સાત પગલાં આકાશમાં/૨૦
વરસાદથી ભીની થયેલી ઉદાસ સાંજ હતી. લંડનના, બિક્લે સ્ટ્રીટના પોતાના મકાનના વરંડામાં એના એકલી બેઠી હતી; વિચારતી હતી : જે કાંઈ બન્યું તેને માટે શું પોતે જવાબદાર હતી? માણસ પોતાને જે સાચું ન્યાયી લાગે તેનો આગ્રહ રાખે, એ માટે કષ્ટ વેઠવા તૈયાર હોય — એ શું એની ભૂલ કહેવાય? કેટકેટલી વાતો યાદ આવે છે — બેલાની, અમલાની, વન્યાની, અનીતાની. તેમના દેખાવ, શિક્ષણ ને આર્થિક સંપન્નતા પરથી કોઈ કલ્પના ન કરી શકે કે તેમના હૃદયમાં વ્યથાનો આવો દરિયો ઘૂઘવતો હશે! એ બધાં સાધારણ સ્ત્રીઓ જેવાં જ હતાં — મૃદુ, સ્નેહાળ, પ્રેમ આપવા આતુર. માત્ર તેઓ પોતાની અસ્મિતા વિશે સભાન હતાં. પારણાની ગાદીથી જીર્ણતાની પથારી સુધીની યાત્રા તેઓ માથું નીચું રાખીને ધૂળ-ઊડેલા માર્ગે ક૨વા તૈયાર નહોતાં. પણ પોતાના અવાજથી પોતે બોલવું — એ શું ભૂલ કહેવાય? અને એ ભૂલ ન હોય તો એની આટલી આકરી સજા એમને શાથી ભોગવવી પડી? કૉલેજકાળની અંતરંગ સખી બેલા. નાની વયથી જ તે નૃત્યના જાહેર કાર્યક્રમો આપતી. મા-બાપની કંઈક અનિચ્છા છતાં પરપ્રાંતના કલાકાર નિશાન્ત સાથે તેણે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નના મંડપમાં નૃત્યકાર ને ચિત્રકા૨ની જોડી કેવી તો શોભી ઊઠી હતી! લગ્ન પછી પણ બેલાએ તેની કારકિર્દી ચાલુ રાખી હતી. નિશાન્ત હંમેશા તેને સાથ આપતો. મિત્રો વચ્ચે કહેતો : ‘હું તો બેલાને બધી છૂટ આપું છું.’ બેલા મજાક કરતી : ‘હું પણ નિશાન્તને ચીતરવાની છૂટ આપું છું.’ પણ બે વાક્યો વચ્ચેનું બેહૂદાપણું બેલાને એકાંત ખૂણે ખટકી જતું. થોડા વખત પછી કલાકારની પાછળ રહેલા પુરુષની વધુ ઓળખ થઈ. નિશાન્ત બેજવાબદાર, અહંકારી, અતિ ક્રોધી માણસ હતો. ઘરમાં વસ્તુઓ અવ્યવસ્થિત પડી હોય કે થાળીમાં મીઠું મૂકવાનું રહી ગયું હોય કે દાળ જરા ઠંડી હોય તો તે ભયંકર ગુસ્સો કરતો, થાળીનો છુટ્ટો ઘા કરી દેતો. લગ્ન પહેલાં તે પ્રેમ અને ફિલસૂફીની વાતો કરતો, લગ્ન પછી તે બેલાની ઊણપો અને અધૂરપોની વાતો કરવા લાગ્યો. નિશાન્તનો સગાંવહાલાંનો વ્યવહાર બહુ મોટો હતો. બેલાને આખો વખત નિરર્થક અવરજવર અને આગતાસ્વાગતામાં રોકાઈ રહેવું પડે તે ત્રાસભરેલું લાગતું. નૃત્યની પ્રેક્ટિસ કરવાનો સમય ઓછો મળવા લાગ્યો. ઘણી વાર નિશાન્ત ચીતરતો હોય ત્યારે બીજા રૂમમાં તબલા સંગીત સાથે બેલા પ્રેક્ટિસ કરતી હોય, તો તે ચિડાઈ જતો. ‘ચીતરતી વખતે મને શાન્તિ જોઈએ’ — તે ગુસ્સાથી કહેતો. બેલા મનમાં જ કહેતી : અને મારા નૃત્યનું શું? પછી બાળકો થયાં. બેલાનું નૃત્યકાર્ય બંધ પડ્યું. ફરી શરૂ કરવાનો સમય આવ્યો ત્યારે સસરા માંદા હતા. પછી નિશાન્તનાં મોટાં ભાભીનું અવસાન થયું એટલે તેમનાં બાળકો સહિત ભાઈ નિશાન્તને ઘેર રહેવા આવ્યાં. નિશાન્તને ચિત્રકામ માટે સમય મળી રહેતો. ઘરમાં બહુ ભીડ-ધમાલ હોય તો તે પોતાના સ્ટુડિયો પર ચાલ્યો જતો. બેલાથી નૃત્યની મૅક્ટિસ થઈ શકતી નહિ. તેને અસંતોષ રહેવા લાગ્યો. નિશાન્તનો આગ્રહ કે વડીલોને સાચવવાં જ જોઈએ. બેલાની ફરિયાદ કે સાચવવાની મારી જરાયે ના નથી, પણ ઘરનાં કામ બધાંએ વહેંચી લેવાં જોઈએ, જેથી મને મારા કાર્ય માટે વખત મળી રહે. બેલા સ્વભાવે પ્રેમાળ હતી, ઘરકામ કરવું તેને ગમતું, સરસ રસોઈ બનાવીને જમાડવામાં તેને આનંદ આવતો, પણ એ બધાં કામોમાં પોતાની કલા ડૂબી જાય એ તેને કબૂલ નહોતું. મોટાભાઈ કે સસરા સાજાસારા હોય ત્યારે શા માટે શાક ન સમારી શકે કે બધાંની ચા ન બનાવી શકે, એ તેને સમજાતું નહિ! રાતે બધાં બેઠાં હોય, ટીવી જોતાં હોય, વાતો કરતાં હોય, ત્યારે તે એકલી થાળી ભરીને ચોળી કે પાપડી કે તુવેર લઈને બેસતી, એકલી ફોલતી, પેલા લોકોને ખ્યાલ પણ ન આવતો કે આપણે આનંદ અને આરામ કરીએ છીએ, એક જણ આખો દિવસ કામ કર્યા કરે છે. બેલા નિશાન્તને ચાહતી હતી. તે પોતાની કલાને પણ ચાહતી હતી, પણ નિશાન્તને પોતાની કલાનું જેટલું મહત્ત્વ હતું તેટલું બેલાની કલાનું નહોતું. મિત્રોના સમૂહમાં નિશાન્ત જ હંમેશાં કેન્દ્રમાં રહેતો. ઘરમાં પણ તેના ચિત્રકામ માટે જોઈતી સગવડો પૂરી પડવી જોઈએ એવો તેનો આગ્રહ રહેતો. આમાંથી પછી બન્ને વચ્ચે નાની નાની ફરિયાદો થવા લાગી. પછી ઝઘડા, ઊંચા અવાજે બોલાચાલી… અને પછી નિશાન્ત બીજા કલાકારોના સાથમાં દારૂ પીવા લાગ્યો; બેલા વિરોધ કરતી, તંગ થઈ જતી. પછી નિશાન્ત અવારનવાર બેલાને મારી બેસતો. બેલાએ સખ્ત વાંધો લીધો તો નિશાન્તે કહ્યું કે પુરુષ સ્વભાવથી જ આક્રમક હોય છે એટલે આમ પોતે ધોલઝાપટ કરી બેસે તો બેલાએ બહુ ખરાબ ન લગાડવું. અને પછી તેણે કહ્યું કે ‘લવ ઈઝ અ મેની સપ્લેન્ડર્ડ થિંગ’ની વિખ્યાત ચીની લેખિકા હાન સુઈનને પણ તેનો ચીની પતિ મારતો હતો; એટલે એવું તો સામાન્ય ગણવું. પોતાની કલા માટે સમય માગતી બેલા પ્રત્યે નિશાન્તની નારાજી વધતી ગઈ. ઘરનાં ઝીણાં ઝીણાં અખૂટ લાગતાં કામો પ્રત્યે બેલાનો અસંતોષ વધતો ગયો. નિશાન્ત કહેતો : ‘કંઈ બહુ નાચ્યાં. હવે ઘર સંભાળો.’ ભાષામાં રહેલું અપમાન ગળી જઈ બેલા કહેતી : ‘પણ માત્ર મારે જ શા માટે ભોગ આપવો? ઘરનાં બધાંએ સાથે મળી કોઈક વ્યવસ્થા કેમ ન ગોઠવવી, જેમાં મને પણ મારે માટે સમય મળી રહે?’ પણ ઘરમાં કોઈ એ માટે તૈયાર નહોતું. સંઘર્ષના તાપમાં જીવનનું વૃક્ષ સુકાવા લાગ્યું. નિશાન્ત વધુ દારૂ પીવા લાગ્યો. રાતે ગમે તે સમયે, દારૂના બાટલા અને મિત્રો લઈને તે ઘેર આવતો. રાતના ત્યારે અગિયાર વાગ્યા હોય કે બાર વાગ્યા હોય, બેલાએ રાંધીને બધાને જમાડવા પડતા. અંતે હારીને તેણે છૂટાછેડા લીધા. સમજું માતાપિતાએ ક્યારેય કહ્યું નહિ કે અમે તો તને ચેતવતાં હતાં. આજે બેલાની નૃત્યશાળા સરસ ચાલે છે. આર્થિક મુશ્કેલી નથી. પણ વિફળતાની એક પીડા સૂના મનમાં ચીત્કાર્યા કરે છે : પ્રેમ તો અમે બન્નેએ કરેલો, કલાને બન્ને ચાહતાં હતાં. તો સ્ત્રી માટે જ પ્રેમનો અર્થ ત્યાગ કેમ? …અમલા માત્ર બુદ્ધિમતી નહિ, બૌદ્ધિક યુવતી હતી. તેના જેવી પ્રખર અને આત્મગૌરવવાળી સ્ત્રીઓ એનાએ બહુ જોઈ નહોતી. વિદેશી મંત્રાલયના એક ઉચ્ચ અધિકારી સાથે તેનાં લગ્ન નક્કી થયાં હતાં. બધી તૈયારીઓ થઈ ગઈ હતી. લગ્નના બે દિવસ પહેલાં અચાનક અમિતે કહ્યું : લેટ્સ ગો ટુ બેડ. અમલા સ્તબ્ધ થઈ ગઈ. પણ બે દિવસ પછી તો આપણે પરણવાનાં છીએ! હું પણ એ જ કહું છું તો! અમિતે કહ્યું : ‘બે દિવસ પછી આપણે પરણવાનાં જ છીએ ને!’ તેણે આગ્રહ કર્યો, દબાણ કર્યું, અમલાએ ચોખ્ખી ના પાડી. અમિતે કહ્યું : ‘તો હું લગ્ન નહિ કરું. અમલા ખૂબ ઘવાઈ. તારા પહેલાં હું જ લગ્ન ફોક કરું છું.’ તેણે કહ્યું. જે લગ્ન પહેલાં આટલી નાજુક બાબતમાં મારું માન ન રાખે તે લગ્ન પછી રાખશે એવો ભરોસો કેમ ૨ખાય? તે પછી અમિત પરણી ગયો. અમલા હજી નથી પરણી. આ ઘાની કળ વળતાં ઘણો લાંબો વખત લાગ્યો. ઘણાં વર્ષો પછી અમિત અમલાને ક્યાંક મળી ગયો ત્યારે તેણે કહ્યું કે વિશાખાએ તેની માગણી મંજૂર રાખીને તેના પરના વિશ્વાસનો પુરાવો આપ્યો હતો, એટલે પછી પોતે વિશાખા સાથે લગ્ન કર્યાં હતાં અને અત્યારે બન્ને સુખી છે. અમલાને ઊંચા પગારની નોકરી છે, પોતાનો સ્વતંત્ર ફ્લૅટ છે. પણ એક વાર તેણે એનાને પૂછેલું : એના, તને લાગે છે કે મારે અમિતની માગણી કબૂલ રાખવી જોઈતી હતી? નીતિ-અનીતિની વાત જવા દો, પણ પોતાનું પોતાપણું જાળવી રાખવા સ્ત્રીએ કેવળી મોટી કિંમત ચૂકવવી પડે છે! …વન્યા એનાની બીજી એક સખી હતી. તે બંકિમના પ્રેમમાં હતી. બંકિમે લગ્નનું વચન આપી તેની પાસે સંપૂર્ણ સંબંધની માગણી કરી હતી અને વન્યાએ તેના પર વિશ્વાસ મૂકી એ માગણી કબૂલ રાખી હતી. પછી તેનું પરિણામ તેના આકાર ને વળાંકોમાં પ્રગટ થવા લાગ્યું ત્યારે બંકિમ, મા-બાપ પરન્યાતની છોકરીને પરણવાની ના પાડે છે અને પોતે મા-બાપને દુઃખી કરી શકે તેમ નથી — તેમ કહીને બીજી છોકરીને પરણી ગયો. આને કોનો ગુનો ગણવો? અને એ ગુનો હોય તો