઘૂમે, અપ્રસ્તુત વાત ઘુસાડી દે એવું બનતું હોય છે. ઉપરાંત, વ્યુત્ક્રમ નૈસર્ગિકતાની નજીક પણ આવે છે, કેમ કે એ પહેલેથી વિચારેલી ન હોય એવી અભિવ્યક્તિનો ભાસ કરાવે છે. વક્તા જ્યારે પોતે જે કહેવા ધારે છે એ વિચારને લટકતો રહેવા દઈ દેખીતી રીતે અસંબદ્ધ લાગતી અને ઉપરાઉપરી આવી પડતી આડવાતોમાં ફંટાય છે ત્યારે શ્રોતાને બધું છિન્નભિન્ન થઈ રહ્યું હોય એવી ચિંતામાં મૂકી દે છે અને એને વક્તાના સંકટમાં સહાનુભૂતિપૂર્વક સહભાગી થવા ફરજ પાડે છે. છેવટે, લાંબા મધ્યાંતર પછી અનપેક્ષિત રીતે, મોકો જોઈને વક્તા પોતાનો મુખ્ય વિચાર રજૂ કરે છે અને આવા ધૃષ્ટ અને વિષમ વ્યુત્ક્રમથી અદ્‌ભુત સચોટતા નિપજાવે છે. (૬) વિપર્યય (વૅરિએશન) : કોઈ એક વિભક્તિ, વચન, લિંગ, પુરુષ, કાળ વગેરેને સ્થાને બીજાનો વિનિયોગ કરવો તે. આમ કરવાથી અભિવ્યક્તિમાં વૈવિધ્ય અને જીવંતતા આવે છે. એકવચનને સ્થાને બહુવચન વાપરવાથી સમુદાયનો અર્થ ઊભો થાય છે. એમાંયે જ્યારે વિશેષનામોને બહુવચનમાં મૂકી એવાં એક કરતાં વધારે વિશેષનામોની શ્રેણી રચવામાં આવે ત્યારે વક્તવ્ય સવિશેષ સચોટતા ધારણ કરે છે. અલબત્ત, જ્યાં વિષયમાં વિસ્તરણ, વૈપુલ્ય, અત્યુક્તિ કે ભાવાવેગને અવકાશ હોય ત્યાં જ આમ કરવું જોઈએ. સામે પક્ષે, બહુવચનને સ્થાને એકવચન વાપરવામાં આવે ત્યારે એકાત્મકતાનો ભાવ અનુભવાય છે. લૉંજાઇનસનો અભિપ્રાય છે કે બહુવચનને સ્થાને એકવચન કરતાં એકવચનને સ્થાને બહુવચનનો પ્રયોગ સામાન્ય રીતે વધારે અર્થપૂર્ણ બની રહે છે. ભૂતકાળને સ્થાને વર્તમાનકાળનો પ્રયોગ ઘટના પ્રત્યક્ષ ઘટી રહ્યાનો ભાવ જન્માવે છે, તો પુરુષની ફેરબદલી પણ તાદૃશતાની છાપ ઊભી કરે છે. ‘તું’નો પ્રયોગ કરીને શ્રોતાને વક્તવ્યમાં દાખલ કરવામાં આવે ત્યારે જાણે પોતે ઘટનાસ્થળે ઉપસ્થિત હોય એવું એ અનુભવે છે અને વર્ણવાયેલી પરિસ્થિતિનો સહભાગી બને છે. શ્રોતાને અત્યંત સાવધાન અને સચેત રાખવામાં પણ આ પ્રયુક્તિ કામ આવે છે. કોઈની વાત કરતાં વક્તા એકાએક સળંગસૂત્રતાનો ભંગ કરીને એ ત્રીજી વ્યક્તિને સ્થાને પોતાને મૂકી દે – ‘તે’ને સ્થાને ‘હું’થી વાત થવા માંડે એ પણ પુરુષવિપર્યયનો દાખલો છે. એમાં ઉક્તિ બે પુરુષપ્રયોગમાં વહેંચાઈ જાય છે. ભાવાવેગના વિસ્ફોટની સ્થિતિમાં, ભાવનો