રામચન્દ્ર પટેલની કવિતા/હું વર્ષો જૂના
હું વર્ષો જૂના અવાવરું પેલા વાંકાચૂકા પહાડોની
વચ્ચોવચ ઘેરાયેલા સરોવર ઉપર સરતા સમીરણને
સંદેશો પહોંચાડવા, એક એક પંખીને મળી ચૂક્યો
હોવા છતાં કોઈએ ત્યાં જવા તૈયારી બતાવી નહીં,
તેથી વહેતી કૃત્રિમ કચકડાની નદીકાંઠે સૂકાઈ
ગયેલા કોઈ વૃક્ષની છાયામાં નિંદ-સ્વપ્નાની પળે–
પળને સાચવવા ઈશ્વરના સ્થાનકનું સ્વરૂપ
ઓઢી ગોઠવાઈ રહું, ત્યાં સામે એક પથ્થર
ઉપર નગ્ન ઊભા રહી, ઉગતા સૂર્યને અર્ધ્ય, અજાણ
સાધુની આંગળીઓમાંથી પડતી કળશ જલધારાની
અંદર મરી ગયેલાં વાદળનાં શબ ઊડતાં ઊડતાં
ધરતીની રેત થઈ પથરાવા લાગે, ત્યારે પાંખો કપાઈ
ગયેલા મોર-સારસના ટહુકાઓની આસપાસ
છંટાયેલા રુધિરને ચૂસવા વળગેલા ઈતરડાઓના
શ્વાસ ચક્રાકાર સરિયામ રસ્તાઓમાં મધમાતા
ઊંડે એમ એમ પડછાયાનાં કાળાં મકાન-ધાબાં ચણાતાં
જાય, એની સાથે ફૂટી નીકળેલી અસંખ્ય કાચની બારી–
ઓમાં સૌરભ વગરના ફૂલોનો બગીચો પ્રકાશવા
માંડે, ને હું, એકાદ ફૂલની અંદર સમાધિરૂપ થતાં-ની
સાથે કીડાનું લીલ ખોળિયું પહેરી શેતૂરની રેશમ,
રાજગાદીનું સુકાન સંભાળવા લાગું એ જ ઘડીએ
અપ્સરાનો વિદ્યુત ડંખ વાગી બેસે, તરત મારા
માટેનાં વંધ્ય વલખાં શરૂ થઈ લહેરાવા માંડે, પછી
મરેલા ચંદ્રમાનું બિંબ ચૂસી ચૂસી ઊંઘ વધારી
બેસું એની સાથે ક્યાંક છતમાં છાંયો પીવા આવી
ચઢેલા પારેવાના ઘૂઘૂઘૂ ઘટરકા તરફ ખીજાતાં રિવો–
લ્વરમાંથી કારતૂસ છોડીને ધડાકો... ચોકમાં ફફડતા
રક્તપિંડને અંધાપો દેવા પોલાદી પગ-પંજાઓનું કવચ
છાપવા જાઉં, ત્યાં ઓચિંતા બહારથી દોડી આવેલા
મારા રાજપુત્રની અવાક આંખોની સફેદી નીરખતાં જ હું.
વર્ષોજૂના અવાવરું પેલા વાંકાચૂકા...