પન્ના નાયકનો વાર્તાવૈભવ/બુક-કેસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૨. બુક-કેસ

‘ના, ના, મને સારું છે. સાચે જ સારું છે. તમે કોણ?’ ‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’ ઉમેશભાઈને એ નામ સાથે કોઈ લેવાદેવા હોય એવું ન લાગ્યું. વેગમાં જતી ટ્રેનમાં સ્થિર ઊભા રહેવા કોઈ દાંડો પકડવા જાય એમ ઉમેશભાઈ એ નામને વળગવા મથી રહ્યા. અમેરિકામાં વસતા ભારતીયોનાં પપ્પા-મમ્મી દર ઉનાળામાં ચાર મહિના દીકરા-દીકરી સાથે રહેવા ને પૌત્ર-પૌત્રીને રમાડવા આવે એમ જ ઉમેશભાઈ એમની પત્નીના અવસાન પછી ફરી એક વાર મહેશ સાથે રહેવા આવ્યા. એક શનિવારે ઉમેશભાઈ નવ વાગ્યા સુધી નીચે ચા પીવા ન આવ્યા. મહેશે એના દીકરા સૌરભને દાદાજીને બોલાવવા મોકલ્યો. સૌરભ દાદાજીને ન લાવ્યો એટલે મહેશ પોતે જ ઉપર ગયો. ઉમેશભાઈ ભરઉનાળામાં કફની પર બંડી પહેરી શાલ ઓઢી પથારીમાં બેઠા હતા. ‘પપ્પા, ચા થઈ ગઈ છે.’ ‘શું?’ ‘ચા, પપ્પા.’ ‘ચા?’ ‘તમને સારું નથી લાગતું?’ ‘ના, ના, સારું છે. તમે કોણ?’ ‘મહેશ. પપ્પા, હું મહેશ છું.’ મહેશ ઓરડાની બહાર આવી દાદરનાં બબ્બે પગથિયાં કૂદી નીચે આવ્યો. નીચે સરલા અને સૌરભ ચા માટે સજાવેલા ટેબલ પર વાતો કરતાં હતાં. સરલાએ એને જોયો. ‘પપ્પા બરાબર છે ને?’ ‘ના.’ ‘ગયા વખત જેવું?’ ‘ના, ના, એવું નથી.’ ગયા ઉનાળામાં ઉમેશભાઈ આવ્યા ત્યારે એમની પત્ની કમલાબહેનનું અવસાન થયું હતું. દિવસે એમનો સમય વાચનમાં ગાળતા. બપોરે સૌરભ સાથે વાતો કરતા. ઇલેક્ટ્રિક ટ્રેન અને કમ્પ્યૂટર ગેમ વિશે કુતૂહલ બતાવતા. સાંજે મહેશ અને સરલા ઘેર આવે ત્યારે પુસ્તકો વિશે ચર્ચા કરતા. પુત્ર મહેશ ન્યૂજર્સીમાં ચેરી હિલમાં રહેતો હતો. પુત્રી માયા લૉસ ઍન્જલસમાં. ઉમેશભાઈ થોડા દિવસ માયાને ત્યાં જવાના હતા. નક્કી કરવા. એક દિવસ માયાનો ફોન આવ્યો. મહેશ આજની જેમ જ બેડરૂમમાં બોલાવવા ગયેલો. બેડરૂમમાં પપ્પા પથારીમાં બેભાન અવસ્થામાં જોર જોરથી શ્વાસ લેતા હતા. એણે માયાને બેચાર વાક્યોમાં સમાચાર આપી ફોન મૂકી દીધો. ડૉક્ટરને બોલાવ્યા. ઘરનાં બધાં પપ્પાની પથારીની આસપાસ ભેગાં થયાં. બે દિવસ પર જ એમને ઍટલાન્ટિક સિટીનો કસીનો જોવા જવું હતું. પોતે