ઝડપી પલટો દર્શાવવો હોય ત્યારે અને પરિસ્થિતિ એવી કટોકટીભરી હોય કે વક્તા ધીરજ ન રાખી શકે ત્યારે આ અલંકારનો પ્રયોગ થાય છે. (૭) પર્યાયોક્તિ (પરિફ્રસિસ) : એટલે કથયિત્વ સીધા શબ્દોમાં ન કહેતાં પ્રકારાન્તરે કહેવું, જેમ કે, પ્લેટો ‘મૃત્યુ’ને સ્થાને ‘વિધિનિર્મિત યાત્રા’ એ શબ્દો વાપરે છે. લૉંજાઇનસને મતે પર્યાયોક્તિ એ સંગીતમાં સ્વરમાધુર્યને વાદ્યધ્વનિની સંગત મળે છે તેની સમાન છે. એનાથી વક્તવ્યમાં એક નવો રણકાર દાખલ થાય છે. પણ એ ચેતવે છે કે પર્યાયોક્તિ જો વિવેકથી પ્રયોજવામાં ન આવે તો એ જોખમી બની જાય છે. એ નિરર્થક ફુગાવામાં પરિણમી જલદીથી નીરસતામાં સરી પડે એવો સંભવ રહે અલંકારપ્રયોગોનાં લૉંજાઇનસે આપેલાં ઢગલાબંધ દૃષ્ટાંતોમાંથી અહીં તો ગણતર દૃષ્ટાંતો જ લીધાં છે, કેમ કે ગ્રીક કૃતિનો સંદર્ભ અને ગ્રીક ભાષા બન્ને બાધક બને છે, પણ આ ટૂંકું નિરૂપણ પણ લૉંજાઇનસે અલંકારો સાથે કેવી રીતે કામ પાડ્યું છે એની ઝાંખી અવશ્ય કરાવશે.

૪. પદાવલી

શિષ્ટ કે અભિજાત પદાવલી (નોબલ ડિક્શન) એ ઉદાત્તતાનો ચોથો સ્રોત છે. ને એ કલાકૌશલને અધીન છે. પણ એક મહત્ત્વની વાત લૉંજાઇનસ એ કહે છે કે વિચાર અને પદાવલી એકબીજાને આશ્રયે વિકાસ પામે છે. એટલે કે બન્ને એકબીજાને પોષક છે, એકબીજાના અંગરૂપ બને છે. વિચાર પદાવલીમાં જ વ્યક્ત થાય છે અને પદાવલી વિચારનું વહન કરે છે. પદાવલી, આ રીતે બહિરંગ તત્ત્વ રહેતી નથી. પદાવલીમાં લૉંજાઇનસ ત્રણ બાબતોનો સમાવેશ કરે છે : ૧ શબ્દપસંદગી, ૨. રૂપકોનો વિનિયોગ અને ૩. ભાષાનું વિસ્તરણ કે નવઘડતર. સમુચિત અને ચિત્તાકર્ષક શબ્દોની પસંદગીનો લૉંજાઇનસ ખૂબ મહિમા કરે છે – સર્વ વક્તાઓ એને જ ઝંખે છે, શ્રોતાઓ એનો અદ્‌ભુત ચમત્કાર અનુભવે છે અને અભિવ્યક્તિમાં ભવ્યતા, સૌંદર્ય, પરિપક્વતા, ગૌરવ, વેગ, બળ જેવા ઉચ્ચ ગુણોનો અનુભવ કરાવનાર તથા મૃતપ્રાયઃ પદાર્થોમાં પ્રાણ ફૂંકનાર એ જ મુખ્ય તત્ત્વ છે. ખરે જ. સુંદર શબ્દપસંદગી અસામાન્ય પ્રકારનો વિચારપ્રકાશ છે.