ક્યાં છે એની સજા? ક્યાં છે એનો ન્યાય તોળનાર ન્યાયાધીશ? અમલાએ વિશ્વાસ ન મૂક્યો તેનું તેને ફળ મળ્યું, વન્યાએ વિશ્વાસ મૂક્યો તેનું. એનાને માસીની દીકરી અનીતા યાદ આવી. અનીતા ડૉક્ટર હતી. આલોક સાથે તેનાં પ્રેમલગ્ન હતાં. ઊંચા, પાતળા, સોહામણા આલોક માટે તેને ઘેલછા કહી શકાય એટલો બધો પ્રેમ હતો. પણ દસ વર્ષના લગ્નજીવન પછી આલોક બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. કહ્યું : ‘કાં તો મારો સંબંધ ચલાવી લે અથવા મને છૂટાછેડા આપ. અને તું બહુ આડે આવીશ તો હું મુસ્લિમ બનીને તેની સાથે પરણી જઈશ. તારો કોઈ વાંક નથી એ મને ખબર છે, પણ મારોયે કોઈ ઉપાય નથી.’ ક્ષમતા વગરની સ્ત્રીએ સંબંધ ચલાવી લીધો હોત. અનીતાએ છૂટાછેડા આપી દીધા. પણ તેને ક્યાંક હતું કે એક દિવસ આલોક જરૂ૨ મારી પાસે પાછો આવશે. એના ચિડાઈને કહેતી : ‘હું તો માણસને કદી પાછો ન સ્વીકારું.’ અનીતાની મોટી આંખો કોઈક પ્રકાશથી ચમકી ઊઠી : ‘હું એને માફ કરી શકું, ફરી મારા હૃદયમાં સ્થાપી શકું.’ એના વિસ્મિત થઈ ગઈ હતી. આ નિર્બળતા હતી કે સબળતા? આ પ્રેમ, શ્રદ્ધા અને નિષ્ઠા હતાં કે જાતની છેતરપિંડી અને સત્યને જીરવવાની અશક્તિ? પણ આલોક તો બીજી સ્ત્રીને પરણીને અમેરિકા જઈ ત્યાં જ સ્થાયી થઈ ગયો હતો. અનીતાનો વાંક નથી તેમ તેણે જ કહેલું, પણ સહન તો અનીતાએ કરવું પડ્યું. આલોકને કોઈ છાંટા ઊડ્યા નહિ. એનાએ અનીતાને ફરી પરણવા આગ્રહ કરેલો, પણ તે ધર્મધ્યાન ત૨ફ વળી ગઈ. એનાને થતું, આ સ્ત્રીની શક્તિ છે કે માત્ર રૂઢિનો પ્રભાવ છે? પુરુષ તો બહુ જલદીથી ફરી પરણી શકે છે. હજી પહેલી પત્નીની ચિતા ઓલવાઈ ન હોય, પત્નીને તેણે બાળી નાખી હોય કે બળી મરવા તરફ ધકેલી હોય, તેની ઉંમર મોટી હોય, પત્નીને કાઢી મૂકી હોય, છૂટાછેડા લીધા હોય, તેને તો પરણવામાં કશો બાધ નડતો નથી. તેને ક્યારેય કોઈ વાતનું ટીલું લાગતું નથી. અ કિંગ કેન ડુ નો રૉંગ. અને સ્ત્રીનું તો, સગાઈ તૂટે તોય નામ મેલું બની જાય છે. વિધવાને બાળકો હોય તો તેનું ફરી પરણવાનું અશક્યવત જ. બાળકોને ‘નવી મા’ વિશે કલ્પનાઓ આપવામાં આવી છે. ‘નવો બાપ’ એવો શબ્દ આપણા સાહિત્યમાં નથી. સંસ્કૃતિમાં નથી. વિધુર પુરુષ પોતાનાં બાળકોને મા મળે તે ખાતર ફરી પરણે, વિધવા સ્ત્રી પોતાનાં બાળકોને બાપ મળે તે માટે ફરી પરણી ન શકે. એનાને શબ્દો માટે પ્રેમ હતો. અને તેને નવાઈ લાગતી કે શબ્દકોશમાં તો કેટલા બધા શબ્દો નથી! નાનપણમાં પાડોશમાં રહેતાં વિમળાબહેનને બાળક નહોતું. બધાં તેમને વંધ્યા કે એથીયે હલકા નામે ઓળખતાં. મહેણાં મારતાં. અપશુકનિયાળ ગણતાં. વિમળાબહેનને પોતાને પણ કોઈક હીનભાવ અનુભવાતો. જાણે પોતાની ફરજ ન બજાવવાનો તેમણે અપરાધ કર્યો હોય. એનાએ તેમને ક્યારેક ગણગણતાં સાંભળેલાં — ‘પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે!’ તેણે હસતાં હસતાં પૂછેલું : ‘પગલીની પાડનાર હશે તો નહિ ચાલે, વિમળાબહેન?’ આ ગીતો કોણે લખ્યાં હશે? બાજુવાળા રામભાઈ એક વાર આનંદનું વર્ણન કરતા હતા : ‘કેવો આનંદ? તો કહે પુત્રજન્મ જેવો આનંદ…’ ‘પુત્રીજન્મ જેવો આનંદ’ કશે આલેખાયો નથી. ઠીક, પુરુષની ખામીને લીધે પણ સંતાન ન થાય એવું બને. પણ પુરુષને તો મહેણાંટોણા સાંભળવા પડતાં નથી! વિમળાબહેનના પતિએ પછી સંતાન માટે થઈને ફરી લગ્ન કરેલાં. અને બીજી પત્નીને પણ સંતાન ન થયું, ત્યારે ત્રીજી વાર સોળ વરસની એક ગરીબ છોકરી સાથે તે પરણ્યા હતા. એનાને વિમળાબહેનને પૂછવાનું મન થતું કે તમને શું ક્યારેય શંકા નથી આવી કે સંતાન ન થવા માટે તમારા પતિ જવાબદાર હોઈ શકે? તેનું મન તો આગળ પણ પ્રશ્ન પૂછવા પ્રેરાતું : અને એવું હોય તો એમને છોડીને તમે બાળક ખાતર બીજા પુરુષને પરણો ખરાં? પણ તે પૂછી શકી નહોતી. તેને ખબર હતી — સ્ત્રીઓ પ્રશ્ન નથી પૂછતી. અને એટલે જ વંધ્ય પુરુષ જેવો શબ્દ શબ્દકોશમાં નથી. ત્યક્તા શબ્દ છે, પુરુષને કોઈ ત્યક્ત કહેતું નથી. શબ્દકોશ રચનારા પુરુષો જ હશે, નહિ? અને તજવાનો અધિકાર પણ પુરુષને જ હોય ને! એનાનાં એક દૂરનાં કાકીને પાંચ દીકરીઓ હતી. ‘કેટલી દીકરીઓ છે તમારે?’ ત્યારે ‘પાંચ’ — એવો જવાબ આપતાં તે સંકોચાઈ જતાં. દીકરા હોત તો છાતી ફુલાવીને જવાબ આપત. તેમના ઘરનાં લોકો, તેમના પતિ પણ આટલી બધી દીકરીઓને જન્મ આપવા માટે તેમને જાણે અપરાધી ગણતાં. ઓહો — આ સ્ત્રીઓને કોઈને ખબર નહોતી કે બાળકની જાતિનું નિર્ધા૨ણ તો સંપૂર્ણપણે પુરુષના સેલમાં રહેલા ક્રોમોસોસ ૫૨ જ આધાર રાખે છે. કોઈએ એમને ખબર પડવા દીધી નહોતી ને! એ ભીની ઉદાસ સાંજે એકલાં બેઠાં બેઠાં એનાને એકસામટી કેટલી બધી વાતો યાદ આવી ગઈ! થોડીક વિગતોના ફેરફારને બાદ કરતાં બધી જ સરખી વાતો… પુરુષના વર્ચસ્વની, પુરુષના હાથે સહેવા પડતા અન્યાયની જેમણે મૂંગા મૂંગા એ સ્વીકારી લીધું છે, તેમનું ઘર કિલ્લોલ કરે છે. જેમણે અવાજ ઉઠાવ્યો છે, પ્રશ્નો પૂછ્યા છે, તેમના દિવસો આંસુ ટપકતા છે, રાતો ઉજાગરાથી રાતી છે. નાનપણથી જ એના આ બધી અસમાનતાઓ વિશે સભાન હતી. પહેલાં તેને એમ હતું કે ભારતીય સમાજમાં જ આવી પરિસ્થિતિ છે. પછી તેને ખબર પડી કે પશ્ચિમના દેશોમાં આથી કાંઈ બહુ જુદી સ્થિતિ નથી. ત્યાં પણ પુરુષનો અધિકાર પહેલો ગણાય છે. રાજાને પુત્ર હોય, તો પછી પુત્રી મોટી હોય તો પણ તેને રાજગાદી મળતી નથી. એના આ વિશે તેનાં માબાપ સાથે વાત કરતી. પિતા બેદરકારીથી કહેતો : ‘રાજ્ય કરવામાં શું મોટું સુખ છે?’ એના કહેતી : ‘રાજ્ય ચલાવવામાં સુખ છે કે દુઃખ તેની વાત જ નથી, પણ બે ભાઈઓ હોય તો તેમાંના મોટાભાઈને ગાદી મળે, તો પછી ભાઈ-બહેન હોય તો મોટીબહેનને ગાદી કેમ ન મળે?’ મા કહેતી : ‘બસ હવે, સ્ત્રીઓને તે રાજ્ય કરતાં આવડતું હશે?’ એના પાસે હંમેશા જવાબ હાજર હોય. ‘એલિઝાબેથ અને વિક્ટોરિયાએ રાજ્ય બહુ સારું ચલાવેલું, મા!’ એના એની દલીલો કરતી અને એવું એવું બોલતી કે માબાપને નવાઈ લાગતી કે ચુસ્ત રૂઢિવાદી એમના કુટુંબના બાળકમાં આવા વિચારો ક્યાંથી આવ્યા હશે? એક વખત તો તેણે હદ કરી હતી. કુટુંબમાં કોઈકના લગ્નમાં એનાનાં એક દૂરના વિધવા માસી આવેલાં. તે નાની ઉંમરનાં, સશક્ત અને કામગરાં હતાં, એટલે લગ્નનાં કામોમાં તેમની એ આવડતનો પૂરો લાભ લેવામાં આવતો. કંઈ પણ મુશ્કેલી ઊભી થાય કે કહેવાતું — માલતીને બોલાવો. પણ લગ્નની અમુક વિધિ કરવાની આવી ત્યારે એનાની માએ એમને સિફતપૂર્વક ત્યાંથી દૂર મોકલી દીધાં. એનાની નજર તો આવું બધું પકડી જ પાડતી. એ લગ્નમાં તેના મામા પણ આવેલા. મામી થોડાક મહિના પહેલાં જ ગુજરી ગયેલાં. એક ઓરડામાં કોઈક પૂજાવિધિ રાખેલો ત્યાં મામા દાખલ થયા કે એના હેતપૂર્વક મોટેથી બોલી પડી : ‘અરે અરે, મામાને ત્યાં જવા ન દેતા — અપશુકન થશે.’ બા છળી પડીને બોલી : ‘એ શું બકે છે છોકરી?’ એનાએ નિર્દોષતાથી કહ્યું : ‘માસીને તેં પેલા વિધિમાંથી દૂર કરેલાં એટલે મને એમ કે વિધુર મામાથી પણ એવા વિધિમાં હાજર નહિ રહેવાતું હોય.’ બાપુએ એને ખૂબ ધમકાવેલી : ‘છાની રહે. પુરુષના તે વળી કાંઈ અપશુકન હોતા હશે?’ એના તરત બોલી : ‘તો અપશુકન માત્ર સ્ત્રીઓના જ હોય?’ એટલી વેધક રીતે તેણે કહ્યું હતું કે સાવ રિવાજોની રેખા પર જ ચાલતી તેની બાને પણ થયું કે અપશુકનનું પરિણામ માત્ર સ્ત્રીના અસ્તિત્વમાં જ કેમ જ ઉમેરાતું હશે? એનાની પડોશમાં એક સહૃદય લેખક રહેતા હતા. એના પોતાનાં કાવ્યો વંચાવવા ઘણી વાર તેમની પાસે જતી. એક વાર તેમનાં પત્ની માંદાં પડ્યાં. લેખક નદીએ કપડાં ધોવા ગયા તો સાથે પત્નીનાં કપડાં પણ ધોવા માટે લઈ ગયા. આખા ગામમાં વાતો ચાલી : ‘હાય હાય, બૈરીનાં કપડાં ધુએ છે.’ એનાને થયું : પણ સ્ત્રી તો રોજ પતિનાં કપડાં ધુએ છે! ત્યારે તો કોઈ હાય હાય કહેતું નથી. તે પતિનાં કપડાંની ગડી વાળે છે, તેની એઠી થાળીમાં જમે છે, પતિ કેમ એવું ક્યારેય કરતો નથી? એ દિવસોમાં ઘણી છોકરીઓને માબાપ છોકરાનાં કપડાં પહેરાવતાં. ખમીસ – ચડ્ડી પહેરીને છોકરીઓ ભણવા જતી. પણ છોકરાને છોકરીનાં કપડાં પહેરાવે તો બધાં મશ્કરી કરે. એનાને આ સમજાતું નહિ. એનાને ઘેર મગન નામનો નોકર બહુ લાંબા સમયથી કામ કરતો હતો. તે વાસણ માંજતો, ઝાડુ કાઢતો, પાણી ભરતો, કપડાં ધોતો. તેના રહેવાની ઓરડી નજીકમાં જ હતી. કોઈક વાર એના તેની વહુ સાથે વાતો કરવા ત્યાં જતી. એક વાર તે એમ ગઈ ત્યારે મગનની વહુ માંદી હતી. ઘરમાં મેલાં કપડાંનો ઢગ પડ્યો હતો. કચરો કોઈએ વાળ્યો ન હતો. ત્યારે તેને ખબર પડી કે મગન એને ઘેર તો એક વાસણ પણ ઊંચકીને જગ્યાએ મૂકતો નહોતો, એટલું જ નહિ, એ માનતો કે એ તો ઊતરતું કામ છે અને એ કામ તેની પત્નીએ જ કરવું જોઈએ, પોતે તો ‘કુટુંબનો રોટલો રળનાર’ છે. તેની બાને આ વાત કરતાં બાએ કંટાળીને કહ્યું : ‘એવી નકામી માથાકૂટ કરવાને બદલે તારું સ્કૂલનું વાંચ ને! ભણીશ નહિ તો નાપાસ થઈશ. અને નાપાસ થઈશ તો સારો વર ક્યાંથી મળશે?’ નાનપણમાં એનાને ભણવામાં બહુ રસ પડતો નહિ. રમવું-રખડવું તેને બહુ ગમતું. પણ મોટાં થતાં તેને અનેક વિષયમાં રસ જાગ્રત થયો. તે ઘણું બધું ભણવાનાં સ્વપ્ન સેવવા લાગી. ત્યારે ફરી બાએ કહ્યું : ‘બસ હવે, ગ્રૅજ્યુએટ થા એટલે ઘણું. વધારે ભણવાની જરૂ૨ નથી. પછી એવો વર નહિ મળે તો મુશ્કેલી પડશે.’ ભણવાની એક સીમારેખા હતી. એથી ઓછું ભણ્યું ન ચાલે, વધુ ભણ્યે ન ચાલે. એ સીમારેખાનું નિર્ધારણ લગ્નને અનુલક્ષીને થતું. એટલું જ ભણવું જોઈએ, જેટલું ભણવાથી લગ્ન કરવામાં સુગમતા ૨હે. એના એની બાને પૂછતી : ‘બા, તું વધારે કેમ ન ભણી?’ બા નિઃશ્વાસ નાખીને કહેતી : ‘અમારા વખતમાં વળી સ્ત્રીઓને ભણવાનું હતું કે? હું તો માત્ર બે ચોપડી ભણી હતી તેય તારા બાપ વકીલ હતા ને તેમને “ભણેલી” છોકરીનો આગ્રહ હતો એટલે! પંદર વર્ષે તો મારાં લગ્ન થઈ ગયેલાં અને ઘરનું કામ કેટલું રહેતું! નોકર હવે છે. ત્યારે તો બધું કામ હાથે ક૨વું પડતું. સવારે ચાર વાગ્યે ઊઠી ઘઉં દળવા પડતા. નળ ત્યારે થોડા જ હતા? કૂવેથી પાણી લાવવું પડતું. બે-ત્રણ દિવસનાં કપડાં ભેગાં કરી ગાંસડી બાંધી નદીએ ધોવા જતાં. રાતે દસ વાગ્યે બધું કામ પૂરું કરી, વાસણ માંજી પરવારીએ પછી સાસુના પગ દાબવા પડતા. ઊંઘ આવતી હોય, શરીર તો થાકીને ઢગલો થઈ ગયું હોય, તોય સાસુ ન કહે કે ‘બસ હવે, જાઓ, સૂઈ જાઓ’ — ત્યાં સુધી અમે ઊઠી શકતાં નહિ. એનાના હૃદયમાં એક ચિરાડો પડેલો. આવેગથી બાને વળગી પડી રુદ્ર કંઠે બોલી હતી : ‘ઓ બા, આટલો બધો ત્રાસ તેં મૂંગા મોંએ વેઠી લીધો? કોઈ દિવસ ફરિયાદ ન કરી? તને તારાં નણંદ-દિયર કોઈ મદદ ન કરાવતાં?’ ‘મદદ કોણ કરાવે? ઊલટાનાં બેઠાં બેઠાં હુકમો છોડે…’ ‘બાપુજી પણ મદદ ન કરાવતા? કાંઈ નહિ તો એમની બાના પગ તો એ દાબી જ શકે.’ ‘લે વળી, પુરુષો કાંઈ બૈરાનાં પગ દાબતા હશે?’ બીજા કોઈ દિવસે એનાએ વધુ દલીલો કરી હોત, પણ તે દિવસે તેને એટલું બધું દુઃખ લાગેલું કે તે ચૂપ થઈ ગઈ હતી. મારી બા! ઓહ — એણે આટલાં કષ્ટ વેઠ્યાં… પંદર વર્ષની નાની ઉંમરે… અને કોઈ એને મદદ પણ ન કરાવે? બાપુજીને સવા૨-સાંજ તો વખત મળતો હશે. બેઠકખંડમાં બેસીને તે મિત્રો સાથે ગપ્પાં મારતા હશે, ફરવા જતા હશે, ક્લબમાં જતા હશે, ટેનિસ કે બ્રિજ ૨મતા હશે. ત્યારે એ ‘સ્ટેટસ સિમ્બોલ’ ગણાતું હશે. કોઈ દિવસ પત્નીને પાસે બેસાડી સ્નેહથી પૂછ્યું નહિ હોય કે — તું થાકી ગઈ છે? તારા પગ દુખે છે? ત્યારથી તેણે બે વાતની ગાંઠ વાળી હતી : એવા માણસ સાથે લગ્ન કરીશ, જે મારી સાથે સમાન ભાવે જીવે; અને જે વાત ખોટી, અન્યાયી લાગતી હશે તે કોઈ દિવસ સહન નહિ કરું — એની સામે લડીશ, પછી એ અન્યાય મારા જીવનમાં હોય કે સ્વજનોનાં. એટલે જ, વિપુલ તેના જીવનમાં આવ્યો ત્યારે પહેલેથી તેણે સ્પષ્ટતા કરી હતી. એનાને સાહિત્યમાં રસ હતો. તે કાવ્યો લખતી અને ‘કુમાર’માં તે છપાતાં પણ ખરાં. એ કાવ્યો વાંચીને નૈરોબીમાં રહેતા વિપુલે એને પ્રશંસાનો પત્ર લખેલો. એનાનાં કાવ્યોમાં વિદ્રોહની, ક્રાન્તિની વાતો રહેતી. વિપુલના વિચારો સમાજવાદી હતા. એક ગુજરાતી હિન્દુ છોકરી ક્રાન્તિનાં કાવ્યો લખે એ બાબત જ તેને ઘણી રોમાંચક લાગી. તે ભારત આવ્યો ત્યારે એનાને મળ્યો. ‘મારા વિચારો કોઈને કાંઈ બહુ પસંદ પડતા નથી.’ એનાએ હસતાં હસતાં તેને કહેલું. ‘પણ હું તો એ વિચારોના જ પ્રેમમાં છું…’ વિપુલ બોલેલો. ‘અને એ વિચાર કરનારના પણ પ્રેમમાં…’ બોલતાં બોલતાં તેનો ચહેરો આક્ત થઈ ગયો. એનાએ પોતાનાં સ્વપ્નો આકાશને હિંડોળે ઝૂલતાં લાગ્યાં. બે જણ સાથે મળીને તો કેટલું બધું કામ કરી શકે! વિપુલની તો મા પણ શિક્ષિકા હતી. ‘હું તો માનું છું કે સ્ત્રીઓએ આર્થિક રીતે આત્મનિર્ભર થવું જ જોઈએ. તો જ તેનું સત્ત્વ ખીલે…’ વિપુલ કહેતો. જિંદગીમાં કોઈને મોંએથી આવી વાતો એનાએ સાંભળી નહોતી, તેના વિચારોને કોઈએ આવું પ્રોત્સાહન આપ્યું નહોતું. અરૂઢ વિચારોના પ્રદેશમાં તે સાવ એકાકી હતી. અચાનક દૂર દેશથી એક રાજકુમાર — ના, સમાજવાદમાં રાજાઓ ને રાજકુમાર નથી હોતા દૂર દેશથી એક સાથીદાર આવ્યો. ઘર ઝળાંહળાં થઈ ગયું. આનંદની હેલીમાં તે ભીંજાઈ રહી. તેમનાં લગ્ન થયાં ને નૈરોબી છોડીને વિપુલ, તેની મા અને એના લંડન રહેવા ચાલ્યાં ગયાં.