મર્મર/શરદ
Jump to navigation
Jump to search
શરદ
શરદ ઋતુની રમ્ય રજની
અનિલલહરીઓ ધીમી ધીમી
વહી આવે, લાવે સુરભિ ઊઘડેલાં કુમુદની,
સરંતી શુક્લાંગી ગગનસર જ્યોત્સ્ના પૂનમની.
રગ રગ વહે ઉત્સવનશો
દૃગ સમીપ સૃષ્ટિફલક શો!
વહે મુક્તાનંદે સલિલ ઉરનાં સ્વચ્છ, નીતર્યાં;
ચઢેલાં વર્ષાનાં વિરહજલપૂરો દૂર સર્યાં.
પીળાં શાલિ ક્ષેત્રો
સ્ફુરે શાં નક્ષત્રો!
રહી સ્પર્શી જાણે ઝલક જગને ચેતનતણી
સૂતેલી આત્માની સજગ થતી શુભ્રોજ્જવલ કણી.