[3] સામે પક્ષે. વિષયના ગૌરવને ન છાજતા શબ્દોથી અભિવ્યક્તિમાં તુચ્છતા આવે છે અને તેથી ઉદાત્તતાને હાનિ થાય છે એમ લૉંજાઇનસ દર્શાવે છે. થિઓપૉમ્પસે કરેલા એક ગૌરવભર્યા વર્ણનમાં દાખલ થઈ ગયેલા સામાન્ય, તુચ્છ શબ્દોને કારણે એ રસોઈઘર કે કરિયાણાની દુકાનનો ભાસ કરાવે છે એવું લૉંજાઇનસ કહે છે! આમ છતાં, છેવટે ઔચિત્ય અને વિવેક જ પદાવલીના વિષયમાં નિયામક છે. લૉંજાઇનસ સ્વીકારે છે કે બધે સ્થાને કંઈ પ્રૌઢ ને પ્રશિષ્ટ ભાષા ન ચાલે. સામાન્ય કે તુચ્છ વસ્તુને મસમોટા ને આડંબરી શબ્દોથી સજાવો એ તો નાના બાળકને માથે મોટું ટ્રૅજિક મહોરું પહેરાવવા જેવું થાય. ઘરેલુ અભિવ્યક્તિને પણ સાહિત્યમાં સ્થાન છે. કેટલીક વાર તો એ પ્રૌઢ અભિવ્યક્તિ કરતાંયે વધારે કારગત નીવડતી હોય છે. રોજિંદા જીવનમાંથી આવતી હોઈ એ તરત સમજાય છે અને પરિચિત હોવાને લીધે એ સર્વાધિક પ્રતીતિકર બને છે. લૉંજાઇનસ ગ્રામ્યતાની સીમાને સ્પર્શતા ઉદ્‌ગારોને પણ નિષિદ્ધ ગણતા નથી – એ કહે છે કે એની અભિવ્યક્તિક્ષમતા એને ગ્રામ્યતામાંથી ઉગારી લે છે. રૂપકાલંકાર(મેટફર)ની વાત લૉંજાઇનસ પદાવલીના વિભાગમાં કરે છે એ આપણને વિચિત્ર લાગે એવું છે. રૂપકાલંકારમાં આરોપણવ્યાપાર હોય છે. બે પદાર્થોને – બે પદ અને એના બે અર્થોને જોડવાનો વ્યાપાર હોય છે તેથી એને પદાવલીનો વિષય ગણવામાં આવ્યો હશે? વળી, એ નોંધપાત્ર છે કે અહીં રૂપકાલંકારની શી પ્રક્રિયા છે અને એનાથી શી અસર સિદ્ધ થાય છે એ બતાવાયું નથી; રૂપકો એકસાથે કેટલાં પ્રયોજી શકાય ને એનો પ્રભાવ કઈ જાતનો હોય છે એની જ ચર્ચા છે. આ કારણે આ ચર્ચાને પદાવલીના વિભાગમાં મૂકી હશે? લૉંજાઇનસનું દૃષ્ટિબિંદુ, અંતે, આપણે માટે સમજવું મુશ્કેલ જ રહે છે. લૉંજાઇનસ સ્વીકારે છે કે એકસાથે એકથી વધારે રૂપકો યોજવામાં ધૃષ્ટતા અને દુઃસાહસ રહેલાં છે, પણ એમનો અભિપ્રાય છે કે ભાવનો અનિયંત્રિત ધોધ વહેતો હોય ત્યારે રૂપકો એમાં તણાઈને આવે છે એટલે રૂપકાવલી ત્યાં પ્રસંગોચિત ઠરે છે, અનિવાર્ય બની રહે છે. પ્રબળ ભાવાવેગ રૂપકાવલીના વિનિયોગમાં રહેલાં ધૃષ્ટતા અને દુઃસાહસનો ઉપશામક બને છે. એટલે કે ધૃષ્ટતા અને દુઃસાહસ આપણને ખૂંચતાં નથી ને રૂપકોની બહુલતા સામે ફરિયાદ કરવાનો મોકો આપણને મળતો નથી. આથી આગળ વધીને લૉંજાઇનસ એમ પણ કહે છે કે સામાન્ય પ્રસંગોના નિરૂપણને અને વર્ણનોને વિશિષ્ટતા અર્પનાર ઉપરાઉપરી આવતાં રૂપકો જ છે. આના ઉદાહરણ તરીકે લૉંજાઇનસ પ્લેટો અને ઝેનફને કરેલાં દેહમંદિરનાં વર્ણનોને ટાંકે