મંગલમ્/હજીયે ન જાગે
હજીયે ન જાગે
હજીયે ન જાગે મારો આતમરામ! હજીયે૦
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજુ ના ભરતી કે આ તે છે તુફાન— હજીયે૦
સઢ સંધા ફડ ફડે, દોર ધિંગા કડ કડે,
હાજર સૌ ટંડેલ, એક મારાં સૂનાં છે સુકાન— હજીયે૦
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?
સવાયાં થાશે કે જાશે મૂળગાંયે દામ?— હજીયે૦
હવે તો થાય છે મોડું, વીનવું હું પાયે પડું,
સફળ થાશે કે ફેરો જાશે રે નકામ?— હજીયે૦
— રામનારાયણ વિ. પાઠક