મંગલમ્/મારી એક તમન્ના છે

મારી એક તમન્ના છે

મારી એક તમન્ના બાકી છે (૨)
હાંસલ કરવા ગ્રામ સ્વરાજને
લગની અમોને લાગી છે… મારી…

આઝાદી અમે જોઈ લીધી,
લોકશાહી પણ જોઈ લીધી,
પૂરી નથી આઝાદી આજે,
દેખાવની આબાદી છે… મારી…

લાંચરુશ્વતના રંગ બહુ જોયા,
પક્ષાપક્ષીના ભેદ પણ જોયા,
ગ્રામ સ્વરાજને લાવવા માટે
કરવી એની બાદબાકી છે… મારી…

સંત વિનોબા માળા જપતા,
ગ્રામસ્વરાજની વાતો કરતા,
તૂફાની લયમાં ક્રાંતિ માટે
સંતની વીણા વાગી છે… મારી…

હરિ, હવે તો નથી રહેવાતું
દુઃખ દરિદ્રોનું નથી સહેવાતું
ગરીબી અમીરી મિટાવવા માટે
લડત છેલ્લી આ માંડી છે… મારી…