રામચન્દ્ર પટેલની કવિતા/અષાઢ

અષાઢ

વાદળ વ્હેતાં વ્હેતી વીજ,
આંભલું ખોલી બેઠી બીજઃ
છાંટો વાગ્યો નથણીભાર,
સીમ બની લીલીકુંજાર.

ખેતર જોતર તેતર બોલ,
શેઢા માટીજળ અંઘોળઃ
ટહુકે ટીપાં ચરે ચકોર,
નજીક આવી બોલે મોર.

મ્હોર્યાં ચંપા જાંબુ ઝાડ,
ઢીલાં થોર ખજૂરી તાડઃ
કેવડામાં નાગની આણ,
પ્હાડો લાગે તરતાં વ્હાણ...

અષાઢ આયો, વાયો વાયુ,
ઘર-આંગણ પરોઢ છાયું.