છે. એ વર્ણનોમાં સાંગ રૂપકરચના – મુખ્ય રૂપક ને એના પર અવલંબિત રૂપકોની રચના – છે. સાહસભરી રૂપકરચનાને ‘જાણે કે’ ‘કહો કે’ ‘આપણે એમ કહી શકીએ છીએ’ જેવી ઉક્તિઓ મૃદુતા અર્પે છે એવું પણ લૉંજાઇનસ નોંધે છે. આ વિભાગમાં જ ઉપમા (સિમિલી) વિશે વિચારણા હાથ ધરાઈ છે, પણ ગ્રંથનો એ ભાગ ખંડિત હોવાથી આપણને એ પ્રાપ્ત થતી નથી. અત્યુક્તિ (હાયપરબૉલી)ને પદાવલીના વિભાગમાં સમાવવામાં આવી છે એ પણ આપણે માટે વિસ્મયજનક છે. પણ આ વિભાગને આરંભે લૉંજાઇનસે પદાવલીમાં સમાવેશ પામતી જે ત્રણ બાબતો ગણાવેલી તેમાંથી ભાષાના વિસ્તરણ – નવઘડતર (ઍમ્પ્લિફિકેશન ઑવ્‌ લેંગ્વેજ)ને સ્થાને આપણને આ અત્યુક્તિની ચર્ચા મળે છે. તેથી અત્યુક્તિને તેઓ ભાષાના વિસ્તરણ – નવઘડતર તરીકે જોતા હોય એવો સંભવ દેખાય છે. વસ્તુને અત્યુક્ત કરવાથી નવો ભાષાપ્રયોગ ઊભો નથી થતો? લૉંજાઇનસે આપેલા દાખલા જુઓ – ‘મગજને એડીઓ નીચે કચડાયેલાં રાખીને ચાલવું’ ‘દુશ્મનોના લોહી ભરેલા નદીના પાણી માટે લડતા રહેવું’ ‘મુખ વડે લડવું’ ‘બાણો વડે દટાઈ જવું’ વગેરે. આ બધી ઉક્તિઓમાં ભાષાનો નવપ્રયોગ – આજની પરિભાષામાં કહીએ તો ભાષાનો વ્યવસ્થાભંગ આપણે જોઈ શકીએ છીએ. અત્યુક્તિ – ભાષાવિસ્તરણ હંમેશાં ઉચિત કે ઉપયોગી હોય છે એવું નથી. લૉંજાઇનસ આઇસૉક્રટીઝનો દાખલો આપે છે કે એ વસ્તુને ફુલાવીને રજૂ કરવાના શોખીન છે અને તેથી બાલિશતામાં સરી પડે છે. અત્યુક્તિની વિચારણા હસ્તપ્રતની ખંડિતતાને કારણે અધવચ્ચેથી શરૂ થયેલી છે, તેથી બધા તંતુ આપણે જોડી શકતા નથી, પરંતુ એમાં અત્યુક્તિના વિનિયોગ પરત્વે લૉંજાઇનસે કરેલાં કેટલાંક નિરીક્ષણો નોંધપાત્ર છે. એ કહે છે કે અત્યુક્તિ પ્રસંગમાંથી ઉદ્‌ભવવી જોઈએ, અત્યુક્તિ માટે પ્રસંગ ઉપજાવી કાઢવો ન જોઈએ. આનંદાવેશમાં ખેંચી જનારા બનાવો અને ભાવો નિરૂપવાના હોય ત્યારે એ અત્યુક્તિમાં રહેલા ભાષાસાહસનું સમર્થન કરે છે અને એના દોષનિવારક તરીકે કામ કરે છે. અત્યુક્તિના વિનિયોગમાં વિવેક પણ જાળવવો જોઈએ. એનો વધારે પડતો વિનિયોગ થાય તો એની ધાર્યા કરતાં ઊલટી જ અસર થાય છે. વળી, ઉત્તમ અલંકાર વિશે કહ્યું હતું તેમ, તે જ અત્યુક્તિ શ્રેષ્ઠ ગણાય જે અત્યુક્તિ છે એમ આપણને લાગે નહીં. કૉમેડીના ઉપહાસમાં અત્યુક્તિ રહેલી