મર્મર/આજ—
આજ—
આજ મને કોઈ દૂર દૂરેથી બોલાવતી શરણાઈ,
એના સૂરનાં પૂર ચઢે ને અંતર જાય તણાઈ.
દૂરની પેલી સીમનાં ખેતર
નીલ નીલા પેલા દૂરના ડુંગર
નાનેરા ગામનું નિર્મલ પાદર
શૈશવની જહીં પગલીઓ પડી, યૌવન કેરી વધાઈ,
પ્રથમ પ્રેમના ગાનથી ગુંજી ઉર તણી અમરાઈ.
ધરતીની ભીની મ્હેક જ્યાં માણી
આરત જ્યાં પ્રીતની પરમાણી
કોઈની માયા લાગી અજાણી
એ રે ધરતીની આજ પલેપલ જાગે પ્રેમસગાઈ;
લાખ વ્યથા ભૂલી અંતર એના નેહમાં ર્હેતું ન્હાઈ.