સ્ટેચ્યૂ/કાગડો ધોળા દિવસનું અંધારું છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />

કાગડો ધોળા દિવસનું અંધારું છે

<hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted /> <hr class="wst-rule " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted />


ભાદરવાના તડકા હવે નડતા થયા છે. પિતૃઓ કાગડાનો વેશ કાઢીને મકાનના છાપરાં ગજાવવા લાગ્યા છે. કોઈ દિવંગત સ્વજનના શ્રાદ્ધનો દિવસ આવે છે. ત્યારે આપણી આંખ કાગડો બનીને અતીતના માળામાં ગોઠવાઈ જાય છે. મારી શિશુ અવસ્થામાં મેં દાદાજીને નિસરણીએ ચડીને છાપરે કાગવાસ નાખતા જોયા છે. મને બરાબર યાદ છે કે એ દિવસે હું તાંબાનો કળશો હાથમાં લઈને ઊભો રહેતો અને દાદાજી કાંસાની થાળી હાથમાં લઈને ‘કાગ... કાગ... કાગ કાગ....’ જોરથી બોલીને કાગડાઓને ખીર-રોટલીના જમણ માટે જાહેર નોતરું આપતા. થોડી વારમાં તો અમારા ઘરનું છાપરું કાગડાઓથી ખીચોખીચ ભરાઈ જતું. હું બાઘાચકવાની જેમ છાપરા ઉપર કાગડાઓની જિયાફત ઊડતી જોયા કરતો. ઘણી વાર હું વિસ્મયનો માર્યો દાદાજીને પૂછી બેસતો : ‘દાદાજી, પિતૃઓ કાગડો બનીને શું કામ આવે છે? એ મોર, પોપટ કે કાબર બનીને કેમ નથી આવતા?' મારો સવાલ સાંભળીને દાદાજી થોડુંક હસતા અને પછી કહેતા : ‘કાગડો ધોળા દિવસનું અંધારું છે.’ એ ક્ષણે દાદાજીનું આ વિધાન મને સમજાયું નહોતું પણ આ વિધાન મારી સ્મૃતિમાં એટલું બધું જડાઈ ગયું છે કે હું હજી સુધી ભૂલી શક્યો નથી. મારી શૈશવ અવસ્થામાં હું આ વિધાનનો અર્થ નહોતો સમજી શક્યો પણ આજે હું કાગડો ધોળા દિવસનું અંધારું કઈ રીતે છે તે બરાબર સમજી શક્યો છું. હવે કાગડાઓને જોવાની મારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. પહેલાં તો હું આકાશમાં બે પાંખથી ઊડતાં અને કાઉ કાઉ કાઉ કરતા અકારા કાગડાને જોતો હતો. હવે મને કાગડામાં ઊડતું અંધારું દેખાય છે. જેમ કપાસના ખેતરમાંથી ઊજળા રૂનો પૉલ ઊડતો હોય એમ અંધારાના ખેતરમાંથી પૉલની જેમ કાળા કાગડાઓ ઊડ્યા કરે છે. અહીં સમજવાનો મુદ્દો એ છે કે એક દિવસ આપણા પિતૃઓ દિવસનું ઝાકમઝોળ... અજવાળું હતા. આજે એ પિતૃઓ અંધારું બની ગયા છે. ભાદરવા મહિનામાં આપણે ઘરના છાપરે અંધારું બોલાવીએ છીએ. કોઈ સવારે ડેલીએ કાગડો બોલ એટલે મહેમાન થઈને એક દિવસ અંધારું તમારે આંગણે જરૂર આવશે એનો જાસો તમને મળી જાય છે. આપણે નિસરણી મૂકીને છાપરે વાસ નાખીએ છીએ ત્યારે કૃતજ્ઞતાની સ્મૃતિનો ઉત્સવ ઉજવાય છે. આપણી આંખમાં સ્મૃતિનું ચપટીક અજવાળું સચવાઈ રહ્યું છે. એટલે જ છાપરાં ઉપર અંધારાને તેડું મોકલીએ છીએ. આપણી આંખ સામે સતત અંધારું હોય તો જ આંખમાં અજવાળું થાય. અને અજવાળા સામે - એટલે કે સૂરજ સામે આંખ તાકીને ઊભા રહીએ તો આપણી આંખ આંધળી થઈ જાય. બ્હાવરી થઈ જાય. મારા ઘરની બારીમાંથી હું ઊડતા કાગડાઓ જોઉં છું ત્યારે મને લાગે છે કે કાગડો અંધારાનો સંદેશવાહક છે. ભાદરવા મહિનામાં કાગડો એવો સંદેશ લાવે છે કે પિતૃઓ અંધારપછેડો ઓઢીને તમારે છાપરે આવશે. એ કહેશે : 'અજવાળાની ફ્રેમમાં અંધારાને મઢાવી લેજો.' આપણા ઘરમાં તસવીર બનીને ભીંત ઉપર લટકતા પૂર્વજોના ચહેરા જોઈએ છીએ ત્યારે ક્ષણભર એવું લાગે છે કે એક જિવાઈ ગયેલું જીવન થીજી ગયું. છે. સ્થગિત થઈ ગયું છે. પૂર્વજોની તસવીરો પાછળ ચકલીએ માળો બાંધ્યો છે. તસ્વીરોના રંગ ઝાંખા પડી ગયા છે. ભાદરવા મહિનામાં આપણે પિતૃતર્પણ કરીએ છીએ ત્યારે એક દિવસ પૂરતી એ તસવીરો જીવતી થાય છે, તાજી થાય છે અને ફરી પાછી વિસ્મૃતિના અંધારામાં ડૂબી જાય છે.