અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૈફ પાલનપુરી/આંસુનાં પણ નામ હતાં

આંસુનાં પણ નામ હતાં

સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો — શું આંસુનાં પણ નામ હતાં?

થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યાં, બહુ અંગત અંગત નામ હતાં.

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા!

(ઝરૂખો, ત્રીજી આ., ૧૯૮૪, પૃ. ૨૦)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d1e721a7667_26272680


સૈફ પાલનપુરી • ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં... • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય






Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d1e72203680_41115846


સૈફ પાલનપુરી • નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન... • સ્વરનિયોજન: શ્યામલ સૌમિલ • સ્વર: શ્યામલ સૌમિલ