કહી દીધેલું કે નહીં ફાવે. પપ્પા બર્ટ્રાન્ડ રસેલની વાત કરે તો સાંભળી ન સાંભળી કરે. એમની વાત કાપી નાંખી એ ને સરલા વાત કરે ત્યારે પપ્પા મૂગા મૂગા જમ્યા કરે. સૌરભ સાથે ઇલેક્ટ્રિક ટ્રેનની વાત કરતા હોય ત્યારે નાહકના ટોકેલા એ યાદ આવ્યું. એને માટે ખાસ મુંબઈથી લીલી ચા લાવેલા. પપ્પા આમ ચાલી નીકળવાના છે એવી ખબર હોત તો જરૂર એમને ઍટલાન્ટિક સિટી લઈ ગયો હોત. ડૉક્ટર આવે ત્યાં સુધી શું કરવું? પપ્પાને એમના એમ પથારી પર રહેવા દેવા? મહેશે પપ્પાના મોઢામાંથી ચોકઠું કાઢી લીધું. ચોખ્ખી હવા માટે બારી થોડી ખોલી. ઓશીકું ઠીક કર્યું. પગ ઢાંક્યા. એણે પપ્પાના ખાટલા પાસે ખુરશી ખેંચી. બેઠો. થોડી વાર પછી ઉમેશભાઈનો શ્વાસ થોડો હળવો થયો. ભાન આવતું લાગ્યું. આંખો થોડી ખૂલી. બોખા મોંમાંથી અસ્પષ્ટ પણ શબ્દો બહાર આવવા લાગ્યા. ડૉક્ટર આવ્યા. ઉમેશભાઈને તપાસ્યા. સ્પેસમની દવા આપી. ઉમેશભાઈ ડૉક્ટરની હાજરીમાં જ બેઠા થયા. ચા માગી. કલાકેક પછી એમનું પ્રિય પુસ્તક વાંચતા હતા અને ગમેલાં વાક્યો નીચે લાલ પેનથી અન્ડરલાઇન કરતા હતા. મહેશને થયું કે પપ્પા આમ જ હોવા જોઈએ. કફની પહેરીને ખાટલા ઉપર બેઠા બેઠા વાંચતા હોય એ જ ચિત્ર બરાબર છે. મહેશે હાશનો શ્વાસ લીધો. એને થયું કે તબિયત સારી ન થઈ હોત તો કદાચ હૉસ્પિટલમાં ખસેડવા પડત. હૉસ્પિટલના ખર્ચનો વિચાર કરતાં મહેશને ધ્રુજારી થઈ. કદાચ ખર્ચને તો પહોંચી વળાય, પણ હૉસ્પિટલમાં જવાઆવવાનો સમય ક્યાંથી કાઢવો? હૉસ્પિટલમાં ન ખસેડવા પડ્યા એ જ સારું થયું. પપ્પાએ વસિયતનામું કર્યું હશે? એમના મૃતદેહને અહીં જ અગ્નિસંસ્કાર કરવાનો કે ભારત મોકલવાનો? ફ્યૂનરલ હોમમાં ક્રીમેશનની પણ તપાસ કરી રાખવી જોઈએ. હમણાં તો પપ્પાને જીવતદાન મળ્યું છે. એમને સમજવાની બીજી તક મળી છે. મહેશે વિચાર્યું, એ એના વર્તનમાં ફેર કરશે જ. બીજા દિવસથી એણે સૌરભ સૂઈ જાય પછી પપ્પાના ઓરડામાં જવા માંડ્યું. એ ચોરપગલે જતો. પપ્પા વાંચતા હોય તો ધીમેથી બહાર સરકી જતો. પપ્પા સૂઈ ગયા હોય તો રજાઈ ઓઢાડતો. સાંજે જમતાં જમતાં આખા દિવસનો અહેવાલ પૂછતો. થોડા દિવસ આમ ચાલ્યું. ઉમેશભાઈને સારું થવા માંડ્યું. એમ એમનો જૂનો દમામ પાછો આવવા માંડ્યો. ‘આપણે મર્સીડીઝ બેન્ઝ કેમ નથી લેતા? મજબૂત અને ટકાઉ તો ખરી ને?’ ‘પપ્પા, હવે ફૉર્ડ પણ સારી ગાડી બનાવે છે.’ ફોનની ઘંટડી વાગી. મર્સીડીઝની વાત અટકી. બે અઠવાડિયાં પછી ઉમેશભાઈની ડૉક્ટર સાથે અપૉઇન્ટમેન્ટ હતી. રોજ મહેશને યાદ કરાવ્યું. જવાને દિવસે ઉમેશભાઈ બારણાની બહાર ગરાજ પાસે ઊભા હતા. ‘પપ્પા, કેમ બહાર ઊભા છો?’ ‘ડૉક્ટરને ત્યાં જવાનું છે ને?’ ‘એ તો આઠ વાગ્યે. હજી સાડા પાંચ થયા છે.’ ઉમેશભાઈનો જમવામાં જીવ નહોતો. સાત વાગ્યે પાછા તૈયાર થઈ બારણા પાસે ગયા. ‘પપ્પા, હજી વાર છે. અહીંથી પાંચ જ મિનિટ થાય છે.’ પોણા આઠે નીકળ્યા. મહેશ ઑફિસથી થાકીને આવેલો. ઑફિસમાં કંઈક મુશ્કેલીઓ હતી. મોટી તો બજેટની. થોડા પૈસા બચાવવા એના હાથ નીચેના માણસને છૂટો કરવાનો હતો. મહેશને એ બાબતનું ખૂંચતું હતું. એ બિચારાને બૈરીછોકરાં છે. બૈરી કામ નથી કરતી. ઘરનું મૉર્ટગેજ ભરવાનું. છોકરાંને ભણાવવાનાં. ગાડીના હપતા ભરવાના. ‘કેમ ચૂપ છે?’ ‘ના, કંઈ નહીં.’ ‘મોઢા પર ચિંતા છે ને મને કહે છે, કંઈ નહીં.’ મહેશ હસી ન શક્યો. ‘મારે લીધે તને કેટલી દોડાદોડી થાય છે.’ ઉમેશભાઈ બોલ્યા. મહેશને થયું. મમ્મી જલદી ચાલી ગઈ એ જ સારું થયું. પપ્પા ભારે કરકસરિયા. મમ્મીને વૅકેશન લેવાનો, બહાર જમવા જવાનો ભારે શોખ, પણ પપ્પા કહ્યા જ કરે કે એ રિટાયર થાય પછી પ્રૉવિડન્ટ ફંડના પૈસા આવશે એમાંથી કોણાર્ક અને મહાબલિપુરમ્ જશે. પપ્પા રિટાયર્ડ થતાં જ મમ્મી ચાલી ગઈ. એ પપ્પાને સમજી શક્યો નહોતો. ડૉક્ટરે ઉમેશભાઈને તપાસ્યા. એ ઉમેશભાઈની પ્રગતિથી ખુશ હતા. દવા ચાલુ રાખવા કહ્યું. પાછા ફરતાં ગાડીમાં મહેશે ઉમેશભાઈ માટે પ્રસ્તાવ મૂક્યો. એક ગુજરાતી ત્રૈમાસિક શરૂ થાય છે. એમાં સંપાદક-તંત્રીની જરૂર છે. પપ્પા જરૂર મદદ કરી શકે. ‘મને ત્રૈમાસિકનો વિચાર જ ગમતો નથી.’ ‘કેમ?’ ‘દેખીતું તો છે.’ ‘શું દેખીતું છે?’ ‘અમેરિકામાં ગુજરાતીની પડી છે કોને? આ તમારાં છોકરાં તો પટપટ અંગ્રેજી બોલે છે ને રાતદિવસ ટીવી, વીડિયો જુએ છે. ગુજરાતી કોણ મારો બાપ વાંચવાનો છે?’ ‘પણ અહીં જે ગુજરાતીઓ વસ્યા છે એમને માટે. કદાચ ઊગતી પેઢી માટે...’ મહેશ મૂગો મૂગો ગાડી ચલાવતો હતો. ઉમેશભાઈએ વાત શરૂ કરી. ‘બાબુભાઈના દીકરાનાં લગ્ન છે ને? શું નામ એનું?’ ‘વિકાસ.’ ‘હા, વિકાસ. કેટલો ચાંલ્લો કરવાનો છે?’ ‘એક સો ને એક.’ ‘અધધધ. એટલા બધા કેમ? ત્રણ હજાર રૂપિયા થયા.’ ‘પણ પપ્પા, એમ ગણતરી ન થાય. અહીં અમેરિકામાં રહેતા હોઈએ ને સારો સંબંધ હોય તો એ પ્રમાણે ચાંલ્લો કરવાનો ને !’ ‘તો પછી મારી સાળીના દીકરાને એનાં લગ્નમાં પાંચ સો એક રૂપિયા આપેલા એનું શું? માંડ સત્તર જ ડૉલર?’ ‘હા પપ્પા, મુંબઈમાં મુંબઈનો રિવાજ.’ ‘એકવીસ ડૉલરથી વધુ ચાંલ્લો ન જ કરાય. ડૉલરનાં કંઈ ઝાડ નથી ઊગતાં.’ મહેશ અંદરથી ઊકળતો હતો. પપ્પાની ઉંમર, એમનો સ્વભાવ, એમની રહેણીકરણી અને વિચારસરણીથી એ પરિચિત હતો. મહેશે માથું ધુણાવ્યું. ‘પપ્પા, તમારા વાળ કપાવી લો ને.’ ‘અહીં વાળ કપાવું?’ ઉમેશભાઈ તાડૂક્યા. ‘હા, કેમ?’ ‘દસ ડૉલર કપાવવાના ને ઉપરથી ટિપ. કપાવીશ ઇન્ડિયા જઈને.’ અને પછી આ શનિવારની સવાર. જ્યારે ઉમેશભાઈ ચા પીવા નીચે ન આવ્યા અને મહેશ બોલાવવા ગયો ત્યારે ઓરડામાં સભાન બેઠા હતા, પણ મહેશને ઓળખ્યો નહોતો. મહેશે પપ્પાને પરિસ્થિતિ સમજાવી. એ અમેરિકામાં મહેશ અને સરલાને ત્યાં છે. આઠ વરસનો સૌરભ નીચે ઇલેક્ટ્રિક ટ્રેન સાથે રમે છે. માયા લૉસ ઍન્જલસ રહે છે, જ્યાં એ જવાના છે. એમને સાહિત્ય અને ફિલસૂફીનો શોખ છે. કૃષ્ણમૂર્તિ એમને ખૂબ પ્રિય છે. ‘એમ, એમ? સારું.’ મહેશને થોડી ધરપત થઈ. ‘તારી મમ્મીને કહે કે આવતે અઠવાડિયે વૅકેશન લઈએ. ખજૂરાહો જઈએ.’ ‘પપ્પા, મમ્મી તો ગુજરી ગયાં છે.’ ‘મમ્મી ગઈ? મને કેમ યાદ નથી? અને તારી પત્ની? શું નામ એનું?’ ‘સરલા.’ ‘અને તારો બાબો?’ ‘સૌરભ.’ ‘સૌરભ. એને શેનો શોખ છે?’ ઉમેશભાઈ ઊભા થયા. ડેસ્કનું ખાનું ખોલ્યું. બંધ કર્યું. ‘પપ્પા, શું શોધો છો?’ ‘મારી... મારી ચોપડીઓ.’ ‘એ તો આ રહી. બુક-કેસ પર.’ ઉમેશભાઈ બુક-કેસ પાસે ઊભા રહ્યા. એક ચોપડી કાઢી. જૂના પૂંઠાની હતી. ડાબા હાથમાં મૂકી જમણા હાથથી ટપારી. સહેજ ધૂળ ઊડી. પછી જમણા હાથમાં લીધી. ‘મહેશ, લે આ તારાં કાવ્યો. મેં તારા દીકરા માટે સાચવી રાખ્યાં’તાં...’ મહેશ ભૂલી ગયેલો કે એ અઢાર વર્ષનો હતો ત્યારે અઢાર સૉનેટ લખી વ્યવસ્થિત હસ્તપ્રત બનાવેલી. મહેશ પપ્પાને વળગી પડ્યો.