અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘શૂન્ય’ પાલનપુરી/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિચય છે મંદિરમાં દેવોને મારો

‘શૂન્ય’ પાલનપુરી


પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d60f0d85105_75693556


‘શૂન્ય’ પાલનપુરી • પરિચય છે મંદિરમાં દેવોને મારો • સ્વરનિયોજન: આશિત દેસાઇ • સ્વર: આશિત દેસાઇ