હયાતી/૫૬. ક્યાં આવવું?
Jump to navigation
Jump to search
૫૬. ક્યાં આવવું?
આવજો કહીને તમે ચાલ્યા, હું પૂછવું ભૂલી ગઈ કે મારે ક્યાં આવવું?
અધખૂલ્યા સ્મિતમાં બે વેણ મીઠાં મેળવીને વસમી વિદાય તમે ઘૂંટી,
બંધ આ હથેળીમાં ગોપવી’તી વેળા એ કોણ જાણે ક્યારે વછૂટી,
તરફડતી માછલીને જિવાડે, એવું હવે સંજીવન વ્હેણ ક્યાંથી લાવવું?
પગલાંનો ડૂબતો અવાજ અને ઓચિંતો આખી આલમમાં સૂનકાર,
વીંટાતી લહરીની ભીંસ વધે શ્વાસમાં ને તોળાતા આભ કેરો ભાર!
વેણનું જે મોતી તમે દીધું, એ મૃગજળથી ઊભરાતી ધરતીમાં વાવવું!
૨૦–૧–૧૯૬૯