સોનાનાં વૃક્ષો/અશોકને ફૂલ આવ્યાં છે

૧૧. અશોકને ફૂલ આવ્યાં છે
Sonanam Vruksho - Image 16.jpg

વૃક્ષો મને કદીય અબોલ નથી લાગ્યાં. પવનની ગેરહાજરીમાંય એ તો નીરવ સંવાદ કર્યા કરે છે – જાત સાથે. વૃક્ષોની નિજરતતા મને ગમે છે. એમની એ સહજ મુદ્રાથી પાનખરમાંય એ નર્યાં નોખાં ને નરવાં લાગે છે. આમ તો એ સંચેતનાનો અવતાર, પણ મને એ હંમેશાં ઋતુઓનાં સંતાનો તરીકે જ દેખાયાં – પમાયાં છે. ઋતુનાં સંવાહકો છે તરુવરો. લોકરીતિમાં મારે એમની ભાષાને હેત–ભાષા લેખાવવી જોઈએ. પણ એમની ભાષા તો મોસમી ભાષા છે. પાંદડાં – ફૂલોને એમના વર્ણાક્ષરો કે શબ્દો કહેવા જેટલા કૃતક ન થઈએ તોય એમનાં વાણી–વાદ્યો છે એમ કહ્યા વિના રહી શકાતું નથી. એમના સ્વર–સંધાનના એ ઉપકરણો છે. પાંદ અને પુષ્પોની ભાષા નહીં સમજનાર વૃક્ષોને પામી શકતો નથી. દિવસમાં મને માણસોને મળ્યા વિના વખતે ચાલીય જાય છે પણ વૃક્ષોને મળ્યા વિના મારો દિવસ જતો નથી. એમની છાંયામાં હું મારા હોવાનો અહેસાસ પામું છું એટલું જ નહિ, સૃષ્ટિના સહઅસ્તિત્વની અનિવાર્યતા સમજું છું.. કોઈક અલખની એંધાણી, વિલસતી ચેતનાને પામું છું. જીવવાનો આધાર અને આવતીકાલની જેટલી શ્રદ્ધા મને વૃક્ષો પાસેથી મળે છે એટલી માનવજાત પાસેથી નથી મળતી. વસંતના દિવસોમાં પાન ખેરવીને ઊભેલાં વૃક્ષો સૃષ્ટિના કોઈક અદૃષ્ટ ચિતારાએ કરેલાં જાતભાતનાં રેખાચિત્રો ભાસે છે. એમની જાડી પાતળી ડાળીઓ અને જાળી જેવી ડાળખીઓ! ધરતીને લીધા–દીધાનો હિસાબ આપીને દેવામુક્ત થઈ ઊભેલા શાહુકાર જેવાં એ શાણાં લાગે છે. ખરી જવાની પીડાએ એમને દુનિયાદારી શીખવી હોય એમ એ ઠાવકાં દેખાય છે. એમની આરપાર દેખાતાં સૂરજ–ચાંદા–તારા–નક્ષત્રો– તડકા–અંધકાર અને નિરવધિ આકાશને જોતાં જોતાં હું એમની છિન્ન છાયામાં ચાલ્યા કરું છું. આવી વસમી વેળામાંય એમની સ્નેહમુદ્રા કદી વિચલિત થતી નથી. હું વૃક્ષોના પ્રેમમાં પડું છું – વળી વળીને ધરતીનાં ખરાં સંતાનો તો વૃક્ષો જ. માટી સાથેનો નાતોય એમનો જ. માણસ તો સ્વાર્થ પૂરતો સંબંધાય છે પ્રકૃતિથી. પણ ખરી પ્રકૃતિ તો આ તરુવરો છે. માટીનાં જાયાં છે એ, માટી સાથે સાચકલો નાતો એમનો જ. એક પગે ઊભાં રહીને તપ કર્યા કરે છે. કશે ગયા વિના વિકસે છે, વિસ્તરે