મર્મર/ઈતબાર આપે
કોઈ મને ઈતબાર આપે
એટલે, બસ એટલો જ કરાર આપે:
કે નથી જુદો જગતથી હું,
હોઉં ભલે જુદો નજરથી હું.
ને એમ તો અસ્તિત્વ મારું
આ બહત્તામાં લઘુ વ્યક્તિત્વ મારું
અનુભવી એકત્વ ર્હે છે ઈન્દ્રિયોદ્વારા વિચારું.
વ્હેલી સવારે
આઘે ઘટાઓમાં અચાનક કોકિલા બોલી ઊઠે
ને પાનની છોડી પથારી ફૂલ આ
જાગે ધીમે, અધઘેનમાં ડોલી ઊઠે.
ત્યારે સીસોટીમાં ગમેલું કોક ગાણું
અમથું ગવાઈ જાય છે;
અમથું જ હોઠે હાસ આવી જાય છે. .
નિર્દોષ શિશુઓના અકારણ હાસ્યમાં,
કાલી, ફક્ત આનંદના અર્થે ભરેલી વાણીમાં
હાસ્ય મારું યે અકારણ
અનિમિત્ત કાલું મારું યે ઉચ્ચારણ
કેવું સહજ સાથે થતું!
હાથે કુશળ કવિના સહજ જ્યમ પ્રાસ આવી જાય છે!
આંસુ વહે છે આંખથી
કેટલી વીતકકથાઓ
ઊછળે છાતીમહીં આ લોકની રે અણકથી!
દેખી બધું આ આંખ પણ એકાન્તમાં ર્હે છે રડી.
હૈયુંય નિયમિત એહના ધબકાર ચૂકે છે ઘડી.
જુલ્મ પર હથિયાર જ્યારે ન્યાયનું તોળાય છે
મારોય ત્યારે હાથ સાથે રોષથી ઊંચકાય છે.
આમ હું વ્હેંચાઈ જાઉં છું બધામાં કોક વાર
ખેંચાઈ આવું છું પરંતુ અનેક વાર
કેન્દ્રમાં ‘હું’ના બૃહત્તાને ભૂલી;
મારી મહત્તાના ઝૂલે રહું છું ઝૂલી.
ને તેથી તો સંશય મને
જુદો જગતથી તો નથી ને!
તો મને ઈતબાર આપો
એટલો, બસ એટલો જ કરાર આપો:
કે નથી જુદો જગતથી હું.
હું એક છું.
હું એ જ છું.