હયાતી/૫૧. ના મળ્યાં


૫૧. ના મળ્યાં

એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં!

તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં!

ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં!

તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં!

તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં!

લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં!

૨૫–૭–૧૯૭૧