છે. માટીની શક્તિ, માટીનાં રૂપરંગ અને માટીની માયાને વિસ્તાર્યા કરતાં વૃક્ષોથી મોટું કશું નથી આ વિશ્વમાં, માનવજાતથીય વધુ બહોળા કુળમૂળ છે એમનાં. સંતો – ઋષિઓનો એ અવતાર. દેવોય એમના દાસ. રહસ્યોનું રહસ્ય છે આ તરુવરો... રંગો દ્વારા કેટકેટલું સૂચવતાં રહે છે. સુગંધો વડે પરખાવતાં માટીની માંહ્યલી વાત. ફળોમાં રાગ ભરીને એ ઊભાં હોય સ્વયં વિરાગી મુદ્રામાં, અનાસક્ત યોગી જેવાં! હર્યાંભર્યાં, મોહી લેતાં ને નિર્મોહી થવાની શીખ આપતાં ઊભાં છે એ બધે! જળસ્થળની વચાળે. ફાગણના દિવસોમાં એક નવા વૃક્ષરાજનો સમ્પર્ક થયો. મુંબઈ નગરીમાં એ ફૂલોથી ભરપૂર છે. નીતિન મહેતાએ એની સમ્મુખ કરીને કહ્યું કે આ પનરવો છે... અઢળક ફૂલે લચી પડ્યાં છે. અસંખ્ય પનરવાઓ! જાણે કેસૂડાનો પૂર્વજ. કેટલાક પનરવા પીપળા–વડ જેવા મહાકાય તો કેટલાક સાવ શિશુ અવસ્થામાં! પણ ફૂલો તો બંનેને સોહાવતાં હતાં. જયદેવ શુક્લ દરેક પત્રમાં વૃક્ષો–વેલીઓ–પુષ્પો–પ્રકૃતિની વાત લખે – એવા જ રંગોમાં લખે. એણે લખ્યું કે વડોદરા–છાણીના સ્ટેન્ડ પાસે રાતોચોળ પનરવો જોયો – વળી ઉમેર્યું આ પનરવો એ જ મંદાર વૃક્ષ! હું વનપ્રદેશનો પડોશી હોવા છતાં હજી બધાં વૃક્ષોને ઓળખતો નથી. ભોળાભાઈ પટેલે ગયે વર્ષે કહેલું કે આપણું શાલવૃક્ષ તે જ અર્જુનવૃક્ષ. મારે ગામડે પારિજાતને શાળિયાં કહે છે! સંસ્કૃતમાં શાલ્મવૃક્ષ તે જ આપણો ફાગણિયા રંગે રંગાયેલો શીમળો. સહકાર એટલે આમ્રવૃક્ષ – આંબો! અહીં લોક જેને નાગચંપો કહે છે તે છે કૈલાશપતિ! આસોપાલવને જ અશોકવૃક્ષ ગણાવનારા નિષ્ણાતોય છે. પણ વલ્લભવિદ્યાનગરના કેમ્પસમાં ત્રણેક વૃક્ષો છે અશોકનાં! મેં મિત્રોને લખ્યું છે કે આજકાલ અશોકવૃક્ષ ફૂલોથી લચી પડ્યું છે આ વિરલ દૃશ્ય માણવા–સુંઘવા આવો; હું રાહ જોઉં છું. જીવનની સંકડામણમાં માણસોને તો ભાગ્યે જ ઋતુબોધ થાય છે. અહીં તો ઋતુઓ વૃક્ષે વૃક્ષે આવી બેસે છે ને પોતાની જાહેરાત કર્યા કરે છે. ફાગણના આ કેફલ દિવસોમાં અમે મિત્રો કેસૂડાંને માત્ર યાદ કરતા નથી, જનવિરલ જગ્યાઓમાં જઈને પલાશવનોમાં રખડીએ છીએ – દૂર વિજયનગરના પહાડોમાં – હરણાવ નદીને કાંઠે કાંઠે! કેસૂડા વ્યારાની રેલવે લાઈને જોયેલા, કલકત્તાના મેદાનમાં શીમળા કૈંક પીળચટા