સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ધ્વ. રસના સંપ્રત્યયને હાનિકારક?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ધ્વનિવિચાર રસના સંપ્રત્યયને હાનિકારક?

રસના સંપ્રત્યયને ધ્વનિના સંપ્રત્યય સાથે જોડીને આનંદવર્ધને રસની કુસેવા કરી છે એવી પણ એક ફરિયાદ છે. દલીલ એવી છે કે રસ વ્યંગ્ય છે પણ એનો અનુભવ વ્યંજના કરતાં અભિધા પર વધારે આધાર રાખે છે. રસનો અનુભવ વિશદતા કે પ્રાસાદિકતા માગે છે, સંદિગ્ધતા નહીં. પરોક્ષતા કે અનેકાર્થતા પર આધાર રાખતી કવિતા વિવિધ અર્થસ્તરોને સ્ફુટ કરવા માટેનો બૌદ્ધિક પ્રયાસ માગે, જે રસાનુભવ માટે આવશ્યક તન્મયીભવનને બાધક બને. આ સ્થિતિમાં રસાનુભવ થાય તોયે એ જીવંત અનુભવ નહીં હોવાનો, એ વિભાવાદિ પરથી કરેલું અનુમાન હોવાનો. (એમ.એસ. કુશવાહા, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૮૬). ધ્વનિવિચાર એવા કૈશિકી પૃથક્કરણથી મુકાયો છે કે કોઈને આવી ટીકા કરવાનું સહેજે પ્રાપ્ત થાય. પણ આપણે ફરી યાદ કરીએ કે લક્ષણામૂલ વ્યંજનામાં પરોક્ષતા હોય છે એવી અભિધામૂલ વ્યંજનામાં નથી હોતી. લક્ષણા સ્ખલદ્ગતિ છે. અભિધામૂલ વ્યંજનામાંયે વસ્તુ કે અલંકારધ્વનિમાં સંપ્રજ્ઞાત વિચારપ્રક્રિયાને અવકાશ છે, પણ રસધ્વનિમાં તો એનેયે સ્થાન નથી એમ કાવ્યશાસ્ત્રીઓ માને છે. રસને તેઓ અસંલક્ષ્યક્રમવ્યંગ્ય માને છે લક્ષણા કે વસ્તુધ્વનિ આદિનો કાવ્યમાં વિનિયોગ હોય તો એ અવાંતર તબક્કાઓ છે, રસાનુભવ એના પછી આવે છે ને એને એ તબક્કાઓની કોઈ અનિવાર્યતા નથી. એટલે રસબોધમાં વ્યંજનાને કારણે કિલષ્ટતા કાવ્યશાસ્ત્રને કોઈ પણ રીતે અભિપ્રેત નથી. કાવ્યમાં ક્લિષ્ટતા આવે તો તે રસ વ્યંગ્ય છે તે કારણે નહીં પણ લક્ષણાપ્રયોગ વગેરે અન્ય કારણોથી. વળી એ વાત પણ વીસરવી ન જોઈએ કે કાવ્યનો આસ્વાદ અને કાવ્યનું વિશ્લેષણ એ બે જુદી ચીજ છે. અને અભિનવગુપ્ત કહે છે તેમ કાવ્યનો આસ્વાદ અખંડબુદ્ધિથી થાય છે, તર્કબુદ્ધિ-વિવેકબુદ્ધિ-ભેદબુદ્ધિથી એનું વિશ્લેષણ થાય છે. કાવ્યનો આસ્વાદ કાવ્ય વાંચીને જ થાય. કાવ્યશાસ્ત્ર તો કાવ્યનું વિશ્લેષણ કરે છે. એમાં જટિલતા હોય તે કાવ્યના આસ્વાદને સ્પર્શતી નથી. કાવ્યશાસ્ત્ર સહૃદયોના કાવ્યાવબોધને ઉત્કૃષ્ટ બનાવવાનો હેતુ જરૂર રાખે છે, પણ પ્રત્યક્ષ કાવ્યાવબોધ કંઈ કાવ્યશાસ્ત્રનો ટેકો લઈને ચાલતો નથી.