ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ

કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટ

સ્વ. કીલાભાઈ ઘનશ્યામ ભટ્ટનો જન્મ સંવત ૧૯૨૫માં થયો હતો. તેમના પિતાનું નામ ઘનશ્યામ રાજારામ ભટ્ટ અને માતાનું નામ મહાકોર. તે ન્યાતે રાયકવાળ બ્રાહ્મણ હતા. તેમનું મૂળ વતન દસક્રોઈ તાલુકાનું ભુવાલડી ગામ, વતનના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈને અને માધ્યમિક કેળવણી અમદાવાદની હાઈસ્કૂલમાં લઈને તેમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી, પરન્તુ ત્યારપછી સંસ્કૃત અને અંગ્રેજીનો સારી પેઠે અભ્યાસ કર્યો હતો. મુંબઈની પોલીસ કોર્ટમાં તે ઇન્ટરપ્રીટર તરીકે નોકરી કરતા હતા. સાહિત્યના અભ્યાસ ઉપર તેમને પુષ્કળ પ્રીતિ હતી અને તેથી સંસ્કૃતનો જે વિશાળ અભ્યાસ તેમણે કરેલો તેના ફળરૂપે તેમણે 'પાર્વતી પરિણય', 'વિક્રમોર્વશી' અને ‘મેઘદૂત’ એ ત્રણ સંસ્કૃત સાહિત્યગ્રંથોના કરેલા અનુવાદ સુપ્રસિદ્ધ છે. તે ઉપરાંત સામયિકોમાં તે છૂટક કવિતાઓ લખતા, જેનો સંગ્રહ પ્રસિદ્ધ થયો નથી. તેમનાં પત્નીનું નામ સરસ્વતી. તે ભરુચ જીલ્લાના આમોદ ગામનાં હતાં. સ્વ. કીલાભાઈને એક પુત્રી મનોરમા અને એક પુત્ર નામે હરીશ. છે જે બી.એ., એલ. એલ. બી. થયા છે. સ્વ. કીલાભાઈનું અવસાન અમદાવાદમાં ૧૯૧૪ના ઓગસ્ટ માસમાં થયું હતું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***