હતા પણ કેસૂડાં તો એવાં જ અસલ મિજાજમાં જોયેલાં. હજી ગઈકાલે જ શીમળા જોવા હું અહીંથી દૂરની સીમમાં નીકળી ગયો હતો. હાઈવેની ધાર પર ચીખોદરા ચોકડીથી જરા આગળ બેત્રણ તોતિંગ શીમળા મહોર્યા છે. નિષ્પત્ર, કાંટાળી ડાળીઓ... ડાળે ડાળે મસૃણ લાલાશ ઘેર્યાં કટોરી જેવાં ફૂલો... દિશાઓને છાંટતા શીમળાઓ નીચે ક્યાંય સુધી વેળાને સૂંઘતો, ટહુકતા રંગોને પીતો બેસી રહ્યો હતો... અંધારે પાછો વળ્યો ત્યારે ઘરવતનનો શીમળો સાંભરી આવતાં ભીનાશ વ્યાપી વળી હતી આંખોમાં, કદાચ અંગાંગે! ઘણું બધું ચાલી ગયાં છતાં જાણે હજી કેટલુંય અકબંધ પડ્યું છે મારી ભીતરમાં. છેક ડિસેમ્બર આરંભે મહાનગરની સોસાયટીના નાકે ઘરડા આંબાની ડાળે આ વર્ષની પ્રથમ આમ્રમંજરી જોઈ હતી – રાવજી યાદ આવેલો. ‘આંબાની ડાળ જેવો કાગળ પર ધરુજે છે હાથ.’ આજે આંગણાનો આંબો છેક બારી–ગેલેરીમાં લચી આવ્યો છે – હાથથી પંપાળી પંપાળીને મંજરીઓ સૂંઘતો રહું છું હમણાં તો! આટલો બધો વૈભવ, મને ગદ્ગદ્ કરી દે છે. મારા સવારના રસ્તા પર હજી એક પારિજાત થોડાં નક્ષત્ર–પુષ્પો પાથર્યાં કરે છે. ઉલી ગયેલા કાંચનારના જાંબલી પાપડા ચમકે છે. કૈલાશપતિના થડ ફરી તતડી ઊઠ્યાં છે – ને નવી ડાળીઓમાં કળીઓ બેઠી છે. અશોકવૃક્ષોએ તો બધા બંધ ખોલી દીધા છે. મધુમાલતી – મોગરાએ આળસ મરડી છે – કળીઓએ અણસારા આપ્યા છે. રાયણ ઉપર મહોર છે. પેલો એકાકી મહુડો પત્રો ખેરવીને મધુપુષ્પોની તૈયારી કરી રહ્યો છે. નિષ્પત્ર શિરીષ ડાળીઓ પર કૂંપળો દેખાવા માંડી છે. એની પાછળ આવશે પુષ્પોની વણજાર... લીમડા ખરે છે એય નવાં પાંદ ને મંજરીઓ માટે.. ગુલમહોર પણ સગર્ભક્ષણોને સેવતા દેખાય છે. પાંદડાંય ઓછો વૈભવ નથી. વૃક્ષો હવે ઘટાદાર થઈ જશે એમની સુખસેવ્ય છાયામાં મારા ગામનો ઉનાળો પડાવ નાખશે. સીમ નવરી પડશે, ખેતરો નવી મોસમ મટે તડકા સંચિત કરશે... હું નવપલ્લવિત તરુવરો સાથે નીરવ સંવાદ કરવામાં લીન થઈ જઈશ. આ કેમ્પસની બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના પ્રાંગણમાં બે અશોકવૃક્ષ મહોરી ઊઠ્યાં છે. આ વિરલ વૃક્ષની નોંધ લેનારું ભાગ્યે જ છે કોઈ! રાવણે અપહૃતા સીતાજીને જે વાટિકામાં રાખેલાં તે અશોકવૃક્ષોની વાટિકા હતી. આમ મસ મોટાં નહીં ને આમ સાવ છોડ જેવાંય નહીં – પણ ફળવા આવેલી નાની આંબડી (નાનું આમ્રતરુ) જેવાં છે અશોકવૃક્ષો. એનાં પાંદ સીતાફળીને મળતાં લાગે, પણ છે એથીય લાંબાં – જરા પાતળાં ને વધારે કાઠાં, ગાઢાં લીલાં. પાંચ પાંચ યુગ્મપત્રોની હારમાળાની ડાળખીઓ. નાનું પણ ઘટાદાર લાગે છે અશોકવૃક્ષ. એને એક સામટાં પાંદડાં ખરતાં નથી, આંબાની જેમ આ ઋતુમાં નવાં પાંદડાં ફૂટતાં જાય, જીર્ણ ખરતાં જાય ને ડાળીઓના સાધેગાંઠે કળીઓના જથ્થા ફૂટતા જાય! અશોકનાં ફૂલ તે જથ્થાબંધ ખીલેલી કળીઓ રૂપે હોય છે. એક ફૂલ તે એક એક ગુલદસ્તો લાગે. ગોળાકાર ટેકરી જેવો ફૂલોનો જથ્થો, જેમાં હજી કળીઓ હોય, કળી ખૂલતી, ખીલેલી ને પુષ્પરૂપે પાકટ થયેલી પણ હોય... જરાક પીળચટી કેસરી કળીઓ, ફૂલ બને ત્યારે ગાઢો કેસરી નીખરી આવે. પ્રત્યેક પુષ્પ ચચ્ચાર પાંદડીનું, વચ્ચે હોય પુંકેસર – સ્ત્રીકેસરનાં ટટ્ટાર તંતુઓ. આવાં પુષ્પોનો ઘટાદાર ગોળ ટેકરીના માથા જેવો જથ્થો તે અશોકવૃક્ષનું ફૂલ. થોડા દિવસો સુધી એવું જ સચવાઈ રહે. સુગંધ મોગરા – મધુમાલતીને મળતી પણ જરાક ઓછી તીવ્ર, વધારે મીઠી, માદક! ઘટાદાર ડાળીઓ પાંદડાં વચાળેય અશોકવૃક્ષના ફૂલ ગુચ્છાઓ બહાર ચહેરો કાઢીને શોભી રહ્યાં છે. દૂરથી બોલાવે છે આપણને. પાસે જૈને એની ઘટામાં જોઈએ તો આશ્ચર્યથી આભા જ બની રહીએ. ડાળીએ ડાળીએ મરુન – કેસરી રંગોના એ ગુચ્છા તાજા, નીખરેલા, ફોરતા ને તોરીલા અનુભવાય. એકાદ પુષ્પગુચ્છ ઉતારીને હું એને શ્વાસ દ્વારા લોહીના લયમાં ભરી લઉં છું. સંસ્થામાં, જે વિચારોનો અમલ કરવાની જરાય દાનત નથી, એવા સરસ વિચાર વ્યક્ત કરવા મહેમાનો પરિસંવાદમાં બોલી રહ્યા છે. ત્યારે હું મારાં એમ. એ.ના વિદ્યાર્થીઓને લઈને અશોકવૃક્ષ નીચે બેઠો છું. બધાં ફૂલોને માણીએ છીએ. હું રવીન્દ્રનાથ અને સુરેશ જોશીના નિબંધો ભણાવું છું તથા હજારી પ્રસાદજીના ‘અશોક કે ફૂલ’ નિબંધને યાદ કરું છું. આ રળિયાત ક્ષણની સાક્ષીરૂપે ફુવારો ઊડી રહ્યો છે. વાસંતી તડકો ને જલધારાનો અવાજ. અશોકવૃક્ષનાં ફૂલોની મોસમ. સુગંધ અને સર્જકોના શબ્દો! આ દિવસ છે (૩–૩–૯૬) વિદ્યાનગરનો પચાસમો જન્મદિવસ. ખરે જ ચિરસ્મરણીય બની રહેશે આ સહજ સમૃદ્ધ દિવસ.

વલ્લભવિદ્યાનગર, તા. ૫–૩–૯૬

Sonanam Vruksho - Image 17.jpg