સૌના ગાંધી શ્રેણી - ૧ પુસ્તક - ૧૨ — ગાંધીજી વિષે કેટલીક ગેરસમજૂતીઓ
સૌના ગાંધી શ્રેણી - ૧
પુસ્તક - ૧૨
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
ગાંધીજી વિષે કેટલીક ગેરસમજૂતીઓ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
જેણે જાહેર જીવનમાં પાંચ છ દાયકા ગાળ્યા હોય તેને વિષે કાંઈક ને કાંઈક ગેરસમજૂતી તો થાય. જેણે પોતાની કિતાબ દુનિયા આગળ ખુલ્લી રાખી હોય ત્યાં એ કિતાબનાં જુદાં પ્રકારનાં ભાષ્યો થાય અને તેમાં પણ ગેરસમજૂતી થવાનો સંભવ રહે. કેટલીક ગેરસમજૂતીઓ એવી હોય છે કે જેને સાચા અર્થમાં ગેરસમજૂતી ન કહી શકાય. મતભેદ કે વિરોધ, ઇર્ષા કે તેજોદ્વેષ વગેરેને લીધે જાણી જોઈને ફેલાવવામાં આવેલી એ એવી વાતો હોય છે કે જેને ગેરસમજૂતી કરતાં અફવા કે અપપ્રચાર કહેવું વધારે યોગ્ય કહેવાય. પણ એવા પ્રચાર પાછળ પણ કાંઈક ગેરસમજૂતી હોવાનો સંભવ માની લઈને આપણે એની ગણના પણ ગેરસમજૂતીમાં કરી શકીશું. ગાંધીજી વિષેની ગેરસમજૂતીઓ પેદા કરવામાં ગાંધીજીની કલમ પોતે પણ જવાબદાર રહી છે. પોતાની ભૂલોને ગાંધીજી રજની ગજ કરીને કહેતા અને બીજા કોઈ કરે એના પહેલાં એઓ જાતે જ છાપરે ચડીને એની કબૂલાત કરતા. આવી કબૂલાતને લીધે પણ ગાંધીજી વિષે ગેરસમજૂતીઓ ફેલાવા પામી છે. એમની પાસે અમુક પ્રકારની અપેક્ષા રાખનારની અપેક્ષા જો પૂરી ન થઈ હોય તો નિરાશ વ્યક્તિએ જે વરાળ કાઢી હોય તેને લીધે પણ ગેરસમજૂતી ફેલાઈ શકે ખરી. ગાંધીજીના જીવન અંગે ઉત્પન્ન થયેલી કેટલીક ગેરસમજૂતીઓ આ છેલ્લા પ્રકરણના કારણને લીધે પણ ઉત્પન્ન થઈ હોય. ગાંધીજી વિષે એમ કહેવામાં છે કે એમણે પોતાનાં કુટુંબીજનોને અન્યાય કર્યો. એમના પ્રત્યે ધ્યાન ન આપ્યું અથવા એમને જેવી મદદ કરવી જોઈએ તેવી ન કરી. આ વાત વધુમાં વધુ કોઈ સંબંધ વિષે લાગુ પડતી હોય તો એમના મોટા પુત્ર હરિલાલ સાથેના સંબંધ અંગે લાગુ પડે એમ છે. હરિલાલે ગાંધીજી જોડેની વાતોચીતોમાં અને પત્રોમાં આને અંગેનો રોષ પણ પ્રગટ કર્યો હતો. હરિલાલભાઈની મુખ્ય ફરિયાદ એ હતી કે ગાંધીજીએ એમને ભણાવ્યા નહીં અને આગળ ભણવા સારુ વિલાયત જવાનો મોકો હતો તે તેમણે બીજા જુવાનિયાઓને આપ્યો, પણ પોતાના પુત્રને ન આપ્યો. હરિલાલભાઈ જ્યારે ભણવા જેવા થયા ત્યારે ગાંધીજીની જીવનશૈલી જાહોજલાલીમાંથી સાદગી તરફ વળી રહી હતી. બાળશિક્ષણ અંગે પણ તેમણે નવા વિચારો શરૂ કર્યા હતા. પોતાના વિચારો મુજબ ગાંધીજીએ બીજા દીકરાઓને તો આશ્રમી કેળવણી આપી. પણ હરિલાલભાઈને તે માન્ય નહોતી. તેમણે હિંદુસ્તાનમાં રહીને ભણવાનું પસંદ કર્યું હતું. પણ ભારતની શાળાઓમાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી નહોતા. ત્રણ ત્રણ પ્રયાસો છતાં તેઓ મેટ્રિક નહોતા થઈ શક્યા. ગાંધીજીને મોટો દીકરો એ પ્રકારનું શિક્ષણ લે તે રુચતું નહોતું. છતાં તેમણે એમને ભારત રહીને ભણવાની છૂટ આપી હતી. આ કાળ દરમિયાન હરિલાલભાઈનાં લગ્ન થયાં હતાં, જેમાં ગાંધીજીના રાજકોટ રહેતા વડીલોએ વધુ ભાગ ભજવ્યો હતો. દીકરો આટલો વહેલો પરણે તે ગાંધીજીને ગમ્યું નહોતુ. પણ તેમણે તે સાંખી લીધું હતું. હરિલાલભાઈ ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા આવ્યા હતા. તેમણે ત્યાંના સત્યાગ્રહોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પણ ફિનિક્સ આશ્રમની જીવનશૈલી ઝાઝી રુચતી નહોતી. ઇંગ્લેન્ડ રહેતા ગાંધીજીના એક મિત્રે ફિનિક્સના કોઈ જુવાનને ઇંગ્લેન્ડમાં તાલીમ આપવાનો ખર્ચ ઉપાડવાનું માથે લીધું. હરિલાલભાઈને એમ હતું કે ગાંધીજી એમને જ વિલાયત મોકલશે, પણ ગાંધીજીએ એમ ન કર્યું. જે છોકરો વિલાયત જાય તે અમુક પ્રકારની શિસ્ત પાળે અને પાછો આવીને ફિનિક્સ આશ્રમમાં કામ કરે એવી ગાંધીજીની શરત હતી. હરિલાલભાઈ એમ બંધાવા તૈયાર નહોતા. વિલાયત ગયેલ પહેલો વિદ્યાર્થી નાદુરસ્ત તબિયતને કારણે પાછો આવ્યો. ત્યારે તો હરિલાલભાઈને એવી આશા હતી કે હવે એમનો નંબર લાગશે. પણ ગાંધીજીએ એ વખતે પણ એક બીજા જુવાનિયાની પસંદગી કરી. સત્યાગ્રહ અંગે જેલમાં બેઠા હરિલાલભાઈએ આ અંગે ખૂબ ખિન્નતા અનુભવી અને છેવટે તેમણે આફ્રિકા છોડવાનો નિશ્ચય કર્યો. એમનાં પત્ની અને બાળકો આફ્રિકામાં જ રહ્યાં અને જ્યાં સુધી ત્યાં રહ્યાં ત્યાં સુધી ગાંધીજીએ એમનો રહેવા ખાવાનો બધો ખર્ચ કર્યો. ભારત ગયા પછી હરિલાલભાઈએ કાંઈક કામધંધો શોધવા પ્રયત્ન કરવા માંડ્યો. પણ અનેક જગ્યાએ પ્રયત્નો કરવા છતાંયે તેઓ ક્યાંય સ્થિર થઈ શક્યા નહીં. એ દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું. ત્યાર પછી હરિલાલભાઈની માનસિક સ્થિતિ વધુ કફોડી થઈ. હરિલાલભાઈ પિતા જેવા સ્વમાની હતા. સ્પષ્ટવક્તા હતા અને કુટુંબપ્રેમી હતા. માત્ર કામધંધામાં તેઓ સરખા ગોઠવાઈ શક્યા નહીં. દરમિયાન તેમને દારૂની લત લાગી ને એ લત એમને વધુ ઊંડા અંધકારમાં લઈ ગઈ. આ આખા ગાળા દરમિયાન પિતા-પુત્ર બંનેને પરસ્પર પ્રેમ તો હતો જ, પણ બંનેની રહેણીકરણી જુદી હતી. હરિલાલભાઈએ પોતાનો ધંધો જમાવવા સારુ દેવું કર્યું અને એ દેવું ભરપાઈ કરી ન શક્યા, તેનાથી ગાંધીજીને ભારે ખેદ થયો. ગાંધીજી ત્યાર સુધીમાં પોતાની અંગત સંપત્તિ તો વિસર્જિત કરી ચૂક્યા હતા, પણ પોતાનો પુત્ર કરેલું ઋણ ન ચૂકવે એ એમને મન અસહ્ય વેદના આપનાર વસ્તુ થઈ પડી. બે એક વાર ગાંધીજી હરિલાલભાઈને પોતાની પાસે આશ્રમમાં લાવી શક્યા હતા. પણ પોતાની કેટલીક ટેવોને લીધે હરિલાલભાઈને સારુ આશ્રમમાં રહેવું અશક્ય