હોય છે. એ ઉપહાસ અસંગતિ કે અર્થહીનતાની હદે પહોંચતો હોય ને અપ્રતીતિજનક હોય તોપણ આપણે એને સ્વીકારીએ છીએ. કેમ કે એનો હેતુ મનોરંજનનો હોય છે. આપણે એને હસી કાઢીએ એવો જ હેતુ હોય છે. વસ્તુની તુચ્છતા, નગણ્યતાને વધારીને કહેવી એ ઉપહાસની એક રીતિ છે. જેમ કે, ‘એનું ખેતર સ્પાર્ટાના પત્ર કરતાંયે નાનું હતું.’ પણ આ જ દૃષ્ટાંતને બીજી રીતે પણ જોઈ શકાય કે એમાં ખેતરને એ છે એ કરતાં નાનું બતાવવામાં આવ્યું છે. આથી જ, લૉંજાઇનસ એક આપણને નવી લાગે એવી વાત કરે છે કે વસ્તુને વધારીને કહેવાથી તેમ ઓછી કરીને કહેવાથી, મોટાઈ આરોપવાથી તેમ લઘુતા આરોપવાથી પણ અત્યુક્તિ અલંકાર બને છે.

૫. સંઘટના

સંરચના કે સંઘટના (કમ્પોઝિશન/સ્ટ્રકચર) ઉદાત્તતાનો પાંચમો સ્રોત છે, જે કલાજન્ય છે. સંઘટનાને લૉંજાઇનસ શબ્દોની સમુચિત અને સંવાદી કે સામંજસ્યભરી ગોઠવણી તરીકે ઓળખાવે છે (શબ્દોની સમુચિત પસંદગી એ તો પદાવલીનો વિષય) અને સંવાદ કે સામંજસ્યને બૌદ્ધિક પ્રતીતિ તથા આનંદનું જ નહીં પણ ઉદાત્ત અભિવ્યક્તિ ને ભાવાવેગનું એક અદ્‌ભુત ઉપકરણ ગણાવે છે. શબ્દોની ગોઠવણી બદલાઈ જવાથી એના પ્રભાવમાં કેવો ફરક પડી જાય છે એના એ દાખલા આપે છે અને એમ કહેવા સુધી જાય છે કે કેટલાક લેખકો, જેમની પાસે ઉદાત્તતા માટેની નૈસર્ગિક શક્તિ નથી અને જે સામાન્ય ને લોકપ્રચલિત શબ્દોનો જ આશ્રય લે છે તેઓ શબ્દોના યોગ્ય વ્યવસ્થાપનમાત્રથી તુચ્છતામાંથી ઊગરી જાય છે અને ગરિમા તથા વૈશિષ્ટ્ય સિદ્ધ કરે છે. યુરિપિડીઝ કવિ છે તે એમની મૌલિક બુદ્ધિને કારણે નહીં, પણ સંઘટનાની શક્તિને કારણે એવું પણ એ નોંધે છે. સંઘટનાનો પ્રભાવ સમજાવવા માટે લૉંજાઇનસ વાંસળી(કે વીણા)ના સંગીતનું ઉદાહરણ આપે છે. એ સંગીતમાં લયબદ્ધ ગતિ હોય છે જે શ્રોતાઓને પોતાની સાથે ખેંચી જાય છે અને પોતામાં લીન કરી દે છે; એમાં વિવિધ સૂરોનું સંયોજન અને સંમિશ્રણ હોય છે જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. પણ લૉંજાઇનસ ઉમેરે છે કે આ તો દાખલો જ છે, સંગીત માણસની મૂળભૂત પ્રવૃત્તિ નથી, એક ઉદ્‌ભાવિત ને નકલરૂપ પ્રવૃત્તિ છે. સંગીતના સૂરોને અર્થ હોતો નથી તેથી એ માત્ર કાનને સ્પર્શે છે; ત્યારે ભાષાની રચના માનવીને માટે એક નિસર્ગદત્ત ચીજ છે ને