મર્મર/શરદ–સંધ્યા


(૧)
શરદ–સંધ્યા

શરદઋતુની સંધ્યા, આછી થતી રવિની પ્રભા,
અહીં સીમતણાં શાલિક્ષેત્રો પરે ઢળતા કશા
તરુવર તણા ઓળા લાંબા! કૃષીવલ ગામના
ઘર ભણી વળે, ભારા લીલા શિરે લઈ ઘાસના.

હરિત તૃણની કેવી મીઠી હવા સુરભિ વહે!
વિહગ તરુની ડાળે, માળે જવા અધીરાં ભરે
કલરવ થકી સોનાપ્યાલી સુમંડિત સીમની
ગળતી તિમિરવ્યાલી ધીમે ધીમે રવિપંખીને.

તિમિરદ્યુતિના સંધિકાળે અહીં સીમકેડીએ
ડગ ભરું, શમે ગીતો છેલ્લાં હવે કૃષિકારનાં;
તિમિર વધતું, ઘેરી તેવી બની રહી શાંતિ યે
સકલ પ્રકૃતિ હૃષ્ટા પોઢે ધરાનભસંપુટે.

તહીં નવલધાન્ય તૃપ્ત ટહુકો કરે સારસ,
હસે ક્ષિતિજ ચંદ્ર, દીપ્ત નભભૂમિપ્રીતિરસ.