લાગ્યું. તેથી તેઓ આશ્રમ છોડી ગયા. દરમિયાન ગાંધીજીને બદનામ કરવામાં પોતાની સફળતા માનનારા લોકોએ હરિલાલભાઈને દારૂ વગેરેની લાલચ આપીને તેમની પાસે ધર્મપરિવર્તન કરાવ્યું. થોડા સમય બાદ હરિલાલભાઈ ફરી ધર્મપરિવર્તન કરીને હીરાલાલ તરીકે રહેવા લાગ્યા, પણ ગાંધીજીથી છેટા લગભગ ગુપ્તવાસમાં. કોઈ કોઈ વાર મળી જાય ત્યારે ગાંધીજી અને કસ્તુરબા હરિલાલભાઈને પાછા આવીને પોતાની સાથે રહેવા સમજાવતાં રહ્યાં. પણ તેમાં તેઓ સફળ ન થયાં. હરિલાલભાઈનાં બાળકોને ગાંધીજીએ પોતાના આશ્રમમાં રાખી મોટાં કર્યાં. આમ આ સંબંધ પરસ્પર સ્નેહનો છતાં જુદી જુદી જીવનશૈલીનો હતો. ગાંધીજી પોતાની જીવનશૈલી બાબત કે સિદ્ધાંત બાબત કોઈ અપવાદ કરાય જ નહીં એમ માનતા. ગાંધીજીએ પોતાના પુત્રને અન્યાય કર્યો કહેનારા લોકો ગાંધીજીને પોતાના ગજથી માપે છે. બહુ સંભવ છે કે ગાંધીજીએ પોતાની ‘લાગવગ’ લગાડીને હરિલાલભાઈ સારુ કાંઈક સગવડો કરી આપી હોત તો આ જ ટીકાકારો ગાંધીજીએ પક્ષપાત કર્યો એવો આક્ષેપ કરત! કુટુંબમાં બીજા કોઈને ગાંધીજીએ અન્યાય કર્યો હોય તો તે કસ્તુરબાને એમ પણ કહેવાય છે. પોતાની આત્મકથામાં ‘ધણીપણું’ નામનું પ્રકરણ લખી અને દક્ષિણ આફ્રિકામાં એક પંચમ મૂળના સાથીના પેશાબનો પૉટ સાફ કરવા કસ્તુરબા તૈયાર નહોતાં થયાં ત્યારે ગાંધીજીએ તેમને ઘર છોડવા સારુ કહ્યું હતું, એ પ્રસંગ ગાંધીજીએ જાતે જ આત્મકથામાં લખીને દુનિયા સમક્ષ જાહેર કર્યો છે. કસ્તુરબા બીજાના પૉટ સાફ કરવા તૈયાર થાય, પણ દલિતનો પૉટ સાફ કરવામાં કોચવાય એ ગાંધીજીને માટે અસહ્ય હતું. તેઓએ ઉશ્કેરાઈને કસ્તુરબાને બારણું દેખાડ્યુ એ સાચું, પણ કસ્તુરબાએ જ્યારે એમને ભાન કરાવ્યું કે આ તો આપણા બંને સારુ લજ્જાનો વિષય થશે, ત્યારે ગાંધીજી તરત સમજી ગયા હતા અને એવું કોઈ પગલું તેમણે ભર્યું નહોતું. કસ્તુરબાનું જીવન ગાંધીજીના જીવન સાથે સતત વિકાસ પામતું રહ્યું. ગાંધીજી જે કામ બુદ્ધિપૂર્વક કરતા તે કામ કસ્તુરબા શ્રદ્ધાપૂર્વક કરતાં. સાઠેક વરસના દામ્પત્યમાં કસ્તુરબાએ ગાંધીજીને પૂરો સાથ અને ગાંધીજીએ કસ્તુરબાને પૂરા સ્નેહદાર આપ્યાં હતાં. સિદ્ધાંતને ખાતર કુટુંબીજનોનાં કષ્ટો ન જોવાં એ ગાંધીજી સારુ નવાઈનો વિષય નહોતો. એમનાં મોટાંબહેન રળિયાતબહેન આભડછેટની ભાવના દૂર કરી શક્યાં નહોતાં. ગાંધીજી તેમને આદર આપતા. મળે ત્યારે તેમને પગે પણ લાગતા, પણ તેમને સારુ અપવાદ કરીને આશ્રમની ‘સ્પર્શભાવના’માં બાંધછોડ કરવા તૈયાર નહોતા. ગાંધીજીના બીજા ત્રણ પુત્રોને પણ જીવનમાં કોઈ ને કોઈ કાળે પોતે ચાલુ શિક્ષણમાં ભણવા ન પામ્યા તેને અંગે થોડો અસંતોષ હતો, એમ પ્યારેલાલ નોંધે છે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે ત્રણે જણના મનમાં આ અંગેનો વસવસો પાછળથી દૂર થઈ ગયો હતો. ત્રણેને પિતા વિષે પ્રેમ હતો, ગર્વ હતો, ભક્તિ હતી. ગાંધીજીની કુટુંબભાવના વ્યાપક થતાં થતાં ક્ષિતિજવ્યાપી થઈ હતી. તેથી પોતાના રક્તસંબંધના પરિવાર સાથે બીજાં પરિવારજનો કરતાં વિશેષ સંબંધ રાખવાનું તેમના મનમાંયે ઊઠતું નહોતું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના નિવાસ કાળ અંગે એક બે પ્રકારની ગેરસમજૂતીઓ પ્રવર્તે છે. આજકાલ દક્ષિણ આફ્રિકાના કેટલાક શ્યામ વર્ણના લોકો ગાંધીજીએ એક બે ઠેકાણે એમને માટે વાપરેલા કાફરા શબ્દના ઉલ્લેખથી ખિન્નતા અનુભવે છે. એ પ્રકારની ફરિયાદો પર પોતાના તર્કની ઈમારત ચણી બીજા કેટલાક એમ કહે છે કે ગાંધીજી રંગદ્વેષી હતા! એ વાત સાચી કે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યાં સુધીમાં એમના પ્રેમની ક્ષિતિજો જગતવ્યાપી નહીં થઈ હોય. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓના પ્રશ્નમાં જ તેમણે રસ લીધેલો અને હિંદીઓ પ્રત્યે થતો અન્યાય દૂર કરવા તેઓ સક્રિય બનેલા. આખા દેશમાં કાળા લોકો વિષે જે તિરસ્કાર દેખાડવામાં આવતો હતો અને જીવનના દરેક ક્ષેત્રમાં જે રંગદ્વેષ પ્રગટ થતો હતો તેને વિષે ગાંધીજીએ તે વખતે ઉલ્લેખનીય એવું કશું કર્યું કે કહ્યું નથી. એમના ચિંતનની તે વખતે એ મર્યાદા હતી. તે વખતે શ્યામ લોકો સારુ હિંદીઓ જે શબ્દ વાપરતા હતા તે જ શબ્દ ગાંધીજીએ પણ એક બે વાર વાપર્યો છે, એ સાચું. વળી તેમણે હિંદીઓનો કેસ રજૂ કરતાં એક બે ઠેકાણે એવી પણ લાગણી વ્યક્ત કરી છે કે શ્યામ લોકો કરતાં હિંદીઓમાં ઘણી વધારે પ્રગતિ છે. તેથી બંને કોમને એક જ ત્રાજવે તોળીને કાયદા ન ઘડવા જોઈએ. આ દલીલમાં શ્યામ લોકો કરતાં હિંદીઓ કાંઈક ચડિયાતા છે એવી ભાવના રહેલી છે અને એ ભાવના ગાંધીજીના લખાણોમાં કવચિત પ્રગટ પણ થઈ છે, એ વાત ખરી. બાકી મનુષ્ય મનુષ્ય વચ્ચેના વહેવારમાં તો તે વખતે પણ ગાંધીજીના મનમાં રંગદ્વેષની ભાવના હોય એવું પ્રગટ થતું નથી. તેઓ ભારતથી બીજી વાર આફ્રિકા જતા હતા અને ડરબન બંદરે એમનો વિરોધ કરવા ગોરાઓએ પોતાના ઘરોમાં કામ કરતા શ્યામ લોકોનો ઉપયોગ વિરોધ પ્રદર્શનોમાં કરેલો. પણ ગાંધીજીએ એને લીધે એમને વિષે જરાય દ્વેષ ભાવ દેખાડ્યો નહોતો. સત્યાગ્રહ આંદોલનમાં મહદ્અંશે હિંદી લોક હતા, તે ઉપરાંત કેટલાક ગોરા, કેટલાક ચીનાઓ અને કેટલાક મલય લોકો એમાં ભળ્યા હતા. પણ સ્થાનિક શ્યામ વર્ણના પાડોશીઓ સાથે એક વાર પણ ઝઘડો થયેલો નોંધાયો નથી. જેલમાં કોઈ ગુનેગાર કાળા કેદીએ ગાંધીજીને પાયખાનામાંથી બહાર ધકેલી મૂક્યા હતા. તેની નોંધ ગાંધીજીએ કરી છે, પણ તેમાં ક્યાંય આખી શ્યામ પ્રજા વિશે તિરસ્કાર વ્યક્ત કર્યો નથી. ઝુલુ લડાઈ વખતે ગાંધીજીએ સામ્રાજ્ય પ્રત્યેની હિંદીઓની વફાદારી સિદ્ધ કરવા ઝોળી ઊંચકનારી ટુકડી બનાવી હતી. તે લડાઈ લડાઈ જ નહોતી. ગોરા લોકો દ્વારા શ્યામ લોકોનો એકપક્ષી સંહાર થયો હતો તેની નોંધ ગાંધીજીએ કરી છે. ઘાયલ થયેલા શ્યામ લોકોની સેવા, કેટલાક ગોરાઓના વિરોધ છતાં, ખૂબ પ્રેમપૂર્વક ગાંધીજીએ કરી હતી અને ભાષા ન જાણતા હોવા છતાં ગાંધીજી એમના પ્રેમપાત્ર બન્યા હતા. દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીએ બે યુદ્ધોમાં ઝોળી ઉપાડનાર ટુકડી બનાવી હતી. ભારત આવ્યા પછી પહેલા વિશ્વયુદ્ધ વખતે ગાંધીજીએ યુદ્ધમાં સૈનિક ભરતી કરવા ઘણી જહેમત ઉઠાવી હતી. અલબત્ત એમને એ પ્રયાસમાં બહુ દેખીતી સફળતા નહોતી મળી. આને લીધે વિશ્વના કેટલાક યુદ્ધ-વિરોધીઓનાં ભવાં ઊંચા ચડ્યાં હતાં. ગાંધીજીએ આ પ્રવૃત્તિ મુખ્યત્વે બે કારણોથી ઉપાડી હતી. એક તો સામ્રાજ્ય પ્રત્યેની વફાદારી અને બીજી એમને એ આશા હતી કે સૈન્યમાં જોડાવાથી કાયર હિંદીઓમાં કાંઈક વીરતા આવશે. અહિંસાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તેમણે એટલી મર્યાદા રાખી હતી કે પોતે શસ્ત્રો નહીં ઉપાડે. જેમને હિંસામાં શ્રદ્ધા હોય તેમને જ સૈનિક તરીકે જોડાવા તેઓ આગ્રહ કરતા. પોતાના આશ્રમના સાથીઓની પણ તેમણે ભરતી કરેલી, પણ તે શસ્ત્ર ન ઉપાડવાની મર્યાદા સાથે. યુદ્ધ અંગે ગાંધીજીના એ વખતે એવા જ વિચાર હતા. પાછળથી તેઓ યુદ્ધ માત્રનો વિરોધ કરતા થયા અને યુદ્ધનાં કારણો પણ નાબૂદ થવાં જોઈએ એમ માનતા થયા હતા. ગાંધીજીને રંગરૂટ ભરતીના કામમાં ઝાઝી સફળતા નહોતી મળી અને આ વિષયની જાહેર ચર્ચા પણ તે વખતે ઊછળી નહોતી. સ્વદેશી આંદોલનના ભાગ તરીકે ગાંધીજીએ જ્યારે વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમને ટેકો આપ્યો ત્યારે તેમની અને રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે ઠીક ઠીક મતભેદ અને જાહેર ચર્ચા પણ થઈ હતી. ગાંધીજીના પરમ મિત્ર સી.એફ.એન્ડ્રૂઝ સાહેબ પણ વિદેશી કાપડની હોળી ન કરવી જોઈએ એ મતના હતા. રવીન્દ્રનાથને આ ચળવળ વિષે બીજી ફરિયાદ એ પણ હતી કે આંદોલનમાં ભળવા સારુ સ્વયં સેવકો જનતા ઉપર એક પ્રકારનું દબાણ લાવે છે. આ માન્યતા પાછળ દશેક વર્ષ પહેલાં રવીન્દ્રનાથે બંગાળમાં જોયેલું સ્વદેશી આંદોલન પણ હોઈ શકે છે. ગાંધીજીએ જાતે ચોખવટ કરી હતી કે આમાં કોઈ પણ પ્રકારનું દબાણ લાવવાનો તો પ્રશ્ન જ ન ઊઠવો જોઈએ. કાપડ બાળવાની વિરુદ્ધ રવીન્દ્રનાથની એક દલીલ એ હતી કે એમાં લોકોનો ગુસ્સો પ્રગટ થાય છે, એટલે એ હિંસા છે. ગાંધીજીએ ચોખવટ કરી હતી કે લોકોના મનમાં આજે પણ સારી પેઠે ક્રોધ ભરેલો છે જ. કાપડની હોળી દ્વારા તેઓ લોકોનો આ ક્રોધ વ્યક્તિને બદલે વસ્તુ ઉપર વાળી દે છે. તેમણે કાપડ બાળવાને બદલે તે ગરીબોને વહેંચવું જોઈએ એની હિમાયત કરેલી. ગાંધીજીએ આખા દેશ માટે અર્ધા કલાકના સૂત્રયજ્ઞનો કાર્યક્રમ સૂચવેલો તેનો પણ રવીન્દ્રનાથે વિરોધ કરેલો. સામાન્યપણે રવીન્દ્રનાથ મોટાં યંત્રોના સમર્થક હતા. ગાંધીજીએ કહેલું કે મારે કરોડો લોકોને કોઈની દયા ખાઈને અપાયેલા દાન પર નથી રાખવાં. તેમણે એમને જાતે કાપડ તૈયાર કરી એને સમ્માનપૂર્વક વાપરવાની સલાહ આપી હતી અને રેંટિયો કરોડો લોકોને રોજી આપી રહેશે એવી દલીલ કરી હતી. ગાંધીજી વિષે એક ગેરસમજૂતી એ હતી કે તેઓ યંત્રમાત્રના વિરોધી હતા. ગાંધીજીએ એ વાતનો સાફ ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણું આ શરીર પણ એક જટિલ મશીન જ છે. એનો હું ક્યાં વિરોધ કરું છું? ગાંધીજી માત્ર એટલું જ ઇચ્છતા હતા કે માણસ યંત્રો પર અંકુશ રાખે, એ યંત્રનો ગુલામ ન બને. ગાંધીજીનું આખું દર્શન યંત્ર સંસ્કૃતિનો વિરોધ કરતું હતું. ગાંધીજીએ તેની સાથે ગળાકાપ હરીફાઈ, લોકોની રોજગારી છિનવાઈ જવી, માનવીય સંબંધો ઘટતા જવા અને માણસનું પરાયા બની જવું વગેરે અનિષ્ટો જોડાઈ જાય છે એ વાત ઠેઠ ૧૯૦૯માં જ ‘હિંદસ્વરાજ’માં કહી હતી. આજે મોટાં યંત્રોની સંસ્કૃતિને આમંત્રણ દઈને વાજતે ગાજતે લાવવામાં આવે છે. ગાંધીજીનો વિરોધ મનુષ્યને યંત્રનો દાસ બનાવવા સામે હતો. ગાંધીજીના કેટલાક ઉપવાસો અંગે કોઈ કોઈ વાર મોટા મોટા વિદ્વાનોમાં પણ ગેરસમજૂતી પ્રવર્તતી હતી. દાખલા તરીકે અમદાવાદના મિલમજૂરો અને માલિકો વચ્ચે જ્યારે ૧૯૧૮માં મોંઘવારીના દર અંગે વિવાદ ચાલ્યો ત્યારે ઘણી વાટાઘાટોને અંતે માલિકો પોતાનું વલણ બદલવા તૈયાર ન થયા ત્યારે ગાંધીજીએ મજૂરોને હડતાલ પાડવાની સલાહ આપી. એ હડતાલ પાળવા પહેલાં મજૂરો પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે પ્રશ્નનો સંપૂર્ણ નિકાલ ન આવે ત્યાં સુધી મજૂરો હડતાલને વળગી રહેશે. થોડા દિવસની હડતાલ પછી કેટલાક મજૂરો ઢીલા પડવા લાગ્યા. ગાંધીજી વતી મજૂરોમાં ફરનારા છગનલાલ ગાંધીને એક ચાલમાં એવું સાંભળવા મળ્યું કે ગાંધીજી અને અનસૂયાબહેન સારાભાઈ (જે મજૂરોનાં નેતા હતાં અને મિલ માલિક અંબાલાલ સારાભાઈનાં બહેન હતાં) તો ખાય છે, પીએ છે અને ગાડીઓમાં ફરે છે. અમે ભૂખે મરીએ છીએ. ગાંધીજી પાસે જ્યારે આ વાત આવી ત્યારે તેઓ આ બાબત ઊંડો વિચાર કરવા લાગ્યા. એ હકીકત તો સાચી હતી કે ગાંધીજી ખાતાપીતા હતા. પણ એય હકીકત હતી કે મજૂરોએ હડતાલ અંત સુધી ન તોડવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી. ગાંધીજીએ ત્યારે ઉપવાસ કર્યા હતા. એ ઉપવાસ અંગે ગુજરાતના વિદ્વાનોમાં મૂર્ધન્ય શ્રી આનંદશંકર ધ્રુવે એવો અભિપ્રાય આપ્યો હતો કે આ ઉપવાસ માલિકો ઉપર દબાણ લાવે છે. ગાંધીજીના ઉપવાસ એમ તો મજૂરોને પોતાની પ્રતિજ્ઞા પર દૃઢ રાખવા સારુ હતા. પણ અમુક અંશે એ માલિકો ઉપર પણ દબાણ લાવતા હતા એ વાત ગાંધીજીએ સ્વીકારી હતી. પણ એ બાબતમાં લાચારી પ્રદર્શિત કરીને તેમણે માલિકોને કહ્યું હતું કે મારા પ્રાણ બચાવવા ખાતર નહીં પણ મજૂરોની માગણીમાં તથ્ય લાગતું હોય તો જ સમાધાન કરજો. મજૂરોની માગણી આ બાબત લવાદને સોંપવાની જ હતી, માલિકોએ છેવટે શ્રી ધ્રુવને લવાદ તરીકે કામ કરવાનું સૂચન કર્યું તે મજૂરો વતી ગાંધીજીએ ખુશીથી સ્વીકારી લીધું. ગાંધીજીને શ્રી ધ્રુવની ન્યાયપ્રિયતા વિશે પૂરી શ્રદ્ધા હતી. બંને પક્ષે એક જ લવાદ નિમાયા. લવાદે વિષયનો પૂરો અભ્યાસ કર્યા પછી જે ચુકાદો આપ્યો તે પૂરો મજૂરોની માગણી મુજબનો જ હતો. ત્યારબાદ અમદાવાદમાં માલિક-મજૂરો વચ્ચેના વિવાદનો ઉકેલ લવાદીની મારફત લાવવાનો રિવાજ શરૂ થયો, જે આજ લગી ચાલુ છે. ગાંધીજી વિષે એક ગેરસમજૂતી એ પણ પ્રવર્તેે છે કે તેમણે દલિતો સારું ન કર્યું. બલ્કે દલિતોને અલગ મતદારમંડળ આપવા સામે તેમણે ૧૯૩૨માં આમરણ ઉપવાસ કર્યા અને તેથી બ્રિટિશ વડાપ્રધાને અલગ મતદારમંડળ આપવાનો જે નિર્ણય કર્યો હતો તે બદલવો પડ્યો. આ નિર્ણયને લાગે વળગે છે ત્યાં સુધી બ્રિટિશ વડાપ્રધાને એવું વલણ લીધું હતું કે દલિતો અને બિનદલિતો કોઈ સર્વસમ્મત નિર્ણય પર આવશે તો સરકાર પોતાનો ફેંસલો બદલીને બંને પક્ષે કરેલા નિર્ણય મુજબ કાયદો કરશે. સર્વસમ્મત નિર્ણય મુજબ જ પ્રસ્તાવિત કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ફેરફારથી દલિતોને લાભ થયો કે નહીં એ વિષે બે મત હોઈ શકે છે, અને આજે પણ છે. પરંતુ ગાંધીજીએ પોતાની જિંદગી દરમિયાન દલિતો સારુ કાંઈ જ ન કર્યું એવો અભિપ્રાય દર્શાવવો એ સાવ જુદી વસ્તુ છે અને આપણે અહીં એ ગેરસમજૂતીનો જ વિચાર કરી રહ્યા છીએ. ગાંધીજી સાવ નાનપણથી જ આભડછેટમાં માનતા નહોતા. તેમણે જાહેર જીવનની શરૂઆત કરી ત્યારે પોતાના ઘરમાં ‘અસ્પૃશ્ય’ કહેવાતા લોકોને રાખ્યા હતા. અને ઘરનાં બધાં કામકાજ તેઓ એમની જોડે જ બરાબરીને દરજ્જે કરતા. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તેમણે જ્યારે સાબરમતી નદીને કાંઠે આશ્રમ સ્થાપ્યો ત્યારે તેમાં એક દલિત કુટુંબને બીજાઓ જોડે વસાવ્યું હતું અને એ કારણે આશ્રમને મળતી મદદ બંધ થઈ જવાનો વારો આવ્યો ત્યારે તેમણે એમ નિર્ણય કર્યો હતો કે દલિતોના વાસમાં જઈને રહીશું. એ જેવું જીવન જીવે છે તેવું ગરીબાઈ ભરેલું જીવન જીવીશું, પણ દલિત કુટુંબને આશ્રમમાંથી અલગ તો કરી જ ન શકાય. આશ્રમવાસીઓમાં આ બાબત થોડી આનાકાની થઈ ત્યારે ગાંધીજી પોતાના સ્વજનોને છોડવા તૈયાર થઈ ગયા હતા, પણ દલિત કુટુંબને આ આશ્રમમાંથી અલગ કરવા તૈયાર નહોતા થયા. જાહેર જીવનમાં ગાંધીજીએ કરેલા આમરણ ઉપવાસને લીધે આખા દેશમાં અસ્પૃશ્યતાના કલંક બાબત જેટલી જાગૃતિ આવી હતી એટલી બીજા કશાયથી આવી નહોતી. દેશનાં સેંકડો મંદિરો દલિતો સારુ ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. અનેક ગામડાંઓમાં જાહેર કૂવાઓ એમને સારુ ખુલ્યા હતા અને અનેક નિશાળોમાં દલિતોને અલગ બેસાડવાનો રિવાજ ગયો હતો. ટૂંકમાં એ ઉપવાસથી અસ્પૃશ્યતા નાબૂદ તો નહોતી થઈ પણ તે અપ્રતિષ્ઠિત થઈ ગઈ હતી. આ ઉપવાસ પછી તરત તેમણે દેશમાં દલિતોની સેવાનાં કામો કરવા સારુ હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી અને મરણ પર્યંત એ કામને માટે ફાળો ઊઘરાવ્યો હતો. ગાંધીજીએ જાતે મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં મળમૂત્રની સફાઈ કરી હતી. એમના આશ્રમમાં તો બીજી સેવાઓની માફક એ કામ પણ તમામ આશ્રમવાસીઓ દ્વારા સ્વેચ્છાથી કરવામાં આવતું. સ્વરાજ આવ્યું ત્યારે દેશના પ્રથમ પ્રધાનમંડળમાં ગાંધીજીના આગ્રહને લીધે જ ડૉ. બાબાસાહેબ આંબેડકરને પ્રથમ કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને ગાંધીજીના આગ્રહને લીધે જ તેમને દેશનું બંધારણ ઘડનાર સમિતિમાં ચાવીરૂપ જવાબદારી સોંપવામાં આવી હતી. જીવનના છેલ્લાં દાયકામાં ગાંધીજીએ એવો આગ્રહ રાખ્યો હતો કે તેઓ પોતે એવા જ લગ્નોમાં હાજરી આપશે જ્યાં વરવધૂ બેમાંથી કોઈ એક દલિત અને બીજા બિનદલિત હોય. જ્ઞાતિવ્યવસ્થાને તોડવા સારુ ગાંધીજીને આંતરજ્ઞાતિય લગ્ન ઇષ્ટ લાગ્યાં હતાં. ગાંધીજીએ કેટલીક મહાન વ્યક્તિઓ પ્રત્યે અન્યાય કરેલો એમ પણ કહેવામાં આવે છે. ગાંધીજીએ જો ઇચ્છ્યું હોત તો તેઓ વીર ભગતસિંહને ફાંસીને માંચડે ચડતા બચાવી શક્યા હોત એવી વાત ફેલાવવામાં પણ આવે છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઈ એના થોડા વખત પહેલાં ગાંધી-અરવિન કરારો થયા હતા, તેને આધારે ગાંધીજીને આ મહેણું મારવામાં આવે છે. હકીકતમાં ગાંધી અરવિન વાટાઘાટો માત્ર સવિનય કાયદાભંગની લડાઈને લઈને જ થઈ હતી. પહેલેથી જ એ સમજૂતી હતી કે હિંસા, ભાંગફોડ વગેરેના આરોપસર જેના ગુના પુરવાર થયા હોય અને જેમને સજા થઈ હોય તેમને વિષેની ચર્ચા આ વાટાઘાટોમાં સામેલ નહીં હોય. ગાંધીજી ને વાઈસરૉય સવિનય કાયદાભંગ કરીને જેલમાં ગયેલા સાઠેક હજાર લોકો વિષે અને અહિંસક આંદોલન વિષે વાતચીત કરવા જ મળ્યા હતા. આમ છતાંય આ દિવસોમાં વાઈસરૉય સાથે આ લોકોને થયેલી ફાંસીની સજા વિષે ગાંધીજીએ કમસે કમ ચાર પાંચ વાર વાતચીત કરેલી અને પત્રો પણ લખેલા. ગાંધીજીએ વાઈસરૉયને એ સમજાવવાનો પ્રયત્ન કર્યાે હતો કે એમને જો ફાંસી નહીં થાય તો દેશમાં એવું વાતાવરણ સર્જાશે કે જેને લીધે કરારની બીજી શરતો પાળવામાં પણ અનુકૂળતા વધશે. પણ આ બાબત લોર્ડ અરવિને ગાંધીજીને મચક આપી નહોતી. એમની પણ કેટલીક લાચારીઓ હતી એવી સમજ વાઈસરૉયે ગાંધીજીને આપી હતી. કરાર પર સહી થયા પછી, દિલ્હી છોડતાં પહેલાં પણ ગાંધીજીએ ફરી એક વાર કમસે કમ ફાંસીની સજા બદલવાનો આગ્રહ કરતો પત્ર વાઇસરૉયને લખ્યો હતો, પણ તે વ્યર્થ ગયો હતો. ભગતસિંહને ફાંસીની સજામાંથી મુક્તિ અપાવવા એમના પરિવાર તરફથી કરવાની અરજીના પહેલા ખરડાને જોઈ ગાંધીજીએ કહેલું કે એના જેવા વીર પુરુષ માટે કરેલી અરજી આવી કાલાવાલા કરતી ભાષામાં ન થાય. એની વીરતાને શોભે એવી ભાષામાં તે ઘડાવી જોઈએ. એ અરજી છેવટે ગાંધીજીએ ઘડી આપી હતી. હિંસક પ્રવૃત્તિમાં વિશ્વાસ ધરાવનારા લોકો વિષે સામાન્યપણે ગાંધીજીનો મત એવો હતો કે તેઓ દેશ ખાતર ફના થનાર અને બહાદુર હતા. ગાંધીજી તેમના આ ગુણોના પ્રસંશક હતા, પણ તેમણે લીધેલા રસ્તા વિષે ગાંધીજીને પૂરો મતભેદ હતો. હિંસાને રસ્તે જો સ્વરાજ મળે તો પણ હિંસાને રસ્તે ચાલ્યું જાય એમ તેઓ માનતા હતા. સામાન્યપણે તેઓ માનતા હતા કે હિંસા દ્વારા કોઈ પ્રશ્નો ખરેખર ઊકલી શકતા નથી. ગાંધીજીએ જાણી જોઈને જ આ જુવાનોને છોડાવ્યા નહીં, એ વાત તો સાવ પાયા વગરની છે. પાછળનાં વર્ષોમાં બિનકૉંગ્રેસી સરકારોને સમજાવી અને હિંસાના આરોપસર પકડાયેલા લોકોને મળીને, ગાંધીજીને જેમના પર વિશ્વાસ થાય કે છૂટ્યા પછી તેઓ હિંસક પ્રવૃત્તિઓ નહીં કરે તેમને વિષે પોતે બાંહેધરી આપીને, ગાંધીજીએ એમને છોડાવવામાં કરેલા પ્રયત્નોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. દેવલી જેલમાંથી જયપ્રકાશ નારાયણ કેટલુંક લખાણ છૂપી રીતે બહાર મોકલવા જતાં ઝડપાઈ ગયા ત્યારે એ કાગળિયામાં કરવામાં આવેલ હિંસક બળવા વિષે સરકારે ખૂબ ઊહાપોહ કર્યો હતો. તે વખતે ગાંધીજીએ હરિજન પત્રોમાં એક જબરજસ્ત લેખ લખીને જયપ્રકાશજીનો બચાવ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે હિંસા એ કૉંગ્રેસે અપનાવેલો માર્ગ, અલબત્ત નથી પણ કૉંગ્રેસ એ બાબત ઘટતું કરશે. પણ સરકારને એમાં જયપ્રકાશ જેવા વીર પુરુષની નિંદા કરવાનો કોઈ હક નથી. એમના દેશમાં કોઈએ હિંસક ક્રાંતિની યોજના ઘડી હોત તો એને લોકો વીરપુરુષ તરીકે પૂજત. ભારતની મુક્તિ માટે કોઈ એવી યોજના ઘડે તો એની નિંદા કરવાનો કોઈ અધિકાર અંગ્રેજ સરકારને મળી જતો નથી. કૉંગ્રેસમાં કામ કરનારા સમાજવાદીઓએ ગાંધીજી વિષે એક ગેરસમજૂતી કરેલી. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજીએ દલિતોની જાગૃતિ, તેમની સેવા અને તેમના સંગઠન માટે હરિજન યાત્રા કરી ત્યારે ઘણા સમાજવાદી આગેવાનો એમ કહેતા હતા કે આમ કરવાથી ગાંધીજી સ્વતંત્રતા માટેની લડાઈનો મુખ્ય રસ્તો ચાતરી રહ્યા છે. દેશનું લક્ષ રાજનૈતિક સ્વતંત્રતાથી ખસેડીને ગાંધીજી સામાજિક પ્રશ્ન તરફ દોરી રહ્યા છે. પણ આ વિષય આખી લડાઈની વ્યૂહરચનાનો હતો. સ્વતંત્રતા માટેનું છેલ્લું આંદોલન ૧૯૩૦થી ૧૯૩૪ સુધી ચાલ્યું હતું. સાઠેક હજાર લોકો જેલમાં ગયા હતા. એમાંના ઘણાં એકથી વધુ વાર જેલમાં ગયા હતા. કાર્યકર્તાઓમાં થોડો થાક વર્તાતો હતો. ક્યાંક ક્યાંક આંદોલનોમાં અશુદ્ધિ આવતી, પણ ગાંધીજીએ ભાળી હતી. અસ્પૃશ્યતા નિવારણનો કાર્યક્રમ આપીને દેશના હજારો કાર્યકરોને શારીરિક-માનસિક આરામ આપવાની સાથે તેમને વિફળતાની લાગણીથી બચાવ્યા હતા. બીજી બાજુ ગાંધીજીએ જેલમાં કરેલા ઉપવાસને લીધે આખા દેશમાં એ બાબત જે જાગૃતિ આવી હતી એને નક્કર સ્વરૂપ આપવાની પણ જરૂર હતી. વળી બીજી બાબત હરિજન સેવાનું દેશવ્યાપી આંદોલન ઉઠાવીને ગાંધીજીએ કૉંગ્રેસનો દેશના સૌથી વંચિત વર્ગમાં પ્રવેશ કરાવી આપ્યો હતો. ‘અંત્યજ’ કહેવાતા લોકોમાંથી અનેક લોકો ત્યારે કૉંગ્રેસમાં કાર્યકર્તા બન્યા હતા. ત્યાર બાદ ૧૯૩૧માં થયેલી ચૂંટણી વખતે કૉંગ્રેસે ઘણીખરી અંત્યજ બેઠકો કબજે કરી હતી. આમ આ વ્યૂહરચનાથી ગાંધીજીએ કૉંગ્રેસને નબળી નહીં, પણ સબળી બનાવી હતી. સુભાષચંદ્ર બોઝ વિષે ગાંધીજીએ અખત્યાર કરેલા વલણ અંગે પણ ગેરસમજૂતી ફેલાયેલી છે. એ તો દેખીતું છે કે ગાંધીજી અને સુભાષબાબુએ સ્વીકારેલાં સાધનો સાવ જુદાં જુદાં હતાં. ગાંધીજી અહિંસામાં માનતા હતા. ગાંધીજી સશસ્ત્ર ક્રાંતિમાં માનતા ન હતા, ગાંધીજી દેશે પોતાની આઝાદીની લડત જાતે જ લડવી જોઈએ એમ માનતા હતા. સુભાષબાબુ આઝાદી સારુ વિદેશોની સૈનિક મદદ લેવામાં માનતા હતા અને બીજા વિશ્વયુદ્ધ વખતે આવી મદદ મેળવવાનો ઉત્તમ મોકો છે એમ માનતા હતા. આઝાદી પછીની સમાજ-રચના વિષે પણ ગાંધીજી અને સુભાષબાબુના વિચારો ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલા અલગ હતા. પણ તેની ચર્ચા અહીં પ્રસ્તુત નથી. ગાંધીજી વિષે જે ગેરસમજૂતી ફેલાયેલી છે તે તો મુખ્યત્વે કૉંગ્રેસ પ્રમુખ તરીકે સુભાષબાબુની બીજી વાર ચૂંટણી થઈ ત્યારે તેમણે સુભાષબાબુ સામે ઊભેલા ડૉ. પટ્ટાભિ સીતારામૈયા વિષે એવું લખાણ કર્યું હતું કે ‘પટ્ટાભિની હાર એ મારી હાર છે’ આ લખાણને કારણે ગેરસમજૂતી થઈ. સુભાષબાબુએ સ્વિત્ઝર્લેન્ડમાં સારવાર કરાવી રહેલા શ્રી વિઠ્ઠલભાઈની સારી મૈત્રી કેળવી હતી. એ બંને જણે એક સંયુક્ત નિવેદનમાં એમ જાહેર કર્યું હતું કે કૉંગ્રેસ આજ સુધી જે (અહિંસાને) રસ્તે ચાલી તે તે વખત પૂરતું યોગ્ય હતું. હવે એ રસ્તો બદલવાની અને તેની નેતાગીરીને પણ બદલવાની જરૂર