એના આત્માને સ્પર્શે છે. ભાષારચના માત્ર શબ્દોમાં નહીં, પણ વિચારો, ક્રિયાઓ, સૌંદર્ય, સ્વરમાધુર્ય એ સર્વનાં વિવિધ રૂપોને લઈને આવે છે, જે આપણામાં જન્મજાત છે ને જેની આપણા વિકાસ સાથે સંવૃદ્ધિ થતી રહેતી હોય છે. આ બધાંનું વૈવિધ્યપૂર્ણ સંયોજન આપણને વક્તાના મનોભાવમાં મૂકી આપે છે; તો શબ્દસમૂહો સાથે શબ્દસમૂહો ગોઠવતા જવાથી જે સંવાદી સંઘટના ઊભી થાય છે તે આપણને પ્રભાવિત કરે એવી અભિવ્યક્તિની ઉદાત્તતા સિદ્ધ કરે છે. જોઈ શકાય છે કે લૉંજાઇનસનો સંઘટનાનો ખ્યાલ એમણે આપેલી મૂળ વ્યાખ્યા મુજબ શબ્દોની ગોઠવણી પૂરતો મર્યાદિત રહેતો નથી; શબ્દની ગોઠવણી દ્વારા એ વિચારો, ભાવાવેગો વગેરે સર્વ ઘટકોના સંયોજન સુધી વિસ્તરે છે. સૅફોની કાવ્યકૃતિની ઉદાત્તતા એ શામાં જુએ છે? સર્વાધિક મહત્ત્વના ઘટકોની પસંદગી અને એના વ્યવસ્થાપનમાં, એમના પરસ્પર સંમિશ્રણ દ્વારા એકાત્મકતા સિદ્ધ કરી આપવામાં, વિરોધોને એક સાથે જોડી આપવામાં, કોઈ એક ભાવાવેગને સ્થાને ભાવાવેગોનું સંમિલન રચવામાં, ભાવાવેગો માટેની ચમત્કારક અને ઉત્કટ પરિસ્થિતિઓ શોધીને એ સઘળીને સુઘટિત કરવામાં, ટૂંકમાં, કાવ્યનાં સર્વ અંગોની સંઘટનામાં. લૉંજાઇનસની સંઘટનાની વિભાવનામાં એકાત્મકતા અને પરસ્પરોપકારકતાના ખ્યાલો સમાયેલા છે. એ રીતે એ સાવયવ એકતાનો સિદ્ધાંત ગણાય. લૉંજાઇનસ માનવશરીરની રચના સાથે કાવ્યની સંઘટનાને સરખાવે છે ત્યાં એ સ્ફુટ થઈ આવે છે. શરીરનું સૌષ્ઠવ એનાં અંગો જે રીતે જોડાયેલાં હોય છે તેના પર અવલંબિત હોય છે – દરેક અંગ એકબીજાથી અલગ રહે તો એથી કશું નીપજતું નથી. પણ બધાં અંગો ભેગાં મળીને એક પરિપૂર્ણ શરીરરચના નિપજાવે છે. એ જ રીતે, જેના વડે ઉદાત્તતા આવે છે એ ઘટકો એકબીજાથી અળગા રહે, એમની વચ્ચે અનુબંધ ન સધાય તો ઉદાત્તતા નષ્ટ થાય છે પણ જો બધા હળીમળીને એક પિંડ રચે અને સંવાદિતાપૂર્વક એક સાંકળ રૂપે નિબદ્ધ થાય તો એથી સૂરીલાપણું આવે છે અને ક્રમાવર્તી બહુલતાને કારણે ઉદાત્તતા સિદ્ધ થતી પ્રતીત થાય છે. સંઘટના સાથે એક બીજો ખ્યાલ જોડાયેલો છે. તે છે સઘનતાનો. લૉંજાઇનસ કહે છે કે અતિસંક્ષિપ્તતા એટલે કે નિયંત્રિતતા (કન્સિઝન) ઉદાત્તતાને હાનિ પહોંચાડે છે, કેમ કે એથી વિચારને સાંકડા પટમાં સંકોચાવાનું થાય છે અને