મર્મર/પાવાગઢના જંગલમાં


પાવાગઢના જંગલમાં

નિબિડ આ કેવું વન!
ખચિત ફળકૂલ ને પલ્લવે
સોંસરો ના જહીં વહી શકે પવન પણ!
તિમિર દિવસે ય કેવું ગહન!
મુખર તમરાં તણે તીવ્ર સ્વન.

એક વેળા હતું આ મહા પત્તન
માનવાયે ન માગે મન.

જીર્ણ અવશેષ આ
મંદિરો, મસ્જિદો, કોટના કાંગરા
કાલની રજથી આચ્છાદિતા આ ધરા.
કેડીએ ક્યાંક ભેટી જતાં ઘુમ્મટો
રાજવીના શકે નષ્ટપ્રભ મુકુટો.
આ ઊભો એકલો એક ટોડો
કાળ સાક્ષાત ના હોય ખોડ્યો!
અહીં તહીં રખડતા પથ્થરો દુર્ગના
ભગ્ન ઈમારતો ઊર્ધ્વના
નગરથી નીકળેલા શિકારે શકે
રાજવીના કુમારો—અરણ્યે ઢળ્યા
શ્રાન્ત, નિસ્તેજ, પથભ્રષ્ટ, ભૂલા પડ્યા.

આ જલાશય જૂનું
ચોતરફ ગીચ વનરાજીથી રાજતું
લીલી ફ્રેમે મઢ્યા
રાજકુંવરી તણા આયનાશું રૂડું
કેવું છે શાન્ત કલ્લોલસૂનું!
એકદા રાજમાર્ગો વિશાળા હશે
હાથી, ઘોડા, પદાતિ વહેતા હશે;
આજ!
ગાડા ચીલા
લોક ફિકા વ્હીલા
જાય ડરતા રખે કોઈ લૂંટી જશે.

ને ઉઘાડા ડિલે, તાડના ઝાડશા
આદિવાસી જનો, નાયકા રાઠવા,
ચારતા ચારદસ ઢોરઢાંખર
રે તવારીખથી સાવ જે બેખબર.
એમનું જગત તે આજ વગડો
ના નગર, ના પતાઈ નહીં મોહમદ બેગડો!

સાંભળું ત્રસ્ત ભયભીત ભોંઠો બની
ત્રાડ કો વન્ય પશુ ક્રૂર વિકરાળની
ખુદ કે ભક્ષ્ય કાજે ભટકતા ભૂખ્યા કાળની!