મર્મર/તારો વૈભવ
તારો વૈભવ
અહો જલની ઉગ્રતા!
તૂટી મૂશળધાર, તોડી તટકેરી માઝા, ધસી
રચે પ્રલયકાળ; વજ્ર નિજ અદ્રિશૃંગે ઝીંકે;
પ્રચંડ બની ધોધ રેત કરી દેતું ગ્રાવા ઘસી
ચરાચર સમસ્તનાં કરત સ્તબ્ધ હૈયાં બીકે.
અહો જલનું માર્દવ!
ઊંચેથી ઊતરી ધીમે કુસુમથી ય હળ્વા બની
હથેલી મહીં પુષ્પની જવું ઝિલાઈ વા પૃથ્વીની
રજે ભળી જઈ ઊંડે ઊતરી બીજને ભીંજવી
સુકોમલ તૃણોરૂપે પ્રગટવી નવી જિંદગી.
અહો જલની ઉગ્રતા, જલતણું અહો માર્દવ!
વિનષ્ટિસૃજને કશો પ્રગટ તાહરો વૈભવ!