અર્થ ખંડિત થાય છે. એ જ રીતે, અતિવિસ્તાર (પ્રોલિક્સિટી) પણ નિષ્પ્રાણતા લાવે છે, પરંતુ સઘનતા (બ્રેવિટી) – ટૂંકાવીને કે ફેલાવીને નહીં પણ ઘૂંટીને વિચાર કે અર્થ રજૂ થાય તે – લક્ષ્ય બરાબર સિદ્ધ કરે છે. છંદોલયને પણ લૉંજાઇનસ સંઘટનાનો એક ભાગ ગણે છે. શબ્દોની સંવાદી વ્યવસ્થા દ્વારા ઘણી વાર તો એમને લય જ અભિપ્રેત હોવાનું દેખાય છે, પરંતુ વાણીની અતિલયાત્મકતા લૉંજાઇનસ ઇષ્ટ ગણતા નથી. ખાસ કરીને જેમાં ખંડિત થતી ને વિક્ષોભયુક્ત ગતિ હોય છે એવા છંદોલયને એ નૃત્યસંગીતની કક્ષાએ પહોંચી જતા માને છે. અતિલયાત્મક વાગભિવ્યક્તિ બનાવટી અને ટાપટીપિયા હોય છે. એમાં ઉપરછલ્લા ચળકાટવાળી એકવિધતા હોઈ એ પોતે જ ધ્યાન ખેંચે છે એટલે કે શ્રોતાઓ કેટલીક વાર વક્તાની સાથે તાલ મિલાવતા થઈ જાય છે. શબ્દ, જે અર્થયુક્ત છે, એને આમ વીસરી જવામાં લૉંજાઇનસની દૃષ્ટિએ વાગભિવ્યક્તિની સાર્થકતા નથી. લૉંજાઇનસના સંઘટનાના ખ્યાલમાં ઘણુંઘણું સમાતું દેખાય છે –દોષવિહીનતા, સમરૂપતા વગેરે. સાફો અને હોમર જેવા લેખકોને અનુલક્ષીને એ કહે કે એમણે ઉત્તમ અંશો પસંદ કર્યા છે, એને સફાઈદાર બનાવ્યા છે અને સંયોજિત કર્યા છે. એમાં કશું છીછરાપણું, અગૌરવ કે મામૂલીપણું પ્રવેશવા દીધું નથી. એવું સહેજ પણ દાખલ થાય તો એ પરસ્પર સમાયોજનથી સુબદ્ધ થયેલી દીવાલોવાળા વૈભવી મહાલયમાં રહી જતાં છિદ્રો ને ફાટોની જેમ સમગ્રની અસરને નષ્ટ કરી નાખે છે. લૉંજાઇનસની સંઘટનાની આ વિભાવનાને નવ્ય વિવેચનની સંરચના સાથે ઘણી વાર મૂકવામાં આવે છે, પણ કહેવું જોઈએ કે, એ માટે કોઈ સધ્ધર ભૂમિકા પ્રાપ્ત થતી નથી. લૉંજાઇનસે પોતાની સંઘટનાની વિભાવના એવી સ્પષ્ટતાથી અને વ્યવસ્થિત રીતે મૂકી નથી. અહીં એમની સંઘટનાની વિભાવનાને જે રીતે સ્ફુટ કરવામાં આવી છે એ વેરવિખેર નિર્દેશોને સંકલિત કરવાથી જ થઈ શક્યું છે.

પાદટીપ

  1. ...passion is ultimately allied with sublimity as sketches of character with entertainment.
  2. ... a figure is at its best when the very fact that it is a figure escapes attention.
  3. ...beautiful words are in very truth the peculiar light of thought.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted