સોનાનાં વૃક્ષો/ચાલ, વૃક્ષને મળવા જઈએ
ચાલ, વૃક્ષને મળવા જઈએ
તડકો છાંયો કળવા જઈએ, ચાલ વૃક્ષને મળવા જઈએ
સીમ સાંજની ગુલાલ વરણી, ચાસે ચાસે ઢળવા જઈએ
અંધારામાં ઝાલર વાગે; ચાલ, દીવો થૈ બળવા જઈએ
જળમાં જો દીવા ઝગમગતા, બે’ક ઘડી ઝળહળવા જઈએ
દિવસ રાતની ઘંટી ફરતી, મનના દાણા દળવા જઈએ
ગાય ભાંભરે : હશે ક્યાંક એ; ચાલ ક્હાનને મળવા જઈએ
તડકો પ્હેરી ખેતર ઊભાં, દૂધમલ દાણે ભળવા જઈએ
ફૂલો ગાતાં કૈં યુગોથી, સુગંધને સાંભળવા જઈએ
જે છાતીમાં ડૂમો – ડૂસકાં : એનામાં ઓગળવા જઈએ
ચાલ, મૂકી દે તસબી માળા : મૂળ માટીમાં ભળવા જઈએ.