છે, એની જગાએ પ્રગતિશીલ વિચારકો (સમાજવાદીઓ, સામ્યવાદીઓ તથા બીજા વામપંથીઓ) એ ભેગા થઈને દેશનું નેતૃત્વ કબજે કરવું જોઈએ. આ નિવેદન પછી સુભાષબાબુ દેશમાં આવ્યા ત્યારે ગાંધીજીએ ખાસ તેમને જ કૉંગ્રેસના પ્રમુખ બનાવવાનું સૂચવ્યું હતું. અને તેથી તેઓ હરિપુરા કૉંગ્રેસ વખતે પ્રમુખ નીમાયા હતા. કૉંગ્રેસના બંધારણ મુજબ પ્રમુખ પોતાની કારોબારી નીમે છે. તે વખતે સુભાષબાબુએ કારોબારીમાં ત્રણ સમાજવાદીઓને લીધા હતા. પણ કારોબારીની બહુમતી તો ગાંધીજીની નેતાગીરીને જ માનનારી હતી. એમના એક વર્ષના કૉંગ્રેસ-પ્રમુખ કાળમાં અવારનવાર આ બહુમતી જોડે તેમના મતભેદો પ્રગટ થતા. ત્યાર પછીના વર્ષમાં તેઓ બીજી વાર કૉંગ્રેસ-પ્રમુખ થવા ઇચ્છતા હતા. કૉંગ્રેસના બંધારણ મુજબ તેમને બીજી વાર ઉમેદવારી કરવાનો હક પણ હતો. કારોબારીની બહુમતીએ એ વર્ષે મૌલાના આઝાદનું નામ સૂચવેલું ત્યારે સુભાષબાબુએ પોતાની ઉમેદવારી નોંધાવેલી. પોતાના નામની મૂક સમ્મતિ આપ્યા બાદ સાવ છેવટની ઘડીએ મૌલાના ઉમેદવારીમાંથી ખસી ગયા હતા. આ પ્રસંગે જવાહરલાલજીનું નામ પણ સૂચવાયેલું. પણ તેઓ પ્રમુખ થવા રાજી નહોતા. સાવ છેલ્લી ઘડીએ મૌલાનાએ પોતાનું નામ મૂકવાની ઘસીને ના પાડી ત્યારે સરદાર પટેલની આગેવાની હેઠળ કારોબારીની બહુમતીએ ડૉ. પટ્ટાભિનું નામ સૂચવ્યું અને ઘણી આનાકાની પછી તેમણે પોતાનું નામ મૂકવાની સમ્મતિ આપી. ગાંધીજી આ આખા મામલા વખતે ચૂપ હતા. કૉંગ્રેસની મહાસમિતિએ પ્રચંડ બહુમતીથી સુભાષબાબુને ચૂંટ્યા હતા. ગાંધીજીએ ત્યારબાદ આ નિવેદન બહાર પાડ્યું હતું કે બહુમતીથી ચૂંટાયેલા સુભાષબાબુએ જ કાર્યભાર સંભાળવો જોઈએ. વૈચારિક રીતે પટ્ટાભિના વિચારો ગાંધીજી સાથે મળતા આવતા હતા તેથી તેમણે લખ્યું હતુ કે પટ્ટાભિની હાર એ મારી હાર છે. પરંતુ ગાંધીજીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સુભાષબાબુએ પોતાને અનુકૂળ આવે તેવી કારોબારી નીમવી જોઈએ અને પોતાની રીતે કૉંગ્રેસનો કારભાર સંભાળી કામકાજ આગળ ચલાવવું જોઈએ. હવે એ હકીકત સાચી હતી કે મહાસમિતિના મોટાભાગના સભ્યો પટ્ટાભિની સરખામણીમાં સુભાષબાબુને વધુ પસંદ કરતા હતા. પણ સાથે સાથે તેઓ ગાંધીજીની દોરવણી પણ ચાહતા હતા. તેથી તેમણે એવો ઠરાવ કર્યો કે નવા પ્રમુખ ગાંધીજીને પૂછીને પોતાની કારોબારી નીમે. ગાંધીજી તે વખતે રાજકોટમાં હતા. આ ઠરાવ ત્રિપુરામાં થયો હતો. સુભાષબાબુએ જ્યારે આ બાબત ગાંધીજીનો સંપર્ક સાધ્યો ત્યારે ગાંધીજીએ એ વાતનો આગ્રહ રાખ્યો કે સુભાષબાબુએ પોતાની મનપસંદ કારોબારી જ નીમવી જોઈએ. અને એમની પોતાની યોજના મુજબ સંસ્થાને લઈ જવી જોઈએ. કૉંગ્રેસ કારોબારીની બહુમતી સુભાષબાબુ સાથે નહોતી. એટલે તેઓ મુશ્કેલીમાં મુકાયા. છેવટે તેમણે પ્રશ્નને મહાસમિતિ આગળ લઈ જવાનું ઠરાવ્યું. એમના ટેકાથી તેમણે નવેસરથી ચૂંટાવાનું ઠરાવ્યું. મહાસમિતિની બેઠક કલકત્તામાં મળી. સુભાષબાબુના સમર્થક, પણ મહાસમિતિના સભ્ય નહીં એવા લોકો સમિતિના પંડાલની આસપાસ સૂત્રોચ્ચાર કરતા આંટાફેરા કરતા હતા. આ વખતે મહાસમિતિએ નવા પ્રમુખ તરીકે રાજેન્દ્રપ્રસાદને ચૂંટ્યા. ત્યાર બાદ સુભાષબાબુ ગુપ્ત રીતે દેશની સીમા ઓળંગીને ચાલ્યા ગયા. તેમણે જર્મની જઈને હિટલરના ટેકાથી સેના ઊભી કરવાની યોજના તેની આગળ મૂકી. હિટલરે ઘણા દિવસો સુધી સુભાષબાબુને મુલાકાત જ ન આપી ને જ્યારે મુલાકાત આપી ત્યારે સુભાષબાબુને દાદ ન આપી. માત્ર જર્મનીથી ચાલુ યુદ્ધે મહાસાગરના જળમાં સબમરીન મારફત જાપાન પહોંચાડી આપ્યા. જાપાનની સરકારે હિંદી લોકોએ આઝાદ હિંદ ફોજ બનાવવાના વિચારને ટેકો આપ્યો. પણ તે લોકોએ ઘણી જગાએ આઝાદ હિંદ ફોજને આગળ રાખી ને જાપાની ફોજને પાછળ પાછળ ચલાવી. જૂના જમાનામાં સેનાઓ કિલ્લાના દરવાજા ખોલવા જેમ ઊંટની ફોજને આગળ રાખી તેને મરવા દઈ તેની પાછળ હાથીઓના વજનથી દરવાજાની ભોગળો તોડી કિલ્લામાં બાકીની સેનાને ઘુસાડતા, તેવું જ કાંઈક અંશે જાપાની સેનાએ કર્યું. પરંતુ એ ઇતિહાસ આપણો અત્યારનો વિષય નથી. અહીં તો આપણે એટલું જ સમજવાની જરૂર છે કે સિદ્ધાંત અંગે તીવ્ર મતભેદ હોવા છતાં, ગાંધીજી અને સુભાષબાબુને પરસ્પર માન હતું. ગાંધીજીને નામે પાઠવેલા એક સંદેશામાં સુભાષબાબુ પોતાના વિચારો બાબત અડગ રહી છેલ્લે લખે છે. “રાષ્ટ્રપિતા! હિંદની આઝાદીની આ પવિત્ર યુદ્ધમાં અમે આપની શુભેચ્છાઓ અને શુભાશિષની યાચના કરીએ છીએ.” ગાંધીજીએ તો વર્ષો પહેલાં સુભાષબાબુને કહ્યું હતું કે તમે ખોટે રસ્તે છો. પણ એ રસ્તે જ તમે જો હિંદને આઝાદ કરાવી શકશો, તો અભિનંદનનો સૌથી પહેલો તાર તમને મારો મળશે. યુદ્ધ દરમિયાન અકસ્માતમાં સુભાષબાબુના મરણના સમાચાર આવ્યા ત્યારે ગાંધીજીએ એમનાં માતાજીને સાંત્વનાનો તાર કર્યો હતો. અમેરિકન પત્રકાર લુઈ ફિશરે પોતાની મુલાકાત દરમિયાન ગાંધીજીને આ વિષે પૂછ્યું હતું કે આપે ફાસીવાદીઓને ટેકો આપનાર માણસના મરણ નિમિત્તે આશ્વાસનનો તાર કેમ પાઠવ્યો? ત્યારે ગાંધીજીએ “એના વિચારો સાથે ભલે હું સમ્મત ન થતો હોઉં પણ એનો દેશપ્રેમ કોઈથી પણ ઓછો નહોતો.” એક ગેરસમજૂતી એવી પ્રવર્તે છે કે દેશના ભાગલાને માટે ગાંધીજી જ જવાબદાર હતા. આનાથી વધુ સત્યથી વેગળી વાત ભાગ્યે જ હોઈ શકે. આ જાતની ગેરસમજૂતી ગાંધીજીની હત્યા પછી રીતસર ફેલાવવાના પ્રયાસો પણ થયા છે. આવી તો અફવાઓ જ હોઈ શકે. આ જાતની ગેરસમજૂતી ગાંધીજીની હત્યા પછી રીતસર ફેલાવનાર ગાંધીજીની હયાતી દરમિયાન જાહેરમાં આ વિષયની ચર્ચા ટાળતા રહ્યા, અને એમના ગયા પછી પણ તેમણે એને વિષેની જાહેર ચર્ચાને ટાળી હોય એમ લાગે છે. હા, એકવાર શ્રી અટલબિહારી બાજપેયી જ્યારે મોરારજીભાઈના પ્રધાન મંડળમાં વિદેશ મંત્રી હતા ત્યારે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સભાગૃહમાં યોજાયેલી એક સભામાં પ્રમુખ તરીકે બોલતાં તેમણે કહેલું કે ‘અમે લોકો પણ ઘણા વખત સુધી એમ માનતા હતા કે આ દેશના ભાગલા સારુ ગાંધીજી જવાબદાર હતા, પણ કટોકટી દરમિયાન જેલમાં જે વાચન કરવાનો મોકો મળ્યો ત્યારે અમને સમજાયું કે એને માટે જવાબદાર ગાંધીજી નહીં પણ બીજા જ હતા.’ દેશના ભાગલાના વિચારને ૧૯૪૦થી ૧૯૪૫ સુધી કોઈએ નિરંતર ટેકો આપ્યો હોય તો તે મહમદ અલી ઝીણાની આગેવાની હેઠળ મુસ્લિમ લીગે. અંગ્રેજ સરકારની નોકરશાહીમાં કેટલાક લોકોનો ભાગલાના વિચારને નિશ્ચિત ટેકો હતો, જોકે એ લોકો ખુલ્લામાં ટેકો નહોતા આપતા, પણ ખાનગી રીતે મુસ્લિમ લીગને ટેકો આપતા હતા. એનું એક કારણ કદાચ એ હોય કે ત્રીસ વરસોથી આઝાદીની લડાઈ લડનાર કૉંગ્રેસના તેઓ પાકા વિરોધી થઈ ગયા હતા. માઉન્ટબેટન જ્યારે વાઈસરૉય તરીકે ભારત આવ્યા ત્યારે ભારત પરની બ્રિટિશ સત્તા છોડવાનો તેમને આદેશ હતો. તેમ કરવામાં દેશના ભાગલા પાડવા પડે તો તેમ પણ કરવાની તેમને છૂટ હતી. જોકે ઇંગ્લેન્ડને દક્ષિણ પૂર્વ એશિયામાં ભારત જેવી એક સત્તા હોય તો તે વધુ અનુકૂળ આવે એમ હતું. પણ ભાગલા અનિવાર્ય લાગે તો તેમ કરીને ૧૯૪૮ના જૂન સુધીમાં ભારતમાંથી બ્રિટિશ સત્તાના ઉચાળા ભરી લેવાનો માઉન્ટબેટનને આદેશ હતો. કૉંગ્રેસ ભાગલાની વિરુદ્ધ હતી. પણ તેને રોકવા જતાં જો દેશમાં આંતર્વિગ્રહ જેવી પરિસ્થિતિ સર્જાય તો તે વહોરી લેવાની કૉંગ્રેસના આગેવાનોની તૈયારી નહોતી. મુસ્લિમ લીગ ભાગલાની માગણી પૂરી કરવા આંતર્વિગ્રહ વહોરી લેવા તૈયાર હતી. ભાગલા ન પડવાને લીધે જો યથાસ્થિતિ ચાલુ રહેવાની હોય તો ગાંધીજીની કૉંગ્રેસ સાથે મળીને એક બીજી અહિંસક લડાઈ લડી લેવાની તૈયારી હતી. પણ એવી તૈયારી કૉંગ્રેસના નેતાઓની નહોતી. પણ પ્રથમ ભાગલા તો ન જ પાડવા દેવા, અથવા ભાગલા અંગે કંઈક સોદાબાજી કરવી જ પડે તો જે સિદ્ધાંત મુજબ હિંદના ભાગલાની વાત મુસ્લિમ લીગ કરતી હતી તે જ સિદ્ધાંતને લાગુ પાડીને પંજાબ અને બંગાળના પણ ભાગલા પાડવાનો આગ્રહ રાખવો એવી કૉંગ્રેસની વ્યૂહરચના હતી. ગાંધીજી પંજાબ અને બંગાળના ભાગલાની પણ વિરુદ્ધ હતા. એ વિચાર સ્વીકારવાથી આખા દેશના વિભાજન અંગેનો તર્ક સ્વીકારાઈ જતો તેમને દેખાતો હતો. પણ કૉંગ્રેસે ગાંધીજી સાથે કોઈ પણ પ્રકારની મસલત કર્યા વિના આ વાત ઉપાડી હતી. અને બંગાળમાં કાંઈક વિશેષ અને પંજાબમાં એનાથી સહેજ ઓછે અંશે પોતપોતાના પ્રાંતના ભાગલા અંગે વિરોધ હતો તેને ન ગણકારીને કૉંગ્રેસે આ વિચાર વહેતો મૂક્યો હતો. ભાગલાને લીધે જાનમાલની વધુમાં વધુ ખુવારી આ બે પ્રદેશોમાં જ થઈ હતી. સ્વરાજ પછી લગભગ તેરેક વર્ષ બાદ બે જાણીતા પત્રકારો સમક્ષ કબૂલાત કરતા માઉન્ટબેટને કહ્યું હતું કે વસ્તીની ફેરબદલી આવી ભયાનક લોહિયાળ થશે એની કલ્પના તે વખતના પંજાબ, બંગાળ કે વાયવ્ય સરહદ પ્રાંતના ત્રણે અંગ્રેજ ગર્વનરોને નહોતી. ઝીણા અને લિયાકત અલી ખાનનેય નહોતી. નહેરૂ અને પટેલને પણ નહોતી. માત્ર ને માત્ર એક માણસે એકથી વધારે વખત તેમને આ ખુવારી અંગે ચેતવ્યા હતા, તે હતા ગાંધી. બે પ્રાંતોના ભાગલા સહિત, દેશના વિભાજન અંગે સહી સિક્કા થઈ ગયા પછી જ ગાંધીજીને એની જાણ થઈ હતી. ત્યાર બાદ પણ ગાંધીજીએ એક સૂચન એવું કર્યું હતું કે જેને લીધે ભાગલાની યોજનામાં અવરોધ આવવાની શક્યતા હતી. તેમણે કહ્યું હતું કે ભાગલા પાડવાનો સિદ્ધાંત તો હવે સ્વીકારાઈ ગયો છે. હવે તે ભાગલા કેવી રીતે અને કયા ધોરણોથી પાડવા તે નક્કી કરતી વખતે અંગ્રેજો વચમાં ન રહે. બંને બાજુના નેતાઓ સાથે બેસીને આપસ આપસમાં આ નક્કી કરે. પણ ગાંધીજીના આ સૂચનને તો કૉંગ્રેસની કારોબારીએ પણ અવ્યવહાર્ય ગણ્યું હતું. તેને એ સમજાયું નહોતું કે આની અવ્યવહાર્યતા જ ભાગલા કેવા નિરર્થક હતા એ સિદ્ધ કરી દેતી હતી. પરંતુ કાળના પ્રવાહને ગાંધીજી રોકી નહોતા શક્યા. જો કે ગાંધીજીએ પોતે તો ભાગલાને માન્યતા નહોતી જ આપી. તેમની યોજના દેશનો જે ભાગ પાકિસ્તાન બન્યો હતો ત્યાં જવાની હતી. એની તૈયારી કરવા તેમણે કેટલાક સાથીઓને સિંધ અને પંજાબ પણ મોકલ્યા હતા. કલકત્તાથી પંજાબ જતાં સરદાર પટેલ જેવા સ્વજનોએ તેમને એમ કહીને રોક્યા હતા કે જ્યારે દિલ્હી સળગતું હોય, ત્યારે પંજાબ જઈને શું કરશો? તેને લીધે ગાંધીજી દિલ્હી રોકાયા હતા. કાળે તેમને રોક્યા હતા, પણ કાળ આગળ તેઓ ઝૂક્યા નહોતા. ગાંધીજી સાથે ચર્ચા કરવાની ટાળીને એમના પ્રાણ લઈને પોતાની વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરનારાઓને શું કહેવું ? કોર્ટમાં હત્યારાની મુખ્ય દલીલ એ હતી કે ગાંધીજી મુસલમાનોનો જ પક્ષ તાણતા હતા અને હિંદુઓને અન્યાય કરતા હતા. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાં તો તેમણે દક્ષિણ આફ્રિકામાં હિંદુ અને મુસલમાન જ માત્ર નહીં, પણ ખ્રિસ્તીઓ, યહુદીઓ, પારસીઓ વગેરેની આગેવાની કરી હતી. ત્યાંના છેલ્લા અને સફળ સત્યાગ્રહમાં બે મુદ્દાઓ અંગે લડાઈ હતી. એક મુદ્દો હતો લગ્ન અંગેના કાયદાનો વિરોધ કરવાનો. આ વિરોધ હિંદુ મુસલમાન બંનેએ કર્યો હતો. એ સત્યાગ્રહમાં બીજો મુખ્ય મુદ્દો ત્રણ પાઉંડનો કર નાબૂદ કરાવવાનો હતો. તે બધા હિંદીઓને સરખો લાગુ પડતો હતો પણ તે વધુમાં વધુ કનડતો હતો સૌથી ગરીબ એવા ગિરમીટિયાઓને જેમાં ભારે મોટી બહુમતી હિંદુઓની હતી. ગાંધીજીએ ટેકો આપ્યો હતો જે જે પણ હિંસાના શિકાર થતા હતા તેમને, નહીં કે કોઈ એક કોમને. ગાંધીજીએ મુસલમાનોને જ ટેકો આપ્યો હતો એમ કહેનારા ખૂબ સગવડપૂર્વક એ ભૂલી જાય છે કે નોઆખલીમાં કોણ કોને મારી રહ્યું હતું. નોઆખલીમાં હિંદુઓએ માર ખાધો હતો, ગાંધીજી એમના આંસુ લૂછવા અને તેમને નિર્ભયતાના પાઠ પઢાવવા ભારે કષ્ટો અને જોખમો વહોરીને ફર્યા હતા. બિહારમાં બાજી એનાથી ઊલટી હતી. ત્યાં હિંસા ને ક્રૂરતાના શિકાર મુસલમાનો થયા હતા, એટલે ગાંધીજીએ એમને ટેકો આપ્યો હતો. ગાંધીજીએ ૧૯૪૮માં દિલ્હીમાં કરેલા ઉપવાસમાં ઉપવાસ છોડવાની શરતોમાં એક શરત એ હતી કે વિભાજન વખતે થયેલા વહેંચણી અંગેના નિર્ણય મુજબ ભારતે ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપી દેવા જોઈએ. એક આંતર્રાષ્ટ્રીય કરારના ભંગથી દેશની બદનામી થાય એની ગાંધીજીને ચિંતા હતી. પણ ગાંધીજીની હત્યાનું સમર્થન કરનારાઓ તો આ વાતને એટલે સુધી તાણી જાય છે કે એ જ કારણસર એમની હત્યા કરવામાં આવી હતી. પણ આ તર્ક કરનારાઓએ એ વાત ભૂલવી ન જોઈએ કે ૫૫ કરોડની વાત તો ગાંધીજીની હત્યા પહેલા થોડા દિવસ પહેલાં જ ઉદ્ભવી હતી. જ્યારે ગાંધીજીની હત્યાના પ્રયાસો તો વર્ષોથી થતા આવ્યા હતા. ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ને દિને કરવામાં આવેલું કૃત્ય માત્ર એક ઘટનાને લીધે ઉત્પન્ન થયેલા આવેશને લીધે નહીં, પણ વર્ષોથી ઠંડે કલેજે કરવામાં આવેલા ષડયંત્રને પરિણામે હતું એમ લાગે છે. છેલ્લા ૧૪ વર્ષોમાં હત્યાના થયેલા ઓછામાં ઓછા છ પ્રયાસોમાંથી ત્રણમાં તો છેલ્લી વારના હત્યારાનો આગળ પડતો ભાગ હતો તે પણ વિસરાવું ન જોઈએ અને એ પણ ભૂલાવું ન જોઈએ કે વર્ષો પહેલાં ‘અગ્રણિ’ નામના મરાઠી સામયિકમાં ગાંધીજીએ ૧૨૫ વરસ જીવવાની પોતાની આકાંક્ષા વ્યક્ત કરી તેનો ઉલ્લેખ કરીને ‘અગ્રણિ’ના તંત્રીએ એવી નોંધ કરી હતી કે ‘પણ જીવવા દેશે કોણ ? એ તંત્રી અને એ લેખક હત્યારો પોતે જ હતો.’ ગાંધીજીના ગયા પછી એમને વિષે એક ગેરસમજૂતી કરતાં એમણે કરેલા ખોટા નિર્ણય તરીકે એક વાત ચર્ચાતી રહે છે કે ગાંધીજીએ સરદાર પટેલને દેશના વડાપ્રધાન બનાવવાને બદલે જવાહરલાલજીને વડાપ્રધાન બનાવ્યા તે ગાંધીજીના જીવનની મોટામાં મોટી ભૂલ હતી. આમ કહેનારા એ વાત તો સમજતા જ હશે કે ગાંધીજીએ કોઈને વડાપ્રધાન બનાવ્યા નહોતા. પણ એમ કહેવાય છે કે તેમણે જો પોતાનું વજન જવાહરલાલના પક્ષમાં ન નાખ્યું હોત તો કૉંગ્રેસના મોટાભાગની સમિતિઓએ તો સરદાર પટેલનું નામ જ સૂચવ્યું હતું. વાસ્તવિકતા એ હતી કે ૧૯૪૬ પછી ગાંધીજીની વાત પ્રશ્નકર્તા માને છે એટલી કૉંગ્રેસમાં મનાતી નહોતી. ‘મારું માને છે કોણ ?’ એવા ઉચ્ચારો પણ ગાંધીજીએ આ દિવસોમાં જાહેરમાં કર્યા હતા. પણ એ વાતને અલગ રાખીને પણ આ પ્રશ્ન અંગે વિચાર કરી લઈએ. આ પ્રશ્ન અંગે અલગ અલગ લેખકોએ અલગ અલગ ઉત્તર આપ્યો છે. કદાચ એનું છેવટનું સમાધાન તો ગાંધીજી આપણી વચ્ચે હોત તો જ કરાવી શક્યા હોત. આ પ્રશ્ન અંગે આ લેખકનો વિચાર નીચે મુજબ છે. છેલ્લાં વર્ષોમાં, ખાસ કરીને ગાંધીજીને જ્યારથી એ વાતની ગંધ આવી ગઈ હતી કે સ્વરાજ નક્કી આવે છે અને કદાચ એ ભાગલારૂપી કિંમત ચૂકવીને આવશે, ત્યારથી ગાંધીજીનું મન આવી કટોકટીને સમયે દેશમાં શાંતિ જળવાઈ રહે અને સ્વરાજ આવ્યા પછી દેશની સ્થિરતા જળવાઈ રહે એની ઉપર જ મંડાયું હતું. આવનાર સ્વરાજ ગાંધીજીના સપના મુજબનું તો નહોતું જ એ નક્કી હતું. પણ જે સ્વરાજ આવ્યું હતું તેમાં પ્રથમ શાંતિ જળવાય અને પછી ભવિષ્યમાં દેશમાં સ્થિરતા જળવાઈ રહે એની ઉપર ગાંધીજીનું ચિત્ત ખોડાયેલું હતું. શાંતિ-સ્થાપનાના મહાન પ્રયોગો તેમણે નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હીમાં કર્યા. કલકત્તાના ઉપવાસ પછી ગવર્નર જનરલ માઉન્ટબેટને વાજબી રીતે જ એમને લખ્યું હતું કે “પશ્ચિમમાં અમારા ૫૫૦૦૦ સૈનિકો તૈનાત છે. પૂર્વમાં અમારી સેના એક માણસની છે. લશ્કરના સેનાપતિ અને વહીવટકર્તા તરીકે મને, ૫૫૦૦૦ની અમારી સેના જે કામ પાર પાડી નથી શકી તે કામને એક માણસની સેનાએ પાર પાડ્યું. તે બદલ અભિનંદન આપવા દો.” સ્વરાજ પછી દેશની સ્થિરતા એ ગાંધીજીનો બીજો મુખ્ય પ્રશ્ન હતો. ગાંધીજીના મનમાં સરદારની ઉંમર અને તબિયત બંનેનો ખ્યાલ હતો. વર્ષોથી સરદાર પટેલ ગાંધીજીના દરદી હતા. અને તેમની તબિયત લથડી ગઈ હતી. એનું ગાંધીજીને ભાન હતું. દેશનો પહેલો વડાપ્રધાન જો ઝાઝો સમય ટકે નહીં તો એમના પછી વારસો કોણ સંભાળે એને અંગેના કજિયા પણ થાય. નહેરુ સરદારની સરખામણીમાં તરુણ અને તબિયતે સાજા હતા. સરદાર ખરેખર જ સ્વરાજ પછી અઢી વર્ષે ગયા જ્યારે નહેરુ સત્તર વર્ષ સુધી રહ્યા, અને તેમણે દેશને સ્થિરતા આપી એ હકીકતને કોઈ અવગણી ન શકે. સ્થિરતાની દૃષ્ટિએ ગાંધીજીએ એ વિચાર પણ કર્યો હોય તો નવાઈ નહીં કે સરદાર સૈનિક સ્વભાવના હતા. કોઈ પણ જગા પર રહીને તેઓ દેશની સેવા કરી શકે એમ હતા. તેમણે તેમ કરી પણ બતાવ્યું હતું, જ્યારે નહેરુનો સ્વભાવ કદી બીજા સ્થાને રહેવાનો નહોતો. એ પણ ખ્યાલ રાખવા જેવો છે કે પોતે મર્યા તેની થોડી ક્ષણો પહેલા જ થયેલી મુલાકાતમાં ગાંધીજીએ સરદારને જવાહરલાલજીની સાથે રહીને દેશની બાગડોર સંભાળવાની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે પ્રાર્થના પત્યા પછી મળવા આવનાર પં. નહેરુને પણ તેઓ એ જ સલાહ આપવાના હતા.